આરબો અને બપ્પા રાવળનું યુદ્ધ । ઇ.સ. ૭૫૩

    12-Aug-2021
કુલ દૃશ્યો |

Battle of Rajasthan_1&nbs
 
 
બાપા રાવળ અથવા બપ્પા રાવળ. આમનું નામ તમે કોઈ ફિલ્મમાં કે ટીવી શ્રેણીમાં કે ટીવી જાહેરખબરમાં સાંભળ્યું? ના. અમિતાભ બચ્ચનના કેબીસીમાં આ અંગે કોઈ પ્રશ્ર્ન સાંભળ્યો ? ના. કેબીસીની અત્યારે સમ્માન જાહેરખબર આવે છે તેમાં ગામડાના માણસને આગ્રાના તાજમહલ અને દિલ્લીના કુતુબમિનાર વિશે પુછાય છે પણ હિન્દુ રાજાઓ, તેમનાં કામકાજ અને તેમનાં સ્થાપત્યો વિશે જાણે ઇતિહાસ જ ભુલાવી દેવાયો છે. આ કામ નહેરુથી લઈને ૨૦૧૪ સુધી ચાલતું આવ્યું છે. હવે બદલવાની શરૂઆત થઈ છે અને ઘણા લોકો હવે ઇતિહાસ જાણવામાં રસ લઈ રહ્યા છે.
 
સાચું નામ બાપા રાવળ. બાપા રાવળમાં બાપા એટલે પિતા સમાન એ પદવી છે. એ વિશેષણ છે. તેમણે યુદ્ધમાં મુસ્લિમ આક્રાંતાઓના ભૂંડા હાલ કર્યા હતા. સામાન્ય રીતે ઇતિહાસમાં આપણને હારનો ઇતિહાસ જ ભણાવાય છે, ચાહે તે મુસ્લિમ આક્રાંતાઓના હાથે હોય કે પછી અંગ્રેજોના હાથે, પણ બાપા રાવળનો ઇતિહાસ ભણાવાતો નથી.
 
બાપા રાવળ મેવાડના રાજા હતા. તેમનું સાચું નામ કાલભોજ હતું. તેમનો જન્મ ઈ. સ. ૭૧૨માં થયો હતો. તેમના પિતા મહેન્દ્ર રાવળ દ્વિતીય હતા. તેમની હત્યા ઇડરમાં ભીલો સાથેની લડાઈમાં થઈ હતી. જોકે તેમની માતાએ નિષ્ઠાવાન ભીલોની મદદથી જ બાપા રાવળને મોટા કર્યા હતા. એમ કહેવાય છે કે એ ભીલો જ હતા જેમણે બાપા રાવળને યુદ્ધકૌશલ્ય શીખવાડ્યું હતું.
 
બીજી એક કથા પ્રમાણે, તેમનો ઉછેર એક બ્રાહ્મણ સ્ત્રીએ ઉદયપુરથી થોડે દૂર નાગદામાં કર્યો હતો જેણે તેમને ગાયો ચરાવવાનું અને તેમની કાળજી લેવાનું કામ સોંપ્યું હતું. તેમના પર હારિત ઋષિનું વરદાન હતું. બાપા રાવળ ગાયોને ચરાવતા હતા. તેમાંથી એક ગાય વધુ દૂધ આપતી હતી પરંતુ સાંજે ગાય જંગલમાંથી પાછી ફરતી હતી તો તેનાં આંચળમાં દૂધ રહેતું નહોતું. બાપા રાવળ આ રહસ્ય જાણવા ગાયની પાછળ જંગલમાં ગયા. તેમણે જોયું તો ગાય હારિત ઋષિના શિવલિંગ પર દુગ્ધાભિષેક કરતી હતી. તે પછી બાપા રાવળ હારિત ઋષિની સેવામાં લાગી ગયા. એમ કહેવાય છે કે હારિત ઋષિના આશીર્વાદથી તેઓ મેવાડના રાજા બન્યા. સંભવત: આ હારિત ઋષિની પ્રેરણાથી જ બપ્પા રાવળે અહીં એકલિંગજી મંદિર પણ બંધાવ્યું હતું. તેઓ ગુહિલૌત (કદાચ અત્યારે ગહલોત અટક આવે છે તે હોઈ શકે) વંશના આઠમા શાસક હતા. ગુહિલૌત પહેલાં ગુહિલ કહેવાતા હતા એવો ઉલ્લેખ પણ ક્યાંક ક્યાંક મળે છે. અને ગુહિલોત પોતાને પ્રારંભમાં બ્રાહ્મણ કહેવડાવતા હતા. (ડૉ. ભાંડારકરે લખ્યું છે કે ગુહિલૌત આનંદપુરના નાગર બ્રાહ્મણ હતા જે મૂળત: વિદેશી કુળના હતા.- આર. સી. મજુમદાર, શિવસિંહ ચૌહાણ લિખિત શ્રેણ્ય યુગ ભારતીય જનતા કા ઇતિહાસ ઔર સંસ્કૃતિ પુસ્તકમાં આ નોંધ આપેલી છે.)
 
ઉદયપુર પર રાજ કરનારા ગુહિલૌત વંશના લોકો આસપાસનાં ક્ષેત્રો પર પણ રાજ કરી રહ્યા હતા. જયપુરથી ૨૬ માઈલ દૂર દક્ષિણમાં ચત્સુ નામના એક નગરમાં મળેલા એક અભિલેખથી આ વંશના આવા જ એક વ્યક્તિની જાણ થાય છે. ગુહિલૌતની આ શાખાની સ્થાપના સાતમી સદી કે છઠ્ઠી સદીના અંતમાં કોઈ ભતૃ પટ્ટ (કે ભટ્ટ?)એ કરી હતી. ઉક્ત પુસ્તક શ્રેણ્ય યુગ અનુસાર, આ અભિલેખ મુજબ, ભતૃ પટ્ટ પરશુરામ સમાન હતા, જેમાં બ્રાહ્મણ અને ક્ષત્રિય બંનેના ગુણો હતા. જોકે જન્મ આધારિત વર્ણવ્યવસ્થા આપણે નથી માનતા. તેથી બાપા રાવળ હિન્દુ હતા તે પર્યાપ્ત છે.
 
તે સમયે બલિ પ્રથા હતી. બાપા રાવળની શક્તિ વિશે એમ કથા છે કે તેઓ એક જ ઝાટકામાં બે ભેંસની બલિ આપી શકતા હતા. તેમનું વ્યક્તિત્વ વિશાળકાય હતું. તેમની ધોતી પાંત્રીસ હાથની અને દુપટ્ટો સોળ હાથનો હતો. તેમની તલવાર વિશે પણ કિંવદંતી છે. તેમની તલવારનું વજન ૩૨ મણ હતું ! ઇસ્લામની સ્થાપના પછી ખલીફાઓને બીજા દેશો જીતીને અને માત્ર જીતીને જ નહીં, તેમને મુસ્લિમ બનાવીને પોતાના દાસ બનાવવા જબરદસ્ત ખંજવાળ ઊપડી હતી પરંતુ ભારતમાં તેમની કારી ફાવી નહીં. ઈરાન જીત્યા પછી આ આક્રાંતાઓએ ભારત પર આક્રમણો શરૂ કર્યાં હતાં, પરંતુ અનેક વર્ષો સુધી તેઓ પરાજિત થતા રહ્યા.
 
મુહમ્મદ બિન કાસિમ પહેલો મુસ્લિમ આક્રાંતા હતો જેણે ભારત પર આક્રમણ કર્યું. અત્યારે જે પાકિસ્તાન છે તે ૧૯૪૭ પહેલાં તો ભારતનો જ ભાગ હતું. તેણે સિંધ પર આક્રમણ કરીને રાજા દાહિરને હરાવ્યા. મંદિરો તોડવામાં આવ્યાં, લૂંટફાટ કરાઈ અને પ્રજાની વ્યાપક સ્તરે હત્યા કરાઈ. તેના અનુગામી જુનૈદ ઇબ્ર અબ્દુર અલ રહમાન અલ મુરી મોટી સેના લઈને રાજસ્થાન અને ગુજરાત તરફ આગળ વધ્યો. આ લડાઈની શ્રેણીને રાજસ્થાનની લડાઈ કહેવાય છે જે ઈ. સ. ૭૩૮માં ઉત્તર અને પશ્ર્ચિમ ભારતના રાજાઓ અને આરબો વચ્ચે લડાઈ હતી.
 
જુનૈદે ગજવા એ હિન્દનું સપનું લઈને અનેક વાર ભારતના અનેક ભાગો પર આક્રમણ કર્યાં, પરંતુ નાગભટ્ટ પ્રથમ (જેણે ગુજરાત, રાજસ્થાન સહિત પશ્ર્ચિમ ભારત પર રાજ્ય કર્યું હતું), પુલકેશી પ્રથમ અને બાપા રાવળે તેને ખદેડી દીધો હતો. સાથે બાપા રાવળ પણ મુસ્લિમ આક્રાંતાઓને ખદેડવામાં આગળ આવ્યા. તેમણે અજમેર અને જૈસલમેર જેવાં નાનાં-નાનાં રાજ્યોને સાથે લીધાં. યૌદ્ધાઓનો સંઘ બનાવ્યો. હિન્દુ રાજાઓને એક કર્યા. બાપા રાવળે આ રાજાઓની મદદથી આરબોને સિંધ નદીના પૂર્વ ભાગથી પાછળ ધકેલતાં આ ભાગને આરબોની ચુંગાલમાંથી મુક્ત કરી દીધો હતો. આ રીતે તેમણે સમગ્ર ભારતની રક્ષા કરી હતી.
 
બેટલ ઑફ રાજસ્થાન તરીકે ઓળખાતી આ લડાઈઓમાં પ્રતિહાર રાજવંશના નાગભટ્ટ પ્રથમે રાષ્ટકૂટ સામ્રાજ્યના રાજા જયસિંહ વર્મનને દુષ્ટ મુસ્લિમ આક્રાંતાઓ સામે લડવા માટે સંદેશો મોકલ્યો. જયસિંહે આ વાત માની લીધી અને પોતાના પુત્ર પુલકેસીને લડાઈ લડવા મોકલ્યો. આ તરફ બાપા રાવળ પણ નાનાં-નાનાં રાજ્યોને પોતાની તરફ લડવા માટે મનાવી પોતાની સેના સાથે યુદ્ધમાં જોડાયા. આ યુદ્ધમાં જોવાની વાત એ હતી કે હિન્દુ રાજાઓ તરફ માત્ર પાંચથી છ હજાર જ સૈનિકો અને ઘોડેસવારો હતા જ્યારે મુસ્લિમ આક્રાંતાઓ તરફે ૩૦,૦૦૦ સૈનિકો હતા. તો પણ ભારતના આ વીર યૌદ્ધાઓ અરબી યૌદ્ધાઓ પર ભારે પડી ગયા.
 
યુદ્ધની રણનીતિ ખૂબ જ જોરદાર અને મુસ્લિમોની ભાષામાં જ તેમને જવાબ આપવા (આજની ભાષામાં કહીએ તો મોદી સરકારના સમયમાં સેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઇક)ની હતી. જ્યારે આરબ સેના અવંતી તરફ આગળ વધી રહી હતી તો નાગભટ્ટે બધા રાજાઓ સાથે મંત્રણા કરી. સેનાપતિના સૂચનથી આ મુસ્લિમો જે યુદ્ધના નિયમો ન માનનાર હતા, ગોમાંસભક્ષી હતા અને બળાત્કારી હતા તેમને તેમની જ ભાષામાં આક્રમણ કરીને ધૂળ ચાટતા કરી દેવા રાત્રે જ આક્રમણ કરી દેવાયું હતું. સવાર થતાં સુધીમાં આરબ સેનાનો એક પણ સૈનિક જીવિત બચ્યો નહોતો. આરબોએ ક્યારેય ભારતીય રાજા પાસેથી આવી આક્રમકતાનો સપનામાં પણ વિચાર નહોતો કર્યો. આથી આરબ ઇતિહાસકારોએ અવંતી પર આક્રમણનો તો ઉલ્લેખ કર્યો છે પણ પરિણામનો નહીં.
 
આરબોની બીજી સેના ગુજરાત થઈને દક્ષિણ ભારત તરફ જઈ રહી હતી. નવસારિકા (આજનું નવસારી) પાસે હિન્દુ રાજાઓના સંગઠને તેને લલકારી. આ યુદ્ધમાં સેનાનું નેતૃત્વ ચાલુક્ય રાજકુમાર પુલકેસી કરી રહ્યો હતો. આરબ સેના પર ભયંકર પ્રહાર થયો. આરબ સેના મુઠ્ઠી વાળીને પાછી ભાગવા લાગી. પરંતુ નાગભટ્ટની યોજના મુજબ, ભાગતી સેનાને છોડવાની નહોતી. છોડે તો ફરી હુમલો કરે ને. આથી તે સેના જ્યાં જ્યાંથી પસાર થતી ત્યાંના શાસકો આરબ સેના પર અચાનક હુમલો કરી આરબ સેનાને મારી નાખતા હતા. આ રીતે મેવાડમાં બાપા રાવળ, જાલોરમાં પ્રતિહારો, ઉત્તર ગુજરાતમાં ચપોત્કટ (ચાવડા), દક્ષિણ ગુજરાતમાં ચાલુક્ય, સૌરાટ્રના સૈન્ધવ, કચ્છના કાછેલા, કચ્છ અને સૌરાષ્ટના સમુદ્રી પ્રદેશ વચ્ચે મેર (મહેર)એ વીણી વીણીને આરબોને મારી નાખ્યા. સેનાના સેનાપતિ અલ હાકમનો વધ મેરોએ કરી નાખ્યો.
બાપા રાવળના નેતૃત્વ હેઠળ રાજપૂતોએ જુનૈદનો વધ કરી નાખ્યો. આરબ ઇતિહાસકાર સુલૈમાનના શબ્દોમાં, મુસ્લિમોને ભાગીને શરણ લેવાનું એક પણ સ્થળ સાંપડતું નહોતું તેવી દશા બાપા રાવળ, નાગભટ્ટ પ્રથમ અને પુલકેસીએ કરી હતી. મુસ્લિમોને પોતાની હારમાંથી કળ વળતાં ઘણી વાર લાગી. જુનૈદના ઉત્તરાધિકારી તમીમ ઇબ્ર ઝેડ અલ ઉત્બીએ હુમલો કરવા પ્રયાસ કરી જોયો. તે પણ ધૂળ ચાટતો થઈ ગયો. તે પછી ઓછામાં ઓછાં ચારસો વર્ષ લાગ્યાં મુસ્લિમોને ભારતના નાનકડા ભાગ પર પોતાનો કબજો જમાવવામાં. ખિલજી હોય કે તુગલક, કે પછી મોગલ શાસન, દરેક સમગ્ર ભારત પર તો રાજ્ય ન જ કરી શક્યા. (ઉલ્લેખનીય છે કે બપ્પા રાવળ પહેલાં સિંધના રાજા દાહિરે હિન્દુસ્તાનને આરબ આક્રમણખોરોથી બચાવવા માટે શહીદી વહોરી હતી.)
 
આ ઇતિહાસ આપણને ક્યાંથી ભણાવાય? આપણને તો પૃથ્વીરાજ ચૌહાણનો ઇતિહાસ ભણાવાયો જેણે ઘોરીને માફ કરી દીધો હતો. અને છેલ્લે તે હારી ગયા, કારણ કે ઘોરીએ રાત્રે આક્રમણ કર્યું હતું. મોહમ્મદ ગઝની જેવા લૂટારાનો ઇતિહાસ ભણાવાય છે. પરંતુ બાપા રાવળ, નાગભટ્ટ પ્રથમ અને પુલકેસી પ્રથમનો ઇતિહાસ ભણાવાય તો ખબર પડત કે હિન્દુ રાજાઓ પણ મુસ્લિમ લૂટારાઓને તેમની જ ભાષામાં જવાબ આપવા રાત્રે આક્રમણ કરતા હતા અને માફ કરવાના બદલે કે જીવતા છોડી દેવાના બદલે વીણી વીણીને મારી નાખતા હતા. તેના કારણે જ તે પછી ચારસો વર્ષ ભારત તરફ આ મુસ્લિમ આક્રમણખોરોએ આંખ ઉઠાવી જોવાની હિંમત ન કરી.
 
બાપા રાવળ માત્ર પોતાની પિચ પર રમવામાં એટલે કે ભારતમાં જ યુદ્ધ કરવામાં નહોતા માનતા, પણ કબડ્ડીની રમતની જેમ દુશ્મનનો પીછો કરી તેમના પ્રદેશમાં યુદ્ધ કરવામાં માનતા હતા. એટલે જ રાવળપિંડીમાં પોતાનું થાણું બનાવી તેમણે ગઝની પર પંદરથી વધુ હુમલાઓ કર્યા. (જોયું મિત્રો? ગઝનીના સત્તર વાર આક્રમણ કર્યું તે આપણને ભણાવાયું પણ બાપા રાવળનાં ગઝની પર પંદર આક્રમણો વિશે ભણાવાયું?) તેમણે ગઝનીના શાસક સલીમને હરાવ્યો હતો. બાપા રાવળે તેમનું સામ્રાજ્ય ઈરાનની સીમા સુધી વિસ્તાર્યું હતું. તેમણે પશ્ર્ચિમ ભારતના ઘણા બધા પ્રદેશો પર રાજ્ય કર્યું જેમાં સિંધ, બલોચિસ્તાન, ગઝની, કંદહાર ખુરાસાન, તુરાન વગેરે સમાવિષ્ટ હતાં. તેમને બાપા ઉપરાંત હિન્દુ સૂર્ય, રાજગુરુ અને ચકવેસાર્વભૌમની પદવીઓ પણ મળેલી છે.
 
મુસ્લિમ ઇતિહાસકારોના ફુતુહ ઉલ બલ્દાન ગ્રંથમાં આરબોના પરાજયનું વર્ણન છે. તે મુજબ, હિન્દુઓએ અરબી મુસલમાનો માટે નાની સરખી પણ ભૂમિ છોડી નહીં, આથી તેમને ભાગીને દરિયાપાર એક સુરક્ષિત નગરી વસાવવી પડી. કાલાંતરે શાંતિ વ્યવસ્થા થતાં બાપા રાવળે સામ્રાજ્ય પોતાના જ્યેષ્ઠ એટલે કે મોટા પુત્ર ખુમાણ રાવળને સોંપીને અને અન્ય છ પુત્રોને પ્રશાસનિક અધિકારી નિયુક્ત કરીને ઈ. સ. ૭૫૩માં સંન્યાસ લઈ લીધો અને ભગવાન શિવની ભક્તિમાં જીવન સમર્પિત કરી દીધું. મહાન યૌદ્ધાઓ રાણા સાંગા (રાણા સંગ્રામસિંહ), મહારાણા પ્રતાપ અને રાણા ઉદયસિંહ બાપા રાવળના વંશજો કહેવાય છે.
 
તેમના સમયના મળેલા સિક્કા જે તેમણે બહાર પાડ્યા હતા તેમાં ઉપર માળા અને નીચે શ્રી બોપ્પ લેખ છે. ડાબી તરફ ત્રિશૂળ છે. જમણી તરફ શિવલિંગ છે. નંદી શિવલિંગ સામે મુખ રાખીને બેઠા છે. શિવલિંગ અને નંદીની નીચે દંડવત્ પ્રણામ કરતા પુરુષની આકૃતિ છે. પાછળની તરફ સૂર્ય અને છત્રનું ચિહ્ન છે. નીચે ગાયને ધાવતા વાછરડાનું ચિત્ર છે. આ બાપા રાવળની શિવભક્તિ અને સૂર્ય-ગાય પ્રત્યે પ્રેમ દર્શાવે છે.
 
- જયવંત પંડ્યા