એવરેસ્ટ ચડવા સ્પર્ધા જોઈએ અને કૈલાસ ચડવા શ્રદ્ધા જોઈએ

    22-Jun-2021   
કુલ દૃશ્યો |

moraribapu_1  H
 
 
સ્વામી વિવેકાનંદે (Swami Vivekananda ) કહ્યું છે કે ‘બીજા લોકો માટે કરવામાં આવેલાં કાર્યોની મુખ્ય અસર આપણા પોતાના જ શુદ્ધિકરણમાં પરિણમે છે. એ વડે આપણે ઉદાર અને નમ્ર બનીએ છીએ. એટલું જ નહીં, એનાથી આપણું અભિમાન ઓગળવા લાગે છે.’ આ રીતે સ્વાર્થ વગર કરવામાં આવેલાં કર્મો ઉપાસના બની જાય છે અને એ શુભકર્મોના ફળમાં આપણી આસક્તિ ન હોવાથી, એ ‘અનાસક્ત કર્મ’ ગણાય છે. આવાં કર્મો મુક્તિદાતા નીવડે છે.
 
એવરેસ્ટ ( Averest ) ચડવા સ્પર્ધા જોઈએ અને કૈલાસ ( Kailash Mansarovar ) ચડવા માટે શ્રદ્ધા જોઈએ. મૂળ તો આપણે આપણા ભીતરના કૈલાસમાં પહોંચવાનું છે. કૈલાસ એટલે શીતળતા, કૈલાસ એટલે સ્થિરતા, કૈલાસ એટલે શુભ્રતા અર્થાત્ ઉજ્જ્વળ ભાવ. મારી અને તમારી અંદર ભીતરી સફેદીને પામશો એટલે કૈલાસને પામ્યા બરાબર છે. શિવ એટલે કલ્યાણ. સમાજનું જ્યાં ભલું થતું હોય એ કૈલાસ છે. દૂષણોને દૂર કરે એ હરિકથા છે. બાબાસાહેબને યાદ કરવા જ રહ્યા. વંચિતોના વાણોતર બાબાસાહેબ કહેતા કે ‘સદીઓ સુધી તમે માત્ર ગુલામી જ નથી કરી પણ અપમાન, અત્યાચાર સહન કર્યાં છે. એનાથી તમારામાં ક્રાંતિની ભાવના મરી પરવારી છે.’ નરસિંહ મહેતાએ સમાજસુધારણાની મશાલ વર્ષો પહેલાં ઝાલી હતી. સમાજમાં ભજનવાળા જ ક્રાંતિ લાવી શકે છે. નરસૈંયાની સામે વિરોધના અનેક વંટોળ આવ્યા હતા પણ એ અડગ રહ્યો. એ કાળનો તો વિચાર કરો જ્યારે ભેદભાવો તીવ્ર હતા. સામા વહેણમાં તરવાનું હતું. કળિયુગમાં મોટામાં મોટું ભજન સારા વિચારોનો આશ્રય છે. નરસિંહે જ્ઞાનનો ખજાનો આપણી સામે ખુલ્લો મૂકી દીધો છે... લૂંટ સકો તો લૂંટ લો...‘બત્તી વિણ, તેલ વિણ, સૂર્ય વિણ જો વળી, અચળ ઝળકે સદા અનળ દીવો, નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો, વણજિહ્વાએ રસ સરસ પીવો.’
 
અહલ્યાનું કોઈએ ધ્યાન ન રાખ્યું ત્યારે વિશ્ર્વામિત્ર ઋષિ સધિયારો બન્યા. સમાજે જેનો તિરસ્કાર કર્યો છે એને આદર આપો. તમે નાનામાં નાના માણસને પ્રેમ કરશો તો તમારી નાનામાં નાની વાત હરિ સ્વીકારશે. શ્રીમંત પ્રસન્ન થાય તો રૂપિયા આપે, વધારે પ્રસન્ન થાય તો તમારી જરૂરિયાત પૂરી કરી આપે. પરંતુ શાસ્ત્રો કહે છે કે ‘બુદ્ધિ તો કેવળ ઈશ્ર્વર જ આપી શકે છે. ઓશોના કોઈ ચાહકે મને પૂું કે ‘બાપુ, મેં કૃષ્ણમૂર્તિને બહુ સાંભળ્યા છે, પચાવવાની કોશિશ કરી પણ જરા કઠિન જણાયું. ઓશો મને રસિક લાગ્યા.’ કૃષ્ણમૂર્તિએ એવું કહ્યું કે ધ્યાન છોડી દો, તો ઓશો કહે છે કે ‘કૃષ્ણમૂર્તિએ બરાબર કહ્યું. એમણે ઠીક કહ્યું પણ અઠીક લોકો માટે કહ્યું. એકવાર તમે ધ્યાન કરશો પછી હું પણ કહીશ ધ્યાન છોડી દો. હિંમત હોય તો કોશિશ કરજો. એકવાર ધ્યાન લાગી જાય પછી એ છૂટતું નથી. જેમ એકવાર રામનામની રટ લાગે પછી એ છૂટે નહીં. શિવ ન છોડી શક્યા. શિવે બધું છોડ્યું પણ રામનામની રટ ન છોડી. પોતાની પ્રિય વસ્તુઓને ત્યાગી છે. સતીને પણ ત્યાગ્યાં હતાં.
 
શિવજી યોગશ્રી છે. એટલે જ યોગેશ્ર્વર કહીએ છીએ. જગતમાં જેટલા જેટલા યોગ આવ્યા એનું ઉદ્ગમસ્થાન શિવ છે. ઓશોએ કહ્યું છે કે ‘ગોરખે યોગની અને ધ્યાનની જેટલી પદ્ધતિઓ અર્જિત કરી છે એટલી કદાચ ભાગ્યે જ કોઈએ કરી હોય. ગોરખને પૂછો તો એ પણ કહેશે કે ‘યોગના મૂળમાં સદાશિવ છે. સંસારમાં બધા લગભગ અર્ધા યોગી રહ્યા છે. પૂરા યોગી એક શિવ છે. શિવ પૂરા ભોગી છે એટલે જ એ પૂરા યોગી છે. બંનેમાંથી પસાર થાવ તો જ પૂર્ણતા આવી શકે. ભોગી ડિસ્ટર્બ થઈ જાય જ્યારે યોગીને કોઈ ચીજ વિચલિત કરી ન શકે.
 
રામને આંબાનું ઝાડ પ્રિય છે. એટલે જ માનસમાં આંબાનું ઝાડ અનેક જગ્યાએ બતાવ્યું છે. ચિત્રકૂટમાં ચાર વૃક્ષ પાકરી, જાંબુ, તમાલ અને આંબો. જ્યાં રામ છે ત્યાં આંબાનું ઝાડ છે. કામદેવને પણ આંબાનું ઝાડ પ્રિય છે. ચિત્રકૂટમાં કામ પણ છે અને રામ પણ છે. એટલે જ મારા રામ પૂર્ણ છે. મારા ભુશુન્ડી જ્યાં સાધના કરે છે, નીલગિરિમાં આંબાના ઝાડની નીચે માનસપૂજા કરે છે. કૈલાસ પર શંકર કથા સંભળાવે છે. શંકર ખુદ વિશ્ર્વાસ અને સંભાળનાર શ્રદ્ધા. રામકથા ભક્તિ છે. વિશ્ર્વાસ વિના ભક્તિ શરૂ નથી થતી.
 
આલેખન  - હરદ્વાર ગોસ્વામી