શાબાશ હૈડર શાબાશ! | લઘુકથા ।

    03-Apr-2021
કુલ દૃશ્યો |

laghu katha gujarati_1&nb
 
 
 
એ જ વખતે વાલ્ટને કહ્યું, ‘શાબાશ હૈડર શાબાશ! બંગલે પહોંચીને તને ખૂબ ઇનામ આપીશ, દસ રૂપિયા વીસ રૂપિયા.’
 
બસ આવીને થોભી. કુલીઓની દુનિયામાં હલચલ મચી ગઈ. બેઠેલા ઊભા થઈ ગયા. ઊભેલા દોડવા માંડ્યા. જાણે ધનની વર્ષા થઈ! ઘણાએ તો પોતાના પિત્તળના નંબર ફડોફડ મોટરમાં ફેંકવા માંડ્યા.
 
બસમાં બેઠેલ કુમારી વાલ્ટને ગુસ્સામાં બધા નંબરો કુલીઓના મોં તરફ ફેંક્યા. હજીયે એક નંબર પગ નીચે ખૂંચતો હતો, તેને ફેંકવા હાથ ઊંચો કર્યો, ત્યાં તો એક હૃષ્ટપુષ્ટ કુલી વ્યથિત ચહેરે સામે આવી ઊભો.
 
‘તારું નામ શું?’ ‘324.’
 
‘નંબર નહીં, નામ?’ ‘હૈદર.’
 
‘હૈડર! કેટલો બોજ ઊંચકી શકીશ?’
 
‘ઘણો બધો, મેમસાબ!’
 
‘પેલો પિયાનો ઊંચકી શકીશ?’
 
ચાર-પાંચ કુલી ભેગા મળી એક પિયાનો ઉતારી રહ્યા હતા. ‘હા ઉઠાવી શકીશ,’ હૈદરે જવાબ આપ્યો. હા કહેતી વખતે પિયાનાનું વજન એના ધ્યાનમાં આવ્યું હતું, પણ સાથે સાથે ઘરની લાચાર તસવીર પણ!
‘પિયાનોને આ હૈડર ઊંચકી લેશે.’ વાલ્ટને કહ્યું.
 
બીજા હાથો પાછળ હઠી ગયા. પિયાનો માથે ઊંચકતાં તો હૈદરની કમર બેવડ વળી ગઈ. કપાળ પરસેવે રેબઝેબ થયું.
 
‘મરી જઈશ, સાસરીના,’ એકે કહ્યું, ત્યાં પોં પોં કરતી બીજી બસ આવી અને બધાએ તે તરફ દોટ મૂકી.
 
વાલ્ટન વિચારી રહ્યો હતો, આ યુરોપમાં હોત તો બોજ ઉઠાવવાનો રેકોર્ડ કરી હજારો રૂપિયા કમાઈ લેત. એના યુવા હૃદયમાં કૂલી માટે સહાનુભૂતિ ઊપજી.
 
વાલ્ટન સાહેબ સીમલા હવા ખાવા માટે આવ્યા હતા. બાપ-દીકરી રિક્ષામાં બેઠાં.
 
હૈદર પોરો ખાવા જરા થોભ્યો. સીમલાની સડકોને નાકે કુલીઓને થાક ખાવા ચબૂતરા છે. એને થોભતો જોઈ કુમારી વાલ્ટન બોલી ઊઠી, ‘કેમ ઠાકી ગયો? કહ્યું હતું ને ના ઉઠાવીશ?’
 
હૈદરે વિના વિશ્રામે ચાલવા માંડ્યું. ‘શાબાશ!’ કુમારી વાલ્ટન નીચે ઊતરી એની સાથે ચાલતાં બોલી, ‘જો તું આરામ લીધા વિના બંગલા સુધી જઈશ તો તને ખૂબ ઇનામ આપશું.’
 
લાઠીના સહારે થોભીને હૈદરે હાથ બદલ્યો. આખાયે શરીરે પસીનાના રેલા ચાલતા હતા, પણ મનમાં હતું કે મેમસાહેબ પ્રસન્ન થઈ જાય તો બે-ત્રણ રૂપિયા સહેજે આપી દેશે. કદાચ પોતાને ત્યાં નોકર તરીકે પણ રાખી લે. ભવિષ્યમાં ગાંઠે બે પૈસા બંધાય તો નાનીશી હાટડી પણ મંડાય, પણ વિના થોભ્યે ત્રણ માઈલ ચાલવું સર્વથા અસંભવ છે. હજી તો અડધેય નથી આવ્યો, ત્યાં તો ગળે સોસ પડે છે. એને થયું, પિયાનો ઉતારી દઉં.
 
એ જ વખતે વાલ્ટને કહ્યું, ‘શાબાશ હૈડર શાબાશ! બંગલે પહોંચીને તને ખૂબ ઇનામ આપીશ, દસ રૂપિયા વીસ રૂપિયા.’
 
આશાએ સંજીવનીનું કામ કર્યુ. હૈદરના પગમાં બમણું જોર આવ્યું.
 
પંદરેક વર્ષની વાલ્ટન રિક્ષા છોડીને એ રીતે ચાલતી હતી કે જાણે હૈદરને નહીં, પોતાને ઇનામ જીતવું ન હોય!
 
નાના સીમલાનું ડાકઘર આવી ગયું હતું. હૈદરના પગ ગળી જતા હતા. માથું ભમતું હતું. બસ, હવે આગળ નહીં વધી શકાય. એને પોતાના સ્વપ્નના ગઢ ગબડી જતા લાગ્યા.
 
એટલામાં તો પેલો મીઠો, મધુર અને સહાનુભૂતિભર્યો સ્વર સંભળાઈ રહ્યો. ‘હૈદર થાકી ગયો? બસ બે ફર્લાંગ અને તું જીતી જશે.’ પણ હૈદર ન હલ્યો.
 
વાલ્ટનને પોતાની કલ્પ્નાના મહેલ સરી જતા લાગ્યા. એણે ફરી કહ્યું, હૈડર, તારે માટે અમે બધું જ કરીશું. તને સેનામાં ભરતી કરાવી દઈશું. તને નોકર તરીકે રાખી લઈશું. બસ, બે ફર્લાંગ, ‘બક અપ, બક અપ.’ અને હૈદરે ચાલવા માંડ્યું, જાણે વાલ્ટનના સ્વરમાં વીજળીની અસર હોય.
 
બંગલો આવી ગયો. માળી અને નોકરે દોડીને એનું સ્વાગત કર્યુ પણ એમની મદદ લઈને તે કર્યા-કરાવ્યા પર પાણી ફેરવવા નહોતો માગતો. એના પગમાં અજબશી સ્ફૂર્તિ આવી ગઈ.
 
વાલ્ટન સીધી પોતાના ઓરડામાં દાખલ થઈ. હૈદરનું મોઢું ચમકી ઊઠ્યું. સાહેબ બીજા ઓરડામાં સામાન ગોઠવાવી રહ્યા હતા, ત્યાં તો હૈદરને ચક્કર આવવા માંડ્યા, એ કોચ ઉપર ધબ્બ કરતોકને બેસી ગયો.
 
પોતાના રેશમી રૂમાલ વડે એનો પસીનો લૂછતાં ક્ષણિક આવેશમાં વાલ્ટને એને ચૂમી લીધો અને બટવામાંથી વીસ રૂપિયા કાઢી તેના હાથમાં મૂક્યા, પણ નોટ પડી ગઈ. વાલ્ટને સાશંક નેત્રે એની સામે જોયું. હૈદરની આંખો ખુલ્લી હતી અને શરીર અકડાઈ ગયું હતું.
 
કુમારી વાલ્ટન આકુળ-વ્યાકુળ બની નિર્નિમેષ નજરે એની તરફ તાકી રહી.
 
એટલામાં તો નોકરે એક પિત્તળનો ટુકડો અંદર ફેંક્યો. ‘મિસ સાહિબ, આ નંબર રિક્ષામાં જ રહી ગયો.’
 
વાલ્ટને દોડીને એ લઈ લીધો. મોટા મોટા આંકડામાં લખ્યું હતું. ‘324’. ‘પુઅર હૈદર!’ કહેતાં એણે દીર્ઘ નિ:શ્ર્વાસ નાખ્યો અને એની આંખો સજળ બની રહી!
- અનુવાદ - હરિશ્ર્ચંદ્ર
 
લેખક વિશે...
 
હિન્દી લઘુકથા | લેખક - ઉપેન્દ્રનાથ અશ્ક | જન્મ : 14 ડિસે., 1910 | અવસાન : 19 જાન્યુ., 1996 | જન્મસ્થળ : જલંધર (પંજાબ) વિશેષ : ઉપેન્દ્રનાથ અશ્ક હિન્દી સાહિત્યના દિગ્ગજ સાહિત્યકાર, કવિ છે. ગિરત દીવારેં તેમની પ્રમુખ નવલકથા છે તથા ‘‘મન્ટો મેરા દુશ્મન’’ સૌથી પ્રખ્યાત સંસ્મરણ ગ્રંથ. તેઓએ તેમની કૃતિ માટે અનેક પારિતોષિકો પ્રાપ્ત કર્યાં છે.
અવાર્ડ : સંગીત નાટક અકાદમી અવાર્ડ (1965)
 
* * *