પાવનખીણનું યુદ્ધ । ૩૦૦ જેટલા દેશભક્તોના બલિદાનથી અત્યંત પવિત્ર બનેલા તીર્થક્ષેત્ર

    12-Aug-2021
કુલ દૃશ્યો |

Battle of Pavan Khind_1&n 
 
 

પાવનખીણનું યુદ્ધ | ઇ.સ. ૧૬૬૦ । Battle of Pavan Khind

 
 
૧૦ નવેમ્બર ૧૬૫૯ના શુભ દિવસે, સમગ્ર મહારાષ્ટમાં હાહાકાર મચાવનારા આતંકી અફઝલખાનને શિવાજી મહારાજે વાઘનખથી ચીરી નાખ્યો. આવા અકલ્પનીય વજ્રાઘાતથી, બીજાપુરનો શાસક અલી આદિલશાહ અત્યંત હતપ્રભ થઈ ગયો હતો. તે સમયે તેના એક હબસી સરદાર સિદ્દી જોહરે તેને એવું ઠસાવ્યું કે તે શિવાજીને પકડી લાવશે. છત્રપતિ શિવાજી મહારાજના હાથે, આદિલશાહના સરદાર અફઝલખાનના થયેલા વધથી તેનો પુત્ર ફઝલખાન વેરાગ્નિમાં બળતો હતો. સિદ્દી જૌહરની કપટી ચાલમાં ફઝલને પણ પશુની આગળ લટકાવેલા ગાજર માફક સત્તા દેખાવા લાગી. વેરાગ્નિ અને લાલસા તેને પણ સિંહની ગુફા તરફ ખેંચી ગઈ. શિવાજી મહારાજને પકડવાના અભિયાનમાં ફઝલખાન સિદ્દી જૌહરનો મુખ્ય સહાયક બન્યો. ૧૫૦૦૦ સૈનિકોની દારૂગોળા-શસ્ત્રાસ્ત્રથી સજ્જ સેના લઈને સિદ્દી-ફઝલની રાવણસેનાએ મા અંબાના ધામ કોલ્હાપુર ભણી પ્રયાણ કર્યું.
 
પોતાના અત્યંત પ્રભાવશાળી ગુપ્તચર તંત્ર માટે જાણીતા છત્રપતિ શિવાજી મહારાજ પણ સાવધ થઈ ગયા. અફઝલ વધ માટે સામરિક દૃષ્ટિએ જે રીતે પ્રતાપગઢ અત્યંત ઉપયોગી સિદ્ધ થયો તે રીતે સિદ્દી જૌહર તથા અફઝલખાન જેના ખર-દૂષણોના ભારથી ધરતીમાતાને મુક્ત કરવા માટે પન્હાલગઢ ઉપયોગી સિદ્ધ થશે તેવો શિવાજી મહારાજને વિશ્ર્વાસ હતો. પૂણેથી દક્ષિણના આ વિસ્તારનું સંપૂર્ણ દાયિત્વ સરદાર બાજીપ્રભુ દેશપાંડેને સોંપાયેલું હતું.
 
પોતાનાથી વયમાં ૧૫ વર્ષથી મોટા એવા વીર બાજીપ્રભુને શિવાજી મહારાજે પોતાના સરદાર કેવી રીતે બનાવ્યા તે જાણવું પણ રોચક છે. પૂણે પાસેના નાનકડા ગામ કસ્બે સિંધના નિવાસી વીર બાજીપ્રભુ, હિન્દવી સ્વરાજ્ય માટે સંઘર્ષ કરી રહેલા ભોંસલે પરિવારના પ્રખર વિરોધી એવા જાવળીના શાસક ચંદ્રરાવ મોરેના સેનાપતિ હતા. ૧૬૫૬માં થયેલા ભીષણ યુદ્ધમાં શિવાજી મહારાજે ચંદ્રરાવને હરાવીને જાવળી પ્રદેશ જીતી લીધો. આ યુદ્ધમાં વીર બાજીપ્રભુનું પરાક્રમ શિવાજી મહારાજની આંખમાં વસી ગયું. અફઝલવધ માટે જાવળી ક્ષેત્ર જ શ્રેષ્ઠ રહેશે તેવી સલાહ શિવાજી મહારાજને બાજીપ્રભુએ જ આપી હતી; એટલું જ નહીં, તે દિવસોમાં પણ મોક-ફાઈટના વિચારને અમલમાં મૂકીને, અફઝલ જેવી જ પડછંદ કાયા ધરાવતા પોતાના મિત્ર વીસાજી મુરાંબક સાથે યુદ્ધનો અભ્યાસ પણ શિવાજી મહારાજને કરાવ્યો હતો! આ જ બાજીપ્રભુ દેશપાંડે હવે સિદ્દીને નાથવા શિવાજી મહારાજને પન્હાલગઢ લઈ ગયા.
 
કોલ્હાપુર પાસે આવેલો પન્હાલગઢ અત્યંત વિશાળ છે. તેમાં દિવસો સુધી સૈન્યને ચાલે તેટલી ધન-ધાન્ય-શસ્ત્રસામગ્રીનો સંગ્રહ હતો. વળી તે મહારાષ્ટની દક્ષિણે હોવાથી ક્રૂર સિદ્દીની જંગલી સેના ઓછા પ્રદેશોમાં આતંક મચાવી શકશે તેવી પણ ધારણા હતી. અત્યાચારી સેનાએ ૨ માર્ચ, ૧૬૬૦ના દિવસે પન્હાલગઢને ચારે બાજુએથી ઘેરી લીધો. સિદ્દીનો ઘેરો એવો જડબેસલાક હતો કે એક ચકલુંય કિલ્લાની બહાર નીકળી શકે તેમ ન હતું.
 
આદિલશાહના વિસ્તારોને ભયમુક્ત કરવામાં લાગેલા વીર નેતાજી પાલકર અવારનવાર હુમલા કરીને સિદ્દી જોહરના ઘેરાને તોડવા પ્રયત્ન કરતા પરંતુ એ હુમલા માત્ર છમકલાં જ બની રહેતા કેમ કે સત્તાલોલુપ સિદ્દી-ફઝલ કોઈપણ ભોગે શિવાજી મહારાજને પકડી પાડવા કૃતસંકલ્પ હતો.
 
લગભગ પાંચ મહિના સુધી ચાલેલા આ ઘેરાનો કોઈ અંત આવે એવું લાગતું ન હતું. આથી ચાણક્ય બુદ્ધિ શિવાજી મહારાજે શાંતિદૂત મોકલીને શરણાગતિ-સંધિનો પ્રસ્તાવ મૂક્યો. એવું મનાય છે કે શિવાજી મહારાજે સિદ્દીને પન્હાલગઢ સોંપી દેવાનું ગાજર બતાવ્યું હતું. સંધિની વાતો વહેતી થવાથી સ્વાભાવિક રીતે જ મોગલ સેનાના ઘેરામાં શિથિલતા આવી. સતત વરસતો વરસાદ પણ જાણે કે શિવાજી મહારાજને વિજયના આશીર્વાદની વૃષ્ટિ કરી રહ્યો હતો.
 
અંતે, એક ગુપ્ત માર્ગેથી ભાગી જઈને વિશાલગઢ ઉપર જવાની યોજના બની; પરંતુ ઘેરો એટલો વ્યાપક હતો કે કોઈપણ ક્ષણે આ યોજનાની ગંધ શત્રુને આવી જાય તે શક્ય હતું. આ ક્ષણે, વર્ષોથી પન્હાલગઢમાં રહેતા અને શિવાજી મહારાજની પ્રતિકૃતિ જેવો શિવા નાયી નામનો દેશભક્ત યુવાન સ્વરાજ્ય માટે પોતાનું જીવન હોડમાં મૂકવા આગળ આવ્યો. તે શિવાજી મહારાજના સ્વાંગમાં સિદ્દીની સેનાને ભ્રમિત કરશે, જેથી શિવાજી મહારાજને ભાગવામાં વધુ સમય મળી રહે, તેવી યોજના બની. ગુપ્ત રીતે ભાગી જવા માટે ગુરુપૂર્ણિમાનો શુભ દિવસ નક્કી થયો એ પણ એક વ્યૂહાત્મક નિર્ણય હતો.
 
૬૦૦ વીર સૈનિકો સાથે પન્હાલગઢથી ભાગી છૂટેલા હિન્દવી સ્વરાજ્યના યોદ્ધાઓની ગંધ શત્રુઓને આવી ગઈ. પિતાના વધથી કોપિત ફઝલ સૈનિકો લઈને નીકળી પડ્યો અને તેનો પનારો શિવા નાયી સાથે પડ્યો ! વાતોનાં વડાં પીરસવામાં નિષ્ણાત શિવા નાયીએ ક્રિકેટ મેચને ડ્રોમાં ખેંચી જવા મથતા અંતિમ ખેલાડીની જેમ પોતાની આંખો સામે દેખાતા મૃત્યુને ઘણી ક્ષણો સુધી દૂર ધકેલ્યું, પરંતુ અત્યાચારી ફઝલખાને શિવાજી મહારાજના વધની મહેચ્છા શિવા નાયીના વધથી પૂર્ણ કરી, જોકે તેનો તેને આજીવન અફસોસ રહ્યો.
 
પન્હાલગઢથી વિશાલગઢનું અંતર ૭૦ કિ.મી. જેટલું છે. આજની જેમ ધોરી માર્ગો તે દિવસોમાં તો હતા નહીં. ૬૦૦ સૈનિકો કાદવ-કીચડ, કાંટાળા, દુર્ગમ પહાડી માર્ગો ઉપરથી ઘોર અંધારી-વરસાદી રાત્રે હિન્દવી સ્વરાજ્યના ઉદ્ગાતાની સુરક્ષાના એકમાત્ર લક્ષ્યથી પ્રયાણ કરી રહ્યા હતા. કલ્પના કરો એ અનામી વીરવ્રતીઓની પ્રખર દેશભક્તિની! ક્યાંય વિસામો નહીં, આરામ નહીં, પાણીના બે ઘૂંટડાની પણ વાત નહીં, બસ એક જ લક્ષ્ય સ્વરાજ્ય એ જ તેમનું પ્રેરકબળ હતું.
 
શિવા નાયીની ક્રૂર હત્યા કરીને સિદ્દી અને ફઝલના અશ્ર્વારૂઢ સૈનિકો વિશાલગઢ ભણી આગળ વધ્યા. વિશાલગઢ ૧૦-૧૨ કિ.મી. દૂર હતું ત્યારે વીર બાજીપ્રભુએ સેનાને રોકી. વિસ્તારથી સુપેરે પરિચિત એવા વીર બાજીપ્રભુએ છત્રપતિ શિવાજી મહારાજને વિનંતી કરી, હે મહારાજ, હવે આગળ એક સમયે માત્ર એક ઘોડેસવાર જ પસાર તેવી સાંકડી ઘોડખીંડ આવે છે. અમે ૩૦૦ જેટલા સૈનિકો અહીં રોકાઈને શત્રુઓને રોકી રાખીશું. તમે બાકીના ૩૦૦ સૈનિકો સાથે આગળ વધો અને વિશાલગઢ પહોંચો.
 
પરિણામ સ્પષ્ટ હતું. શિવાજી મહારાજ અત્યંત વ્યથિત હૃદયે આગળ વધ્યા. ૩૦૦ દેશભક્ત વીરવ્રતીઓએ વ્યૂહાત્મક રચના કરીને ૪૦૦૦ જેટલા આદિલશાહી સૈનિકોને રોકી રાખ્યા. એ સેનાનું નેતૃત્વ સિદ્દીના જમાઈ સિદ્દી મસુદે સંભાળ્યું હતું. અનેક શત્રુઓ મરાયા પરંતુ પાંચ કલાકથી સતત ચાલી રહેલા એ યુદ્ધમાં શત્રુઓના ઘાતથી એ દેશભક્તનું શરીર ચાળણીની જેમ વિંધાઈ ગયું હતું. પરંતુ તોપના ધડાકા સાંભળવા જ જીવી રહેલું એ શરીર એક ડગલું પણ પાછળ હટ્યું ન હતું. હિન્દવી સ્વરાજ્યની સ્થાપના થાય એ માટે એ શરીરનો આત્મા પણ યમરાજને સહ્યાદ્રિની એ ખીણમાં પ્રવેશવા દેતો ન હતો !
 
વિધિની વક્રતા તો જુઓ ! વિશાળ ગઢ ઉપર પર આદિલશાહી આતંકીઓએ ઘેરો ઘાલ્યો હતો. ત્યાં પણ યુદ્ધ ખેલાયું અને શત્રુઓના ભારથી ધરા મુક્ત થઈ. વિશાળગઢમાં પ્રવેશ કરીને તરત જ શિવાજી મહારાજે તોપના પાંચ ધડાકા કરાવ્યા. વીર બાજીપ્રભુ દેશપાંડેના પ્રાણ લેવા આવેલા યમરાજની આંખો પણ ભીની થઈ હશે ! તેમને એ ક્ષણે નચિકેતા અને સાવિત્રીનું સ્મરણ પણ થયું હશે ! થોડી જ વારમાં શિવાજી મહારાજ ઘોડખીંડ ઉપર પહોંચ્યા. ૩૦૦ જેટલા દેશભક્તોના બલિદાનથી અત્યંત પવિત્ર બનેલા એ તીર્થક્ષેત્રને પાવનખીણ એવું નામાભિધાન કરીને સર્વ નામી-અનામી દેશભક્તોને તેમણે શ્રદ્ધાંજલિ અર્પી હતી.
 
- ડૉ. શ્રુતિ આણેરાવ