આ લેખ વાંચીને તમે કહેશો કે માઉન્ટ એવરેસ્ટનું નામ રાધાનાથ સિકદર હોવું હોઇએ!

    16-Jul-2021
કુલ દૃશ્યો |

mount everest_1 &nbs 
 
 

માઉન્ટ એવરેસ્ટ નહી પણ ‘સાગરમાથા’ કહો! નામ બદલવાનું ષડયંત્ર કોણે કર્યુ?

‘વિશ્ર્વનું સૌથી ઊંચું શિખર કયું ?’ વિશ્ર્વભરમાં સૌ કોઈ આ પ્રશ્ર્નનો એક જ ઉત્તર આપશે, ‘માઉન્ટ એવરેસ્ટ’ .. પરંતુ આપણને ક્યારેય એવો પ્રશ્ર્ન થાય છે કે એક સમયે અખંડ ભારતના ભાગ રહેલા વિશ્ર્વના આ સૌથી ઊંચા શિખરનું મૂળ નામ શું હતું? એ નામને કેવી રીતે ભુલાવી દેવાયું? વિશ્ર્વના આ સૌથી ઊંચા શિખરનું નામ એવરેસ્ટ ( Mount Everest ) કેમ પડ્યું? આ શિખર વિશ્ર્વનું સૌથી ઊંચું શિખર છે એવું કોણે વૈજ્ઞાનિક પદ્ધતિથી સિદ્ધ કર્યું ? આવા અનેક પ્રશ્ર્નોના ઉત્તર મેળવવા માટે તમારે આ લેખ વાંચવો જ રહ્યો...
 
વિશ્ર્વભરના, વિશેષ કરીને અંગ્રેજ ગણિતજ્ઞોએ પોતાની ગાણિતિક પ્રતિભાથી અભિભૂત કરનારા મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનના નામથી સૌ ભારતીયો સુપેરે પરિચિત છે, પરંતુ સન ૧૮૮૭માં જન્મેલા રામાનુજનના જન્મના ૧૭ વર્ષ પૂર્વે, સન ૧૮૭૦માં મૃત્યુ પામનારા આવા જ પ્રતીભાવાન અને અંગ્રેજોને પોતાની ગાણિતિક પ્રતીભાથી અભિભૂત કરનારા મહાન ગણિતશાસ્ત્રી રાધાનાથ સિકદર ( Radhanath Sikdar ) ના નામથી ભાગ્યે જ કોઈ ભારતીય પરિચિત હશે.
 
માઉન્ટ એવરેસ્ટ ( Mount Everest ) ની ઊંચાઈને લઈને ચીન અને નેપાળ વચ્ચે વારંવાર વિવાદો સર્જાયા છે, પરંતુ ૬ ડિસેમ્બર ૨૦૨૦ ના દિવસે આ બંને દેશોએ આ વિવાદનો અંત લાવતાં એક સંયુક્ત નિવેદન પ્રગટ કરીને ઘોષણા કરી કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઇ ૮૮૪૪.૮૬ મીટર એટલે કે ૨૯૦૩૨ ફૂટ છે. આજે તંત્ર વિજ્ઞાન એટલું વિકસ્યું છે કે આ ગણતરીમાં માંડ એકાદ બે ફૂટની જ વધઘટ હોઈ શકે, પરંતુ આજથી પોણા બસ્સો જેટલા વર્ષ પૂર્વે જ્યારે આજના જેવી ટેકનોલોજી ઉપલબ્ધ ન હતી ત્યારે વિશ્ર્વના સૌથી ઊંચા શિખરની ઊંચાઈ કેવળ પોતાના ગાણિતિક કૌશલ્યને આધારે જ એક હિંદુ ગણિતશાસ્ત્રીએ ગણી હતી અને એ ઊંચાઈ હતી ૨૯૦૦૨ ફૂટ! તત્કાલીન અંગ્રેજ કંપની સરકારના અંગ્રેજ અધિકારીઓને પણ પોતાની ગાણિતિક પ્રતીભાથી અભિભૂત કરી દેનારા આ મહાન ગણિતશાસ્ત્રીનું નામ છે રાધાનાથ સિકદર..! ( Radhanath Sikdar ) કરુણતા તો એ છે કે સ્વર્ગમસ્તક શબ્દના અપભ્રંશ સાગરમાથા ( Sagarmatha ) શબ્દથી તે સમયે જાણીતા એ શિખરનું નામ અંગ્રેજોએ બદલીને એવી વ્યક્તિનું નામ આપ્યું કે જેને એ શિખર કે આ પ્રાચીન રાષ્ટની ભવ્ય પરંપરાઓ માટે લેશમાત્ર આદર ન હતો. એ નામ હતું કંપની સરકારના અંગ્રેજ અધિકારી જ્યોર્જ એવરેસ્ટ ( George Everest )! આજે માઉન્ટ એવરેસ્ટ તરીકે ઓળખાતા આ શિખરને વૈજ્ઞાનિક પદ્ધતિથી ગણતરી કરીને વિશ્ર્વનું સૌથી ઊંચું શિખર સિદ્ધ કરનારા આ મહાન ગણિતશાસ્ત્રી રાધાનાથ સિકદર ( Radhanath Sikdar ) નું નામ, પ્રથમ અંગ્રેજોએ અને સ્વાતંત્ર્ય પછી સામ્યવાદી માનસિકતા ધરાવતા કોંગ્રેસી શાસકોએ નામશેષ કરી દીધું!
 
વર્ષ ૧૭૫૭માં અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી તે પછી કાળક્રમે તેમણે ભારતનાં રાજ્યોને હડપ કરવાનું કર્યું. ઇંગ્લેન્ડમાં માથાભારે કર્મચારીઓને શિક્ષા રૂપે ભારતમાં મોકલવામાં આવતા હતાં. રોબર્ટ ક્લાઈવથી લઈને માઉન્ટ બેટન સુધીના અંગ્રેજોને આ રીતે જ ભારતમાં મોકલવામાં આવ્યા હતા! આવા જ એક અંગ્રેજ જ્યોર્જ એવરેસ્ટને ૧૮૩૦માં સર્વેયર જનરલ તરીકે ભારતમાં મોકલવામાં આવ્યા હતા.
 
ભારતમાં રાજ્ય વિસ્તાર થવાને કારણે કંપની સરકારે ૧૮૦૨માં તેના હસ્તકના પ્રદેશોના ભૌગોલિક ભૂમિતીય નકશા તૈયાર કરવા માટે ગ્રાન્ડ ટ્રિગોનોમેટ્રીક સર્વે - GTSની સ્થાપના કરી હતી. આવો સર્વે અંગ્રેજોએ તેમના ગુલામ પ્રદેશ સ્કોટલેન્ડમાં હાથ ધર્યો હતો તેનાથી પ્રેરાઈને કંપની સરકારે ભારતમાં GTSની કામગીરી હાથ ધરી હતી. જ્યોર્જ એવરેસ્ટ ( George Everest ) ને ૧૮૩૧માં આ કામ સોંપાયું હતું. કોલકાતામાં અંગ્રેજોનું મુખ્ય કેન્દ્ર હોવાથી જ્યોર્જ એવરેસ્ટે ત્યાં રહીને કામગીરીનો આરંભ કર્યો. ગ્રાન્ડ ટ્રિગોનોમેટ્રીક સર્વેની કામગીરી માટે ગણતરીમાં નિપુણ હોય તેવા કુશળ ગણિતજ્ઞોની આવશ્યકતા હતી. એવરેસ્ટે આ માટે કોલકાતાની હિન્દુ કૉલેજના ગણિતના પ્રૉફેસર જ્હોન ટાઈટલરનો સંપર્ક કર્યો. પ્રૉ. ટાઈટલરે વિના વિલંબે તેમના તેજસ્વી વિદ્યાર્થી રાધાનાથનું નામ આપ્યું કારણ કે ૧૯ વર્ષના રાધાનાથે ભારતીય ગણિતશાસ્ત્રીઓની સાથોસાથ ન્યુટન અને યુક્લિડ જેવા યુરોપિય ગણિતજ્ઞોના સિદ્ધાંતોનો ગહન અભ્યાસ કર્યો હતો. આમ, હિન્દુ કૉલેજના વિદ્યાર્થી રાધાનાથ એક સંગણક (Computer-ગણતરી કરનારા કર્મચારી) તરીકે ગ્રાન્ડ ટ્રિગોનોમેટ્રીક સર્વે - GTSની કામગીરીમાં જોડાયા. (થેન્ક ગૉડ..૧૮૩૧માં સંઘ, જનસંઘ, ભાજપ કે વિહિપ ન હતાં અને ભારત સેક્યુલર દેશ બન્યો નહોતો, નહીં તો હિન્દુ કૉલેજને કોમવાદી ગણવામાં આવી હોત..! બીજી આડવાત.. પેલા પ્રૉ. જ્હોન ટાઈટલરનો ગાંધી પરિવારના સેવક અને દિલ્હીમાં હજારો શીખોની હત્યા કેસમાં સંડોવાયેલા કોન્ગ્રેસી નેતા જગદીશ ટાઈટલર સાથે કશો સંબંધ નથી!)
 
GTSની કામગીરીનો આરંભ ચેન્નાઇથી થયો હતો પરંતુ રાધાનાથનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે દહેરાદૂન અને ઉત્તર ભારત જ રહ્યું હતું કેમ કે કંપની સરકારનો વ્યાપ ત્યાં વધુ હતો. જ્યોર્જ એવરેસ્ટ રાધાનાથની ગાણિતિક પ્રતીભાથી એટલા બધા પ્રભાવિત હતા કે એક વાર રાધાનાથની અન્યત્ર થયેલી બદલીને પણ રદ કરાવી હતી. વર્ષ ૧૮૪૩માં એવરેસ્ટ નિવૃત્ત થઈને ઇંગ્લેન્ડ પરત ગયા ત્યાં સુધી તેમણે કેવળ મધ્ય અને ઉત્તર ભારતના મેદાની વિસ્તારોનું જ સર્વેક્ષણ હાથ ધર્યું હતું, તેમાં હિમાલય ગિરિમાળાનો સમાવેશ થયો ન હતો. આમ, ૧૪ વર્ષ સુધી ભારતમાં રહેવા છતાં જ્યોર્જ એવરેસ્ટને તે સમયે સાગરમાથા ( Sagarmatha ) નામથી ઓળખાતા શિખર સાથે કોઈ પણ પ્રકારે સંબંધ જોડાયો ન હતો.
 
સાગરમાથા ( Sagarmatha ) શિખરની ઊંચાઈ અધિકૃત રીતે ઘોષિત થઈ તે પહેલા કાંચનજંઘા શિખર વિશ્ર્વનું સૌથી ઊંચું શિખર ગણાતું હતું. કંપની સરકારના રેકોર્ડમાં સાગરમાથાને શિખર ૧૫ નામ આપવામાં આવ્યું હતું. નિવૃત્ત થયેલા એવરેસ્ટના સ્થાને આવેલા એન્ડ્ર્યુ વૉએ GTSની કામગીરીમાં હિમાલય ગિરિમાળાનાં શિખરોની ઊંચાઈ માપવાનું નક્કી કર્યું અને તે માટેની ટીમનું નેતૃત્વ રાધાનાથને સોંપાયું.
 

mount everest_1 &nbs 
 

રાધાનાથે ( Radhanath Sikdar ) ૧૮૫૨માં ઘટસ્ફોટ કર્યો

 
આ સમયગાળામાં સાગરમાથા ( Sagarmatha ) શિખર ઉપર પહોંચવાના કેટલાક પર્વતારોહકોએ પ્રયત્નો કર્યા હતા તેમાંથી કેવળ એક ટુકડી ૮ હજાર મીટરની ઊંચાઈ સુધી પહોંચી શકી હતી જે તે સમયે એક વિક્રમ બન્યો હતો. તે પછી બે અંગ્રેજ પર્વતારોહકો સાગરમાથા શિખર સર કરવા નીકળ્યા હતા, પરંતુ તેઓ ક્યારેય પરત આવ્યા જ નહીં તેથી તેઓ સાગરમાથા શિખરની ટોચ ઉપર પહોંચ્યા હતા કે નહીં તે એક રહસ્ય જ રહ્યું. આવા પ્રકારના પ્રયત્નોને પરિણામે સાગરમાથા શિખરની ઊંચાઈ વિશેના કેટલાક આંકડાઓ અને અવલોકનો ઉપલબ્ધ થયાં હતાં. રાધાનાથે આવા ૬ આંકડાઓનો ઉપયોગ કરીને પોતે જ વિકસાવેલી ગણનપદ્ધતિને આધારે સાગરમાથા શિખરની ઊંચાઈની ગણતરી કરવાનું નક્કી કર્યું. તે સમયે આજના જેવી અલ્ટ્રા મોડર્ન ટેકનોલોજી ઉપલબ્ધ ન હોવાથી રાધાનાથે બધી જ ગણતરી નોટ-પેનને આધારે જ કરી હતી. તેમની ટીમના અન્ય સાથીઓની સહાયતા નગણ્ય રહેતી.
 
મહિનાઓના કઠોર બૌદ્ધિક વ્યાયામ પછી ૧૮૫૨માં એક દિવસે ઉત્સાહથી છલકાતા રાધાનાથ એન્ડ્ર્યુ વૉના કાર્યાલયમાં ધસી ગયા અને હર્ષોલ્લાસભેર ઉદ્ગારોમાં બોલી ઊઠ્યા કે વિશ્ર્વના સૌથી ઊંચા શિખરની ઊંચાઈ મેં ગણી કાઢી છે અને કાંચનજંઘા નહીં પરંતુ સાગરમાથા જ વિશ્ર્વનું સૌથી ઊંચું શિખર છે અને તેની ઊંચાઈ ૨૯૦૦૦ ફૂટ છે..! કોઈ પણ વૈજ્ઞાનિક સાધનો કે ઉપકરણો વિના કેવળ પોતે જ વિકસાવેલા ગાણિતિક નિયમોને આધારે વર્ષ ૧૮૫૨માં તેમણે આ ગણતરી કરી હતી પરંતુ ઉલ્લેખનીય છે કે ૨૯૦૦૦ ફૂટના રાઉન્ડ ફિગરને વધુ વિશ્ર્વસનીય બનાવવા માટે એન્ડ્ર્યુ વૉએ તેમાં પોતાની રીતે બે ફૂટ ઉમેરીને સાગરમાથા શિખરની ઊંચાઈ ૨૯૦૦૨ ફૂટ (૮૮૪૦ મીટર) કરી દીધી. સાથોસાથ વિશ્ર્વના સૌથી ઊંચા શિખર સાગરમાથાનું નામ બદલીને આ શિખર સાથે જેનો લેશમાત્ર સંબંધ ન હતો તેવા અંગ્રેજ સર્વેયર એવરેસ્ટનું નામ આપવાનું દુષ્કર્મ પણ આચર્યું. તેની અધિકૃત ઘોષણા વર્ષ ૧૮૫૬માં કરવામાં આવી હતી. આ સાથે પ્રકાશિત કરવામાં આવેલા ગેઝેટ્સમાં રાધાનાથ સિકદરે ( Radhanath Sikdar ) લખેલી વિસ્તૃત પ્રસ્તાવનામાં ગણતરીની પદ્ધતિ આપવામાં આવી હતી.
 
તે પછી બરોબર સો વર્ષે ૧૯૫૫માં વૈજ્ઞાનિકોએ સિદ્ધ કર્યું કે સાગરમાથા ( Sagarmatha ) શિખરની ઊંચાઈ ૮૮૪૮ મીટર છે અને તે પ્રત્યેક વર્ષે ૪ મિલીમીટર જેટલી વધે છે. અને ડિસેમ્બર ૨૦૨૦માં નેપાળ અને ચીને તેની ઊંચાઈ ૨૯૦૩૨ ફૂટ (૮૮૪૪.૮૬ મીટર) છે તેવી અધિકૃત ઘોષણા કરી. આ રીતે જોતાં પણ મહાન ગણિતશાસ્ત્રી રાધાનાથ સિકદરે ગણેલી ૨૯૦૦૦ ફૂટની ઊંચાઈની ગણતરી પણ એકદમ સચોટ હતી તે સિદ્ધ થાય છે.
 
આવા મહાન ગણિતશાસ્ત્રી પ્રત્યે અંગ્રેજોએ જેટલી કૃતઘ્નતા દાખવી એટલી જ કૃતઘ્નતા કોન્ગ્રેસી શાસકોએ પણ દાખવી. ૧૮૭૦માં રાધાનાથ સિકદરનું મૃત્યુ થયું તે પછી તરત જ પ્રકાશિત કરવામાં આવેલી ૧૮૫૬ની ગેઝેટ્સની આવૃત્તિમાંથી રાધાનાથ સિકદરે લખેલી વિસ્તૃત પ્રસ્તાવના ઉડાડી દેવામાં આવી હતી! માસિક ૪૦ રૂપિયાના પગારદાર આ મહાન ગણિતશાસ્ત્રીને એક ક્ષુલ્લક કારણસર ૨૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો! તો સ્વાતંત્ર્ય પછી સામ્યવાદી માનસિકતા ધરાવતા કોંગ્રેસી શાસકોએ પાઠ્યપુસ્તકોમાં માઉન્ટ એવરેસ્ટ ( Mount Everest ) અંગેના પાઠોમાં આ મહાન ગણિતશાસ્ત્રી રાધાનાથ સિકદરનું નામ ભૂલેચૂકે પણ ન આવી જાય તેની ચિંતા કરી હતી!
 

હવે આપણે નક્કી કરવાનું છે કે વિશ્ર્વના સૌથી ઊંચા શિખરને સાગરમાથા (સ્વર્ગમસ્તક - Sagarmatha) એ તેના મૂળ નામથી ઓળખવું કે પછી...?