ભારત-પાક. યુદ્ધ ૧૯૬૫ - એ યુદ્ધ જ્યારે ભારતીય સૈન્ય લાહોર પહોંચી ગયું

    12-Aug-2021
કુલ દૃશ્યો |

Indian Pakistan War 1965_ 
 
 

ભારત-પાક. યુદ્ધ | (ઈ.સ. ૧૯૬૫) | Indian Pakistan War 1965

 
 
સન ૧૯૬૨માં ચીનથી મળેલ હાર અને ઈ. સ. ૧૯૬૪માં પં. જવાહરલાલ નહેરુના નિધનથી સંભવતઃ ભારત રાજનીતિક અને સૈન્યશક્તિ એમ બંને દૃષ્ટિએ કમજોર થઈ ગયાંની પાકની ધારણા રહી. અતઃ આ સમય તેને(પાકને) ભારત પર ચડાઈ કરવા ઉપયુક્ત લાગ્યો. વળી અમેરિકાથી મળેલ સૈન્યસહાય-જેમાં પેટન ટૅન્ક અને યુદ્ધવિમાનો મેળવેલ-ના બળે પાક. હવે ભારત કરતાં સૈન્યશક્તિમાં આગળ હોવાનું માનવા માંડેલ અને હુમલાની યોજના બનાવી દીધી હતી.
 
૯ એપ્રિલ, ૧૯૬૫ના તોપો સહિત પાક. સેનાએ એક ભારતીય ચોકી પર હુમલો કર્યો. આ હુમલો કરતાં પહેલાં પાકિસ્તાને ગુજરાતના કચ્છ પર હુમલો કરી તેની શક્તિ જાણવાનો પ્રયત્ન પણ કરેલ. ભારતીય સેનાને સ્થિતિ પર ધ્યાન રાખવાનો આદેશ અપાયો હતો. આ ઉપરાંત પેરા બ્રિગેડ પણ રવાના કરી દેવાઈ હતી.
 
૨૮ એપ્રિલના પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ લોકસભામાં વક્તવ્ય આપતાં ભારત-પાક. વચ્ચે યુદ્ધ ગંભીર રૂપ લેવાની આશંકા પ્રતિ સચેત કરેલ.
 
૨ થી ૫ ઑગસ્ટ વચ્ચે ઉક્ત ફોજે ઉત્તરે કારગિલ અને જમ્મુ સેક્ટરમાં કાલીધર ક્ષેત્ર સુધી યુદ્ધવિરામ રેખાની બીજી તરફ ઘૂસી આવી પુંચ અને જમ્મુ સેક્ટરમાં તોપો ગોઠવી દીધેલ. પાક.ની આ કાર્યવાહી વિશે ન તો કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ પાસે કે ન સેનાની ગુપ્તચર એજન્સીઓ પાસે કોઈ જાણકારી હતી ! આ કારણસર પ્રારંભે શત્રુને સબળ પ્રતિરોધનો સામનો કરવો પડેલ નહિ. શત્રુએ પુંચ સેક્ટરના મંડી થાણા પર કબજો કરી લીધો અને જમ્મુ સેક્ટરમાં કાલીધર પર્વતમાળાના કેટલાક વિસ્તાર પર તેની પકડ મજબૂત કરી લીધી. એટલું જ નહિ, તે સેના શ્રીનગર અને ગુલમર્ગની લગભગ નજીક પહોંચી ગઈ હતી, પરંતુ પાક.નો મુખ્ય ઉદ્દેશ્ય આમ વિદ્રોહ કરવામાં તે સફળ થયેલ નહીં. સ્થાનીય લોકોએ ભારતીય સૈનિકોને પર્યાપ્ત સાથ-સહકાર આપ્યો.
 
૨૫ ઑગસ્ટના પાકે. યુદ્ધની ઘોષણા કરી, કેમકે ભારતીય સેનાની કાર્યવાહીથી તેને ઘેરાઈ જવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. ૨૬ ઑગસ્ટના તેણે પુંચ અને ઉરી ક્ષેત્રમાં ભયંકર ગોળીબારીનો આરંભ કર્યો, પરંતુ ભારતીય સેનાએ આ ક્ષેત્રમાં પાક. પ્રવેશ પર અંકુશ લગાવી દીધો. એટલું જ નહિ, યુદ્ધવિરામ રેખાને ઓળંગી હાજીપીર અને પીર સાહિબ ઘાટીઓ પર કબજો મેળવ્યો. ૨૭ ઑગસ્ટના પાક. સેના પણ ભારતીય સીમામાં લગભગ ૩ કિ. મી. પ્રવેશી ગઈ. કજલવાન ક્ષેત્રમાં ભયંકર લડાઈ બાદ તેને પુનઃ પાછળ હટાવી દેવાઈ, જેમાં પાક. સેનાના લગભગ ૧,૦૦૦ સૈનિકો માર્યા ગયા અને ૧૦૦થી અધિક બંદી બનાવાયા, જે સમયે હાજીપીર ઘાટીમાં ભારતીય ધ્વજ લહેરાતો પાક. સેનાએ જોયો તો તે હતપ્રભ થઈ ગઈ. તેને તેના ઇરાદા વિફળ થતા લાગ્યા.
 
૧/૯ના કચ્છમાં પણ યુદ્ધ શરૂ થયું. પાકે. આક્રમણ માટે તેની સેનાને ‘ઑપરેશન ગ્રાન્ડ સ્લેમ’ નામ આપેલ. પાકે. છમ્બ સેક્ટરમાં ટેન્કો અને બખ્તરબંદ તોપગાડીઓ તૈનાત કરેલ, પણ તેમાં તેને કંઈ સફળતા મળેલ નહીં. ભારત તરફથી છમ્બ ક્ષેત્રમાં ૬ શીખ લાઇટ ઈન્ફ્રન્ટી તેમજ ૧૫ કુમાઉ બટાલિયન તૈયાર કરાઈ. ૨/૯ના ભારતે વાયુસેનાનો ઉપયોગ કરી શત્રુની ૧૩ ટેન્ક અને ૪૦ બખ્તરબંદ વાહનો નષ્ટ કર્યાં. ૩/૯ના ભારતીય નેટ વિમાનોએ પાક.ના આધુનિક સેબર જેટ વિમાનોનો ખાતમો બોલાવી એક કીર્તિમાન જ સ્થાપિત ન કર્યો, પરંતુ વિશ્ર્વને ચકિત કરી દીધું !
 
આ દરમિયાન સ્થિતિ નાજુક થતી જોઈ ૧૬/૯ના પાકે તેના મિત્ર ચીન પાસે સહાય માંગી. ચીને ભારતને ગર્ભિત ધમકી આપી કે તિબેટ-સિક્કીમ સીમાએ તૈનાત કરાયેલ સૈનિક અડ્ડાઓ તેની સીમામાં આવતાં હોઈ ભારત તેને તુરંત હટાવી લે અન્યથા નષ્ટ કરાશે. ૧૭/૯ના ચીન સાથે પણ આ સંદર્ભે કેટલીક ઝડપ થઈ. ૧૮/૯ના પાકે. અંબાલા હવાઈમથક પર હવાઈ હુમલો કર્યો. ૧૯/૯ના પાક.ના હવાઈ આક્રમણ દરમિયાન એક વિમાન નાશ પામ્યું, જેમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી બળવંતરાય મહેતા અને તેમનાં પત્ની માર્યાં ગયાં.
 
૨૧/૯ના ત્રીજી જાટ બટાલિયને ડોગરાઈ પર અધિકાર કર્યો. આ અભિયાનમાં લેફ્ટ. કર્નલ એ. વી. તારાપોર શહીદ થયા. પૂના હૉર્સના લેફ્. કર્નલ તારાપોરને મરણોપરાન્ત પરમવીર ચક્રથી સન્માનિત કરાયા.
 
યુદ્ધ દરમિયાન સુરક્ષા પરિષદ નિરંતર આ સમસ્યા પર વિચાર કરતી રહી. અનેક પ્રસ્તાવ રજૂ કરાયા.
 
૨૦/૯ના સુરક્ષા પરિષદે ભારત-પાક.ને યુદ્ધ સમાપ્ત કરી પોતપોતાની સેનાને ૫ ઑગસ્ટની સ્થિતિએ આવવા અપીલ કરી. આ પ્રસ્તાવ પસાર થવાના સમયે પાક. સેના પર ભારતીય જવાનો હાવી થઈ રહ્યા હોઈ પાકે. ૨૩/૯ના પ્રાતઃ ૩-૧૦ મિનિટે યુદ્ધવિરામ સ્વીકારી લીધો ! આ રીતે ભારત-પાક. યુદ્ધ વિરમ્યું. પાક.ની આશાઓ પર પણ પાણી ફરી વું. આ યુદ્ધમાં ભારતીય સેનાનું મનોબળ અત્યંત ઊંચું હતું.
 
૨૩ દિવસ ચાલેલા આ યુદ્ધમાં ભારતીય સેના અત્યંત વીરતાથી લડી. તેમણે અમેરિકાથી પાક.ને મળેલ પેટન ટેન્કોનો ખાતમો બોલાવી દીધો. ભારતીય રક્ષા મંત્રાલય અનુસાર આ યુદ્ધમાં ભારતના ૨,૨૨૬ અધિકારીઓ અને જવાનો શહીદ થયા. યુદ્ધ દરમિયાન જ યુદ્ધવિરામ થઈ જતાં કોઈ એકની નિશ્ર્ચિત જીત કે હાર ન થઈ હોવાનું કહી શકાય. આમ છતાં આ યુદ્ધમાં ભારત અવશ્ય અધિક શક્તિશાળી સિદ્ધ થયું. અહીં એ નોંધનીય છે કે યુદ્ધવિરામ થયા પછી પણ ૨૩થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન પાકે. ૪૨ વાર યુદ્ધવિરામ રેખાનું ઉલ્લંઘન કર્યું. પાક.ના વિદેશ મંત્રી ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ કહ્યું કે ભારત કાશ્મીરમાં જનમત સંગ્રહ કરાવશે તો જ બંને દેશો વચ્ચે સંબંધ સુધરશે. ૨૫/૯ના ભારતના રાષ્ટપતિ ડૉ. રાધાકૃષ્ણને આકાશવાણી પરથી રાષ્ટજોગ સંદેશ આપતાં કહ્યું કાશ્મીરમાં જનમત સંગ્રહ ન તો વ્યવહારિક છે કે ન આવશ્યક કેમ કે પાકે. સંયુક્ત રાષ્ટ સંઘના સન ૧૯૪૮ના પ્રસ્તાવનું પાલન કર્યું નથી. કાશ્મીરની સંવિધાન સભાએ ભારતમાં જોડાવા સમર્થન આપેલ છે. આ સંદર્ભે ભારતના પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ કૉંગ્રેસ વર્કિંગ કમિટી સમક્ષ જણાવ્યું કે, ‘‘પાક.ની નિયત સારી ન હોઈ તેનાથી નિતાંત સતર્ક રહેવું આવશ્યક છે.’’
 
તાશ્કંદ સંધિ
 
સન ૧૯૬૫નું ભારત-પાક. યુદ્ધ સમાપ્ત થવા છતાં હજુ સ્થિતિ સામાન્ય થઈ ન હતી. ભારત-પાક. સીમાએ ગોળીબારી જો કે શાંત થઈ હતી, તો પણ કાયમી શાન્તિ હેતુ માટે હજુ કોઈ સમજૂતી બાકી હતી. આ પરિપ્રેક્ષ્યમાં સોવિયત સંઘ (રશિયા)ના પ્રધાનમંત્રી કોસીજીનના પ્રયત્નથી સોવિયત મધ્ય એશિયાના ઉજબેકિસ્તાન પ્રાંતની રાજધાની તાશ્કંદમાં એક શાંતિ સંમેલનનું આયોજન કરી તેની મધ્યસ્થતામાં ૧૦ જાન્યુઆરી, ૧૯૬૬ના ભારત તરફથી તત્કાલીન પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી અને પાક. તરફથી તત્કાલીન રાષ્ટપતિ અયૂબખાને એક સમજૂતી પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા, જે સમજૂતી ‘તાશ્કંદ-ઘોષણા’ નામથી ઓળખાય છે.
 
આમ છતાં પ્રસ્તુત સમજૂતીથી થોડા સમય માટે ય બંને દેશો વચ્ચે રહેલી વૈમનસ્યની ભાવના ખતમ તો નહિ, પણ સ્થગિત અવશ્ય થઈ ગયેલ, પરંતુ દુખદ એ બન્યું કે પ્રસ્તુત સમજૂતીના થોડા કલાકો બાદ હૃદયના ગંભીર હુમલાના ફળસ્વરૂપ શાસ્ત્રીજીનું દુઃખદ અવસાન થયું. જોકે આ મૃત્યુને આજેય રહસ્યમય માનવામાં આવે છે. ભારત-પાક.ના કટુ સંબંધના ઇતિહાસમાં સપ્ટેમ્બર, ૧૯૬૫નું આ યુદ્ધ એક મહત્ત્વપૂર્ણ ઘટના મનાય છે.
 
૧૯૬૫નું ભારત-પાક. યુદ્ધ જ્યારે ભારતીય સૈન્ય લાહોર પહોંચી ગયું
 
ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૯૬૫ના યુદ્ધની શરૂઆત ગુજરાતના કચ્છના રણને લગતા વિવાદથી થઈ. ૮ એપ્રિલ, ૧૯૬૫માં પાકિસ્તાને કચ્છના રણમાં ભારત પર હુમલા શરૂ કરી દીધા. બ્રિટિશ પ્રધાનમંત્રી હેરોલ્ડની દરમિયાનગીરી બાદ ભારતે ૯૧૦ ચો. કિ. મી. રણનો વિસ્તાર પાકિસ્તાનને સોંપી દીધો. છતાં પાકિસ્તાનના તત્કાલિન સૈન્ય પ્રમુખ જનરલ અયુબખાને કાશ્મીર પર કબજો જમાવવા ઓપરેશન જીબ્રાલ્ટરની શરૂઆત કરી. ભારતે ઘૂસણખોરોને મારી ભગાવતા અયુબખાને પાકિસ્તાની લશ્કરને હુમલાનો આદેશ આપ્યો અને ૫ ઓગસ્ટ, ૧૯૬૫ના દિવસે ૩૩,૦૦૦ પાકિસ્તાની સૈનિકો કાશ્મીરી સ્થાનિકોના વેશમાં ભારતમાં ઘૂસ્યા. ભારતીય લશ્કરે પણ ૧૫ ઓગસ્ટ, ૧૯૬૫માં અંકુશરેખા પાર કરી પાકે. પચાવી પાડેલા કાશ્મીરમાં પહોંચી ગયા. ભારતીય સૈન્યે પાકિસ્તાની હદમાં આઠ કિ.મી. અંદર ઘૂસી હાજીપીર ઘાટ કબજે કર્યો. યુદ્ધમાં ભારતના એરફોર્સને મેદાનમાં ઉતાર્યું. ભારતે એક પછી એક તમામ મહત્ત્વનાં સ્થળો કબજે કર્યાં. મેજર જનરલ પ્રસાદના નેતૃત્વમાં તે વખતે ભારતીય સૈન્ય પાકિસ્તાનનો ખુરદો બોલાવતાં છેક લાહોર સુધી પહોંચી ગયું હતું. ભારતે ૧૯૨૦ ચો. કિ.મી. વિસ્તાર પર કબજો કરી પાકિસ્તાનનાં ૭૩ વિમાનો તોડી પાડ્યા હતા. અમેરિકા તથા અન્ય દેશોની મધ્યસ્થીથી ભારતે યુદ્ધવિરામ સ્વીકાર્યો. કમનસીબે આ યુદ્ધવિરામ પછી રશિયાના તાશ્કંદમાં કરાર માટે પહોંચેલા આપણા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું રહસ્યમય રીતે મૃત્યુ થયું.
 
- જય પંડિત