માનસમર્મ । પ્રેમરૂપી અમૃત વ્યક્તિને ચિરંજીવી બનાવે છે

    05-Apr-2021   
કુલ દૃશ્યો |

moraribapu_1  H 
 
ભગવાન બુદ્ધ કહે છે. જેને જાગરણ થયું હોય એને રાત બહુ લાંબી લાગે છે. એટલે રાત જતી નથી એમ નહીં, પણ જાગરણ થયું છે. જાગૃતિ આવી ગઈ છે. એટલે એમ થાય કે આ રાત પૂરી ન થાય તો સારું. લાંબી થાય તો સારું. જાગૃત હોય છે એની રાત બહુ લાંબી હોય છે. જે થાકી ગયા છે એને એક કિલોમીટર પણ સો કિલોમીટર લાગે છે. જેનામાં સાધુતા નથી એને આ સંસાર બહુ લાંબો લાગે છે. મારો તુલસી કહે છે તેમ ‘ગોપદ સિંધુ’, ગાયની ખરીમાં જેટલું પાણી હોય એ પાણીને જેમ છોકરું ટપી જાય એમ કોઈ પણ સાધુ, રામ ભજનારો એને ટપી જતો હોય છે. સાધુ એટલે જ્યોત જલાવીને બેઠેલો બાવલિયો. એને જાત પાત ન હોય બાપ, એને વર્ણવિકાર ન હોય.
 
અતુલ નામનો એક સાધક બુદ્ધનાં દર્શને જાય છે. બુદ્ધની પરંપરામાં એક એવો નિયમ કરી દેવાયો છે કે જો કોઈ નવો જીજ્ઞાસા લઈને આવે તો એને પહેલા ત્રણ વ્યક્તિ પાસેથી પસાર થવું પડે. એની કસોટી થઇ જાય અને બુદ્ધનો સમય ન બગડે. પહેલા રેવત નામનો ભિખ્ખુ, પછી સારીપૂત પાસે અને છેલ્લે અંતરંગ શિષ્ય આનંદ પાસે જવું પડે. આ ત્રણમાંથી પાસ થાવ તો બુદ્ધ સુધી પહોંચી શકાય છે. પણ આજનો જમાનો તો ઈન્સ્ટંટનો છે. કોઈએ સાધના કરવી નથી. કોઈએ ભજન કરવું નથી. ચમત્કારો અને પરચામાં જીવનારું આ જગત ! ક્યાં જઈ અટકશે આ બધું ? ‘નથી મફતમાં મળતા, એનાં મૂલ ચુકવવા પડતાં. સાધુને સંતપણા નથી મફતમાં મળતાં’
 
કૃષ્ણપક્ષ જુદો છે, કૃપા તો લોટરી છે. એમાં કરમબરમ કંઇ ન કરે. એમાં સ્ટેપ બાય સ્ટેપ જવાની જરૂર નથી. એક વખત હું ય લોટરી લેતો હતો પણ બાવાને લોટરી લાગી તો સદગુરુની લાગી. ભર્તુહરિના ઘરે બાણું લાખ માળવાનો ધણી હતો. જયારે નાથ સંપ્રદાયે એના પર હાથ મુક્યો અને લોટરી લાગી. ગોપીચંદ સામાન્ય હતા પણ અસામાન્ય પરંપરા એની સાથે હતી.
અતુલ બુદ્ધ પાસે પહોંચે છે કહે છે કે ‘તમે આ કેવા શિષ્યો રાખ્યા છે ? રેવત કઈ બોલે જ નહીં, સારીપૂત બહુ જ અલ્પ બોલે અને આનંદ બહુ લંબાણપૂર્વક બોલે. જીવનના પણ આ ત્રણ તબક્કા છે. જરૂર લાગે ત્યાં ચૂપ રહેવું, જરૂર લાગે ત્યાં ઓછુ બોલવું અને જો જરૂર પડી તો છેલ્લે વધુ બોલવું. આપણે શેરડીના વંશજ છીએ. રસને માણવો હોય તો વચ્ચે આવતા અવરોધરૂપી ગાંઠને પણ સહન કરવો પડે છે. આજકાલ તો જોયા જાણ્યા વિના મહાપુરુષોની ટીકા થાય છે. નિંદા હવે વિકાર નહીં પણ વ્યવહાર થઇ ગયો છે. ઘણા લોકો તો ખાસ નિંદા માટે સમય કાઢે છે. ગરુડે જ્યારે પ્રશ્ન પૂછ્યો કે મોટામાં મોટું પાપ કયું ? ત્યારે કાગભુશુન્ડી કહે છે કે ‘બીજાની નિંદા જેવું કોઈ પાપ નથી. કબીરજી કહે છે કે..
 
નિંદક નિયરે રાખીએ, આંગન કુટી છવાય,
બિન પાની સાબુન બીના, નિર્મળ કરે સુભાય.
 
મહાવીર સ્વામી કહે છે કે ‘પોતાના પર વિજય મેળવવો જોઈએ. આત્મવિજેતા જ આ લોક અને પરલોકમાં સુખી થાય છે.’ એક માણસ લાકડી લઈને બીજા માણસને મારતો હોય તો આપણને માર ખાનાર માટે દયા ઉપજે. જયારે સાધુને બંને માટે કરુણા ઉપજે. જે મારે છે એ ખોટે રસ્તે છે એની પીડા પણ સાધુને હોય છે. આ નથી કલિયુગ કે નથી સતયુગ, દ્વાપર કે ત્રેતા પણ નથી. આ યુગ તો પ્રેમયુગ છે. એક બીજા માટે પ્રેમ રાખવા જેવો અને પ્રેમ કરવા જેવો યુગ છે. ‘મેં ખુશ હૂ મેરે આંસુઓ પે ન જાના, મૈ તો દીવાના, દીવાના, દીવાના’... પ્રેમ તે પ્રગટ હોહિ મૈ જાના. પ્રેમ અમૃત છે, પ્રેમરૂપી અમૃત વ્યક્તિને ચિરંજીવી બનાવે છે. પ્રેમ પ્રગટ થઇ જાય તો પછી પરમાત્મા પ્રગટ થઇ જાય .
 
જલન માતરીને શંકા પડે એવો પ્રેમ ન હોવો જોઈએ.
 
સમજદારીથી અળગા થઇ જવાના સૌ બહાના છે,
મને શંકા પડે છે કે દીવાના શું દીવાના છે ?
 
 
આલેખન - હરદ્વાર ગોસ્વામી ( [email protected]