પૂ. શ્રી ગુરુજી | રાષ્ટ્ર સમર્પિત સંગઠનના પ્રણેતા

    05-Jun-2021
કુલ દૃશ્યો |

guruji_1  H x W
 
 

વ્યક્તિ કરતાં તત્ત્વ મોટું છે અને તત્ત્વ કરતાં પણ તેનું આચરણ મહત્ત્વનું છે - પૂ. ગુરુજી

સાધના સાપ્તાહિકના પાયાના પ્રણેતા ભાસ્કરદાદા ( સ્વ.ભાસ્કરભાઈ પંડ્યા ) શ્રી ગુરૂજી ( Shree Guruji - Madhav Sadashiv Golwalkar ) ને મળ્યા પછી તેમના વિશે લેખ લખે છે. આ લેખ આજે અહીં શબ્દશઃ અહીં પ્રસ્તુત કર્યો છે…
 
“સંઘ શિક્ષાવર્ગ ( Sangh Shiksha Varg ) ના પ્રથમ વર્ષનું શિક્ષણ લેવા હું કર્ણાવતી ગયો હતો. વર્ગમાં પૂ. ગુરુજી ( Shree guruji) નું ભાષણ સાંભળવા મળ્યું. તેમની સાથે બેસવાનો, ચર્ચા કરવાનો, વિચારોની આપલે કરવાનો મોકો મળ્યો ત્યારે એવું લાગતું હતું કે અધ્યાત્મ માર્ગનો કોઈ મોટો યાત્રિક કશીક કાર્યપૂર્તિ માટે આ ભૂમિ પર અવતર્યો છે. કોઈપણ વિષય પરની ચર્ચા હોય, તેને આપણી પ્રાચીન પરંપરા સાથે, આપણાં જીવનમૂલ્યો સાથે, આપણી સંસ્કૃતિના ચિરંતન સત્યની સાથે તેઓ સાંકળી લેતા. જીવનનાં અનેક પાસાંઓને લગતી ચર્ચા તેમની સાથે થતી, પ્રશ્ર્નો પણ પુછાતા. વિષયની શાશ્ર્વતતાના દૂરગામી વિચારો તેઓ મૂકતા. પ્રાસંગિક વિષય રજૂ કરતી વખતે પણ સ્વાર્થી, નિરુપયોગી વાતો ભણી લોકોનું ધ્યાન દોરવાનો તેમનો સ્વભાવ જ ન હતો.
 

वसुधैव कुटुम्बकम् નો આધાર

 
આપણે જીવનના અંતિમ સત્યની ઓળખ કરી લેવી જોઈએ. આ વાત પર આપણા વિચારકોએ ભાર મૂક્યો છે. આ સત્ય એટલે ભારતીય સંસ્કૃતિએ આજ સુધી કરેલી સાધનાનું ફળ. वसुधैव कुटुम्बकम् (સમગ્ર વિશ્ર્વ એક કુટુંબ છે) એમ કહીએ છીએ. આજે બધે લોકશાહીની બોલબાલા છે. બધા જ મનુષ્યો એક કુટુંબના છે એ પ્રતિપાદિત કરવું જરૂરી છે. બધે જ સ્વાતંત્ર્ય, સમતા, બંધુભાવની ક્રાંતિકારી ઘોષણાઓ થાય છે. શોષણવિહીન સમાજ નિર્માણ કરવાનો દાવો કરનારા પોતાના વિચારો ફેલાવવામાં મશગૂલ છે. બધી વ્યક્તિઓને સમાન માનવાનું કારણ શું? તેમનામાં સરખાપણું ક્યાં છે? દરેકને મતદાનનો અધિકાર કેમ? તેનો મૂળગામી વિચાર થવો જોઈએ. માત્ર ભૌતિકતાના વિચારના આધારે સમાનતા આવશે નહીં એવું શ્રી ગુરુજીએ અવારનવાર કહ્યું છે, સાબિત કર્યું છે. ‘એક માબાપના સંતાનો પણ સરખાં હોતાં નથી. તેમનામાં પણ તફાવત હોય છે. યોગ્યતા, ક્ષમતાની દ્ષ્ટિએ પણ માણસે માણસે જુદાપણું હોય છે. કેવળ માણસમાં જ નહીં બધાં જ પ્રાણીઓમાં આત્મતત્ત્વ રહ્યું છે તેની અનુભૂતિ થાય, તેની ઓળખ થાય તો જ એકત્વની અનુભૂતિ થશે. આના આધારે જ वसुधैव कुटुम्बकम्ની ઘોષણા સાર્થક થશે.

અલૌકિક વ્યક્તિત્વ| Shree Guruji - Madhav Sadashiv Golwalkar 

પૂ. ગુરુજી ( Shree Guruji ) ની વિશેષતા માત્ર વૈચારિક દ્ષ્ટિની જ ન હતી. તેમણે એક વખત કહ્યું હતું કે, ‘જગતનું સઘળું જ્ઞાન-વિજ્ઞાન અને અનુભવ એ મનુષ્યમાત્રની સંપત્તિ છે. તેનો લાભ આપણે પણ લઈશું. પણ તેમાં બે બાબતની કાળજી રાખીશું. એક તો તેને રાષ્ટ્રાનુકૂળ બનાવીશું અને બીજું તેને કાલાનુરૂપ સ્વરૂપ આપીશું. વ્યક્તિ કરતાં તત્ત્વ મોટું છે અને તત્ત્વ કરતાં પણ તેનું આચરણ મહત્ત્વનું છે. કૃતિ શ્રેષ્ઠ છે! એટલે સમાન વિચાર અને આચારયુક્ત અનુશાસનબદ્ધ રાષ્ટ્રવ્યાપી સંગઠન કરવામાં જે યશસ્વી થાય એ અલૌકિક વ્યક્તિ ગણાય.’
 

રાતદિવસ એક જ ચિંતા

 
પૂ. ગુરુજી ( Shree Guruji ) નો પ્રવાસ દેશભરમાં થતો. તેને તેઓ પરિક્રમા - પ્રદક્ષિણા કહેતા. આ અમારી માતૃભૂમિ, તેને પુત્રરૂપ આ સમાજ, આ સમાજની સંસ્કૃતિ, એ સંસ્કૃતિના સંરક્ષણની અને સંવર્ધનની જવાબદારીની વાત તેમણે દેશના ખૂણેખૂણે પહોંચાડી. વર્ષના 365 દિવસ તેઓ આ કાર્યસાધનામાં વ્યસ્ત રહેતા. રાતદિવસ બસ એક જ ચિંતા, એ જ વિચારમાં મગ્ન રહેતા. આ માટે જ પ્રવાસ, માર્ગદર્શન અને ચિંતન. પૂ. ગુરુજીના પરિચયમાં આવનાર વ્યક્તિને આની જાણકારી થાય ત્યારે તે અચંબામાં પડી જાય. પૂ. ડાક્ટર સાહેબે ( Keshav Baliram Hedgewar ) સંઘકાર્યનો પ્રારંભ કર્યો તો પૂ. ગુરુજી ( Shree Guruji ) એ તેને વિચારનિષ્ઠ અખિલ ભારતીય સંગઠનનું સ્વરૂપ આપ્યું.
 

આ પ્રેરણા કોની? એટલા માટે જ સંઘનું કાર્ય બધા કરતાં અલગ તરી આવે છે.

 
આજે પૂ. ગુરુજી ( Shree Guruji ) આપણી વચ્ચે નથી. તો સંઘ ( RSS - Rashtriya Swayamsevak Sangh ) ના કાર્યકર્તાને કામ કરવાની વિલક્ષણ પ્રેરણા કોણ આપે છે? સમસ્ત વિશ્ર્વને આનું આશ્ર્ચર્ય થાય છે પણ આ પ્રેરણા વ્યક્તિનિષ્ઠ નથી. તત્ત્વનિષ્ઠ છે, આદર્શનિષ્ઠ છે, ધ્યેયનિષ્ઠ છે. સંઘનું તત્ત્વજ્ઞાન, સંઘનો વિચાર એ કાંઈ ઉપરચોટિયો વિચાર નથી. આપણે હંમેશાં ઊંચા વિચારો કરીએ છીએ. આવા વિચારો કરવા માટે પણ શક્તિ જોઈએ. મોટા મોટા સિદ્ધાંતો મૂકવામાં કોઈ ઊણું નથી ઊતરતું. દેશના દરેક ભાગમાં સંઘ ( RSS - Rashtriya Swayamsevak Sangh ) નો કાર્યકર્તા ( Swayamsevak )સમાજનાં બધાં અંગોને સંગઠિત કરે છે. લોકોને તે કામ સાથે જોડે છે અર્થાત્ તત્ત્વનું પ્રત્યક્ષ આચરણ દ્વારા પ્રગટીકરણ કરે છે, પરિણામે કામ સતત ચાલતું રહે છે. એટલા માટે જ સંઘનું કાર્ય બધા કરતાં અલગ તરી આવે છે.
 

સંઘ પરના પ્રથમ પ્રતિબંધ પછીની કર્ણાવતીની સભામાં…

 
પૂ. ગુરુજી ( Shree Guruji ) ને જીવનભર સંઘવિરોધી પ્રચારની સામે ઝઝૂમવું પડ્યું. સંઘ પર અનેક જુઠ્ઠા આક્ષેપો થતા રહ્યા. વિરોધીઓ સારા-નરસાનો વિચાર ન કરતા. જાણી જોઈને વિરોધ કરતા. પણ એ વિરોધને લીધે પૂ. ગુરુજી વિચલિત ન થયા. સંઘ પરના પ્રથમ પ્રતિબંધ ( ban on RSS - Rashtriya Swayamsevak Sangh ) પછીની કર્ણાવતીની સભામાં તેમણે અંતર્વ્યથા ઠાલવી : ‘આખુંયે રાષ્ટ્ર નહીં પરંતુ સ્વયં પરમાત્મા મનુષ્યના સ્વરૂપમાં પ્રગટ થઈ આપણી પાસે પૂજા - સેવા માગી રહ્યા છે. પ્રત્યક્ષ નારાયણના સ્વરૂપમાં એક એક માનવી ઊભો છે. તેની સામે દ્વેષ? ભગવાન નારાયણની સામે, અખંડ બ્રહ્માંડમાં અધિનાયક સામે ક્રોધ? તે આપણા હિત માટે પૂજા માગે છે. તેમની સાથે ક્રોધની ભાવના તદ્દન અસંભવિત છે. આત્મીયતાની આ ભાવના પોતાની અંદર ઉત્પન્ન કરીને, તેને સંપૂર્ણ ભારતમાં ભરી દેવાનું વ્રત સંઘે લીધું છે.’
 

‘સંઘનું કાર્ય सर्वेषां अविरोधेन - કોઈનો વિરોધ કર્યા વિનાનું છે

 
વિરોધમાંથી જે વિષ નીકળ્યું તેનું પાન કરીને તેમણે તો જગત પર અમૃતની વર્ષા કરી. સમાજને સંજીવનીનું પાન કરાવ્યું. વિના કારણ થતો વિરોધ જોઈને તેઓ ક્યારેય ઉદ્વિગ્ન ન થયા. શ્રી ગુરુજીવિષયક પુસ્તકના લેખક શ્રી ગંગાધર ઇન્દુરકરે પોતાના પુસ્તકમાં લખ્યું છે उनका हृदय अमृतमयी उदारतासे परिपूर्ण है। उनके पास वह हृदय नहीं जो बुराईको स्थान दे सके। તેમના હૃદયમાં ક્યારેય કોઈના વિશે કટુભાવ પેદા ન થયો. અમને સ્વયંસેવકોને તેઓ કહેતા, ‘સંઘનું કાર્ય सर्वेषां अविरोधेन - કોઈનો વિરોધ કર્યા વિનાનું છે. જ્યારે જ્યારે દેશ પર સંકટ આવ્યું, સીમાડાઓ પર પરકીયોનું આક્રમણ થયું, ત્યારે તેમણે કહ્યું वयं पंचाधिकं शतम् (આપણે એકસો પાંચ છીએ). ઘરનો ઝઘડો ઘરમાં પણ જ્યારે બહારના દેશ સામે આવે ત્યારે આપણે સો અને પાંચ નહીં પણ એકસો પાંચ છીએ.
 

આવા સંસ્કાર રાજકારણમાંથી મળતા નથી

 
કટોકટી ( Emergency ) કાળમાં અંદરોઅંદરના મતભેદો ભૂલીને આપણે સ્વાતંત્ર્યનું રક્ષણ કરવું જોઈએ, એવા સંસ્કાર રાજકારણમાંથી મળતા નથી. રાજનીતિ પણ જીવનમૂલ્યોની સાથે જોડાયેલી હોવી જોઈએ. પણ એવું થતું નથી. એટલે પૂ. ગુરુજી રાજકારણ અંગે ક્ષુબ્ધ રહેતા. તેથી અમને - રાજકારણમાં પડેલા સ્વયંસેવકોને ક્યારેક ક્યારેક લાગતું કે અમે કાંઈ ખોટું તો કરતા નથી ને? પણ તેમના ક્ષુબ્ધ હોવાનાં પણ કારણો હતાં. આજે આપણે આપણા દેશની સ્થિતિ જોઈએ છીએ તો લાગે છે કે બધે વ્યક્તિગત સ્વાર્થ વિસ્તર્યો છે. પોતાના પક્ષના લાભો નજર સામે રાખીને જ કામ - ભલે તે પ્રજાહિતના નામે ખપાવાતાં હોય - કરાય છે. આમાં દેશના ભલાની વાત ક્યાં છે?
 
સમગ્ર સમાજના કલ્યાણની ભાવના ક્યાં દેખાય છે? બધી જાતના સામાજિક દોષ જેવા કે ગરીબી, સામાજિક ઊંચ-નીચ ભાવ, બેકારી, ભ્રષ્ટાચાર, ચારિત્ર્યની શિથિલતા વગેરેને નાશ કરી સ્વસ્થ સમાજજીવન અને સ્વસ્થ રાષ્ટ્રજીવન ઊભું કરવાનું રાજકારણ ક્યાં છે? પોતાની વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા અને સંકુચિત રાજકારણ વિશાળ સમાજહિતની આડે આવવા નહિ દઈએ એ ભાવ કેમ નથી? દુ:ખની વાત તો એ છે કે વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા સફળ ન થાય તો ગમે તે કરતાં એ રાજકારણી અચકાતો નથી અને દોષનો ટોપલો ઢોળવા માટે બલિનો બકરો શોધી કાઢે છે.
 

સંઘ ( RSS ) અને મુસલમાનો

 
એક મુસલમાને પૂ. ગુરુજી ( Shree Guruji ) ને મુસલમાનો તરફના અભિગમ વિશે પૂછ્યું. તેમણે તરત જ જવાબ આપ્યો, ‘આપણે એક જ બાપદાદાના વંશજો છીએ, એ વાત આપણે હંમેશાં ધ્યાનમાં રાખવી જોઈએ. તમારા સંપ્રદાયનું પાલન થવું જ જોઈએ. પણ રાષ્ટ્રના ભોગે અધિકારો કે વિશેષાધિકારોનો દાવો ચાલી જ ન શકે.’ તેઓ ઉમેરે છે કે ‘આપણે ક્યારેય કોઈને કહેતા નથી કે અમે હિન્દુ છીએ તેથી આ કે તે ઉપર અમારો વિશેષ અધિકાર છે. ના. જરા પણ નહીં’. પૂ. ગુરુજીએ કહ્યું, ‘રાષ્ટ્રકાર્યનો સંબંધ છે ત્યાં હું હિન્દુ અને મુસલમાન વચ્ચે કોઈ ભેદ નથી જોતો. પરંતુ તેમની વિશેષાધિકાર અને ખાસ હક્કોની માગણી તો બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતની વિરોધી છે.’ મુસ્લિમ સમસ્યા અંગેનું તેમનું દર્શન તાત્ત્વિક વજૂદવાળું છે અને વ્યાવહારિક રીતે આપણા ઇતિહાસ સાથે સુસંગત છે.
 

સંઘ કોઈનોય વિરોધ કે દ્વેષ કરતો નથી

 
સંઘ ( RSS - Rashtriya Swayamsevak Sangh ) નું કામ મુસ્લિમ વિરોધી છે તેવો પ્રચાર કરવામાં આવે છે પણ સંઘ કોઈનોય વિરોધ કે દ્વેષ કરતો નથી. દ્વેષના આધાર પર કોઈપણ સંગઠન ઊભું થઈ શકે નહીં. સંઘનું કામ સ્નેહ પર આધારિત આત્મીયતાના પાયા પર ઊભું થયું છે, એટલે એ ટકાઉ છે. દરેક રાષ્ટ્રજીવનનું એક વૈશિષ્ટ્ય હોય છે અને તેનું રક્ષણ થવું જોઈએ. સંઘ કોઈના વિરોધના આધાર પર રચાયો છે તે નરાતળ જૂઠું છે અને આવું જૂઠાણું લાંબો સમય ટકતું નથી એ હકીકત છે. આજે સમગ્ર વિશ્ર્વ અંધકારમાં અટવાઈ રહ્યું છે, અણુબાઁબ - પરમાણુ બાઁબના ભયના ઓથારમાં જીવી રહ્યું છે. આંતર્રાષ્ટ્રીય સંબંધોમાં તનાવ વધતો જાય છે. શસ્ત્રભંડારોમાં વધારો થતો જાય છે. જ્યાં સમૃદ્ધિ છે ત્યાં શાંતિ નથી અને જ્યાં શાંતિ હોય એવું દેખાય છે ત્યાં સ્મશાનશાંતિ છે. સમાધાનકારી જીવન ક્યાંય નથી. આવા સમયે કઈ વિચારધારા માનવતાનો રાહ ચીંધશે? કેવા આદર્શો જગમાંથી વિષમતાને દૂર કરશે? જગતને નિર્ભય કરશે, જેથી યુદ્ધની શંકા સુધ્ધાં રહે નહીં અને સુખ-શાંતિપૂર્ણ જીવન હશે? જગત સરળ જીવનપ્રવાહના માર્ગે આગળ ધપશે? આ બધું કયા આદર્શોના લીધે બની શકશે? નરને નારાયણ બનાવનાર સંસ્કૃતિનો વારસો આપણને મળ્યો છે. અરવિંદ, વિવેકાનંદ, ડો. હેડગેવાર, ગાંધીજી અને ગુરુજી જેવા વિચારવંત પુરુષો આ સંસ્કૃતિએ આપ્યા છે. તેમનાં કાર્યોને નજરે નિહાળવાનો લહાવો આપણને મળ્યો છે. હવે એ માર્ગ ઉપર ચાલવાની જવાબદારી આપણી છે.
 
પૂ. ગુરુજી ( Shree Guruji ) હવે નથી રહ્યા. તેમના જેવું વિરાટ વ્યક્તિત્વ પંચમહાભૂતના દેહમાં ક્યાં સુધી રહી શકે? આયખાભર તલતલ જલીને, ક્ષણ ક્ષણ અર્પીને લક્ષાવધિ તરુણોના જીવનને આલોકિત કરનાર એ તેજપુંજ મૂઠીભર હાડમાંસના શરીરમાં ક્યાં સુધી બંધાઈ રહે?
 
તો પણ પૂ. ગુરુજી ( Shree Guruji - Madhav Sadashiv Golwalkar ) સદાય રહેશે... મારા, તમારા અને આપણા સહુના હૃદયમાં. અગ્નિ તેમના પાર્થિવ શરીરને બાળી શકે પણ ભારતભરના લક્ષાવધિ હૃદયોમાં વિલસી રહેલું તેમનું અપાર્થિવ તેજ કેવી રીતે ઓલવી શકે? તેમણે પેટાવેલ પ્રખર રાષ્ટ્રપ્રેમ અને નિ:સ્વાર્થ સમાજસેવાની ચેતનાને કોઈ બુઝાવી નહિ શકે.
 

અંતે...

 
હે! સંઘશક્તિના ભક્તિધામ,
હે! અગ્નિમિત્ર જાજ્વલ્યમાન,
હે! લોકહૃદયના અમર ગાન,
હે! શિવિ - દધીચિની યાદગાર,
હે! પરશુરામના સ્વાભિમાન
તવ ચરણોમાં અમ શત પ્રણામ.
 
(શ્રીગુરુજી : 19-2-1906 થી 5-6-1973)