ધનનો ઉપયોગ | સેવા કરવા પોતાનું ઘન વાપરી શકે એજ ઘનવાન બાકી બધા ચોકીદાર

    01-Jun-2021
કુલ દૃશ્યો |

help_1  H x W:
 
 
સ્વામી ભાસ્કારનાંદ કાશ્મીરના મહારાજાના ગુરુ હતા. એકવાર અચાનક જ તેઓ રાજદરબારમાં આવ્યા ! મહારાજાના આનંદનો કોઈ પાર રહ્યો નહીં. મહારાજાએ સ્વામી ભાસ્કરાનંદને નમન કર્યું અને તેમના ચરણોમાં સોનામહોરો ધરી.
બધા દરબારીઓને લાગ્યું કે રાજાએ શિષ્યભાવે આપેલી સોનામહોરોને મહાત્મા અવશ્ય ગ્રહણ કરશે.
 
અને સ્વામી ભાસ્કારાનંદે સોનામહોરો હાથમાં પણ લીધી, પણ પછી તરત જ તેમણે એક પછી એક સોનામહોર પોતાની પીઠ પાછળ ફેંકવા માંડી !
 
આ જોઈ મહારાજા બોલી ઊઠ્યા : ‘ગુરુદેવ ! આપે મારી આ ભેટને આમ ફેંકવા કેમ માંડી ?’
 
સ્વામી ભાસ્કરાનંદ બોલ્યા, ‘રાજન્ ! જુઓ તો ખરા મારી પાસે સોનામહોરો બાંધવા માટે એક સારું કાપડ પણ નથી. એવા એક સારા કાપડનો પણ ભાર જે હું સહન કરી શકતો નથી. તો આ સોનામહોરોનો ભાર કેમ હું સહન કરી શકું ? અને ધનનો મને કોઈ મોહ હોત તો હું સંસારમાં જ રહ્યો ન હોત ? સંન્યાસી બનવાની પછી જરૂર જ ક્યાં હતી ?’
 
પણ આપેલી ભેટ પાછી તો લેવાય નહીં ! તેથી, રાજા માટે એક મોટો પ્રશ્ર્ન ઊભો થયો.
 
‘મારાથી આપેલું દાન પાછું લેવાય નહીં ! બોલો, મારે શું કરવું ?’ રાજાએ મહાત્માને પૂછ્યું.
 
સ્વામી ભાસ્કરાનંદે કહ્યું, ‘એ તો મેં તને બતાવી આપ્યું !’
 
‘એટલે ?’
 
‘એટલે કે, તું તારા ધનનો ઉપયોગ પાછળનાઓ માટે કર ! તારી નજર સામે તો પ્રધાનો, મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ, નગરશ્રેષ્ઠીઓ અને દોલતમંદો જ છે, પણ પાછું વળીને જો તો ખરો કે કેટલા બધા દુઃખી લોકો અન્ન અને વસ્ત્ર માટે કેવા કેવા હેરાન પરેશાન થાય છે ? ભૂખ્યા પેટે કંઈ કેટલાય લોકો રાતોની રાતો ગાળે છે ! તું તો તારી સન્મુખ સામે રહેલા સાધનસંપન્નોને જ જુએ છે, પણ તારી પાછળના નિરાધાર અને નિર્ધન માણસો તરફ નજર પણ કરતો નથી. મેં જેમ સોનામહોરો મારી પાછળ, પીઠ પાછળ નાખી દીધી તેમ તું પણ તારું ધન ગરીબો માટે વાપર અને કાશ્મીર નરેશે ભેટમાં આપેલી બધી સોનામહોરો ગરીબોને દાનમાં આપી દીધી. સ્વામી ભાસ્કરાનંદને વચન આપ્યું હવેથી મારી ગરીબ પ્રજાનું હું ધ્યાન રાખીશ.’