ના કોઈ ગુરુ ના કોઈ ચેલા | સ્વીકાર કરતા શીખો | માનસમર્મ – મોરારિબાપુ

    31-Jul-2021   
કુલ દૃશ્યો |

moraribapu_1  H
 
 
ચીનના સાધુ તાઓ-બૂને એક નવા આવેલા શિષ્યએ કહ્યું કે ‘હું આપના આશ્રમમાં આવ્યો એને મહિનો થઇ ગયો પણ હજુ મને ધર્મનો સાર શીખવા મળ્યો નથી.’ ત્યારે મલકાઈને સાધુએ કહ્યું કે ‘તું અહી આવ્યો ત્યારથી હું તને ધર્મનો સાર શીખવી રહ્યો છું. જે તને દેખાતું નથી. તું બધાને ચા આપે છે અને વાસણ ધુએ છે એ ધર્મનો સાર જ છે. તું શહેરમાંથી અનાજ લાવે છે અને બધાનું ભોજન બનાવે છે એ પણ ધર્મનો સાર જ છે.’
 
રોજીંદા કાર્યોથી ધર્મને અલગ ન કરી શકાય. જેમ રમતવીરના લોહીમાં રમત ભળી ન જાય ત્યાં સુધી એ શ્રેષ્ઠતા સુધી પહોંચી નથી શકતો. એમ ધર્મ પણ રોજીંદી ઘટમાળમાં વણાઈ જાય તો તે માનવતા સુધી વિસ્તરે છે.
 
ના કોઈ ગુરુ ના કોઈ ચેલા,
મેલે મેં અકેલા, અકેલે મેં મેલા.
 
મજબૂરસાહેબનો આ શેર આપણને જુદી દિશા તરફ લઇ જાય છે. પણ આ નિજાનંદ સુધી પહોંચવા ગુરુ નામના માર્ગ ઉપર તો ચાલવું જ પડે છે. સ્વયમ્ ગુરુ એ શાંકરી પરંપરાથી વિરુદ્ધ નથી. આદિ જગતગુરુએ પણ કહ્યું છે કે ‘એકાંતે સુખમાસ્યતામ્’. મારી વ્યાસપીઠ, મારા રામ બધી જગ્યાએ ગયા છે. વિશ્વામિત્ર ઈચ્છે તો એક શાપ આપીને મારીચ, સુબાહુનું નિર્વાણ કરીને યજ્ઞ પૂરો કરી શક્યા હોત પરંતુ વિશ્વામિત્રએ વિચાર્યું કે રાઘવ કેવળ દશરથના આંગણાના અજિરવિહારી જ બની રહેશે તો વિશ્વના મિત્ર ક્યારે બનશે ? એટલા માટે વિશ્વામિત્ર રામને બોલાવવા ગયા. અવતાર બહાનું છે. પરમતત્વ સમગ્ર વિશ્વના કલ્યાણનું બહાનું શોધે છે. વિશ્વામિત્ર રામ-લક્ષ્મણને લઇને ચાલ્યા. આસુરીવૃત્તિવાળાઓનું નિર્વાણ કર્યું. રામે વિચાર્યું કે અવધથી સિદ્ધાશ્રમ સુધીની મારી પદયાત્રા જો એટલું સુંદર પરિણામ લાવી શકતી હોય તો એવું કોઈ બહાનુ બનાવીને હું ચૌદ વર્ષ પદયાત્રા કરું અને રસ્તામાં આવે એ સૌનો સ્વીકાર કરું. વિશ્વામિત્રને રામ કહે છે કે ‘પ્રભુ આ કોનો આશ્રમ છે ? આ પથ્થર માફક અચેતન બનીને કોણ પડ્યું છે ? મને આશીર્વાદ આપો કે આખી પૃથ્વી પ્રસન્નતાથી ભરાઈ જાય ત્યાં સુધી જીવંત રહેવું છે’ અને અહલ્યાઓના પુનરાવતાર થતા જ ગયા, થતા જ ગયા.
 
ઘણા લોકો કિન્નર સમાજના લોકોને સ્પર્શતા નથી. ઠોકર ઉપર ઠોકર ન મારો. ઉધ્ધારક તો ઘણા આવ્યા, સુધારક પણ ઘણા થયા પણ સ્વીકારક બહુ ઓછા થયા. કોઈનો ઉદ્ધાર કરવો સહેલો છે, સુધારક બનવું થોડું અઘરું છે પણ સ્વીકારક બનવું તો બહુ મુશ્કેલ છે. ‘વ્યક્તિ જેવી છે તેવી સ્વીકારવી’ એ સાચો પ્રેમ છે. મારો રામ સ્વીકારક છે. વિશ્વામિત્ર કહે છે કે ‘આ નારી પાપવશ નથી પણ શાપવશ છે’ શું પક્ષ લીધો છે મારા દેશના સાધુએ ! સાધુ હંમેશા નારીશક્તિનું સન્માન કરે છે.
 
તુલસીદાસે મેદાનમાં ડિમડિમ ઘોષ કરીને ‘માનસ’માં સોળ વાર કિન્નર શબ્દનો પ્રયોગ કર્યો છે. તુલસી ક્રાંતિકારી છે. તેથી જ મારી કથા પાઠશાલા કે ધર્મશાળા નથી પણ એક પ્રયોગશાળા છે. ગાંધીજીએ પણ સત્યના પ્રયોગ કર્યા હતા, હું સંવેદના જાગે એવા પ્રયોગ કરું છું. રામે ઈચ્છ્યું હોત તો અયોધ્યાના સુંદર રથમાં ઝડપથી ચાલ્યા જાત પરંતુ એમણે પદયાત્રા એટલે પસંદ કરી કે રસ્તામાં પડેલી અનેક અહલ્યાનો સ્વીકાર થાય. રામ કેવટ, કૌલ-કિરાતો, વાનર, રીંછ પાસે ગયા એમને સુધારવા નહીં પણ એમને સ્વીકારવા. પથ્થરનો સેતુ બાંધી એ દ્વારા રાક્ષસો પાસે પહોંચ્યા. રામની મહાનતાને પ્રમાણપત્ર આપવાનું ન હોય પણ પ્રેમપત્ર આપવાનો હોય છે. પ્રમાણપત્રનું મૂલ્ય થોડાં સમયમાં ભૂંસાઈ અને ભુલાઈ જશે પણ પ્રેમપત્ર શાશ્વત છે. માનસનો મંત્ર સ્વીકારનો છે. મેં જે જે બીજ કૈલાસી વિચારમાંથી વાવ્યું છે એ ભગવાનના આશીર્વાદક જળથી હંમેશા અંકુરિત થયું છે.
 
કિન્નર ગાયક છે; કિન્નર આશીર્વાદદાયક છે. જે રામને આશીર્વાદ દઈ શકે એનાથી મોટું કોણ ? આજે પણ તમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય તો આ સમાજ આવી જાય છે. એ ભેટ લેવા નથી આવતા પણ આશીર્વાદની ભેટ આપવા આવે છે. એ કુંભ જેવા પવિત્ર પર્વમાં આદર સાથે સ્નાન કરવાના અધિકારી છે. એ કૈલાસની આસપાસ નિવાસ કરે છે. સૌનો સ્વીકાર થશે એ દિવસે સમગ્ર સૃષ્ટિ કૈલાસ હશે.
 
આલેખન - હરદ્વાર ગોસ્વામી