નકારાત્મકતાથી બચો, નકારાત્મક વિચારો, સમાચારો સાંભળવાના ટાળો. હકારાત્મક વાતો કરો, હકારાત્મક વિચારો- શ્રી શ્રી રવિશંકર મહારાજ

    29-May-2021
કુલ દૃશ્યો |

shri shri ravishankar_1&n 
 
 
હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ નામે ૧૧થી ૧૫ મે દરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સદ્ગુરુ જગ્ગી વાસુદેવ, જૈન મુનિ પ્રમાણસાગર મ.સા., શ્રી શ્રી રવિશંકર, ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજી, શંકરાચાર્ય વિજયેન્દ્ર સરસ્વતીજી, પદ્મવિભૂષણ સોનલ માનસિંહ, સંત જ્ઞાનદેવસિંહ જેવા પ્રમુખ મહાનુભાવોને એક મંચ પર લાવી તેમના સંબોધન થકી લોકોમાં આત્મવિશ્ર્વાસ પેદા કરવા અને કોવિડ-૧૯ બાદના આગામી પ્રયાસો માટે પ્રેરિત કરવાનો સુંદર પ્રયાસ થયો હતો.
 

આપણી અંદર કરુણાને જગાવો, કારણ કે હાલ કરુણા અને દયાની સૌથી વધુ જરૂર છે : શ્રી શ્રી રવિશંકર મહારાજ

 
‘પોઝિટીવ અનલિમિટેડ’ વ્યાખ્યાન શ્રૃંખલામાં પ્રવચન આપતાં આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રવિશંકર મહારાજે જણાવ્યું હતું કે, આજે આપણો દેશ આ સદીના સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યો છે ત્યારે સ્વાભાવિક રીતે જ આપણું મનોબળ ડગમગી જાય. આપણી આજુબાજુ, મિત્રો, પરિવારજનોને જે દુખ-કષ્ટમાંથી પસાર થવું પડી રહ્યું છે. અનેક લોકો પોતાનાને ખોતા જોઈને વ્યક્તિ તૂટી જાય છે. જ્યારે સર્વત્ર મૃત્યુનું તાંડવ સર્જાયું છે બીમારી મહામારી બની કહેર વર્તાવી રહી છે. ત્યારે આવી પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ. આ સમયે આપણે ચાર બાબતો પર ધ્યાન આપવાનું છે. સૌથી પહેલાં દરેક વ્યક્તિમાં ઈશ્ર્વરે ધૈર્ય, હિમ્મત નામનું અમોઘ હથિયાર આપ્યું છે. આપણે આપણા એ જ ધૈર્ય, હિમ્મતને જગાવવાની છે. જેમ હોસ્પિટલમાં તબીબ દર્દીને ત્યારે જ ઠીક કરી શકે છે જ્યારે પોતે સ્વસ્થ હોય, તેવી જ રીતે હાલ પ્રત્યેક નાગરિકે તબીબની ભૂમિકા ભજવવાની છે. આ જવાબદારી નિભાવવા આપણે આપણી અંદરના ધૈર્ય, જોશને જગાડવાનું છે.
 
બીજી વાત હોશ સંભાળવાની છે, આપણે ભાવુકતામાં વહી જવાનું નથી. કારણ કે જે લોકો ભાવુકતામાં આવી પોતાનું સાન-ભાન ગુમાવી દે છે તેને બાદમાં પસ્તાવું પડ્યું છે આપણું દુખ મોટું છે જ, પરંતુ અન્યનું દુખ પણ આપણાથી મોટું છે. તેમ વિચારીશું તો આપણું મન સહજ સેવાપ્રવૃત્તિ તરફ વળશે.
 
આપણી અંદર કરુણાને જગાવો, કારણ કે હાલ કરુણા અને દયાની સૌથી વધુ જરૂર છે. પોતાના હાથમાં જેટલું છે તેટલાં સેવાકાર્યો કરો. અનેક લોકોએ પોતાનાં સ્વજનો ગુમાવ્યાં છે, છતાં પણ સેવાકાર્યો કરી રહ્યા છે. દેશના લોકોની, સમાજના લોકોની જવાબદારી આપણા ઉપર છે. તેનું સતત સ્મરણ કરતા રહો. આ જ દયા અને સેવાનો મનોભાવ ખુદમાં જગાડો. આ સેવાભાવ જ તમારું મનોબળ વધારશે.
 
ત્રીજી વાત જે નિયમો છે તેનું પાલન કરો. જ્યારે આપણે દુખી હોઈએ છીએ ત્યારે આપણે આપણા પરનું નિયંત્રણ ખોઈ બેસીએ છીએ અને આવેશમાં આવી એવું કંઈક કરી બેસીએ છીએ, જેના માટે પાછળથી પસ્તાવું પડે છે અને ખુદના પર નિયંત્રણ કેવી રીતે આવશે ? પ્રાણાયામ, ધ્યાનની આદત પાડો. મંત્રોનું ઉચ્ચારણ કરો. તેનાથી તમારામાં અદ્ભુત આત્મબળનો સંચાર થશે. આપણા પૂર્વજ સદીઓથી આ જ કરતા આવ્યા છે. વિદ્યાર્થી પરીક્ષા આપતી વખતે ઈશ્ર્વરને યાદ કરે છે. ત્યારે હાલની પરિસ્થિતિ પણ મનુષ્યજીવનની સૌથી મોટી પરીક્ષા છે, ત્યારે સૌએ પોતાની સુંદર ઈશ્ર્વરભક્તિને જગાડવાની જરૂર છે. ઈશ્ર્વર પર શ્રદ્ધા રાખી આગળ વધો. ઈશ્ર્વર છે જ. તે આપણે નિર્બળને શક્તિ આપશે. એક અદૃશ્ય વાઈરસ સાથે હાલ આપણે લડવું પડી રહ્યું છે ત્યારે આપણે આપણી કમજોરી, અશક્તતાને સાફ સાફ મહેસૂસ કરી રહ્યા છીએ. ત્યારે આપણે નિર્બલના બલરામ પર વિશ્ર્વાસ કરવો પડશે. ઈશ્ર્વર પ્રત્યેનો વિશ્ર્વાસ આપણને માનસિક તણાવથી દૂર રાખે છે. આ વાતોનું આપણે ધ્યાન રાખીશું તો આ સંકટને તરી જઈશું.
 
યોગ કરો, કારણ કે યોગનો ઉદ્દેશ્ય જ જે દુખ આવ્યું નથી તેને રોકવાનો છે. યોગ જે દુખ આવી ગયાં છે તેમાંથી બહાર નીકળવામાં પણ આપણી મદદ કરે છે. ત્યારે પ્રાણાયામ અને ધ્યાનને આપણા દૈનિક જીવનનો ભાગ જ બનાવી દો. સાથે સાથે ભોજનનું ધ્યાન રાખો. આયુર્વેદિક મસાલાઓનો ભોજનમાં વધુ ને વધુ ઉપયોગ કરો. કોવિડ બાદ શરીરમાં જે કમજોરી આવી જાય છે તે કમજોરીમાંથી બહાર આવવામાં યોગ અને આયુર્વેદ મદદ કરે છે.
 
નકારાત્મકતાથી બચો, નકારાત્મક વિચારો, સમાચારો સાંભળવાના ટાળો. હકારાત્મક વાતો કરો, હકારાત્મક વિચારો. હાલ જે ભારેખમ વાતાવરણ બન્યું છે તેને હળવું બનાવવાની જવાબદારી આપણા સૌની છે. આપણે જરૂરથી આ મહામારીને હરાવીશું. પૂર્વે પણ જ્યારે કોઈ શક્તિએ આપણને દબાવવાના પ્રયત્નો કર્યા છે ત્યારે ત્યારે આપણે વધુ શક્તિશાળી બની બહાર આવ્યા છીએ. આ બાબતને હંમેશ યાદ રાખજો.