ભારતમાં ઇલેકક્ટ્રિક વાહનોની માંગ કેમ વધી રહી છે?

    15-Jun-2021   
કુલ દૃશ્યો |

Electric Vehicles_1 
 
 
વિશ્ર્વ હાલ પરિવહન ક્ષેત્રમાં વધતા ઈંધણના ભાવને લઈ અફરાતફરીમાં છે. તો ગ્લોબલ વોર્મિંગ ( Global Warming ) જેવા વૈશ્ર્વિક સંકટનો ભય પણ વિશ્ર્વ પર તોળાઈ રહ્યો છે. ત્યારે વિશ્ર્વ સ્વચ્છ ઈંધણ પરિવહન તરફ વળી રહ્યું છે. ત્યારે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicles) ના ભવિષ્ય અને સરકાર દ્વારા આ ક્ષેત્રે ચાલી રહેલા પ્રયાસો પર એક નજર...
 
# વિશ્ર્વ હવે જૈવિક ઈંધણની ઝંઝટમાંથી છૂટવા મથામણ કરી રહ્યું છે. ભારત પણ તેમાં રસ દાખવી રહ્યું છે.

# સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર દ્વારા એક શ્ર્વેતપત્ર બહાર પાડી કહ્યું છે કે, ૨૦૩૦ સુધી કુલ વાહનોના વેચાણમાં ૪૦ ટકા અને ૨૦૪૭ સુધી ૧૦૦ ટકા ઇલેક્ટ્રિક વાહનોનું લક્ષ્ય છે.

# અધિકારિક આંકડા મુજબ ભારત પોતાની મહત્ત્વાકાંક્ષી ઇલેક્ટ્રોનિક વાહન નીતિ મારફતે ૨૦૩૦ સુધી રોડ અને પરિવહન મારફતે જ ૬૪ ટકા ઊર્જા બચાવી શકે છે અને ૩૭ કાર્બન ઉત્સર્જન ઓછું કરી શકે છે. સાથે સાથે ૬૦ બિલિયન ડોલર બચાવી શકે છે.

# ૨૦૧૫-૧૭ દરમિયાન ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં સાતગણો વધારો નોંધાયો છે.
 
એક સમય હતો. જ્યારે ડીઝલ (Diesel) સસ્તું હોવાના કારણે ભારતમાં ડિઝલિયા વાહનો (Diesel Vehicle) પ્રત્યે ઝુકાવ સ્પષ્ટ જોવા મળતો હતો તેનું મુખ્ય કારણ પેટ્રોલ (Petrol) ની તુલનામાં ડીઝલની કિંમત ૨૦-૨૫ રૂપિયા જેટલી ઓછી હતી. ૨૦૧૨-૧૩ સુધી એક સમય એવો હતો કે, જ્યારે દેશમાં વેચાતાં તમામ યાત્રીવાહનોમાં ૪૭ ટકા જેટલાં ડીઝલથી સંચાલિત હતાં. પરંતુ ૨૦૧૪ આવતાં આવતાં ડીઝલ (Diesel Price) ની કિંમતો મુક્ત થઈ. પરિણામે ડીઝલ અને પેટ્રોલની કિંમતનું અંતર સતત ઘટતું ગયું અને આ અંતર જેમ જેમ ઘટતું ગયું તેમ તેમ પરિસ્થિતિ પણ બદલાઈ, જેને પરિણામે આજે જેટલા પ્રમાણમાં યાત્રીવાહનો વેચાય છે તેમાં માત્ર ૨૩ ટકા કારો જ ડીઝલ સંચાલિત હોય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારત સરકારના પરિવહન મંત્રાલય દ્વારા જે ક્રાંતિકારી પગલાં લેવામાં આવ્યાં છે તેનાથી સડકમાર્ગથી સાર્વજનિક પરિવહન અને મુસાફરીની પરંપરાગત રીતોમાં ધરખમ પરિવર્તન આવશે એમ વિશેષજ્ઞો માની રહ્યા છે. સૌ પ્રથમ વાત કરીએ ભારતમાં ઇલેક્ટ્રોનિક વાહનોની જરૂર અંગે...
 

કેમ જરૂરી છે ઇલેક્ટ્રોનિક વાહન | Electric vehicles

 
કેન્દ્ર સરકારનું લક્ષ્ય ૨૦૩૦ સુધી સમગ્ર દેશનું પરિવહન સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિક રીતે સંચાલિત કરવાનું છે તો વ્યક્તિગત પરિવહનનાં ૪૦ ટકા વાહનો પણ ઇલેક્ટ્રિકથી ચાલતાં કરવાનું લક્ષ્ય છે. ઉલ્લેખનીય છે કે આજે વિશ્ર્વનાં ૨૦ સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ૧૪ ખાલી ભારતનાં જ છે. વાયુ પ્રદૂષણને કારણે દર વર્ષે લાખો ભારતીયો અકાળે પોતાનું જીવન ગુમાવી રહ્યા છે. ત્યારે ભારતનાપરિવહનને વધુમાં વધુ પેટ્રોલ, ડીઝલમુક્ત બનાવી દેશમાં ફેલાયેલી ઝેરીલી હવા પર ઘણેખરે અંશે કાબૂ મેળવી શકાય છે.
 

જલવાયુ પરિવર્તન

 
વૈશ્ર્વિક તાપમાનમાં જે રીતે ભયજનક હદે વધારો થઈ રહ્યો છે ત્યાર બાદ ન માત્ર ભારત જ બલ્કે વિશ્ર્વ આખું જીવાશ્મિ ઉદ્યોગ અને તેના થકી થતું ઉત્સર્જન ઓછું કરવાના પ્રયાસો પર વિચારવા લાગ્યું છે. ભારતે પણ પોતાના ગ્રીન હાઉસ ઉત્સર્જનને ૨૦૩૦ સુધી ૩૦થી ૩૫% ઘટાડવાનો નિર્ધાર કર્યો છે.
 

Electric Vehicles_1  
 

ભારત સરકારની ભૂમિકા

 
ભારત સરકાર ( Indian Government ) પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્વચ્છ ઊર્જા આધારિત ગાડીઓની ખરીદી પર ભાર મૂકી રહી છે. આ અંતર્ગત સરકારે પોતાની ફેમ (FAM) યોજનાના બીજા ચરણમાં ૨૦૧૯-૨૦૨૨ દરમિયાન ઇલેક્ટ્રિક વાહનો માટે પોતાના ફંડને દસગણું વધારી દસ હજાર કરોડ કરી દીધું છે. સોસાયટી ઓફ ઇન્ડિયન મેન્યુફેક્ચર્સ (SIM)ના મહાનિર્દેંશક રાજેશ મેનન કહે છે કે, આજે અનેક કંપનીઓ ઇલેક્ટ્રિક ગાડીઓ બજારમાં ઉતારી રહી છે. તેનું મુખ્ય કારણ સરકારની FAME 2 નીતિની ખૂબીઓ છે. તેનાથી કોમર્શિયલ સેક્ટરમાં ઇલેક્ટ્રિક વાહનો જેમ કે બસો, ટ્રકો અને ટેક્સીઓને પ્રોત્સાહન મળશે અને ધીરે ધીરે તેની માંગમાં પણ વધારો થશે. FAME એટલે કે ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઇબ્રિટ એન્ડ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઇન ઇન્ડિયા ( Electric vehicles in india ) એ સરકારની યોજના જે મુખ્યત્વે જાહેર પરિવહન માટે ઇલેક્ટ્રિક ગાડીઓ બનાવનાર અને તેને ખરીદનારા લોકોને જ પ્રોત્સાહન આપે છે.
 
એનઆરઆઈ કન્સલ્ટિંગ ઍન્ડ સોલ્યુશનના વિશ્ર્લેષક આશીમ શર્મા કહે છે કે, સરકારનું વલણ ખૂબ જ વ્યવહારિક થઈ રહ્યું છે. કારણ કે હવે તે કેટલાક ખાસ સેગ્મેન્ટમાં જ ઇલેક્ટ્રિક ગાડીઓને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકી રહી છે. તેનાથી વધારેમાં વધારે લોકો ઇલેક્ટ્રિક વાહન ખરીદવા પ્રેરાશે.
 
પરંતુ અહીં સમસ્યા એ છે કે આ સેગમેન્ટ ગાડીઓના કુલ બજારનો ૨૦ ટકા ભાગ જ છે. ત્યારે ઇલેક્ટ્રિક ગાડીઓ સુધી આપણે ક્યારે પહોંચી શકીશું ? ખાનગી ગાડીઓ ખરીદનાર ઇલેક્ટ્રિક કાર અને વ્હીકલ ખરીદવામાં કેમ રસ દાખવી રહ્યા
નથી ? તેનો જવાબ આપતાં સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટો મેટિવ મેન્યુફેક્ચર્સ (SIAM)ના મહાનિર્દેંશક રાજેશ મેનન કહે છે કે, આવનાર સમયમાં બધું બદલાઈ જવાનું છે. વિશેષ કરીને ટેક્ધિકલ દૃષ્ટિએ, ચાર્જિંગની સુવિધાની દૃષ્ટિએ ખૂબ જ પ્રગતિ થશે અને બેટરીઓની ગુણવત્તામાં પણ વધારો થશે. ત્યારે જો આપણે સ્થાનિક સ્તરે બેટરી બનાવવાનું કામ શરૂ કરી દઈએ તો આવનાર સમયમાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં ઘટાડો થશે અને લોકો વધારે પ્રમાણમાં તે ખરીદવા પ્રેરાશે.
 

ઇલેક્ટ્રિક વ્હિકલ ( Electric Vehicles ) થી ભારતને ફાયદો જ ફાયદો, તેના પર કામ થવું જરૂરી 

 
ડ્રમના સંસ્થાપક અને સીઈઓ સંદીપ અગ્રવાલ કહે છે કે ઇલેક્ટ્રિક વાહનોથી આપણને ફાયદો જ છે. તેની જાળવણીમાં ખૂબ ઓછો ખર્ચ આવે છે. દેશમાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણ પર પણ તે લગામ લગાવશે, કારણ કે આવાં વાહનો ડીઝલ-પેટ્રોલ સંચાલિત વાહનોની સરખામણીમાં ઓછી કાર્બન ફૂટપ્રિન્ટ છોડે છે. જે પર્યાવરણને અનુકૂળ બનાવે છે. આ સાથે સાથે આ વાહનો તેલ આયાત પર દેશની નિર્ભરતા પણ ઓછી કરે છે. તેથી વાહનમાલિકોને ઈંધણમાં પૈસા પણ ઓછા ખર્ચવા પડે છે. સરકારે ઇલેક્ટ્રોનિક વાહનો પર ટેક્સ પણ ઓછો કર્યો છે, જેથી તેની કિંમતમાં પણ ઘટાડો થયો છે. સાથે સાથે તેઓ એમ પણ કહે છે કે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની ચાર્જિંગ સુવિધાનું મૂળભૂત માળખું નથી તો મોટા પાયે ઇલેક્ટ્રિક વાહનોને બનાવવા માટે મૂળભૂત માળખુ પૂંજી નિવેશ અને માનસિકતા ક્યાંક ને ક્યાંક તેને અસર કરી રહી છે.
 
પ્રિસિઝન કૈમશાફ્ટ્સ લિમિટેડના કાર્યકારી નિર્દેંશક કરન શાહ પણ આ જ વાત કરતાં કહે છે કે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની નીતિ પ્રગતિ પર છે. પરંતુ ઇલેક્ટ્રિક વાહનોની વધી રહેલી માંગને પહોંચી વળવા આપણે વધુ ઝડપથી કામ કરવું પડશે. બીજું કે આપણે તેની જાળવણી સેવા અને સુવિધાઓ પર પણ ધ્યાન આપવું પડશે.
 

મહિન્દ્રાએ વેચી ૧૪,૦૦૦ ઇલેક્ટ્રિક કાર

 
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ( Mahindra and Mahindra ) ભારતમાં અત્યાર સુધી લગભગ ૧૪,૦૦૦ ઇલેક્ટ્રિક કાર (( Electric Car) વેચી છે, જેમાંથી ૭૦% કોમર્શિયલ અને ફ્લીટ સેગમેન્ટમાં છે. મહિન્દ્રા ઇલેક્ટ્રિકના સીઈઓ મહેશ બાબુ કહે છે કે મહિન્દ્રા પબ્લિક અને પર્સનલ સ્પેસ બન્ને માટે ઇલેક્ટ્રિક ગાડીઓ બનાવી રહી છે.
 

વિશ્ર્વભરની કંપનીઓની ભારતીય બજાર પર નજર

 
આ વર્ષની શરૂઆતમાં જ ભારત સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહન (EV - Electric Vehicles ) બજારમાંની પ્રમુખ અમેરિકન કાર નિર્માતા કંપની ટેસ્લાને ભારતમાં પરિચાલન કાર્ય શરૂ કરવાની અનુમતી આપી છે. વિશેષજ્ઞો સરકારના આ કદને ભારતીય ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ક્રાંતિકારી બદલાવ લાવશેનું કહી રહ્યા છે. ૨૦૧૯માં ચીનની એમજી મોટર્સનો પણ ભારતીય બજારોમાં પ્રવેશ થઈ ચૂક્યો છે. થોડા સમય પહેલાં દિલ્હી ઓટો એકસ્પોમાં ચીનની પ્રમુખ કંપનીઓમાંની એક ઓટોમોબાઈલ કંપની ગ્રેટ વોલ મોટર્સએ પણ એલાન કર્યું હતું કે તે પોતાની એસયૂવી હવાલ અને ઇલેક્ટ્રિક વાહન જીડબલ્યુએમ EV ને ભારતીય બજારમાં ઉતારશે. દિલ્હી સ્થિત બર્ડ ઇલેક્ટ્રિક કંપનીએ પણ ચીનની હૈમા નામની ઇલેક્ટ્રિક કારો ભારતમાં લાવી વેચવાની તૈયારીમાં છે. કંપનીનો દાવો છે કે આ કાર એક વખત ચાર્જ થયા બાદ ૨૦૦ કિ.મી. સુધી જઈ શકશે.
 
આ સિવાય BYD ની ૧૨૦થી વધુ ઇલેક્ટ્રિક બસો પહેલાંથી જ ભારતીય બજારમાં છે. ઉલ્લેખનીય છે કે બીવાયડી એ વિશ્ર્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક ગાડીઓ બનાવતી કંપની છે. BYD એટલે કે બિલ્ડ યોર ડ્રીમ્સનું મુખ્ય કાર્યાલય ચીનના શેનજેનમાં છે. આ કંપની ઓલેક્ટ્રા ગ્રીનટેક નામની કંપનીની સાથે મળી ચેન્નઈમાં બસો બનાવે છે.
 
ઉલ્લેખનીય છે કે, ચીન ઇલેક્ટ્રિક ગાડીઓ બનાવવામાં અમેરિકા અને યુરોપથી પણ આગળ છે અને ઇલેક્ટ્રિક વાહનો માટે જરૂરી એવી લીથિયમ - આયર્ન બેટરીના કારોબારમાં પણ તે વિશ્ર્વમાં પ્રથમ નંબરે છે. વિશ્ર્વભરમાં ઇલેક્ટ્રિક કારોની બેટરીઓની નિર્યાતનો મોટો ભાગ ચીનનો હોય છે.
 

૨૦૨૨ સુધી ભારતની સડકો પર હશે ૧૦ લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ

 
ટાટા મોટર્સ પાસે પણ ફ્લીટ સેગમેન્ટ માટે અનેક પ્રોડક્ટ છે. ટાટા મોટર્સના ઇલેક્ટ્રિક મોબિલિટી બિઝનેસ ઍન્ડ કોર્પોરેટ સ્ટ્રેટેજી શૈલેશ ચંદ્રા કહે છે, કંપનીને સપ્ટેમ્બર, ૨૦૧૭માં સરકાર તરફથી ૧૦,૦૦૦ ઇલેક્ટ્રિક વ્હિકલ સપ્લાય કરવાનો ઓર્ડર મો હતો. એમએન્ડએમ અને ઔલાએ નાગપુરમાં ઇલેક્ટ્રિક માટે મોબિલિટી ઇકો સિસ્ટમ બનાવવાનો સરકાર સાથે કરાર કર્યો છે જે અંતર્ગત ૨૦૨૨ સુધી સડકો પર ૧૦ લાખ વ્હીકલ દોડતાં હશે.
 

Electric Vehicles_1  
 

કેવડિયા હશે દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ શહેર ( Electric Vehicles City)

 
યુરોપની જેમ બેટરીથી ચાલશે કાર, બસ અને બાઈક, આદિવાસી મહિલા-પુરુષો સંચાલન કરશે
 
વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારને નો પોલ્યુશન ઝોન જાહેર કર્યો છે. આ સાથે જ કેવડિયા દેશનું પહેલું ઇલેક્ટ્રિક વ્હિકલ શહેર બની જશે, જ્યાં પ્રવાસીઓને આવનજાવન માટે ફક્ત ઇલેક્ટ્રિક બસ, કાર કે રિક્ષાનો જ ઉપયોગ કરાશે. આ પહેલથી સ્ટેચ્યુ જ નહીં, કેવડિયા સફારી પાર્કની જીવસૃષ્ટિ પણ સુરક્ષિત રહેશે. આ વર્ચ્યુઅલ સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કહ્યું હતું કે, ‘હું તમને ભવિષ્યની એક યોજના વિશે જણાવવા માંગુ છું. ગુજરાતના સુંદર શહેર કેવડિયામાં આગામી દિવસોમાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને ફક્ત બેટરી આધારિત વાહનોને જ પ્રાથમિકતા અપાશે. કેવડિયા ગુજરાતનું એ શહેર છે, જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે પ્રવાસનને ઘણો વેગ મો છે.’
 
આ જાહેરાત પહેલા જ વડાપ્રધાન શ્રીએ વર્ષ ૨૦૧૯માં કેન્દ્ર સરકાર તરફથી કેવડિયામાં ફક્ત ઇલેક્ટ્રોનિક વાહનોને પ્રાથમિકતા આપવાનું નક્કી કરી લીધું હતું. આ મુદ્દે નેશનલ ટુરિઝમ એડવાઇઝરી કાઉન્સિલ (એનટીએસી) ના પૂર્વ ચેરમેન અને પૂર્વ પ્રવાસન મંત્રી કે. જે. અલફોન્સે કહ્યું હતું કે, ‘સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઘણો વધારો થશે. ઇલેક્ટ્રિક બસ અને અન્ય પાર્કિંગ સ્ટેન્ડ પણ તૈયાર કરાશે. કેવડિયામાં ઇલેક્ટ્રિક બસ સહિતના વાહનો ફરજિયાત થઈ રહ્યા છે. હમણાં સુધી અહીં પ્રવાસીઓ માટે ૮૦ બસ દોડાવાતી હતી. તેના માટે બસ સ્ટેન્ડ પણ બનાવાયા હતા. હવે આ બસોના બંધ થતાં ત્યાં ઈ-બસો પાર્ક કરાશે. અહીં બીજા ઈ-વ્હીકલ પાર્ક કરવાની પણ વ્યવસ્થા કરાશે.’
 

આ પ્રકારનું દેશનું પહેલું ઇનિશિયેટિવ

 
કેવડિયામા બે વર્ષ પહેલા દેશનું ઇલેક્ટ્રિક વ્હિકલ ટુરિઝમ ( Electric Vehicle Tourism ) ઇનિશિએટિવ લોન્ચ કરાયું હતું. અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઈકો ફ્રેન્ડલી ઈ-બાઈક્સનું પણ ઉદ્ઘાટન કરાયું હતું. એ વખતે તત્કાલિન પ્રવાસન મંત્રી અલફોન્સે કહ્યું હતું કે, ‘હવે અહીં સ્વાભાવિક રીતે પ્રવાસન વધશે. પ્રવાસીઓ ઈ-બાઈક્સની મદદથી જ સ્ટેચ્યુ જશે અને અહીંના ઇતિહાસને સમજશે.’ હાલ કેવડિયામાં બી-લાઈવ તરફથી ઈ-બાઈક્સ સર્વિસ અપાય છે.
 

ભારત બની શકશે સૌથી મોટું બજાર ?

 
ઇલેક્ટિક સાધનોની વૈશ્ર્વિક હરીફાઈમાં ચીન ભલે અવ્વલ હોય પરંતુ વિશેષજ્ઞો મુજબ ભારતનું બજાર એટલું મોટું છે કે, કોઈપણ તેની અવગણના કરી શકે તેમ નથી. વિશેષજ્ઞો મુજબ ભારત ૨૦૨૫ સુધી જાપાનને પાછળ છોડી વિશ્ર્વનું ત્રીજું સૌથી મોટું બજાર બની જશે. ગોલ્ડમેન સૈક્સ મુજબ ત્યાં સુધી ભારતમાં લગભગ ૭૪ લાખ ઇલેક્ટ્રિક ગાડીઓ હશે. જો કે છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારતમાં ગાડીઓના વેચાણમાં મંદી આવી છે અને હાલ છેલ્લા દાયકામાં સૌથી ઓછી ગાડીઓ વેચાઈ રહી છે. જો કે જાણકારો આ મંદીને અસ્થાયી અને ટૂંકા ગાળાની માની રહ્યા છે. ભારત સરકાર સતત આ મુદ્દે સક્રિય પ્રયત્નો કરી રહી છે. સરકાર ઇચ્છે છે કે ભારત વિશ્ર્વભરમાં ઇલેક્ટ્રિક કારોના નિર્માણનું સૌથી મોટું કેન્દ્ર બની જાય તો સૂઝૂકી અને ટાટા મોટર્સ જેવી મોટી કંપનીઓએ પણ ભારતમાં લીથિયમ - આયર્ન બેટરીઓના નિર્માણ માટે મોટા રોકાણની જાહેરાત કરી છે.
 
તાજેતરમાં જ ટાટા મોટર્સે જાહેર કર્યું છે કે તે પોતાની સહયોગી કંપની ટાટા કેમિકલ્સ અને ટાટા મોટર્સ સાથે મળી ભારતમાં લીથિયમ - આયર્ન બેટરીઓ બનાવશે અને તેનું એસેમ્બલિંગ કરશે. સરકારી આંકડા મુજબ ભારતમાં લીથિયમ - આયર્ન બેટરીઓની આયાત ૨૦૧૪-૧૫થી ૨૦૧૮-૧૯ વચ્ચે છગણી વધી ગઈ છે અને ૨૦૨૨માં લીથિયમ આયર્ન બેટરીઓની માંગ ૧૦ ગીગાવોટ અને ૨૦૨૫ સુધી તે ૫૦ ગીગાવોટ સુધી પહોંચવાનું અનુમાન છે ત્યારે જો ભારત લીથિયમ આયર્ન બેટરીઓ બનાવવાની ક્ષમતાનો વિકાસ કરી લેતાં ન માત્ર સ્થાનિક માંગ જ પૂરી થઈ શકશે, સાથે સાથે વૈશ્ર્વિક બજારમાં ચીનને પડકારી પણ શકશે. આમ ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જ્વળ જણાઈ રહ્યું છે. કારણ કે ખનિજ તેલ પર આપણી નિર્ભરતાને ઓછી કરવામાં સહાયક સાબિત થઈ શકે છે. જે વૈશ્ર્વિક પ્રદૂષણને મોટા પ્રમાણમાં ઓછું કરવાની સાથે સાથે જલવાયુ પરિવર્તનના મહા પડકારને પડકારવામાં પણ સહાયક થઈ શકે છે. ઇલેક્ટ્રિક વાહન પરિવહન ક્ષેત્રનું ભવિષ્ય બની શકે છે, પરંતુ તેના માટે સસ્તી અને આગામી પેઢીની બેટરી ટેક્નોલોજી ઊભી કરવી ખૂબ જ જરૂરી છે.