વિનાશક વાવાઝોડાં પાછળની કથા, વિજ્ઞાન અને રોચક માહિતી વાંચવી હોય તો આ લેખ તમારા માટે છે...

    04-Jun-2021   
કુલ દૃશ્યો |

cyclone_1  H x  
 
 

વિનાશક વાવાઝોડાં | પર્યાવરણની ઉપેક્ષાનું પરિણામ અને સજા


છેલ્લા ઘણા સમયથી વિશ્ર્વભરમાં વિવિધ પ્રકારનાં ભયાનક વાવાઝોડાં ( Cyclone ) અને પૂર જેવી કુદરતી આપત્તિઓ આવી રહી છે. દર વર્ષે લાખ્ખો કરોડો લોકો વાવાઝોડાંમાં મૃત્યુ પામે છે અને મિલકતોનું અને કુદરતી સંપત્તિનું પણ નુકસાન થાય છે ! ભારતમાં ગયા અઠવાડિયે જ વાયુ, તૌકતે અને યાસ વાવાઝોડાં ( Cyclone ) એ ગુજરાત સહિત સમગ્ર દેશને ઘમરો. અનેક લોકોનાં મૃત્યુ થયાં અને તબાહી થઈ. આ પહેલા પણ વિશ્ર્વ ને દેશમાં ટોર્નેડો, સુનામી, હરિકેન, હૈયાન, સેન્ડી, કેટરિના પવન, અલ્ફાન, લહેર, સાગર અને આકાશ જેવાં ભયાનક વાવાઝોડાં આવી ચૂક્યાં છે પરંતુ ચિંતા એ વાતની છે કે ધીમે ધીમે વાવાઝોડાં અત્યંત ભયાનક અને વિનાશક સ્વરૂપ ધારણ કરતાં જાય છે. આની પાછળનું કારણ શું ? એની વિસ્તૃત છણાવટ આ મુખપૃષ્ઠ વાર્તામાં પ્રસ્તુત છે.

વિશ્ર્વમાં કેટલાંક ભયંકર પૂર | World and Cyclone

વાવાઝોડું, ઉષ્ણકટિબંધીય વાવાઝોડું, હરિકેન, અને ટાયફૂન આ તોફાની વોવાઝોડાંના સમાન સ્વરૂપો માટેનાં અલગ અલગ નામો છે, જે સમુદ્ર ઉપર આકાર લે છે. સૌથી ભયંકર હરિકેન ૧૯૭૦નું ભોલા વાવઝોડું હતું. ભયંકર એટલાન્ટિક હરિકેન ૧૭૮૦નું ગ્રેટ હરિકેન હતું જેણે માર્ટિનીક સેંટ, યુસ્ટશિયસ અને બાર્બાડોસમાં વિનાશ વેર્યો હતો. અન્ય નોંધપાત્ર વાવાઝોડું હરિકેન કેટરીના હતું, જેણે ૨૦૦૫ના યુનાઇટેડ સ્ટેટ્સના અખાતી દરિયાકિનારે વિનાશ વેર્યો હતો. ઉપરાંત ગયા મહિને જ ભારતમાં વાયુ, તૌકતે અને યાસ વાવાઝોડાં ત્રાટક્યાં હતાં. કેટલાંક ભયંકર પૂર અને વાવાઝોડાં નીચે મુજબ છે.
 
# ચીનમાં હૂઆંગ હે (યલો નદી)માં પૂર ઘણી વખત આવે છે. ૧૯૩૧નું મોટું પૂર જે ૮૦૦,૦૦૦ અને ૪,૦૦૦,૦૦૦ની વચ્ચે મૃત્યાંકોમાં પરિણમ્યું હતું.
 
# ૧૯૯૩નું મોટું પૂર યુનાઇટેડ સ્ટેટ્સના ઇતિહાસમાં સૌથી વધુ ખર્ચાળ પૂર હતું.
 
# ૧૯૯૮ યાંગઝે નદીના પૂર, ચીનમાં પણ આવેલું, જેણે ૧૪ મિલીયન લોકોને ઘરવિહોણા બનાવ્યા હતા.
 
# ૨૦૦૦ના મોઝામ્બિક પૂરે દેશના મોટા ભાગને ત્રણ સપ્તાહો સુધી આવરી લીધો હતો, જેના કારણે હજારો મૃત્યુ થયાં હતાં અને તે ઘટના બાદ અમુક વર્ષો સુધી દેશને વિનાશની ગર્તામાં ધકેલી દીધો હતો.
 
# ભોલા ચક્રવાત, પૂર્વ પાકિસ્તાન (હાલના બાંગ્લાદેશ)ઉપર ૧૯૭૦માં ત્રાટક્યું હતું.
 
# ટાયફૂન નીના, ૧૯૭૫માં ચીન પર ત્રાટક્યું હતું.
 
# ઉષ્ણકટિબંધનું સ્ટ્રોમ એલિસન, જેણે ૨૦૦૧માં હ્યુસ્ટોન, ટેક્સાસને અસર પહોંચાડી હતી.
 
# વાવાઝોડું કેટરીના, જેણે ૨૦૦૫માં ન્યૂ ઓર્લિન્સના મોટા ભાગને પાણીની અંદર રાખ્યું હતું. મોટા ભાગનાં પૂર શહેરની બંધ વ્યવસ્થાને કારણે આવ્યાં હતાં.
 

cyclone_1  H x  

કેટલાંક ભયંકર વાવાઝોડાં | dangerous cyclone and World

સુપરસેલ ટોર્નેડો | Supercell Tornado

 
મોટા ભાગના કેટલાક હિંસક ટોર્નેડો સુપરસેલ થંડરસ્ટ્રોમમાંથી ઉદ્ભવે છે. સુપરસેલ થંડરસ્ટ્રોમ લાંબા સમય સુધી ચાલતું થંડરસ્ટ્રોમ છે, જે હવામાં સતત ઉપર તરફ તેના બંધારણમાં સમાયેલું છે. આ સ્ટ્રોમ ટોર્નેડો ઉત્પન્ન કરવાનું વલણ ધરાવે છે, જેમાંના કેટલાક વિશાળ ફાયર (શંકુના આકારનો લાકડાનો કે ધાતુનો ટુકડો) હોય છે. સુપરસેલ થંડરસ્ટ્રોમ ઓછો અસ્તિત્વકાળ ધરાવે છે, જે વાદળોના સ્તરને ઉપર નીચે ફેરવે છે તે વોલ ક્લાઉડ તરીકે જાણીતું છે. તે કેટલેક અંશે લેયર કેક તરીકે દેખાય છે, જે પહોળાં વાદળ ધરી નીચે લટકતું રહે છે. વોલ ક્લાઉડની એક તરફ વરસાદ મુક્ત હોય છે, જ્યારે અન્યની સાથે વરસાદનાં ઘન ઝાપટાં હોય છે. સુપરસેલનું ઉપર નીચે થતું અપડ્રાફ્ટ રડાર પર મેસોસાયક્લોન તરીકે દેખાય છે.
સુપરસેલ થંડરસ્ટ્રોમની સાથે રહેલા ટોર્નેડો લાંબા સમય સુધી પૃથ્વી સાથે એક કલાક અથવા અન્ય ટોર્નેડો કરતાં વધુ સમય સુધી સંપર્કમાં રહે છે અને ૨૦૦ એમપીએચ કરતાં વધુ ગતિથી પવન ફૂંકાતો હોવાથી હિંસક બનવાની શક્યતાઓ રહેલી છે.

લેન્ડસ્પાઉટ | landspout Cyclone

સામાન્ય રીતે સુપરસેલ ટોર્નેડો ( Supercell Tornado ) કરતાં નબળાં હોય છે, લેન્ડસ્પાઉટ વલ ક્લાઉડ કે મેસોસાયક્લોન સાથે સંકળાયેલાં હોતાં નથી. નીચે ઊતરતા ક્યુમ્યુલોનિમબસ અથવા ઉપર ચડતા ક્યુમુલલ વાદળો અને જમીન વોટરસ્પાઉટની સમકક્ષ હોય તેવું નોંધી શકાય છે. તે ઘણી વખત ‘ગસ્ટ ફ્રંટ’ તરીકે જાણીતા થંડરસ્ટ્રોમમાંથી નીકળતી ઠંડા વરસાદની ડાઉનડ્રાફ્ટ હવાની અગ્ર ધારનું સ્વરૂપ હાંસલ કરે છે.
 

cyclone_1  H x  

ગસ્ટનાડો | Gustnado Cyclone

નબળું અને સામાન્ય રીતે ટૂંકા અસ્તિત્વવાળું, ગસ્ટનાડો થંડરસ્ટ્રોમના અગ્રભાગમાંથી પવનના ઝાપટાનું સ્વરૂપ ધારણ કરે છે, જે થોડા સમય માટે ગોળ ગોળ ફરે છે અથવા વિખરાયેલા વાદળ જેવું દેખાય છે. વાદળની ઉપર સુધી અથવા પરિભ્રમણ વચ્ચે દેખીતું જોડાણ નથી. તે ધૂળ જેવું દેખાય છે.

વોટરસ્પાઉટ | Wataerspout Cyclone

વોટરસ્પાઉટ પાણીની ઉપરનું ટોર્નેડો છે. થોડા સ્વરૂપે સુપરસેલ થંડરસ્ટ્રોમ્સનું સર્જન કરે છે, પરંતુ અન્યો નબળા થંડરસ્ટ્રોમ અથવા ઝડપથી વધતા જતા વાદળાના ઢગલામાંથી આકાર લે છે. વોટરસ્પાઉટ સામાન્ય રીતે ઓછી ઉગ્રતાવાળા હોય છે અને ઓછા નુક્શાનમાં પરિણમનારાં હોય છે. જવલ્લે જ પચાસ યાર્ડ પહોળાઈથી વધુ, તે હૂંફાળા ઉષ્ણકટિબંધનું સમુદ્ર જળ પર આકાર લે છે, તેનું નાળચું જળનું બનેલું ડ્રોપલેટ હોવા છતાં ઘટ્ટતામાંથી પાણીની વરાળમાંથી સંક્ષિપ્ત થાય છે - સમુદ્રાના ખારા પાણીમાંથી નહીં. વોટરસ્પાઉટ સામાન્ય રીતે જમીન સુધી પહોંચતાં સુધીમાં વિખરાઇ જાય છે.

વાવાઝોડાનાં કારણો અને છણાવટ | Reason behind cyclone

અરબ સાગરમાં ઉદ્ભવેલા તાઉતે સાઇક્લોને કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ બાદ ગુજરાતને પણ ઘમરોળ્યું. તાઉતેના કારણે ભારતના પશ્ર્ચિમ તટે છેલ્લા થોડા દિવસોથી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. તાઉતે સાઇક્લોને વૈજ્ઞાનિકોના એ દાવાને સાચો ઠરાવ્યો છે કે ઓછી શક્તિ ધરાવતાં વાવાઝોડાં પણ સમુદ્રના વધી રહેલા તાપમાનના કારણે શક્તિશાળી સાઇક્લોનમાં ફેરવાય છે. મોસમ વિજ્ઞાનીઓના મતે શક્તિશાળી વાવાઝોડાંની તાકાત દસ વર્ષમાં આઠ ટકા જેટલી વધી છે. ભારતમાં સાઇક્લોન તરીકે ઓળખાતાં સમુદ્રી વાવાઝોડાં સામાન્ય રીતે મે મહિનાથી ઓક્ટોબર દરમિયાન આવતાં હોય છે.
 
દરિયાકાંઠાનાં રાજ્યો માટે સમુદ્રી વાવાઝોડાંની નવાઈ નથી. દેશના પૂર્વીય તટ પર અવારનવાર વિનાશક વાવાઝોડાં આવતાં રહે છે. આમ તો સાયક્લોન નામે ઓળખાતાં વાવાઝોડાં ભારતની પૂર્વે અરબ સાગર અને પશ્ર્ચિમે બંગાળની ખાડીમાં સર્જાતા હોય છે પરંતુ પૂર્વ કાંઠા કરતાં પશ્ર્ચિમ કાંઠે એટલે કે બંગાળની ખાડીમાં આવાં વાવાઝોડાં ઉદ્ભવવાનું પ્રમાણ ચારગણું વધારે હોય છે. આનું મુખ્ય કારણ એ કે બંગાળની ખાડી કરતાં અરબ સાગરના પાણીનું તાપમાન થોડું નીચું હોય છે જેના કારણે આ વિસ્તારમાં આવાં વાવાઝોડાં ખાસ પેદા થતાં નથી કે સઘન થતાં નથી. બીજું એ કે પૂર્વીય તટે બંગાળની ખાડી કે આંદામાન સમુદ્ર નજીક ઉદ્ભવતાં વાવાઝોડાં ઉપરાંત પેસિફિક મહાસાગર તરફથી પણ ક્યારેક વાવાઝોડાં આવે છે.

વૈજ્ઞાનિકોનો | Cyclone amd Science

દુનિયાભરમાં ભારે વિનાશ વેરતાં વાવાઝોડાંની સંખ્યા વધી રહી છે. સંશોધનોના આધારે વૈજ્ઞાાનિકો એ તારણ પર પહોંચ્યા છે કે છેલ્લા ત્રણ દાયકામાં એટલાન્ટિક મહાસાગરમાં આવતાં વાવાઝોડાંઓમાં હવાની ગતિ વધી છે. એ જ રીતે પેસિફિક મહાસાગરમાં ઉદ્ભવતાં વાવાઝોડાંઓ પણ વધારે વિનાશકારી બન્યાં છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આવનારા વર્ષોમાં વાવાઝોડાં વધારે ને વધારે વિનાશક બનતા જશે, કારણ કે ક્લાયમેટ ચેન્જના કારણે સમુદ્રો વધારે ગરમ થઈ રહ્યા છે.
 
ઉદાહરણ તરીકે સામાન્ય રીતે આ સમયે અરબ સાગરનું તાપમાન ૨૮-૨૯ ડિગ્રી સેલ્સિયસ રહેતું હોય છે, પરંતુ અત્યારે તાઉતે સાઇક્લોન ઉદ્ભવ્યું ત્યારે અરબ સાગરની સપાટીનું તાપમાન ૩૧ ડિગ્રી સેલ્સિયસ હતું. ગ્લોબલ વૉર્મિંગના પરિણામે દુનિયાભરના સમુદ્રોનું તાપમાન વધી રહ્યું છે પરંતુ હિન્દ મહાસાગરનું તાપમાન બધા કરતાં વધારે ઝડપથી વધી રહ્યું છે. હિન્દ મહાસાગરના ક્ષેત્રમાં ભારત સહિત બાવીસ દેશો આવે છે. દુનિયાની ત્રીજા ભાગની વસતી હિન્દ મહાસાગરના કિનારે વસવાટ કરે છે. એટલા માટે ક્લાયમેટ ચેન્જની દૃષ્ટિએ દુનિયાભરના મોસમ વિજ્ઞાનીઓની નજર હિન્દ મહાસાગર ઉપર લાગી છે. જુદાં જુદાં વૈજ્ઞાનિક અધ્યયનોમાં એ વાત સામે આવી ચૂકી છે કે જો તાપમાનમાં વધારો વર્તમાન દરે ચાલુ રહ્યો તો વર્ષ ૨૦૫૦ સુધીમાં હિન્દ મહાસાગરમાં અલ નીનો જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે હિન્દ મહાસાગરમાં ક્લાયમેટ ચેન્જનાં માઠાં પરિણામો જોવા મળી રહ્યાં છે.
 
ભારતસહિત હિન્દ મહાસાગરના તટીય પ્રદેશોમાં મોસમના ફેરફારને લગતી આફતોનું વધી રહેલું પ્રમાણ એ વાતની સાબિતી છે કે વૈશ્ર્વિક તાપમાનમાં વૃદ્ધિ થવાના કારણે ક્લાયમેટ ચેન્જનો દુષ્પ્રભાવ વધી રહ્યો છે. નવા અભ્યાસમાં ધ્યાનમાં આવ્યું છે કે અગાઉ જે અનુમાન કરવામાં આવ્યાં હતાં એના કરતાં વધુ ઝડપે સમુદ્રોનું જળસ્તર વધી રહ્યું છે. વધી રહેલા તાપમાનના કારણે પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર પથરાયેલો બરફ પીગળી રહ્યો છે. યુ.એન.ના એક રિપોર્ટ અનુસાર છેલ્લા એક દાયકામાં ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકામાં પથરાયેલી બરફની ચાદરમાં દર વર્ષે ૪૦૦ અબજ ટનનો ઘટાડો થયો છે. આટલી મોટી માત્રામાં બરફ પીગળવાના કારણે મહાસાગરોની સપાટી દર વર્ષે આશરે ૧.૨ મિલીમીટર વધી છે. પહાડોમાં રહેલા ગ્લેશિયર પણ વધી રહેલા તાપમાનના કારણે પીગળ્યા છે અને ગ્લેશિયરોનો પણ વાર્ષિક સરેરાશ ૨૮૦ અબજ ટન બરફ પીગળ્યો છે, જેના કારણે સમુદ્રોની સપાટીમાં ૦.૭૭ મિલીમીટરનો વધારો થયો છે.

વૈશ્ર્વિક તાપમાન વૃદ્ધિ | Global temperature and cyclone

વાવાઝોડાંની સંખ્યા અને તેમની મારક ક્ષમતા વધવા પાછળ ગ્લોબલ વૉર્મિંગ કારણભૂત છે. મોસમ વિજ્ઞાનીઓના મતે ક્લાયમેટ ચેન્જના કારણે સમુદ્રનું તાપમાન આધી દુનિયામાં વધી રહ્યું છે. સમુદ્રની સપાટીનું તાપમાન વધવાના કારણે વાવાઝોડાં વધારે શક્તિશાળી બની જાય છે. વિજ્ઞાાનીઓના મતે જેમ જેમ સમુદ્રો ગરમ થતા જશે તેમ તેમ નબળા વાવાઝોડાં પણ ઝડપથી શક્તિશાળી અને વિનાશકારી થતાં જશે. અમ્ફાન, ફાની અને ઓખી જેવાં વાવાઝોડાંથી આ વાત સાબિત થઈ છે. હવે તાઉતે સાઇક્લોને પણ આ વાત પાકી કરી છે. વિનાશક વાવાઝોડાંઓની સંખ્યા દર દાયકે આઠ ટકાના હિસાબે વધી રહી છે.
 
ક્લાયમેટ ચેન્જના કારણે સમુદ્રોની સપાટીમાં થઈ રહેલા વધારાને કારણે પણ વાવાઝોડાં વધારે વિનાશક બને છે, કારણ કે સપાટી વધવાના કારણે પાણી જમીનની વધારે અંદર ધસી આવે છે અને તટીય વિસ્તારોને જળમગ્ન કરી દે છે. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે તાઉતે વાવાઝોડાં બાદ સામે આવ્યું છે કે છેલ્લાં ચાર વર્ષથી ચોમાસા પૂર્વે અરબ સાગરમાં સાઇક્લોન ઉદ્ભવી રહ્યાં છે. છેલ્લી એક સદીમાં અરબ સાગરનું તાપમાન વધ્યું છે, જેના કારણે વાવાઝોડાંની મારકક્ષમતા પણ વધી છે.

વાતાવરણમાં થતો સતત બદલાવ | Cyclone Impact on Environment

છેલ્લાં થોડાં વર્ષોથી મોસમના ચક્રમાં ફેરફાર આવી રહ્યો છે અને દેશભરમાં ગરમ વિસ્તારોનો વ્યાપ વધી રહ્યો છે. પચાસના દાયકા સુધી દેશમાં ઊંચા તાપમાનનું ક્ષેત્ર માત્ર દક્ષિણ અને મધ્ય ભારત સુધી સીમિત હતું. પરંતુ હવે તો લગભગ આખા ભારતમાં ગરમી વધી ગઈ છે. મોસમ વિજ્ઞાાનીઓ દેશના વાતાવરણમાં આવી રહેલા આ બદલાવ પાછળ મનુષ્યના હસ્તક્ષેપને જવાબદાર ગણાવી રહ્યા છે. હકીકતમાં છેલ્લાં થોડાં વર્ષોથી ભારતનાં શહેરોમાં જે રીતે બાંધકામ વધ્યું છે અને વસતીની ગીચતા વધી છે એના કારણે એ વિસ્તારના પ્રદૂષણમાં અનેકગણો વધારો થયો છે. એમાંયે હવે ઉનાળામાં દિવસનું તાપમાન સામાન્ય કરતા વધારે ઊંચું રહેતું હોય છે. જો આ જ ઝડપે પૃથ્વીનું તાપમાન વધતું રહ્યું તો આવનારા સમયમાં મોસમમાં ખતરનાક ફેરફારો આવશે. વરસાદનું પ્રમાણ અને પેટર્ન એ હદે બદલાઈ જશે કે અનેક સ્થળોએ કાળો દુષ્કાળ પડશે. વધતી જતી વસતીના પ્રમાણમાં અનાજની ઊપજમાં ભયજનક ઘટાડો થશે અને કરોડો લોકો ભૂખમરાનો ભોગ બનશે. પર્યાવરણમાં થઈ રહેલા આ ફેરફારના પરિણામે ભારતમાં બે પ્રકારના બદલાવ જોવા મળી રહ્યા છે. એક છે તાપમાનમાં વધારો અને બીજો છે મોનસૂનની પેટર્નમાં ફેરફાર. આ બંને પ્રકારના ફેરફાર દેશની અર્થવ્યવસ્થા માટે ઘાતક પુરવાર થઈ શકે છે. આજે તાતી જરૂરિયાત છે કે સરકાર આને કટોકટીની પળ ગણીને ક્લાઇમેટ ચેન્જની અસરોને પહોંચી વળવા યુદ્ધના ધોરણે કામગીરી આરંભે. આમાં બે સ્તરે કામગીરી કરવાની આવશ્યક્તા છે. પહેલી તાતાત્કાલિક ઉપાયો યોજીને પર્યાવરણમાં થઈ રહેલા ફેરફારોને કાબૂમાં લાવવાના રહેશે અને બીજું લાંબા ગાળાની યોજનાઓ ઉપર કામ શરૂ કરવાનું રહેશે.
 

cyclone_1  H x  

વર્તમાન સદીનું સૌથી મોટું જોખમ

ખરી સમસ્યા એ વાતે છે કે જો દુનિયાના તમામ દેશો પણ ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનમાં કમી લાવવાના પોતાના વાયદા પૂરા કરી દે તો પણ દુનિયાનું તાપમાન ઔદ્યોગિક ક્રાંતિ પહેલાંના સ્તરથી ઓછામાં ઓછું ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધી જશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આટલા ઊંચા તાપમાનના વધારાની પર્યાવરણ પર અત્યંત ખરાબ અસરો થશે.
જર્મન પર્યાવરણશાસ્ત્રી યોહાન રોકસ્ટ્રોમના દાવા અનુસાર જો તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થશે તો તાપમાન આપોઆપ વધવા લાગશે. મતલબ કે એ પછી ગાડીમાં બ્રેક ફેઇલ થઈ જાય એવો ઘાટ સર્જાશે અને તાપમાન વધતું જ રહેશે અને એ પછી ગમે તેવા પ્રયત્નો એ વધારાને નાથી નહીં શકે.
 
મોસમ વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે વર્તમાન સદીમાં સૌથી મોટું જોખમ વધી રહેલા તાપમાનનું જ છે. એટલા માટે આગામી કેટલાક દાયકામાં ધરતીનું તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડવાનો ભારેખમ પડકાર દુનિયા સામે ઊભો છે. પર્યાવરણને બચાવવા માટે સંમેલનો અને શિખર બેઠકો તો વર્ષોથી યોજાય છે પરંતુ શક્તિશાળી રાષ્ટો પોતાના સ્વાર્થને લઈને ધરતીને બચાવવાના કોઈ પ્રયાસમાં સહકાર આપતા નથી. શ્રીમંત રાષ્ટો પર્યાવરણની પરિસ્થિતિ કથળવાના દોષનો ટોપલો ગરીબ રાષ્ટોના માથે ઓઢાડી દે છે. દુનિયાના અર્ધાથી પણ વધારે દેશોમાં આજે બળતણ તરીકે કોલસો કે લાકડાંનો ઉપયોગ થાય છે. વાહનો અને કારખાનાઓથી થતા પ્રદૂષણને નાથવાનો કોઈ નક્કર પ્લાન નથી.
 
હવામાન સંસ્થાઓ અને સંશોધકોના અહેવાલો નજર સામે છે, દુનિયાના તમામ દેશોની સરકારોએ એ રિપોર્ટો પર તાત્કાલિક ધોરણે કામ કરવાની જરૂર છે નહીંતર પૃથ્વીનું હવામાન એવું બેલગામ બની જશે જેને દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે. વિકાસની વિવિધ પરિયોજનાઓ અંતર્ગત જે રીતે જંગલોનો સફાયો કરવામાં આવ્યો અને વૃક્ષો કાપવામાં આવ્યાં એના કારણે પરિસ્થિતિ ભયાવહ બની ગઈ છે.

કુદરતી હોનારતોમાં વિશ્ર્વને એક જ વર્ષમાં ૨૧૦ અબજ ડોલરનું નુકસાન થયું

ક્લાયમેટ ચેન્જના કારણે કુદરતી આફતોનું પ્રમાણ વધી રહ્યું છે અને એનો સીધો માર ગરીબ અને વિકાસશીલ દેશોને પડયો છે, ગત વર્ષે ભારતમાં ત્રાટકેલાં વાવાઝોડાં અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોથી દેશની અર્થવ્યવસ્થાને મોટો માર પડ્યો.
ગત વર્ષ કોરોના મહામારી ઉપરાંત કુદરતી આફતોના મામલે પણ માનવજાત માટે અત્યંત કષ્ટદાયી રહ્યું. વર્ષ ૨૦૨૦માં આવેલી કુદરતી આફતો માનવીને આર્થિક રીતે પણ બહુ મોંઘી પડી છે. બ્રિટનની સંસ્થા ક્રિશ્ર્ચિયન એડના રિપોર્ટ અનુસાર આખી દુનિયામાં જે દસ સૌથી મોટી કુદરતી આફત આવી એમાં આશરે ૧૩૦ અબજ ડૉલરનું નુકસાન થયું. આ દસમાંની બે કુદરતી હોનારતો ભારતમાં નોંધાઈ હતી. મ્યુનિક રે નામની ઇન્શ્યોરન્સ કંપનીના અહેવાલમાં પણ કહેવામાં આવ્યું છે કે વાવાઝોડાં, આગ, પૂર, ગરમી અને ઠંડી જેવી કુદરતી આફતોના કારણે વિશ્ર્વને ગત વર્ષે ૨૧૦ અબજ ડૉલરનું નુકસાન થયું.
વર્ષ ૨૦૨૦ને ક્લાયમેટ ચેન્જ બ્રેકડાઉનના વર્ષ ગણાવતા આ રિપોર્ટ અનુસાર ક્લાયમેટ ચેન્જનો સૌથી મોટો માર ગરીબ દેશોને પડયો છે. આ દેશોમાં તો જાનમાલનો કોઈ વીમો પણ નહોતો. એશિયાના અનેક દેશોમાં આવેલા પૂર અને વાવાઝોડાં, અમેરિકા અને યુરોપના ભયંકર તોફાન કે પછી આફ્રિકાના દેશોમાં થયેલા તીડોના હુમલા હોય, પ્રકૃતિએ તેને થયેલા નુકસાનનો માનવજાત ઉપર બરાબર બદલો લીધો. ટોચની દસ કુદરતી આફતોમાં સુપર સાયક્લોન અમ્ફાન ચોથા ક્રમે અને જૂનથી ઓક્ટોબર દરમિયાન કેરળથી લઈને આસામ જેવાં અનેક રાજ્યોમાં આવેલાં પૂર અને ભૂસ્ખલનની હોનારતોને પાંચમા ક્રમે મૂકવામાં આવી છે.
 

cyclone_1  H x  

વાતાવરણમાં થતો સતત બદલાવ

વાવાઝોડાં, વરસાદ, આંધીતોફાન જેવી કુદરતી આફતો આવતી રોકવી તો શક્ય નથી. આવી કુદરતી આફતની વિનાશકતા વધારે હોય કે ઓછી પરંતુ જરૂરી એ છે કે તેના વિશે અગાઉથી ચેતવણી જાહેર કરવામાં આવે અને બચાવ અને રાહતકાર્યોની વ્યવસ્થા ગોઠવવામાં આવે. જો આવી તૈયારીઓ અગાઉથી કરી રાખવામાં આવે તો લોકોની તકલીફો ઓછી થાય અને લાખો કરોડોના જાનમાલનું નુકસાન પણ અટકે.
 
આર્થિક પ્રગતિની દોટમાં કોઈ પણ દેશ પોતાની ઔદ્યોગિક કામગીરીને નિયંત્રિત કરવા માટે ઇચ્છુક નથી. મોટાં મોટાં કારખાનાં સ્થાપવા અને નદીઓ, પહાડો, જંગલો જેવાં કુદરતી સંસાધનોની ફિકર કર્યા વિના સડકો, વસાહતો અને બજારો ઊભાં કરવાની જાણે હોડ મચી છે. એવામાં કુદરતી આફતોથી થતા નુકસાનથી બચવાના કામચલાઉ ઉપાયો તો કરી લેવામાં આવે છે પરંતુ કુદરતી આફતો આવતી અટકાવવા માટેના ઉપાયો પ્રયોજવામાં આવતા નથી. હકીકતમાં છેલ્લાં થોડા વર્ષોથી ભારતના હવામાનની પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ બની રહી છે. દેશના અનેક વિસ્તારોમાં વરસાદ, વાવાઝોડાં, ધૂળ-રેતીની આંધી, વીજળી ત્રાટકવી જેવા કુદરતી પ્રકોપ વધી રહ્યા છે.

કુદરતના સંકેતો સમજો

કુદરતના આ અસંતુલનના કારણે ચોમાસાને તો અસર પહોંચી, સાથે સાથે જમીનના ધોવાણ અને નદીઓ દ્વારા ભૂક્ષરણની પ્રવૃત્તિ પણ વધી. પૂર અને દુષ્કાળ પ્રાચીન સમયથી માનવજીવન માટે સમસ્યા સર્જતા આવ્યાં છે. એક રીતે જોતાં પૂર કે દુષ્કાળ માત્ર કુદરતી આફત જ નથી, પરંતુ પ્રકૃતિ તરફથી આપણને મળતી ચેતવણી પણ છે. સવાલ એ છે કે આજે માનવી ભણેલો-ગણેલો તો બની ગયો છે પરંતુ તે કુદરતના સંકેતો સમજવા જેટલો હોંશિયાર રહ્યો છે ખરો? કઠણાઈ એ છે કે આજે આપણે વધારે શિક્ષિત તો બન્યા છીએ પરંતુ પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડીને જીવવાનું ભૂલી ગયા છીએ. હવામાનની આગાહીના વિકસિત તંત્ર છતાં પૂર કે દુષ્કાળનું સચોટ પૂર્વાનુમાન થઈ શકતું નથી.
 
ખરેખર તો કુદરત સાથે આપણે જે પારકો વ્યવહાર કર્યો છે એના જવાબમાં કુદરત પણ આપણી સાથે સાવકો વ્યવહાર કરી રહી છે. આજે ગ્લોબલ વોર્મિંગ જેવા શબ્દો એટલા પ્રચલિત બની ગયા છે કે લોકોને ક્યારેક વિજ્ઞાનીઓની ચેતવણીઓ જ ખોટી લાગે છે. ક્લાયમેટ ચેન્જની વાતો તો થાય છે પરંતુ એ માટે જરૂરી પગલાં લેવામાં આવતાં નથી. હકીકતમાં કુદરત સાથે ચેડાં કરવાના પરિણામ ક્લાયમેટ ચેન્જના કયા સ્વરૂપમાં આપણી સામે આવશે એ કહી શકાય એમ નથી. એ જ કારણ છે કે હવામાન વિભાગ પણ પૂર કે દુષ્કાળની પરિસ્થિતિની આગાહી કરવામાં નિષ્ફળ નીવડે છે.
 
કુદરતી આફતોનો સામનો કરવા માટે અને ત્વરિત પ્રતિક્રિયા આપવા માટે જરૂરી યોજના બનાવવા અને એ લાગુ કરવા માટે માળખું રચવાની જરૂર છે. તાત્કાલિક રાહતકાર્યો ઉપરાંત ઝડપી પુનર્વાસની યોજના પણ ઘડવાની જરૂર છે. પૂર કે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિમાં ઓછામાં ઓછું નુકસાન થાય એ માટે સૂક્ષ્મ આયોજન કરવાની જરૂર છે. તાત્કાલિક ઉપાયો ઉપરાંત લાંબા ગાળાના ઉપાયો પ્રયોજવા પણ આવશ્યક છે. જંગલો કાપવાની પ્રવૃત્તિ ઘટાડવામાં આવવી જોઈએ. સડક અને મકાન નિર્માણ દરમિયાન પ્રાકૃતિક સંતુલનનું ધ્યાન રાખવું જોઈએ.
 
શહેરીકરણ અને પર્યાવરણના સંતુલનને સાથે રાખીને ચાલવાની જરૂર છે. ઉદ્યોગો, પાવર હાઉસો, રિફાઇનરીઓ અને કાર્બન ઉત્સર્જિત કરતા અન્ય એકમોને લઇને એક સર્વગ્રાહી નીતિ બનાવવાની જરૂર છે. પર્યાવરણના રક્ષણમાં નાગરિકોની ભાગીદારી વધારવી જોઈએ. વૃક્ષારોપણને એક નારા કે અવસર પૂરતું સીમિત ન રાખતા જીવનનો હિસ્સો બનાવવું જોઈએ. ભૂગર્ભજળના સંરક્ષણ ઉપરાંત પાણીને વેડફતું રોકવા માટેના ઉપાયો પણ પ્રયોજવા જોઈએ. આપણી બેકાબૂ પ્રવૃત્તિઓ દ્વારા આપણે જ કુદરતનો લય બગાડયો છે અને કુદરતના આ બદલાયેલા સ્વરૂપે આપણને બેહાલ કર્યાં છે.

ઉપસંહાર

સામાન્ય રીતે ભારતમાં ચાર કે પાંચ વાવાઝોડાં અને આંધીના ગાળા આવતા હોય છે. જોકે હવામાનની દૃષ્ટિએ જોતાં ચોમાસા અગાઉ વાવાઝોડાં આવવાં એ બદલાઈ રહેલા પર્યાવરણની નિશાની છે, પરંતુ જ્યારે માનવી જ પર્યાવરણની અનદેખી કરતો હોય ત્યારે પર્યાવરણ પોતે કોઈ નિયમો પાળવા બંધાયેલું નથી.
 
ક્લાઇમેટ ચેન્જના આ દોરમાં આપણે હવે એ તૈયારી રાખવી પડશે કે મોસમનો કેર કોઈ પણ સ્વરૂપે ત્રાટકી શકે છે. આ માટે આપણે સાવધ અને સાવચેત રહેવું પડશે. આ માટે સામાજિક અને આર્થિક સ્તરે અનેક ફેરફાર પણ કરવા પડશે. સતત પર્યાવરણ સાથે રમત રમવાનું પરિણામ આપણે હવે ભોગવી રહ્યાં છીએ. પર્યાવરણની સતત ઉપેક્ષા કરવાનું આ પરિણામ છે અને એની સજા આપણે ભોગવી રહ્યાં છીએ.
 
ખરેખર તો આ સમય પર્યાવરણ સાથે આપણે જે રમત આદરી છે એ વિશે વિચાર કરવાનો છે. પર્યાવરણ પ્રત્યેની આપણી બેદરકારીને ભૂલીને નવી રીતે વિચારવાનો અને નવી શરૂઆત કરવાનો સમય છે.