જગન્નાથ પુરીની રથયાત્રા શા માટે વિશ્વમાં અદ્વિતીય?

    12-Jul-2021
કુલ દૃશ્યો |
 
rathyatra_1  H
 

અષાઢી બીજ (તા. ૧૨ જુલાઈ, ૨૦૨૧) રથયાત્રા નિમિત્તે વિશેષ

તા. ૧૨ જુલાઈ, ૨૦૨૧ના રોજ અષાઢી બીજ છે. એટલે હિન્દુઓનું પાવન પર્વ રથયાત્રા. દેશના-વિદેશના અનેક ભાગોમાં આ શુભ દિને રથયાત્રા નીકળે છે. જેમાં જગન્નાથપુરી - ઓરિસ્સાની રથયાત્રા વિશ્ર્વ શ્રેષ્ઠ છે. બીજા ક્રમે અમદાવાદની રથયાત્રા છે. આ અંકમાં જગન્નાથપુરીની રથયાત્રાની વિશેષતા, ધાર્મિક માહાત્મ્ય અને અજબ-ગજબની વાતો પ્રસ્તુત છે...

કળીયુગનું પવિત્ર ધામ છે જગન્નાથપુરી

 
હિન્દુ ધર્મની પૌરાણિક માન્યતાઓમાં ચાર ધામોમાં પ્રત્યેકને એક યુગનું પ્રતીક માનવામાં આવે છે. આ પ્રકારે કળીયગુમાં પવિત્ર ધામ જગન્નાથ પુરી માનવામાં આવે છે. તે ભારતના પૂર્વ ઓરિસ્સા રાજ્યમાં સ્થિત છે, જેનું પુરાતન નામ પુરુષોત્તમ પુરી, નીલાંચલ, શંખ અને શ્રીક્ષેત્ર પણ છે. ઓરિસ્સા કે ઉત્કલ ક્ષેત્રના પ્રમુખ દેવતા ભગવાન જગન્નાથ છે. એવી ધાર્મિક માન્યતા છે કે ભગવાન જગન્નાથની મૂર્તિ રાધા અને શ્રીકૃષ્ણનું યુગલસ્વ‚પ છે. શ્રીકૃષ્ણ, ભગવાન જગન્નાથના જ અંશસ્વ‚રૂપ છે. એટલા માટે ભગવાન જગન્નાથને જ પૂર્ણ ઈશ્ર્વર માનવામાં આવ્યા છે.
 

કળીયુગનું પવિત્ર ધામ છે જગન્નાથપુરી

 
ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાની પરંપરા રાજા ઇન્દ્રદ્યુમ્ને શ‚રૂ કરી હતી. આ કથા સંક્ષેપમાં આ પ્રકારે છે -
કળીયુગના શ‚આતના સમયમાં માલવ દેશ ઉપર રાજા ઇન્દ્રદ્યુમ્નનું શાસન હતું. તે ભગવાન જગન્નાથનો ભક્ત હતો. એક દિવસ ઇન્દ્રદ્યુમ્ન ભગવાનનાં દર્શન કરવા નીલાંચલ પર્વત ઉપર ગયા તેને ત્યાં દેવ મૂર્તિનાં દર્શન ન થયાં. નિરાશ થઈને જ્યારે પાછા આવવા લાગ્યા ત્યારે ભવિષ્યવાણી થઈ કે ખૂબ જલદી ભગવાન જગન્નાથ મૂર્તિના સ્વ‚રૂપમાં ફરી ધરતી ઉપર આવશે. આ સાંભળીને તે ખુશ થયો.
 
એકવાર જ્યારે ઇન્દ્રદ્યુમ્ન પુરીના સમુદ્રતટ ઉપર ફરી રહ્યો હતો ત્યારે તેને સમુદ્રમાં લાકડાના બે વિશાળ ટુકડા તરતા દેખાયા. ત્યારે તેને ભવિષ્યવાણીની યાદ આવી અને વિચાર્યું કે આ લાકડાથી જ ભગવાનની મૂર્તિ બનાવશે. ત્યારે ભગવાનની આજ્ઞાથી દેવતાઓના શિલ્પ વિશ્ર્વકર્મા ત્યાં લાકડાની મૂર્તિ બનાવનાર સુથારના રૂ‚પમાં આવ્યા અને તેને એ લાકડામાંથી ભગવાનની મૂર્તિઓ બનાવવા માટે રાજાને કહ્યું. રાજાએ તરત જ હા પાડી દીધી. ત્યારે સુથારના ‚પમાં વિશ્ર્વકર્માએ એવી શરત રાખી કે મૂર્તિનું નિર્માણ એકાંતમાં કરશે અને જો કોઈ ત્યાં આવે તો તે કામ અધૂરું છોડીને ચાલ્યો જશે. રાજાને શરત માની લીધી. ત્યારે વિશ્ર્વકર્માએ ગુન્ડિયા નામના સ્થળે મૂર્તિ બનાવવાનું કામ શરૂ કર્યું. એક દિવસ ભૂલવશ રાજા સુથારને મળવા પહોંચી ગયો. તેમને જોઈને વિશ્ર્વકર્મા ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા અને ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ અધૂરી રહી ગઈ. ત્યારે ભવિષ્યવાણી થઈ કે ભગવાન આ રૂ‚પમાં જ સ્થાપિત થવા માગે છે. ત્યારે રાજા ઇન્દ્રદ્યુમ્ને વિશાળ મંદિર બનાવ્યું અને ત્રણે મૂર્તિને ત્યાં સ્થાપિત કરી. ભગવાન જગન્નાથે મંદિરનિર્માણના સમયે રાજા ઇન્દ્રદ્યુમ્નને બતાવ્યું હતું કે તેઓ વર્ષમાં એકવાર પોતાની જન્મભૂમિ ચોક્કસ આવશે. સ્કંદપુરાણના ઉત્કલ ખંડ પ્રમાણે ઇન્દ્રદ્યુમ્ને અષાઢ શુક્લ દ્વિતિયાના દિવસે પ્રભુએ તેમની જન્મભૂમિ જવાની વ્યવસ્થા કરી. ત્યારથી આ પરંપરા રથયાત્રાના ‚રૂપમાં ચાલી આવી રહી છે. એક અન્ય મત પ્રમાણે સુભદ્રાની દ્વારિકાદર્શનની ઇચ્છા પૂરી કરવા માટે શ્રીકૃષ્ણ અને બલરામે અલગ-અલગ રથોમાં બેસાડીને યાત્રા કરી હતી. સુભદ્રાની નગરયાત્રાની યાદમાં આ રથયાત્રા પુરીમાં દર વર્ષે યોજાય છે.
 

rathyatra_1  H  
 
જગન્નાથ પુરી મંદિરના રોચક તથ્યો
 
પવિત્રતમ ચાર ધામ પૈકીનું એક ગણાતું ઓરિસ્સા (ઉત્કલ) ભુવનેશ્ર્વર પાસે આવેલું જગન્નાથપુરીનું મંદિર ઐતિહાસિક અને ભૌગોલિક રીતે ચમત્કારિક માનવામાં આવે છે. સ્કંદપુરાણ અનુસાર પુરી દક્ષિણાવર્તી શંખના આકારમાં પાંચ કોસ (૧૬ કિ.મી.)ના ક્ષેત્રમાં વિસ્તરેલું છે. વિશ્ર્વકલ્યાણના પ્રતીક‚રૂપે ભગવાન જગન્નાથજીની સાથે તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી અહીં બિરાજમાન છે. મહાભારતના વનપર્વમાં વર્ણવ્યા મુજબ સબર આદિવાસી વિશ્ર્વવસુએ નીલમાધવના ‚પમાં સૌ પ્રથમ પૂજા કરેલી. માળવાના રાજા ઇન્દ્રદ્યુમ્ને નિર્માણ કરાવેલા આ મંદિરની ટોચે ફરતી ધજા હંમેશા પવનથી વિપરીત દિશામાં લહેરાય છે, જે આશ્ર્ચર્યજનક છે. વિશ્ર્વનું સૌથી ભવ્ય ૪ લાખ વર્ગફૂટના ક્ષેત્રમાં અને ૨૧૪ ફૂટ ઊંચુ મંદિર છે, જેના મુખ્ય ગુંબજની છાયા પૃથ્વી પર ક્યારેય પડતી નથી. મંદિરની ટોચે લાગેલું સુદર્શનચક્ર ગમે તે બાજુથી જુઓ તો પણ સદૈવ સન્મુખ જ દેખાશે. સામાન્ય રીતે હવા સમુદ્રથી જમીન તરફ આવે છે, પરંતુ અહીં હવા જમીનથી સમુદ્ર તરફ ફૂંકાય છે. મંદિરના ગુંબજની આસપાસ કોઈ પક્ષી ઊડતું નથી એટલું જ નહીં એની ઉપરથી કોઈ હવાઈ જહાજ પણ પસાર થતું નથી. મંદિરના પરિસરમાં આવેલા વિશ્ર્વના સૌથી મોટા રસોડામાં માટીના સાત વાસણ એક ઉપર એક ચઢાવી રસોઈ તૈયાર કરવામાં આવે છે, જેમાં નીચે અગ્નિ પેટાવતાં સૌથી ઉપરના વાસણની રસોઈ પહેલાં તૈયાર થાય છે. છેલ્લે અગ્નિ ઉપર રાખેલા પાત્રની ! ૫૦૦ જેટલા રસોઈયાના હાથે એકવાર તૈયાર થયેલી રસોઈ ગમે તેટલા હજારો માણસો જમે તેમ છતાં તે ક્યારેય ખૂટતી નથી. મંદિરના સિંહદ્વારની અંદર પગ મૂકતાં જ સમુદ્રનાં મોજાંનો સહેજ પણ અવાજ આવતો બંધ થઈ જાય છે. એ જ રીતે મંદિરના સ્વર્ગદ્વારની પાસે જ મોક્ષપ્રાપ્તિ અર્થે મૃતદેહ જલાવવામાં આવે છે, તેમ છતાં મંદિરમાં તેની કોઈ દુર્ગંધ પ્રવેશી શકતી નથી. ગર્ભગૃહમાં લાકડાની બનેલી ત્રણે મૂર્તિનાં ફ્લેવર દર બાર વર્ષે બદલાતાં હોવા છતાં તેના ઓજસમાં કોઈ ફેર પડતો નથી.
 
આ છે જગન્નાથ રથયાત્રા સાથે જોડાયેલી વાતો
 
# ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા - ત્રણેના રથ નારિયેળના લાકડાથી બનાવવામાં આવે છે. આ લાકડાનું વજન અન્ય લાકડાની સરખામણીમાં હલકું હોય છે અને તેને આસાનીથી ખેંચી શકાય છે. ભગવાન જગન્નાથના રથનો રંગ લાલ અને પીળો હોય છે અને તે અન્ય રથોથી આકારમાં મોટો પણ હોય છે. આ રથ બલભદ્ર અને સુભદ્રાની પાછળ હોય છે.
# ભગવાન જગન્નાથના રથનાં અનેક નામ જેવાં કે ગરુડ ધ્વજ, કપિધ્વજ, નંદીઘોષ વગેરે છે. આ રથના ઘોડાનું નામ શંખ, બલાહક, શ્ર્વત અને હરિદાશ્ર્વ છે, જેનો રંગ સફેદ હોય છે. આ રથના સારથિનું નામ દારુક હોય છે. ભગવાન જગન્નાથના રથ પર હનુમાનજી અને નરસિંહ ભગવાનનું પ્રતીક હોય છે. તે સિવાય ભગવાન જગન્નાથના રથ ઉપર સુદર્શન સ્તંભ પણ હોય છે. આ સ્તંભ રથની રક્ષાનું પ્રતીક માનવામાં આવે છે. આ રથના રક્ષક ભગવાન વિષ્ણુના વાહન પક્ષીરાજ ગરુડ છે. રથની ધ્વજા અર્થાત્ ઝંડો ત્રિલોક્યવાહિની કહેવાય છે. રથને જે રસ્સીથી ખેંચવામાં આવે છે. તે શંખચૂડ નામથી ઓળખવામાં આવે છે. તેનાં ૧૬ પૈડાં હોય છે અને ઊંચાઈ ૧૩ મીટર સુધી હોય છે. તેમાં લગભગ ૧૧૦૦ મીટર કપડાનો રથને ઢાંકવાનો ઉપયોગમાં લેવામાં આવે છે.
 
# બલરામના રથનું નામ તાલધ્વજ છે. તેમના રથ ઉપર મહાદેવજીનું પ્રતીક હોય છે. રથના રક્ષક વાસુદેવ અને સારથિ મતાલી હોય છે. રથના ધ્વજને ઉનાની કહે છે. ત્રિબ્રા ઘોરા, દીર્ઘશર્મા અને સ્વર્ણનાવા તેના અશ્ર્વ છે. તે ૧૩.૨ મીટર ઊંચા અને ૧૪ પૈડાંના હોય છે. જે લાલ, લીલા રંગના કપડા અને લાકડાના ૭૬૩ ટુકડાનો ઉપયોગ કરવામાં આવે છે.
# સુભદ્રાના રથનું નામ દેવદલન છે. સુભદ્રાજીના રથ ઉપર દેવી દુર્ગાનું પ્રતીક મઢવામાં આવે છે. રથના રક્ષક જયદુર્ગા અને સારથિ અર્જુન હોય છે. રથના ધ્વજ નદબિક કહેવાય છે. રોચિક, મોચિક, જિતા અને અરપારિજાત તેના અશ્ર્વ હોય છે. તેને ખેંચવામાં આવતી રસ્સીનું નામ સ્વર્ણચુડા હોય છે. ૧૨.૯ મીટર ઊંચા ૧૨ પૈડાંના આ રથમાં લાલ, કાળા કપડાની સાથે જ લાકડાના ૫૯૩ ટુકડાનો ઉપયોગ કરવામાં આવે છે.
 
# ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાના રથો ઉપર ઘોડાની આકૃતિઓ મઢવામાં આવે છે, તેમાં પણ ભેદ હોય છે. ભગવાન જગન્નાથના રથ ઉપર મઢેલો ઘોડાનો રંગ સફેદ, સુભદ્રાજીના રથ ઉપર કોફી રંગનો, જ્યારે બલરામના રથ ઉપર મઢેલા ઘોડાનો રંગ વાદળી હોય છે.
 
 
અમદાવાદની રથયાત્રા
 
 
અમદાવાદમાં પણ અષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન થાય છે. અહીં ૧૪૪ વર્ષથી રથયાત્રા યોજાય છે. 2021માં યોજાતી રથયાત્રા ૧૪૪મી રથયાત્રા છે. અહીં જમાલપુરમાં આવેલા ૪૦૦ વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને કુલ ૧૪ કિ.મી.નું અંતર કાપી સાંજે ફરી નિજ મંદિરે આવે છે. આ રથયાત્રાના એક પખવાડિયા પહેલાં, એટલે કે જેઠ માસની પૂનમને દિવસે જગન્નાથજીનો સ્નાન ઉત્સવ (જલયાત્રા) યોજાય છે. આ પ્રસંગે મંદિરમાં રહેલી મૂર્તિઓને સરઘસ સ્વ‚રૂપે સાબરમતી નદીના કિનારે પવિત્ર સ્નાન માટે લઈ જવાય છે. રથયાત્રા સવારે ૭.૦૦ વાગ્યાની આસપાસ શ‚રૂ થાય છે. એ પહેલાં પરંપરાગત રીતે ગુજરાતના મુખ્યમંત્રી મંગલા આરતી (પ્રભાતની પહેલી આરતી)માં હાજર રહે છે અને રથયાત્રાના માર્ગની સફાઈના પ્રતીક‚રૂપ રૂપહિંદ વિધિ કરે છે. રથયાત્રા બપોરે સરસપુર ખાતે રોકાય છે, જ્યાં સ્થાનિક નિવાસીઓ દ્વારા ભગવાન જગન્નાથ અને સઘળા યાત્રિકો, શ્રદ્ધાળુઓને મહાભોજ (પ્રસાદીરૂ‚પે ભોજન) કરાવાય છે. સાંજે ૮.૩૦ આસપાસ રથયાત્રા ફરીને જગન્નાથ મંદિરે પરત આવે છે. આ રથયાત્રામાં ત્રણ મુખ્ય રથો સાથે ૧૮-૨૦ શણગારેલા હાથી અને વિવિધ અખાડાના સાધુઓ અને તેમના મહંતોની સવારીઓ પણ હોય છે. અમદાવાદની રથયાત્રાની પુરીની રથયાત્રા પછીની દ્વિતીય ક્રમની સૌથી મોટી અને સૌથી જૂની રથયાત્રા છે.
 
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે ૨૦૨૦માં રથયાત્રા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને આ વર્ષે એટલે કે ૨૦૨૧માં ભગવાનની ૧૪ કલાકની નગરચર્યાનું ૨૨ કિ.મી.નું અંતર માત્ર ૪ કલાકમાં પૂરું કરવામાં આવ્યું છે. ભક્તો વગર આ રથયાત્રા નીકળી હતી અને રથયાત્રાના રૂટ પર કર્ફ્યુ લગાવમાં આવ્યો હતો.