સકારાત્મક વિચારોને ગમે ત્યાંથી ખેંચી લાવો. તમારા મનને વલોવો. મારે આમાંથી બહાર આવવાનું જ છે - પદ્મવિભૂષણ સોનલ માનસિંગ

    29-May-2021
કુલ દૃશ્યો |
 
sonal mansing_1 &nbs
 
 
હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ નામે ૧૧થી ૧૫ મે દરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સદ્ગુરુ જગ્ગી વાસુદેવ, જૈન મુનિ પ્રમાણસાગર મ.સા., શ્રી શ્રી રવિશંકર, ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજી, શંકરાચાર્ય વિજયેન્દ્ર સરસ્વતીજી, પદ્મવિભૂષણ સોનલ માનસિંહ, સંત જ્ઞાનદેવસિંહ જેવા પ્રમુખ મહાનુભાવોને એક મંચ પર લાવી તેમના સંબોધન થકી લોકોમાં આત્મવિશ્ર્વાસ પેદા કરવા અને કોવિડ-૧૯ બાદના આગામી પ્રયાસો માટે પ્રેરિત કરવાનો સુંદર પ્રયાસ થયો હતો.

તમારી હકારાત્મક્તા તમને ઉગારશે : પદ્મવિભૂષણ સોનલ માનસિંગ

 
‘પોઝિટીવ અનલિમિટેડ’ વ્યાખ્યાન શ્રૃંખલામાં પ્રવચન આપતાં પદ્મ વિભૂષણ સોનલ માનસિંગે જણાવ્યું હતું કે, આજે દેશનો પ્રત્યેક નાગરિક એક યુદ્ધ લડી રહ્યો છે અને આ યુદ્ધ એક આસુરી માયાવી શત્રુ સાથે લડાઈ રહ્યું છે. આવી માયાવી શક્તિની વાતો આપણે રામાયણ, મહાભારત, દેવી ભાગવતમાં સાંભળી હતી. એવું લાગે છે કે જાણે એ માયાવી શક્તિ આજે પ્રત્યક્ષ થઈ છે. ગતવર્ષની સરખામણીએ આ વર્ષનો આપણો શત્રુ વધારે ઘાતક છે. હવામાં તરતો તરતો ક્યારે તમારા શરીરમાં પ્રવેશી જાય છે તે કોઈ જ નથી જાણતું. એકદમ નિઃસહાય, અસહાય બનાવી દે છે. મારી સાથે પણ આવું જ થયું. નિઃસહાય નિરાશા હતાશામાં ગરકાવ થઈ જવાયું હતું. ત્યારે મને આમાંથી બચાવવામાં મારી મદદ મારી કલાએ કરી. પ્રત્યેક વ્યક્તિના મનમાં કોઈ ને કોઈ કલા છુપાયેલી હોય છે તે સમયે તમને તમારી એ કલા જ નિરાશાના સમુદ્રમાં ગરકાવ થવાથી બચાવે છે. મારો હાથ પકડીને તેમાંથી મને મારી કલાએ જ બહાર કાઢી છે માટે હતાશ થવાની જરૂર નથી. તમામમાં કોઈ ને કોઈ પ્રકારની કલાના ગુણો હોય છે જ. તેને જ તમારો સંકટનો સાથી બનાવો. બીજું કે જે તમારી પાસે છે તે અન્યને વહેંચો. તમારી સુંદર યાદો. લોકો સાથે વહેંચો. તમારા આરાધ્યદેવનું ધ્યાન કરો. તમે એકલા નથી.
 
બીજી વાત કે જો તમારો સમય આ ધરતી પર પૂર્ણ થઈ ચૂક્યો છે તો તમારે જવું જ પડશે, પરંતુ જો તમારો સમય પૂર્ણ નથી થયો તો ગમે તેવી મહામારી પણ તમારું કાંઈ જ બગાડી શકવાની નથી. આ મહામારીના સમયે આપણી ફિલોસોફી, ઉપનિષદો અને ભગવદ્ગીતાનું જ્ઞાન ખૂબ જ કામ આવી રહ્યું છે. અનેક વખત હું પણ તૂટી ગઈ હતી તેમાં પણ આ મહામારીનો ભોગ બન્યા બાદ હું સંપૂર્ણ રીતે નિરાશામાં ગરકાવ થઈ ગઈ હતી. પરંતુ મારી હકારાત્મકતાએ મને બચાવી.
 
સકારાત્મક વિચારોને ગમે ત્યાંથી ખેંચી લાવો. તમારા મનને વલોવો. મારે આમાંથી બહાર આવવાનું જ છે. પરિસ્થિતિ સામે હથિયાર હેઠાં મૂકી દેવાનું માનવજાતિનું કામ છે જ નહીં. અસીમ આશા અને સકારાત્મકતાથી આ કપરા સમયનો સામનો કરો. સકારાત્મકતાનાં તાળાં ખોલી નાખો અને તમારામાં રહેલી સકારાત્મકતાને અસીમિત રીતે વહેવા દો. આપણે એવા ચિરાગ છીએ જેની રોશની હજારો તોફાનો પર ભારે છે.