પાથેય । જીવન જીવવાની કળા । બધી મુશ્કેલીનો અંત આવી શેક?

    15-May-2021
કુલ દૃશ્યો |

pathey mushkeli_1 &n
 
 
પોતાના જીવનનાં દુઃખોથી પરેશાન એક માણસ પોતાના નગરની બહાર આશ્રમ બનાવી રહેતા એક સંન્યાસી પાસે પહોંચ્યો. સંતને તેણે કહ્યું, મહારાજ, હું જિંદગીથી કંટાળી ગયો છું. જીવનમાં એક પરેશાની પૂરી થતી નથી. ત્યાં જ નવી પરેશાની આવીને ઊભી રહી જાય છે. મને એવો કોઈ રસ્તો બતાવો કે મારી તમામ પરેશાનીઓ એક સાથે જ ખતમ થઈ જાય.
 
પેલા માણસની વાત સાંભળી સંતે કહ્યું, હું તારાં તમામ દુઃખોને દૂર કરવાનો રસ્તો બતાવીશ, પરંતુ તેના બદલામાં તારે મારું એક કામ કરવાનું છે, આજે રાત્રે તારે આશ્રમની ગૌશાળામાં ગાયોની દેખભાળ કરવાની છે. જ્યારે તમામ ગાયો સૂઈ જાય ત્યારે તારે પણ સૂઈ જવાનું છે. પેલા દુખી વ્યક્તિએ સંતની આજ્ઞા સહર્ષ સ્વીકારી અને ગૌશાળામાં પહોંચી ગયો અને આખી રાત ગાયોની દેખભાળ કરી. બીજા દિવસે સવારે તે સંતને મળવા પહોંચ્યો. સંતે તેને પૂછ્યું, ભાઈ, તને કાલે રાત્રે ઊંઘ તો બરાબર આવી હતી ને ? પેલા વ્યક્તિએ કહ્યું, ક્યાંથી ઊંઘ આવે સ્વામીજી ? બધી ગાયો એક સાથે ઊંઘતી જ નથી. એક ઊંઘે ત્યારે બીજી જાગી જાય, આવું આખી રાત ચાલ્યું માટે હું આખી રાત ઊંઘી શક્યો નથી.
 
સંતે કહ્યું, આ જ તારી સમસ્યાનું નિરાકરણ પણ છે અને જવાબ પણ. આપણા જીવનમાં આવતી પરેશાનીઓ પણ તે ગાયો જેવી જ છે. તે ક્યારેય એક સાથે શાંત થવાની નથી ને નથી જ. જીવનમાં આપણને ન ગમતું કંઈક ને કંઈક તો બનતું જ રહેવાનું માટે શ્રેષ્ઠ એ છે કે, જીવનમાં આવતી પરેશાનીઓનો સામનો કરો અને તેની સાથે જીવવાની આદત પાડો. તેનાથી ડરો નહીં. તેને દૂર કરવાના પ્રયત્નો કરતા રહો.