દામોદર કૂંડમાં નરસિંહ ગાતા હશે ત્યારે આખો ગિરનાર ઝૂકીને સાંભળતો હશે...

    01-Jun-2021   
કુલ દૃશ્યો |

moraribapu_1  H 
 
 
મોરારિબાપુ | Moraribapu Katha । તમારામાં ક્યાંક ખામી જણાશે એટલે જે સમાજે તમને હાર પહેરાવ્યો હશે એ જ તમારી હારની રાહ જોઇને બેઠું હશે
 
એક સમયે પ્લેગ એટલે મૃત્યુ એમ કહેવાતું હતું. પ્લેગની દવા શોધવા પ્લેગમાં મરણ પામેલ દર્દીને તપાસવા જરૂરી હતા. એમ કરવા જતા તપાસનાર ડોકટરનું ૧૦૦ % જીવનનું જોખમ હતું. સામે ચાલીને મોતના મુખમાં જાય કોણ ? એક ફૂટડા યુવાને કહ્યું કે મારા મૃત્યુથી જો અનેક જિંદગી બચી જતી હોય તો મારું મૃત્યુ એ ઉત્સવ બની જશે.
 
એ યુવાન એટલે ડૉ. હેન્ની ગાયન. એ મરીને અમર થઇ ગયા. એમણે વસિયત કરી કે એમની બધી મિલકત દવાખાનામાં આપવી’. આવા દિવ્ય દધીચિની આજે તાતી જરૂર છે. પહેલાના સમયમાં સારા કામ માટે બત્રીસ લક્ષણા પુરુષનો ભોગ અપાતો હતો. આજના કપરાકાળમાં ડોકટર દેવદૂત બન્યા છે એ આપણે નજરે નિહાળ્યું છે. આવા રૂડા રૂખડોથી જ આ ધરા શોભે છે.
 
રૂખડને હું સીમિત વ્યાખ્યામાં બાંધતો નથી. રૂખડ એ કોઈ સંજ્ઞા નથી પરંતુ એક અવસ્થા છે. રૂખડ એટલે જમીનના તમામ આકર્ષણ છૂટી ગયા છે અને ગગનગઢમાં રમવા આવ્યો છે ને જેને પૃથ્વીની સીમિત અવસ્થા નથી ખપતી, વ્યોમનું વિશાળપણું ખપે છે એટલે એ ચેતનાને ઉર્ધ્વગમન અર્પે છે. સેવા પુરાતન નહીં પણ સનાતન છે. મારે મન સમાજ ઉપયોગી કાર્ય કરે એ સૌ રૂખડ છે.
 
જેનામાં ચકચૂર ભજન સાથે ક્યારેક ભરપૂર ભોજન પણ હોય, ક્યારેક ગાયન તો ક્યારેક મૌન હોય, ક્યારેક દશે દિશામાં તો ક્યારેક ખૂણામાં બેસીને જેણે હરિને ભજ્યો છે એવા રૂખડની વાત કરવી છે. એ પલાઠીમાં પ્રવાસ કરે છે. એ જ્યાં હોય ત્યાં જ ઝળહળે છે.
 
રૂખડ બાવા તું હળવો હળવો હાલ્ય જો,
ગરવાને માથે રે રુખડિયો ઝળુંબિયો,
જેમ ઝળુંબે કોઈ રણની માથે મેઘ જો,
એવો ગરવાને માથે રે રુખડિયો ઝળુંબિયો.
 
ઝવેરચંદ મેઘાણીએ રૂખડ પર કામ કર્યું છે. બૌધપદ્ધતિ કાળમાં અને ગોરખપરંપરામાં પાખંડ બહુ પવિત્ર શબ્દ હતો પણ કાલાંતરે જુદા સ્વરૂપે પ્રયોજ્યો. પાખંડ એટલે જેણે અખંડને પામી લીધો. ગુરુનાનક પાગલનો અર્થ કરે છે જેણે ગલને પૂરો પામી લીધો છે. કહ કબીર મૈ પૂરા પાયા... મારો તુલસી કહે છે પાયો પરમ વિશ્રામ અખંડની આકાંક્ષા અને પૂર્ણતાની પ્રાપ્તિ એટલે પરમતત્ત્વ. ધર્મમાં કેટલાક અનિષ્ટ તત્ત્વો દાખલ થયા એટલે પાખંડનો અર્થ બદલાયો. રૂખડનો પણ સમય જતા રૂખડિયા શબ્દ પ્રયોગ થયો. તમારામાં ક્યાંક ખામી જણાશે એટલે જે સમાજે તમને હાર પહેરાવ્યો હશે એ જ તમારી હારની રાહ જોઇને બેઠું હશે. કબીર સાહેબે રૂખડી શબ્દ પ્રયોગ કર્યો છે. કબીરા માયા રૂખડી દોનો ફલ દેત રૂખડ એવી અવસ્થા છે કે સ્વયં માયા રૂખડી બનીને એને પગલે પગલે છાયા બનીને પાછળ પાછળ આટા મારે. શિવસૂત્ર કહે છે શ્રીયામ પાદુકા. લક્ષ્મી જેની પાદુકા છે. જીવનના પાઠને પાક્કો કરવા ભજનો આપણી વહારે આવે છે. મારું કામ જ્ઞાનનું નહીં પણ ગાનનું છે. કેમ કે જ્ઞાન આવે એટલે અહંકાર આવ્યા વગર રહે નહીં પણ ગાન આવે એટલે તમે તમે હળવાફૂલ થઇ જાવ. આપણા મોટાભાગના મહાપુરુષોએ ઈશ્ર્વરને ગાયા છે. જ્ઞાન શોધવાનું કામ લોકોને સોપ્યું... ગિરનારની ગોદમાં બેઠેલો નરસિંહ મહેતા કહે છે કે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું ? તે જ હું તે જ હું તત્વ બોલે. દામોદર કૂંડમાં નરસિંહ ગાતા હશે ત્યારે આખો ગિરનાર ઝૂકીને સાંભળતો હશે. શિવરાત્રીના મેળામાં હિમાલય પણ જુદા સ્વરૂપે જૂનાગઢ આવતો હશે.
 
અમે સાધુઓ જન્મદિને કેક ન કાપીએ, અમે તો ભજન કરીએ અને ભોજન કરાવીએ. અવિનાશી તત્વનો જે ઉપાસક છે એ રૂખડ છે. વરખડીને શબ્દકોશમાં રૂખડ કહે છે. શીતળા સાતમના તહેવારોમાં બહેનો ચૂલા ટાઢા કરે ત્યારે એમાં વરખડી વાવે, એને રૂખડ કહેવાય. એનું નામ કપાસ છે. મારો તુલસી એને બળ આપે છે...
 
સાધુ ચરિત સુભ ચરિત કપાસુ, નિરસ બિસદ ગુનમય ફલ જાસુ
 
ઘણા અમને કટાક્ષમાં બાવા કહે. મને આ શબ્દ બહુ પ્યારો છે. મનમાં કહું એકવાર બાવો બની તો જો, એક વખત વેશ પહેરી લે, શ્ર્વાસોમાં શહેનાઈ ન વાગે તો કહેજે રૂખડને પણ બાવો કહ્યો છે. જે નિરંતર અલખ અલખ ભજતો રહે છે. વૃક્ષ વાવવા એ પણ એક પ્રકારનો સત્સંગ છે. આંબા વાવીને કેરી લેવા આવશો તો આંબા વાવવું વ્યર્થ ગયું ગણાશે. નેકી કર ઔર દરિયા મેં ડાલ...
 
 
- આલેખન - હરદ્વાર ગોસ્વામી