મલેરિયાના તાવ માટે કેટલાક ઘરગથ્થુ અને આયુર્વેદિક ઔષધોપચાર

    31-Jul-2021
કુલ દૃશ્યો |
 
Malaria and Ayurveda _1&n
 

વર્ષાઋતુ અને મલેરિયા | Malaria and Ayurveda

 
વર્ષાની મૌસમ ચાલુ થઈ ગઈ છે. જેટલી આહ્લાદક આ ઋતુ છે. તેટલી જ રોગોનું કારણ પણ બની શકે છે, જેથી આ ઋતુમાં સાવધાની રાખવી ખૂબ જરૂરી છે.
 
વર્ષાઋતુમાં મોટાભાગે મલેરિયા થવાના ચાન્સિસ ખૂબ હોય છે. આજે આપણે આ રોગ ઉપર વિશેષ જાણકારી મેળવીશું.
મલેરિયા રોગ એ મલેરિયા પેરાસાઇટ્સ નામના સૂક્ષ્મ જંતુઓથી થાય છે. આ જંતુ નરી આંખે જોઈ શકાતા નથી. આ જંતુઓનું નામ પ્લાઝમોડિયમ છે, જે ચાર પ્રકારનાં હોય છે. પ્લાઝમોડિયમ વાઈવેક્સ, પ્લાઝમોડિયમ ઓવેલ, પ્લાઝમોડિયમ મેલેરી, પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ. ઉપર જણાવેલ મલેરિયાના જીવાણુથી ચાર જાતિમાંથી પ્રથમ ત્રણ જાતિની વૃદ્ધિ માણસના લીવરમાં થતી નથી. આ ચારેય જાતિના જંતુઓ લોહીમાં જ મુસાફરી કરે છે. તેમાંથી ટ્રોફોઝોઇક્સ થાય છે કે જે લોહીના રક્તકણોને તોડીને તેમાં પેસી જાય છે. આવા અસંખ્ય રક્તકણોનો નાશ થવાથી દર્દીમાં ફીકાશ આવી જાય છે. તેનું લોહી ઓછું થઈ જાય છે. આ જીવાણુઓ પાકટ થઈ શીઝોન્ટ બને છે. તે ફાટે છે અને પાછા તેમાંથી અસંખ્ય મેરોઝાઇટ્સ નીકળે છે. જે લોહીના કણોને ચોટે છે. આ જંતુઓ જ્યારે નીકળે છે. ત્યારે દર્દીને ઠંડીનાં ઉકળાટા આવે છે. આ જીવાણુઓ જુદી જુદી જાતિના હોય છે. તે પ્રમાણે તેઓ જુદા જુદા પ્રકારના તાવ લાવે છે. તે પરથી દરરોજ આવતો તાવ, એકાંતરે આવતો તાવ, તૃતીયક, ચતુર્થક એવા જુદા જુદા પ્રકારો પડેલા છે.
 
મલેરિયાનાં લક્ષણો ત્રણ તબક્કામાં જોવા મળે છે. (૧) ઠંડી લાગવી (૨) તાવનું ચઢવું (૩) પરસેવો થવો.
 
(૧) દર્દીને અચાનક ઠંડી ચઢે ને તે ધ્રૂજવા લાગે, તેના દાંત ખખડે અને એક પછી એક ધાબળા કે રજાઈઓ ઓઢવા માંગે અને છતાં પણ તેની ઠંડી ઊડે નહીં.
 
(૨) ઠંડી ચાલુ હોય ત્યાં સુધી તાવ ચઢવા માંડે અને એકદમ ૧૦૪ ડિગ્રી કે તેથી વધુ પણ થઈ જાય.
 
(૩) માથું સતત દુઃખે અને શરીર ખૂબ તપે. તાવ ઊતરવા માંડે ત્યારે શરીરમાંથી પરસેવો છૂટવા માંડે, દર્દી એક-એક કરીને બધું ઓઢવાનું કાઢતો જાય અને તાવ ઝડપથી ઊતરવા માંડે. આ બધું જ ૩થી ૪ કલાકમાં પતી જાય પછી ફરી તાવ તેની મુદત પ્રમાણે આ જ ક્રમમાં ફરી ચઢે.
 
કેટલીક વાર તાવ ચઢે, ઊંઘ ન આવે, બરોળ વધે, લીવર પણ વધે. બાળકોમાં લીવર વધુ વધે છે. મલેરિયા કોઈ પણ ઉંમરે થઈ શકે છે. નાના બાળકથી માંડી મૃત્યુને કિનારે બેઠેલા વૃદ્ધ માણસ સુધી કોઈ પણ વ્યક્તિ મલેરિયાનો ભોગ બની શકે છે. તાવ આવતા પહેલાં અર્જીણ, ભૂખ ન લાગવી, હાથ-પગ દુઃખવા ફીકાશ આવવી વગેરે લક્ષણો અગાઉથી દેખાય છે. કોઈકવાર ઝાડા-ઊલટી પણ થાય છે.
 
વરસાદ અને બફારાવાળું હવામાન મચ્છરોની ઉત્પત્તિ માટે અનુકૂળ બની રહે છે તેથી આવી સીઝનમાં આ રોગ વધારે જોવા મળે છે.
 
મલેરિયાના તાવ માટે કેટલાક ઘરગથ્થુ અને આયુર્વેદિક ઔષધોપચાર અહીં સૂચવું છું.
 
(૧) તુલસી-મરીનો ઉકાળો ગરમ-ગરમ પીવાથી ઠંડી ઊતરી જાય છે. ઉકાળામાં ગોળ નાખવો અને ગેસ પરથી ઉતારીને લીંબુ નિચોવી પિવડાવવાથી મલેરિયામાં ઘણો જ ફાયદો થાય છે.
 
(૨) ૧ ચમચી મીઠું ગરમ પાણીમાં મેળવી દિવસમાં ત્રણ વાર પીવું તેથી તાવ ઊતરી જશે. તાવ ઉતર્યા પછી પણ ૨ દિવસ સુધી સવાર-સાંજ ગરમ પાણીમાં ચપટી મીઠું નાખી પીવું.
 
(૩) લસણની પાંચ કળી વાટી તલના તેલમાં કે ઘીમાં સાંતળી સિંધવ ભભરાવી ખાવી.
 
(૪) એક ચમચી પીપરીમૂળનું ચૂર્ણ મધમાં ચાટી ઉપર ગરમ દૂધ પીવું. તેનાથી પણ મલેરિયાના રોગમાં ઘણો જ ફાયદો થાય છે.
 
(૫) ડીકામારીનાં પાનનું ચૂર્ણ અને મરી સરખા ભાગે ચૂર્ણ કરી ૧/૪ ૧/૪ ચમચી પાણી સાથે ૩ દિવસ સુધી લેવું. આ પ્રયોગથી ઠંડી અને તાવ બંનેમાં ફાયદો થાય છે.
 
(૬) સુદર્શન ચૂર્ણ અને સૂંઠનો કવાથ બનાવી થોડો ગોળ નાખી તે દર્દીને પીવડાવવાથી પણ મલેરિયા અને શરદીનો તાવ મટે છે.
 
ઉપરોક્ત બતાવેલા પ્રયોગોમાંથી જે પ્રયોગ સુલભ લાગે તે કોઈ પણ એક પ્રયોગ કરવો. આયુર્વેદિક ઔષધોપચારમાં લક્ષ્મીનારાયણ રસ, વિષમ જ્વરદની વટી, ત્રિભુવનકીર્તિરસ, વિષમ જયરાતન્ક રસ વગેરે ઔષધો વૈદ્યની સલાહ મુજબ આપી શકાય છે.
 
આ રોગમાં રોગીની ધાતુનો ક્ષય થતો હોઈ રોગીને ઘઉં, ચોખા, મગનું પાણી, ગાયનું દૂધ વગેરે જેવો લઘુ, બલ્ય અને સુપાચ્ય આહાર આપવો જોઈએ.
 
 
- વૈદ્ય જહાન્વી ભટ્ટ