માનસમર્મ - કોરોનાકાળમાં અકસીર ઈલાજ : સાવધાની...!

    07-May-2021   
કુલ દૃશ્યો |

moraribapu_1  H
 
 
કોરોનાકાળમાં એક જ અકસીર ઈલાજ છે સાવધાની. સજાગ રહીશું તો સજીવ રહીશું. અંતર રાખીશું તો અંતરાત્માને ગમશે. જેમ ક્રિકેટમાં અંતિમ ઓવરમાં વિકેટ હાથમાં ન હોય અને રનરેટ વધુ હોય ત્યારે સહેજ પણ ચૂક ન ચાલે. તેમ આજે પણ એવો સમય ચાલી રહ્યો છે. એકબીજાને સહકાર આપવાનો સમય છે. સાવધાનીના સરનામે વસવાનો સમય છે.
 
એકવીસમી સદીમાં ધર્મનો સાર પકડો, ધર્મ નહીં. પ્રેમ અવસ્થાને સમજવા માટે મોટા મોટા ધર્માચાર્યોને ઘણી યાત્રા કરવી પડી છે. ત્યારે ક્યારેક એવી અવસ્થાવાળા સદગુરુને સમજી શકાય છે. આ ‘માનસ’નું દર્શન છે. આપણે શું કર્યું, ધર્મને માત્ર શબ્દોમાં ઢાળી દીધો ! અલબત્ત, શબ્દ જરૂરી છે, પરંતુ કેવળ શબ્દોમાં ધર્મ આવી જતો નથી. મારો મત એ વાત પર મક્કમ છે કે એકવીસમી સદીમાં યુવાની ધર્મને બદલે ધર્મસારને સમજે.
 
ભગવાન શંકર ત્રિનેત્ર છે. જ્ઞાન, ધ્યાન અને યોગ એ મહાદેવના ત્રિનેત્ર છે. જ્ઞાનની દૃષ્ટિથી ભ્રમનો નાશ થાય છે. ધ્યાનની દ્રષ્ટિથી વ્યક્તિના કુતર્ક બળી જાય છે; યોગની દૃષ્ટિથી ઈશ્વરનાં ચરણોમાં પ્રેમ જન્મે છે. ભીડભંજન પર ભરોસો જન્મે છે. એવા સદાશિવે વર્ણવેલા સદગુરુનો સંગ કરવો જોઈએ. કોઈ ગુરુને શરણે એ રીતે થાવ કે એ સામેથી તમને યાદ કરે. ખરેખર તો એ તમારે શરણે થાય ! એ હદે સદગુરુની ગતિ સ્વીકારો. સદગુરુના સંગથી પણ પુણ્ય મળે છે.
 
સાવધાન શબ્દમાં ચેતવણી અને ચિંતા છે. સાવધાની એ ઘૂંઘરું છે, બેડીઓ નથી. આ શબ્દમાં સંદેશ, ઉપદેશ અને આદેશ છે. સાવધાન શબ્દ રામચરિત માનસમાં અગિયાર વખત આવ્યો છે. સાવધાની લૌકિક અને અલૌકિક બંને રીતે થવાય છે. રસ્તો ક્રોસ કરતા ધ્યાન રાખવું એ લૌકિક સાવધાની છે અને કોઈની પીડા જોઈ આંખમાં આંસુ આવવા એ અલૌકિક સાવધાની છે. ‘સાવધાની સન્યાસ છે અને અસાવધાની સંસાર છે.’ સત્સંગ કરતા કરતા સાવધાની આવી જાય તો એ એકવીસમી સદીનો સન્યાસ છે અને વિધિવત સન્યાસ લીધા પછી પણ જો જાગૃતિ ન રહે તો એ અવિધિસર સન્યાસ છે. સેવાની શોમેનશીપ ન થઇ જાય એ માટે સાવધાન રહેવું જરૂરી છે. તુલસીના અન્ય દર્શનોમાં પણ અનેક વખત સાવધાન પ્રયોજાતો જોવા મળે છે. મારું કામ ધર્મ શિખવવાનું નથી પણ સાવધાન કરવાનું છે. જયારે સાહિત્યકારોએ મને પૂછ્યું કે ‘તમે આસ્તિક છો કે નાસ્તિક ?’ ત્યારે મેં કહેલું કે ‘હું વાસ્તવિક છું’ મને એક વ્યક્તિએ કહ્યું કે ‘હું ધર્મમાં નથી માનતો’ ત્યારે મેં કહ્યું કે ‘તમે સત્ય, પ્રેમ કરુણામાં માનો છો ?’ એમને ‘હા’ કહી તો મેં કહ્યું કે ‘તો તમે ધર્મમાં માનો છો એવો અર્થ થાય’ ધર્મને સંકુચિત ન કરો યાર...દરેક ધર્મનો સાર સત્ય, પ્રેમ અને કરુણા છે.
 
તમે કેસેટ વગાડતા હો અને પોઝનું બટન દબાવો એટલે કેસેટ અટકી જાય, જિંદગીમાં પણ એવું કોઈ બટન છે ? સત્સંગની પળે દુનિયાદારીને પોઝ મળે છે. પ્લે બટન તો છે જ. પ્લેના બટનથી જિંદગી નિરંતર ચાલ્યા કરે. આ નિરંતર ચાલતી જિંદગીમાં મારું મિશન છે સાવધાન કરવાનું. શ્રીનાથદ્વારામાં જાવ તો કહે ‘સાવધાન’. ભોગ ધરાવતા હોય તો કહે સાવધાન. મહારાજજી નીકળતા હોય તો કહે સાવધાન. ધર્મ તમને સાવધાન કરે છે કે ‘અનિષ્ટોમાં ન ફસાતા’.
 
दर्पण तुम्हें जब डराने लगे, जवानी भी दामन चुराने लगे |
तब तुम मेरे पास आना प्रिये, मेरा दर खुला है, खुला ही रहेगा ||
 
ખુશીઓની ઝાકળઝોળ જેટલી માણવી હોય એટલી માણી લો. મુશ્કેલી પડે ત્યારે ત્યારે મારો રામ તમને સત્કારવા આતુર છે. એ સગાઓ જેમ એમ નહીં કહે કે ‘ખુશીમાં તો યાદ કરતો ન હતો’. શંકર પાર્વતીને કહે છે કે ‘એક બે જન્મની કથા તમને સંભળાવું છું, સાવધાન થઈને સાંભળજો’. અયોધ્યાકાંડમાં કહેવાયું છે કે ‘सावधान सुनु सुमुखि सुलोचनि | भरत कथा भव बंध विमोचनि ||’ ભરતની કથા સંસારના બંધનોને મુક્ત કરનારી છે. ભગવાન જયારે શબરી પાસે નવ પ્રકારની ભક્તિની વાત કરે છે ત્યારે ‘સાવધાન’ શબ્દ પ્રયોજે છે. દીકરો બહારગામ જાય તો તો પિતા કહે કે ‘બેટા ધ્યાન રાખજે’. ધ્યાન રાખવું એટલે સાવધાન રહેવું. કોઈ શાસ્ત્ર જ્ઞાન મળે અને મનને સાવધાન કરીએ તો એ ઉપદેશ છે. સાવધાન શબ્દ સમજાય તો એ માનસનું ત્રિવેણીતીર્થ છે. હું સાવધાન હોઉં તો જ તમને સાવધાન કરી શકું. હું વ્યસન કરતો હોઉં તો તમને વ્યસન છોડવા ન કહી શકું. આજના યુગમાં તો ડગલેને પગલે સાવધાન રહેવાની જરૂર છે. પરેડમાં પણ સાવધાન પહેલા આવે છે, વિશ્રામ પછી આવે છે. ‘સાવધાન’ના મંત્રને ભણીશું તો પસ્તાવાનો વારો નહીં આવે. ચાલો કોરોનાકંસને સાવધાનીના શ્રીરામથી હણીએ.
 
આલેખન - હરદ્વાર ગોસ્વામી - [email protected]