કાશ્મીરનું યુદ્ધ | પંડિત નહેરુજીએ એકતરફી યુદ્ધ-વિરામ જાહેર કરી, સમગ્ર મામલો યુનોમાં લઈ ગયાં અને P.O.K. અસ્તિત્વમાં આવ્યું !

    12-Aug-2021
કુલ દૃશ્યો |

Kashmir war_1   
 

કાશ્મીરનું યુદ્ધ | (ઇ.સ. ૧૯૪૭-૪૮) |  Indo-Pakistani War of 1947–1948 Kashmir war

 
 
૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ને દિવસે મઝહબી આધાર ઉપર દેશ વિભાજન સાથે જ અસ્તિત્વમાં આવેલ પાકિસ્તાને પ્રારંભથી જ મુસ્લિમ બહુલ જમ્મુ-કાશ્મીર દેશી રજવાડાને હડપ કરી જવાની કુટિલ-યોજના કાર્યાન્વિત કરી હતી. પાકિસ્તાનનાં પશ્ર્ચિમ - પંજાબ ક્ષેત્ર અને વાયવ્ય સરહદ પ્રાંતના મુસલમાનોની જમ્મુ-કાશ્મીર ક્ષેત્રમાં સશસ્ત્ર ઘૂસણખોરી કરાવીને જમ્મુ-કાશ્મીરની ડેમોગ્રાફી વધુ મુસ્લિમ-બહુલ કરવા સાથે માત્ર સવા બે મહિનામાં જ ૨૧ ઓક્ટોબર, ૧૯૪૭ને દિવસે પાકિસ્તાન ક્ષેત્રના કબાઈલીઓની બનેલી અર્ધ-લશ્કરી ફોજ-પાકિસ્તાનની ફોજનાં અદ્યતન હથિયારો સાથે, જમ્મુ-કાશ્મીરને હડપ કરી જવા માટે વ્યાપક પ્રમાણમાં ઘૂસણખોરી અને આક્રમક કારવાઈ માટે મોકલી આપી.
 
પાકિસ્તાની કબાઈલી હુમલાખોરો, શ્રીનગરથી માત્ર ૫૪ કિ.મી. અંતરે આવેલ બારામુલ્લામાં ત્રાટક્યાં. હુમલાખોરોએ બારામુલ્લાની મુસ્લિમ આબાદીનાં અનેક ઘરો અને વ્યાપારી પ્રતિષ્ઠાનોમાં ભારે લૂંટફાટ અને તબાહી મચાવી. બારામુલ્લા નગરમાં જે શીખ વસાહતો હતી, ત્યાં શીખ પુરુષોની કત્લેઆમ ચલાવી અને શીખ બહેન-બેટીઓનાં વિશાળ સંખ્યામાં અપહરણ કર્યાં અને અકથ્ય જુલ્મો-બળાત્કારોને પણ શૈતાની અંજામ આપ્યો. અનેક શીખ યુવતીઓ-મહિલાઓનાં અપહરણ કરીને તેઓને પાકિસ્તાન ક્ષેત્રનાં નગરોમાં મામૂલી રકમમાં વેચી દેવામાં આવી ! આ રીતે કબાઈલી હુમલાખોર નરાધમોએ કાળો કેર વર્તાવ્યો !
 
પરંતુ આ તરફ કબાઈલીઓ બારામુલ્લામાં લૂંટફાટ અને ઐયાશી કરવા રોકાયા. પરિણામે, ઝડપથી શ્રીનગર પહોંચી જઈને, શ્રીનગર કબ્જે કરવાની તેઓની ઇચછા ઉપર પાણી ફરી વું. કબાઈલીઓએ બારામુલ્લામાં જ રોકાઈ જઈને કિંમતી સમય વેડફી નાખ્યો હતો ! બારામુલ્લા ઉપરાંત જમ્મુ-કાશ્મીરનાં અનેક ક્ષેત્રોમાં ચોતરફી આક્રમણની પાક.ની યોજના આગળ વધારવા થોડાં અઠવાડિયાં પછી પાકિસ્તાની સેનાના સૈનિકોએ જાતે જ જમ્મુ-કાશ્મીર ઉપરના આક્રમણનો દોર પોતાના હાથમાં લઈ લીધો.
 
આ તરફ ગંભીર આક્રમણની પરિસ્થિતિમાં જમ્મુ-કાશ્મીર દેશી રજવાડાના મહારાજા શ્રી હરિસિંહજીએ તા. ૨૬ ઓક્ટોબર, ૧૯૪૭ને દિવસે ભારતીય સંઘમાં તેમના રજવાડાના વિલીનીકરણના દસ્તાવેજ ઉપર દસ્તખત કર્યા. આવી કટોકટીભરી પરિસ્થિતિમાં તત્કાલીન ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન, સરદાર પટેલે પરિસ્થિતિની ગંભીરતાનો તકાજો સમજીને તત્કાળ કામગીરી હાથ ધરી. ૨૬ ઓક્ટોબરની રાત્રે જ સરદાર પટેલે શીખ રેજિમેન્ટના બહાદુર સૈનિકોને ઇમર્જન્સી ઓપરેશન માટે સુસજ્જ થવાનો એલર્ટ આપ્યો. એ મુજબ ૨૭ ઓક્ટોબર, સોમવાર ૧૯૪૭ના પરોઢીએ ૫.૩૦ કલાકે, ભારતીય શીખ સૈનિકોની પહેલી ટુકડી, દિલ્હીના હવાઈ મથકથી શ્રીનગર હવાઈ મથક પહોંચવા રવાના થઈ. તેની પાછળ ને પાછળ બીજાં વિમાનો દ્વારા પણ ઓપરેશન આગળ વધારવામાં આવ્યું...
 
ભારતીય સેનાના જાંબાજ સૈનિકો જ્યારે ૨૭ તારીખે સવારે ૮.૩૦ કલાકે શ્રીનગર હવાઈ મથક ઉપર પહોંચ્યા ત્યારે, શ્રીનગરના હવાઈ મથક ઉપરની હવાઈ પટ્ટીના અનિવાર્ય રિપેરિંગની અને આવશ્યક સુરક્ષાની અત્યંત કપરી કામગીરી ત્યાં ઉપસ્થિત ૩૦૦-૫૦૦ સંઘ-સ્વયંસેવકોએ પાર પાડી હતી. ઉપર્યુક્ત સંઘ-સ્વયંસેવકોએ ભારતીય સૈન્યના જાંબાજ સૈનિકોનું ઉમળકાભેર શ્રીનગર એરપોર્ટ ઉપર સ્વાગત કર્યું. સંઘ-સ્વયંસેવકોની આ અદ્ભુત કામગીરીના સૂત્રધાર હતા તત્કાલીન શ્રીનગર કોલેજના ઇતિહાસના પ્રાધ્યાપક અને સંઘ પ્રચારક પ્રો. બલરાજ મધોકજી! (પં. દીનદયાળ શોધ-સંસ્થાનના ત્રિમાસીક અંગ્રેજી રિસર્ચ મેગેઝીન ‘મંથન’ના જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૮ના અહેવાલ મુજબ)
 
જેવું ભારતીય સૈનિકોએ શ્રીનગર હવાઈ મથકે ઉતરાણ કર્યું કે, તેમને સૂચના મળી કે, ૫૪ કિ.મી. દૂર આવેલા બારામુલ્લામાં પાકિસ્તાની કબાઈલી હુમલાખોરોએ તબાહી મચાવી છે. એટલે તત્કાળ લેફ્ટનન્ટ કર્નલ દીવાન રંજીતરાયના નેતૃત્વમાં ભારતીય શીખ સૈનિકોએ બારામુલ્લા તરફ કૂચ આરંભી. ત્યાં બારામુલ્લાથી પાંચેક કિ.મી. દૂર મોરચો સંભાળી રહેલા જમ્મુ-કાશ્મીર રાજ્યના સૈનિકો પણ ભારતીય સેનાના સૈનિકોને આવી મા અને આ રીતે બંને સૈનિક ટુકડીઓએ ભારે સાહસ અને શૌર્યથી બારામુલ્લામાં કબાઈલી હુમલાખોરો સામે જંગ માંડ્યો અને તેઓને પીછેહઠ કરવાની ફરજ પાડી. આ સમગ્ર ઓપરેશનનું નેતૃત્વ રંજીતરાયે કરેલું. પરંતુ મહાન સંઘર્ષ પછી તેઓ વીરગતિ પામ્યા. તેઓશ્રીને મરણોપરાંત મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા.
 
જમ્મુ-કાશ્મીર મહારાજાનાં સૈન્ય અને પોલીસ દળમાં પણ જે મુસ્લિમો હતા, તેમાંથી અનેકોએ મહારાજાની વિરુદ્ધમાં પાકિસ્તાન તરફી વૃત્તિ-વલણ દાખવ્યાં. પરિસ્થિતિ ઘણી ગંભીર હતી. પરંતુ તેનો સામનો કરવા માટે ભારતીય સેનાની વધુ ને વધુ ટુકડીઓ, સરદાર પટેલના માર્ગદર્શનમાં સતત શ્રીનગર હવાઈ મથકે ઊતરવા લાગી. જમ્મુ-કાશ્મીર રાજ્યનો શેષ ભારત સાથેનો સંપર્ક-જમીની રસ્તે કરવામાં ઘણી જ અડચણો હતી. આ ક્ષેત્રમાં રસ્તાઓની હાલત અત્યંત ખરાબ હતી. જે એકમાત્ર પાકો રોડ હતો. તે પાકિસ્તાન ક્ષેત્રમાંથી આવીને શ્રીનગર પહોંચતો હતો.
 
પ્રારંભમાં કબાઈલી હુમલાખોરો અને પછીથી પાકિસ્તાની સેનાના સૈનિકો પણ થોડા અઠવાડિયાંઓ પછી જમ્મુ-કાશ્મીર રાજ્યને ભારતથી અલગ પાડી દેવામાં અનેક યુક્તિ-પ્રયુક્તિઓમાં સક્રિય બનીને, તેઓએ હુમલાઓ તેજ બનાવ્યાગ.
આવી જ પરિસ્થિતિ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં આવેલ કાશ્મીર ઘાટીની જ ઉત્તરમાં આવેલ સુદૂર ગિલગીટ-બાલ્ટિસ્તાનમાં પણ સર્જાઈ. આ ક્ષેત્રોને પણ હડપ કરી જવા માટે પાકિસ્તાની સેના કામે લાગી. પાકિસ્તાનની ફોજે ગિલગિટ-બાલ્ટિસ્તાનને પણ હડપ કરી જવા માટે ત્યાંની વિશાળ મુસ્લિમ વસ્તીનો સાથ લીધો. જ્યારે ભારતીય સેનાના સૈનિકોમાં જે હિન્દુ-શીખ સૈનિકો હતા તેઓ ભારત તરફી વફાદારી પ્રગટ કરવામાં સફળ થયાં. પરંતુ મુસ્લિમ સૈનિકો, પાકિસ્તાન તરફ ખુલ્લી સહાનુભૂતિ-સમર્થન દાખવી રહ્યાં હતાં. સ્વાતંત્ર્યના એ પ્રારંભના મહિનાઓમાં ભારતીય લશ્કરમાં સહુથી ટોચના અધિકારીઓ તરીકે હજુ પણ અંગ્રેજ સૈન્ય-અધિકારીઓ હતાં. તેઓ મનથી પાકિસ્તાન વિજયી બને એવા વૃત્તિ-વલણવાળા હતાં. તેથી જ ભારતીય સૈન્યમાં રહેલ અંગ્રેજ મિલિટરી અધિકારીને કાશ્મીર ઉપરના પાકિસ્તાનના સૂચિત હુમલાના ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ મળેલા. પરંતુ એ અંગ્રેજ મિલિટરી અધિકારીએ આવી ગંભીર માહિતીથી કાશ્મીરના મહારાજાને અવગત કરાવવાનું ઉચિત માન્યું નહીં, કારણ કે તમામ અંગ્રેજ અધિકારીઓ, દેશ વિભાજન પછી અસ્તિત્વમાં આવેલ પાકિસ્તાનને શક્ય તેટલી સહાયતા પહોંચાડવા આતુર હતાં, જેથી પાકિસ્તાન ભારત સામે મજબૂત બનીને સંઘર્ષ માટે સક્રિય બની શકે ! આ રીતે બ્રિટિશ આર્મી ઓફિસરો સ્પષ્ટપણે ભારત વિરોધી વૃત્તિ વલણના હતાં !
 
ઓક્ટોબર, ૧૯૪૭માં થયેલા પાકિસ્તાની આક્રમણનો સિલસિલો પછીના મહિનાઓમાં પણ આગળ વધતો રહ્યો. હવે પછી પાકિસ્તાનની સેના ખુલ્લી રીતે મેદાને પડી. શ્રીનગર ઘાટીને હડપ કરવાના મનસૂબા ઉપરાંત પાકિસ્તાનની ફૌજ લેહ-લદ્દાખ ક્ષેત્રમાં અને તેથીયે આગળ પશ્ર્ચિમ-ઉત્તરી ક્ષેત્રમાં વધુ ઊંચાઈએ આવેલ ગિલગિટ-બાલ્ટિસ્તાનનો પણ કબજો મેળવવા માટે સક્રિય બન્યાં. ગિલગીટ-બાલ્ટિસ્તાનની સ્થાનિક વસ્તી મુસ્લિમ-બહુલ હતી, પરિણામે પાકિસ્તાની સેનાની કામગીરી સરળ બની રહી.
 
ગિલગિટ-બાલ્ટિસ્તાનનો ઇતિહાસ એવો રહ્યો છે કે, ૧૯મી સદીમાં આ સમગ્ર ક્ષેત્ર ઉપર પંજાબી મૂળના ડોગરા રાજપૂતોએ નિયંત્રણ મેળવેલું. પરંતુ ત્યાર પછી અંગ્રેજોના શાસનમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રને અંગ્રેજોએ ૬૦ વર્ષની લીઝ ઉપર પોતાના અંકુશમાં લઈ લીધેલું. પરંતુ ૧૯૪૭માં અંગ્રેજોએ ભારતમાંથી વિદાય લેતી વેળાએ ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્ર ઉપરના તેમના લીઝ-અંકુશના અધિકારો કાશ્મીર મહારાજાને સુપ્રત કર્યા. પરિણામે કાશ્મીર મહારાજાએ પોતાના પ્રતિનિધિ તરીકે બ્રિગેડિયર ધનસારા સિંઘની ગવર્નર તરીકે નિમણૂક કરી અને ગવર્નર શ્રી ધનસારા સિંઘે ગિલગિટ-બાલ્ટિસ્તાન ઉપર લશ્કરી-વહીવટી અંકુશ મેળવવાની કામગીરી તાત્કાલિક શરૂ કરી.
 
પરંતુ દેશ-વિભાજનને કારણે જે રીતે હિંદુ-મુસ્લિમો વચ્ચે સાંપ્રદાયિક ધ્રુવીકરણ સઘન બની રહ્યું હતું, પરિણામે ભારતીય સેનામાં રહેલા મુસ્લિમ સૈનિકો અને અફસરોની વફાદારી પણ પાકિસ્તાન તરફી થવા લાગી હતી.
 
આવી ગંભીર પરિસ્થિતિમાં ગિલગિટ-બાલ્ટિસ્તાનની સુરક્ષા-વ્યવસ્થા બહુ ગંભીર પડકારરૂપ હતી. પરંતુ ગવર્નર ધનસારા સિંઘે તેમની પાસેના થોડી સંખ્યાના હિંદુ-શીખ સૈનિકોને સાથે રાખીને, પાકિસ્તાની આક્રમણખોરો અને તેમના ભારતીય સૈન્યમાં રહેલા મુસ્લિમ સમર્થકો સામેના જંગમાં અપ્રતિમ વીરતા દર્શાવી ! જો કે જેમ જેમ સમય વીતતો ગયો. તેમ તેમ પાકિસ્તાની સેનાની સંખ્યા વધતી ચાલી. છેવટે, ગિલગિટ-બાલ્ટિસ્તાન ઉપર પણ પાકિસ્તાની ઝંડો ફરકાવવામાં આવ્યો ! જોકે, પંડિત નહેરુજીએ એકતરફી યુદ્ધ-વિરામ જાહેર કરી, સમગ્ર મામલો યુનોમાં લઈ ગયાં. આથી અનેક મોરચાઓ ઉપર વિજયી ભારતીય સેનાના બલિદાનો વ્યર્થ ગયાં અને P.O.K. અસ્તિત્વમાં આવ્યું !
 
 
કાશ્મીર-ઘાટી બચાવનાર બારામુલ્લાનો હીરો : મકબૂલ શેરવાની
 
 
જ્યારે પાકિસ્તાની-કબાઈલીઓનાં ધાડાં બારામુલ્લાથી શ્રીનગર તરફ ધસી રહ્યાં હતાં ત્યારે, બારામુલ્લાના મકબૂલ શેરવાનીએ એ આક્રમણખોરોને શ્રીનગર જવાના રસ્તાને બદલે, અવળે રસ્તે ચઢાવી દીધા ! પરિણામે તેઓનો કીમતી સમય અવળે રસ્તે રઝળપાટમાં વેડફાઈ ગયો. જો કે પાછળથી કબાઈલીઓએ મકબૂલ શેરવાનીની કરપીણ હત્યા કરી નાખી. આજે પણ બારામુલ્લામાં સદ્ગત મકબૂલ શેરવાનીની પ્રેરક સ્મૃતિમાં મેમોરિઅલ હોલ ૧૯૪૭ની યાદો તાજી કરાવે છે !
 
 
સ્કાર્દૂના રક્ષણ માટેનો જીવસટોસટનો સંગ્રામ
 
 
ગિલગિટ - બાલ્ટિસ્તાન ક્ષેત્રમાં હિમાચ્છાદિત પર્વતો વચ્ચેની સિંધુ નદીની ખીણમાં વસેલું સ્કાર્દૂ નગર (પ્રો. મધોકજીનું જન્મસ્થળ) અત્યંત વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે. તે વખતે ભારતીય સૈન્યમાં રહેલા અંગ્રેજ અફસરો અને એક લશ્કરી અફસર બાબરખાને સાથે મળીને, ગવર્નર ધનસારાસિંહની વિરુદ્ધ કાવત્રું ઘડી કાઢ્યું. શ્રી સિંઘે દિવસો સુધી એ કાવત્રાબાજો દ્વારા મુસ્લિમ સૈનિકો સાથે કરાયેલા હુમલાઓને મારી હટાવ્યા, પરંતુ સમય વીતવા સાથે હિન્દુ-શીખ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થતાં અને અનેક વીરગતિ પ્રાપ્ત કરતાં છેવટે પાકિસ્તાની સેના વિજયી બની અને ગિલગિટ-બાલ્ટિસ્તાન ઉપર પાકિસ્તાની ઝંડો ફરકાયો અને સ્કાર્દૂનું પણ પતન થયું !
 
 
નૌશેરાનો રખવૈયો : બ્રિગેડિયર મહંમદ ઉસ્માન MVC
 
 
ઉત્તર પ્રદેશના આઝમગઢનો વતની બ્રિ. મહંમદ ઉસમાને ૧૯૪૭માં કાશ્મીરના રખવૈયા તરીકે રાષ્ટીય સન્માન પ્રાપ્ત કરેલ છે. ૬-૭ ફેબ્રુઆરી, ૧૯૪૮ની એ મહત્ત્વપૂર્ણ લડાઈમાં બ્રિગેડિયર મહંમદ ઉસમાને ભારતીય સૈન્યની સરખામણીમાં પાકિસ્તાની સૈનિકોની સંખ્યા વિશાળ હોવા છતાંયે અત્યંત કુશળતાથી અદ્ભુત વ્યૂહરચના અને અપ્રતિમ સાહસ-શૌર્યથી પાકિસ્તાનીઓને પરાજય આપ્યો ! દૂર દુશ્મનોએ ઊંચાઈએથી ૨૫ પાઉન્ડર શેલ્સના બ્લાસ્ટ કર્યા. જે ઉસમાનના બંકરની બહુ નજીક પડ્યાં. પછી થોડો સમય શાંતિ છવાઈ ગઈ. દરમિયાન ઉસ્માને જે ઊંચા ખડકનો આશ્રય લીધેલો. ત્યાંથી ખસીને વધુ સુરક્ષિત સ્થાને જતાં દુશ્મનોએ ફરીથી શેલ્સ વિસ્ફોટ કર્યા, જેમાં ઉસમાન ઉપર જીવલેણ વિસ્ફોટ થયો અને વીરગતિને પામ્યો, પરંતુ એ પહેલાં ઉસમાને ગોઠવેલી વ્યૂહરચના કારગર નીવડી અને પાકિસ્તાની સૈનિકોની હાર થઈ ! ઉસ્માનને હીરો ઓફ ધ નૌશેરા અને સેવિયર ઓફ ધ નૌશેરાના મરણોત્તર એવોર્ડ્સ પ્રાપ્ત થયાં.
 
- પ્રા. હર્ષદ યાજ્ઞિક