મનને પોઝિટિવ રાખી શરીરને કોરોના નેગેટિવ રાખવાનું છે - મા. મોહનજી ભાગવત

    29-May-2021
કુલ દૃશ્યો |

mohanji_1  H x  
 
 
હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ નામે ૧૧થી ૧૫ મે દરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સદ્ગુરુ જગ્ગી વાસુદેવ, જૈન મુનિ પ્રમાણસાગર મ.સા., શ્રી શ્રી રવિશંકર, ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજી, શંકરાચાર્ય વિજયેન્દ્ર સરસ્વતીજી, પદ્મવિભૂષણ સોનલ માનસિંહ, સંત જ્ઞાનદેવસિંહ જેવા પ્રમુખ મહાનુભાવોને એક મંચ પર લાવી તેમના સંબોધન થકી લોકોમાં આત્મવિશ્ર્વાસ પેદા કરવા અને કોવિડ-૧૯ બાદના આગામી પ્રયાસો માટે પ્રેરિત કરવાનો સુંદર પ્રયાસ થયો હતો.
 

‘પોઝિટિવ અનલિમિટેડ’ વ્યાખ્યાન શ્રૃંખલામાં પ્રવચન આપતાં રાષ્ટીય સ્વયંસેવક સંઘના પ.પૂ. સરસંઘચાલક 

 
મા. શ્રી મોહનજી ભાગવતે જણાવ્યું હતું કે, સકારાત્મકતા બાબતે વાત કરવી ખૂબ જ કઠિન છે. કારણ કે સમય ખૂબ જ કઠિન છે. અનેક પરિવારો વિખેરાઈ ગયા છે. અનેક પરિવારોમાં તો પરિવારનું ભરણપોષણ કરનાર વ્યક્તિ જ અચાનક ચાલ્યો ગયો છે. થોડાક દિવસોમાં જે હતું તે ન હતું થઈ ગયું અને એટલા માટે સ્વજનનું જવાનું દુઃખ અને ભવિષ્યની ચિંતા હોય ત્યારે આવા સમયે સલાહ આપવાને બદલે પહેલાં સાંત્વના પાઠવવી જરૂરી છે. પરંતુ એ સાંત્વનાથી ઉપર જે તે પરિવારનું દુઃખ છે તેમાં તો પોતાને પોતાની જાતે જ સંભાળવા પડશે. અમે અમારી સંવેદના જતાવી રહ્યા છીએ અને સંઘના સ્વયંસેવકો પોતાની ક્ષમતા મુજબ સેવાકાર્યો કરી રહ્યા છે. આ ખરેખર કઠિન સમય છે. જે લોકોના પોતીકા ચાલ્યા ગયા છે. તેઓને આમ અસમયે જવું જોઈતું ન હતું. પરંતુ હવે તો તે ચાલ્યા ગયા છે. જે ચાલ્યા ગયા છે તેઓ હવે એક રીતે આ પરિસ્થિતિમાંથી મુક્ત બની ગયા છે. તેમને આ પરિસ્થિતિનો સામનો હવે કરવો પડવાનો નથી. પરંતુ આપણે તો આ પરિસ્થિતિમાં છીએ અને આપણે આ પરિસ્થિતિનો સામનો કરવાનો જ છે. આપણે ખુદને અને આપણા પોતીકાઓને સુરક્ષિત રાખવાના છે. પરિસ્થિતિ ખૂબ જ વ્યાકુળ કરનારી છે. છતાં પણ આપણે આપણા મનને પોઝિટિવ રાખી શરીરને કોરોના નેગેટિવ રાખવાનું છે.
 
મુખ્ય વાત મનની છે. જો આપણું મન થાકી ગયું, હારી ગયું તો આપણી દશા કોઈ સાપ સામે એક નિષ્ક્રિય ઉંદર સમાન બની જશે અને આવી પરિસ્થિતિ આપણે થવા દેવાની નથી અને આવી સ્થિતિ આપણી છે પણ નહીં અને આપણે કરી રહ્યા પણ છીએ. પરિસ્થિતિનું ચિત્ર જોઈએ તો સ્પષ્ટ થાય છે કે જેટલું દુઃખ છે તેટલી જ આશા પણ છે. આવી પરિસ્થિતિમાં સમાજની કેટલીક વિકૃતિઓ બહાર આવી છે એ વાત સાચી, પરંતુ જેટલી વિકૃતિ બહાર આવી છે તેનાથી વધારે સત્કૃતિ પણ બહાર આવી જ છે. અનેક લોકો આટલા મોટા આર્થિક સંકટમાં પોતાનું પણ ધ્યાન રાખી રહ્યા છે અને પોતાનાથી બની શકે તેટલી અન્યોની પણ મદદ કરી રહ્યા છે. એવાં પણ અનેક ઉદાહરણો સામે આવી રહ્યાં છે. જેમાં લોકો પોતાની ચિંતા કર્યા વગર અન્યની મદદ કરી રહ્યા છે માટે આ લડવાની પરિસ્થિતિ જરૂર છે, પરંતુ નિરાશાની પરિસ્થિતિ નથી. પરિસ્થિતિ કઠિન જરૂર છે, પરંતુ પરિસ્થિતિ આપણા મનના પ્રતિભાવ પર નિર્ભર કરે છે. દરરોજ પરિચિતોના મૃત્યુના સમાચારો આવે છે. પરિસ્થિતિ ખૂબ જ વિકરાળ છે. જેવા અહેવાલો સાંભળો આપણા મનને કમજોર ક્યારેય ન થવા દેશો. આવું થવાથી માત્ર વિનાશ જ થવાનો છે. માનવતાના ઇતિહાસમાં આવું ક્યારેય થયું નથી અને થવાનું પણ નથી. પૂર્વમાં આ પ્રકારના અવરોધોને પાર કરી માનવતા આગળ વધી જ છે અને આ વખતે પણ વધવાની જ છે.
 
સંઘના સંસ્થાપક મા. શ્રી ડો. હેડગેવારજીની કિશોરાવસ્થામાં નાગપુરમાં પ્લેગની આવી જ મહામારી ચાલી રહી હતી. તે સમયે તેમનાં માતા-પિતા સ્વયંની ચિંતા કર્યા વગર સમાજની સેવા કરી રહ્યાં હતાં. તે સમયે તો દવાઓ પણ ન હતી. તેવા સમયમાં તેમને ખબર હતી કે સમાજની સેવા કરતાં કરતાં તેની તેઓને ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. છતાં તેઓ સમાજની સેવા કરતાં રહ્યાં અને એક જ દિવસમાં બન્નેનું નિધન થયું. આટલી નાની ઉંમરમાં લાગેલા એ કારમા આઘાત બાદ શું ડો. હેડગેવારજીનું જીવન કટુતાથી ભરાઈ ગયું ? ક્રોધથી ભરાઈ ગયું ? તેઓ નિરાશામાં ગરકાવ થઈ ગયા ? ના, એવું બિલકુલ ન થયું. આ વિયોગના ઝેરને પચાવી તેમાંથી તેઓએ સંપૂર્ણ સમાજ પ્રત્યે નિરપેક્ષ આત્મીયતાનો સ્વભાવ બનાવ્યો. જેટલા પણ લોકો ડો. હેડગેવારજીના સંપર્કમાં આવ્યા છે પછી તે ભલે વિચારધારા તેમનાથી વિરુદ્ધ હોય. પરંતુ તેઓએ એક વાત જરૂર સ્વીકારી છે કે ડો. હેડગેવારજી એટલે સ્નેહપ્રિય વ્યક્તિત્વ. આ પ્રકારનો સ્વભાવ તેઓશ્રીએ બનાવ્યો હતો.
  
જ્યારે વિપત્તિ આવે છે ત્યારે આપણી પ્રવૃત્તિ શું હોય છે ? આપણે જાણીએ છીએ કે આપણે ભારતીય છીએ. આપણે જાણીએ છીએ કે આ જીવનમરણનું ચક્ર તો ચાલતું જ રહેવાનું છે અને મનુષ્ય જેમ તેનાં મેલાં વસ્ત્રોને બદલે છે તેમ આ શરીર પણ આત્માને બદલવાનું જ છે. આ પ્રકારની માન્યતા ધરાવતા આપણે લોકો છીએ ત્યારે આ પ્રકારની વાતો આપણને ડરાવી કે નિષ્ક્રિય કરી શકે નહીં.
 
ચર્ચિલના ટેબલ પર એક વાક્ય લખેલું રહેતું. આપણે હારની ચર્ચામાં બિલકુલ પડવાનું નથી, કારણ કે આપણે હારવાના જ નથી. આપણે જીતવાનું જ છે. સમગ્ર દેશને પોતાના વક્તૃત્વથી, ઉત્સાહથી ચર્ચિલે એવું વાતાવરણ બનાવી દીધું કે આપણે હારવાના નથી જ. આણે જીતવાના જ છીએ અને તેઓ જીત્યા, વિપરીત પરિસ્થિતિઓમાં પણ જીત્યા. સતત બોમ્બહુમલા થતા પણ બ્રિટનની જનતાએ પોતાને ટકાવી રાખી અને દુશ્મનોને કારમો પરાજય આપ્યો. આવું કેમ થયું ? કારણ કે બ્રિટનવાસીઓ સામે તે વખતે જે સંકટ હતું તેમાં તે નિરાશ ન થયા. તેને તેઓએ એક પડકાર ગણી તેનો સામનો કર્યો. આપણે પણ એવો જ સંકલ્પ કરી વર્તમાન પડકાર સામે લડવાનું છે અને જ્યાં સુધી આ મહામારી પર સંપૂર્ણ વિજય ન મેળવી લઈએ ત્યાં સુધી તેની સામે લડવાનું છે. જેમ સંકલ્પની દૃઢતાનું મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ સંકલ્પના સાતત્યનું પણ છે. પહેલી લહેર બાદ આપણે થોડા બેજવાબદાર બની ગયા. વિશેષજ્ઞો ચેતવણી આપી રહ્યા હતા, છતાં પણ જનતા અને સરકાર તમામ લોકો ગફલતમાં રહ્યા. માટે જ આ સંકટ ઊભું થયું છે. હવે ત્રીજી લહેરની વાતો થઈ રહી છે, ત્યારે તેનાથી બિલકુલ ડરવાનું નથી. જેમ સાગરની લહેરો પર્વતની ચટ્ટાન સાથે અથડાઈ ચકનાચૂર થઈ જાય છે. તેમ તે લહેરને પાછું ફરવું પડશે. તેવી તૈયારી આપણે કરવાની છે અને તેના માટે સતત પ્રયાસ કરતા રહેવાના છે. તો સમુદ્રમંથન દરમિયાન અનેક રત્નો નીકળ્યાં, પરંતુ તેનાથી લલચાયા વગર સતત સમુદ્રમંથન ચાલુ રાખવામાં આવ્યું હતું. સમુદ્રમંથન દરમિયાન હળાહળ વિષ પણ નીકળ્યું. છતાં પણ દેવતાઓ વિચલિત ન થયા અને પોતાના દૃઢ સંકલ્પ અમૃતપ્રાપ્તિ સુધી પ્રયાસો ચાલુ જ રાખ્યા. માટે સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કે ધૈર્યવાન લોકો પરિણામ મળવા સુધી પ્રયાસો ચાલુ રાખે છે. માટે આપણે પણ સતત પ્રયત્નો કરતા રહેવાનું છે અને સફળતા ન મળે ત્યાં સુધી પ્રયત્નો કરતા રહી સમગ્ર વિશ્ર્વ સમક્ષ ઉદાહરણ બનવાનું છે. સમગ્ર ભારતવાસીઓએ એકબીજાના દોષ-ગુણની ચર્ચાને હાલ પૂરતો વિરામ આપી એક સંગઠનની જેમ કામ કરવાનું છે.
 
આ મહામારી સામે લડવા માટે પૂનાના ઉદ્યોગપતિઓ, સામાજિક રાજકીય સંગઠનો અને આમ નાગરિકોએ પીપીસીઆર નામનું સંગઠન બનાવી પ્રેરણા પૂરી પાડી છે. ખૂબ જ સારી રીતે આ અત્યંત કઠિન પરિસ્થિતિમાંથી બહાર આવવામાં સફળ રહ્યા છે. સમગ્ર દેશમાં આ પ્રકારના સામૂહિક પ્રયત્નો થવા જોઈએ. સામૂહિકતાના બળ પર આપણે આપણી ગતિ વધારવાની છે અને આગળ વધવાનું છે. આમ કેવી રીતે કરવું ? તો સૌપ્રથમ ખુદને મજબૂત રાખવાના છે. સંકલ્પની દૃઢતા, પ્રયાસનું સાતત્ય અને ધૈર્ય જરૂરી છે. બીજી મહત્ત્વની બાબત સજગતા છે. સજગતા જ આપણને આ પરિસ્થિતિમાંથી બચાવશે. વ્યાયામની ટેવ પાડો, શુદ્ધ સાત્ત્વિક આ હારનો જ આગ્રહ રાખવા સહિતની સજાગતા રાખવાની છે. આ બધાની જાણકારી હાલ ઇન્ટરનેટ પર પણ સરળતાથી મળી રહે છે, પરંતુ અહીં એક વાતનું ધ્યાન રાખવાનું છે. આના માટે વૈજ્ઞાનિકતાનો આધાર લેવો જોઈએ અને આ વૈજ્ઞાનિકતા એટલે તેની પરીક્ષા કરીને અમલમાં મૂકવું. માત્ર કોઈ કહે છે માટે તેમ કરવા માંડવું એ હિતાવહ નથી. ક્યાંક લખાયેલું છે એટલે સૌને લાગુ પડશે એવું પણ નથી. તેવી જ રીતે જૂનું છે એટલે સારું જ હશે અને નવું છે માટે બેકાર જ હશે એવું પણ નથી. જે પણ આપણી સમક્ષ છે તેને પારખીને ઉપયોગમાં લેવાનું છે. આપણા તરફથી ધડમાથા વગરની કોઈપણ વાત સમાજમાં ન જાય તેનું ધ્યાન રાખવાનું છે. આપણું આયુર્વેદ એક સિદ્ધ શાસ્ત્ર છે.
તેના અનેક નુસખા છે, અનુભૂત છે, પરંપરા છે અને તેની પાછળ આયુર્વેદમાં પોતાના તર્ક પણ છે. તેનો ઉપયોગ કરવામાં કશો જ વાંધો નથી. પરંતુ આયુર્વેદને લઈ અનેક એવી વાતો પણ ચાલે છે. પરંતુ તેે પણ વૈજ્ઞાનિકતા અને શાસ્ત્રોના અનુભવના આધારે પારખીને જ અમલમાં મૂકવી જોઈએ. આહારની સાથે સાથે વિહારનું પણ ધ્યાન રાખવાનું છે. શરીરને મનને અશક્ત બનાવનાર કર્મને છોડી દેવાનું શાસ્ત્રોમાં કહ્યું છે. ખાલી (નવરા) ન રહેશો. કંઈક ને કંઈક નવું શીખતા રહો. પરિવાર સાથે સમય પસાર કરો. બાળકોને વધુ સમજો, ખુદને બાળકોને વધુ સારી રીતે સમજાવવાનો પ્રયાસ કરો. હાલ આપણી પાસે કુટુંબ-પરિવારને પણ પ્રશિક્ષિત કરવાનો સમય છે. તેને પૂરતો લાભ ઉઠાવો. માસ્ક પહેરો, પ્રયાપ્ત અંતર રાખી એકબીજા સાથે સંપર્ક રાખો. તેવી જ રીતે સ્વચ્છતાનો આગ્રહ રાખો અને આ તમામ વાતો આપણે જાણીએ જ છીએ.
કેટલાક લોકો કોરોના પોઝિટિવ હોવું એને મોટી બદનામી માને છે અને જલદી તેનો ઉપચાર કરાવવાને બદલે છુપાવીને રાખે છે. ખોટા ભયના કારણે હોસ્પિટલમાં સારવાર લેવાનું ટાળે છે. જ્યારે બીજો એક વર્ગ એવો છે જે કોરોના થવાના ડરને કારણે બિનજરૂરી હોસ્પિટલોમાં દાખલ થાય છે, પરિણામે જેને ખરેખર જરૂર છે તેને પથારી મળી શકતી નથી. ત્યારે થોડી ઘણી શંકા જતાં જ તરત જ તબીબની સલાહ મુજબ સારવાર શરૂ કરી દેવી જોઈએ. સમયસર ઉપચાર શરૂ કરી દેવામાં આવે તો પણ પ્રાથમિક સાવધાની રાખીને આ બીમારીમાંથી બહાર આવી શકાય છે. આ અંગે જન પ્રબોધન થવું જોઈએ જે જે લોકો આપણા સંપર્કમાં આવે તેઓને આ વાત સમજાવવાના પ્રયત્નો કરવા જોઈએ. જે લોકો આ પ્રકારના જનપ્રબોધનનું કાર્ય કરી રહ્યા છે તેમને સહયોગ પણ આપી શકીએ છીએ.
 
બાળકોનું શિક્ષણ ખરાબ થવાનું આ સતત બીજું વર્ષ હશે. ત્યારે તેમને બે વર્ષમાં જે જ્ઞાન મળવું જોઈતું હતું તે મળી રહે તેની ચિંતા આપણે સમાજના નાતે કરવી જોઈએ. ફરી વાર રોજગારીનું સંકટ સર્જાયું છે. રોજનું કમાઈને રોજ ખાનારા માટે ફરી સંકટ ઊભું થયું છે. ત્યારે કમ સે કમ તે અને તેમનો પરિવાર ભૂખ્યો ન રહે તેની ચિંતા જરૂરથી કરવી જોઈએ. આવી સેવાઓ કરનારાં સંગઠનોને સહયોગ પણ આપી શકીએ છીએ. આગામી સમયમાં આપણી અર્થવ્યવસ્થાને પુનઃ વેગવંતી બનાવવા માટે અત્યારથી જ આયોજન કરવું પડશે. સ્કીલ વ્યવસ્થાથી લઈ જેટલું પણ આપણે સમાજ તરીકે, વ્યક્તિ તરીકે કરી શકીએ છીએ તેટલું કરવું જોઈએ. હાલ ગરમીના દિવસોમાં ઠંડા પાણીનાં મશીન લાવવાને બદલે માટીનાં માટલાં વેચતા માણસ પાસેથી માટલું ખરીદી તેની રોજગારી વધારો.
 
હાલ જે પરિસ્થિતિની અને આવનાર પરિસ્થિતિની ચર્ચાને લઈ ગભરાઈ જવાની જરૂર નથી. તેને પહોંચી વળવા માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવાની છે. નિયમ, વ્યવસ્થા અને અનુશાસનના પાલન સાથે આપણે ચાલીએ અને સમાજને પણ ચલાવીએ અને આ સેવા આપણે કરીએ અને કરનાર સાથે સમાજ તરીકે સહભાગી બનીએ. આવું વિચારીને આપણે આગળ વધવાનું છે અને જીતવાનું છે અને આપણે જીતીશું જ, કુછ તો બાત હોગી, હસ્તી મીટતી નહીં હમારી એ સાચું જ છે. આટઆટલાં સંકટોમાં પણ આપણે અડીખમ ઊભા રહ્યા છીએ. તો પછી આ મહામારીની શી વિસાત ? પરિસ્થિતિ આવી છે તે આપણા સદ્ગુણોની પરખ થઈ જશે અને દોષોને પણ બહાર લાવશે. એ દોષોને દૂર કરી સદ્ગુણોમાં વધારો કરવાની આ પરીક્ષા છે. આ આપણા ધૈર્યની પણ પરીક્ષા છે. એક વાત હંમેશાં યાદ રાખજો. ‘સક્સેસ ઇઝ નોટ ફાઈનલ ફેલ્યોર ઇઝ નોટ ફેરલ. ઇન ધ કરેજ ટૂ કન્ટિન્યુ ધેટ કાઉન્ટસ’ કુછ બાત હે જો હસ્તી મીટતી નહીં હમારી એવું આપણે કહીએ છીએ ત્યારે આપણા સત્ત્વનો સાક્ષાત્કાર આપણા પૂર્વજોએ જે સોંપ્યો અને પેઢી દર પેઢી એ સત્ત્વનું આચરણ કરવાવાળી સંસ્કૃતિ આપણને આપી તે સંસ્કૃતિ અને યશ-અપયશની પરવા કર્યા વગર દૃઢ સંકલ્પ સાથે આગળ વધવું એ વાતના જોરે જ આપણે જીતીશું.