કારગિલનું યુદ્ધ | પાકિસ્તાનના ગાલ પર વધુ એક પરાજયનો તમાચો બનીને જડાઈ જનાર એ દિવસ

    12-Aug-2021
કુલ દૃશ્યો |

kargil war_1  H 
 
 

કારગિલનું યુદ્ધ | Kargil War | (ઇ.સ. ૧૯૯૯)

 
૧૯૯૯ના મે મહિનાના દિવસો હતા. જમ્મુ - કાશ્મીરના કારગિલ વિસ્તારના કકસાર કસ્બાના ગોવાળો પોતાની ભેડ-બકરીઓને ચરાવવા પહાડોની ગોદ ખૂંદી રહ્યા હતા. એક પછી એક પહાડો અને ટેકરીઓના ઉબડખાબડ રસ્તા પર આગળ વધી રહેલા એ ગોવાળોનું ધ્યાન અચાનક એલ્યોરની પહાડી પર ગયું, કેટલાક લોકો પહાડી પર તંબુ ખોડી રહ્યા હતા. એમની પાસે થોડાંક શસ્ત્રો હોવાનું પણ કળાયું. ગોવાળોના પગ થંભી ગયા અને નજર ઝીણી થઈને ત્યાં ચોંટી ગઈ. એ લોકોને કોઈ રીતે ભારતીય સૈન્યના માણસો નહોતા દેખાઈ રહ્યા.
 
અભણ અને ગ્રામીણ ગણાતા ગોવાળો જરૂરિયાત કરતાં વધારે બુદ્ધિમાન સાબિત થયા. તાત્કાલિક એમણે એ માહિતી ભારતીય સેનાની ચોકી પર પહોંચાડી દીધી. અને એ સાથે જ બીજ રોપાયાં ભારત-પાકિસ્તાન વચ્ચેના અત્યાર સુધીના છેલ્લા યુદ્ધ કારગિલ યુદ્ધના.
 
કારગિલ પર પાકિસ્તાની સીમા પરથી વર્ષોથી તોપગોળાઓ અને ગોળીઓનો વરસાદ થતો રહે છે, પણ આ વખતે એ લોકો કંઈક મોટા પ્લાનમાં હતા. છેક સુધી કોઈને એ વાતની ભનક સુધ્ધાં નહોતી આવી કે લુચ્ચું પાકિસ્તાન આ વખતે ઘૂસણખોરો મોકલીને, વેરાન બર્ફીલી પહાડીઓ પર બંકર બનાવવાની, મોરચાઓ ગોઠવવાની અને શ્રીનગર-લેહને જોડતા સંપર્ક-માર્ગ પર કબજો જમાવવાની પૂરેપૂરી જાળ બિછાવી ચૂક્યું છે.
 
ભારતીય સેનાને જેવી પાકિસ્તાનની આ કુટીલ ચાલબાજીની ખબર પડી કે તરત જ સંરક્ષણ ખાતા સાથે વિચાર-વિમર્શ કરીને આપણા જાંબાઝ સૈનિકો રણમેદાનમાં ઊતરી પડ્યા.
 
પમી મેના રોજ કારગિલ સેક્ટરની ચોથી જાટ રેજીમેન્ટની ટુકડીના લેફટનન્ટ સૌરભ કાલિયા પોતાના સાથીઓ ભીખારામ, અર્જુનરામ, નરેશસિંહ તથા બનવારીલાલ સાથે ઘૂસણખોરોની તપાસમાં નીકળ્યા, પણ પાછા ન ફર્યા.
 
છઠ્ઠી મેના રોજ પહેલીવાર દ્રાસ વિસ્તારના કુકરથોંગ પાસે ભારતીય સૈનિકો અને પાકિસ્તાની ઘૂસણખોરોનો આમનો-સામનો થયો. ભારતીય સૈનિકોએ એક એક ઘૂસણખોરોને વીંધીને ઑપરેશન વિજયના શ્રીગણેશ કર્યા. ૯મી મેના રોજ કાશ્મીર-બટાલિક વિસ્તારમાં ભારતીય સૈનિકોનો સામનો બીજા કેટલાક ઘૂસણખોરો સાથે થયો ત્યારે વધુ સ્ફોટક વિગતો સામે આવી. એ વિગતો એવી હતી કે, શિયાળામાં બરફવર્ષાને કારણે બંને દેશો પરસ્પર સમજુતીથી તે વિસ્તારો ખાલી કરતાં હોય છે. આ સમજુતી મુજબ ભારતે તે બરફાચ્છાદિત વિસ્તાર ખાલી કર્યા પરંતુ પાકિસ્તાને દગો કરીને ત્યાં સૈન્ય ટુકડી દ્વારા બંકરો બનાવી દીધા હતા. વાતને ગંભીરતાથી લઈ ભારતીય સેનાએ એક મેજરની આગેવાનીમાં પાંચ જવાનોની એક ટુકડીને બટાલિકની પહાડીઓ પર ઘૂસણખોરોની ભાળ મેળવવા મોકલી. એ ટુકડીનો એક પણ સૈનિક પાછો ન આવ્યો, પણ પાછી આવી ૩૫ દિવસ પહેલાં ઘૂસણખોરોની ભાળ મેળવવા નીકળેલા લેફટનન્ટ સૌરભ કાલિયા અને એમના સાથીઓની ક્ષત-વિક્ષત લાશ. શહીદોની લાશ જોઈને જ ખબર પડતી હતી કે આપણા સૈનિકો પર કેટલો અમાનવીય અત્યાચાર ગુજાર્યો છે. કારગિલના ઑપરેશન વિજયની પ્રથમ આહુતિ એવા લેફટનન્ટ સૌરભ કાલિયાની શહીદી પર એ દિવસે ભલભલાની આંખમાં આંસુ આવી ગયાં હતાં.
 
૮ મેના ભારત સરકારે બટાલિક ક્ષેત્રમાં હજાર સૈનિકોનું એક વધારાનું દળ મોકલ્યું, જેની સાથે ઘૂસણખોરોની પ્રથમ સશસ્ત્ર મૂઠભેડ થઈ. તો બીજી તરફ પાક સીમાએથી ભયંકર ગોળીબારી પ્રારંભ થઈ ગઈ. જેનો એક માત્ર ઉદ્દેશ્ય ભારતીય સેનાને આગળ વધતી રોકવાનો હતો. ૧૨ મેના ભારતીય સેનાએ સીમા પર યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ હોવાનું અને પાકે મોટા પ્રમાણમાં ઉગ્રવાદીઓને ભારતીય સીમામાં પ્રવેશી લીધાનું અનુમાન કર્યું. ૧૨ મેએ સ્થિતિની ગંભીરતા જોતાં શ્રીનગરથી ૧૫મી કોરની સૈન્યટુકડીના સૈનિકોને હેલિકોપ્ટર દ્વારા કારગિલમાં ઉતાર્યા. ૧૮ થી ૨૬ મે દરમિયાન કારગિલ-દ્રાસ-બટાલિક ક્ષેત્રમાં લગભગ ૬૦૦ થી ૮૦૦ પાક ઘૂસણખોરો પ્રવેશી ગયાનું ભારતીય સેનાનું તારણ હતું. તો ભારતીય વાયુસેનાની વેગીલી કાર્યવાહીથી શત્રુ પરેશાન હતા. ૨૭ મેના ભારતીય મિગ ૨૭માં આગ લાગતાં ફ્લાઈટ લેફ. કે. નચિકેતાને પાક. સેનાએ યુદ્ધબંદી બનાવ્યા. ૨૯ મેના ભારતીય સેનાએ કારગિલમાં ઘૂસણખોરો વિરુદ્ધ સફળતા મેળવી અને દ્રાસ સેક્ટરમાં પણ સેના નિયંત્રણ રેખા નજીક પહોંચી ગઈ. દ્રાસ સેક્ટરમાં ઘૂસણખોરો સાથેના સશસ્ત્ર સંઘર્ષમાં મિકેનાઈઝ્ડ ઇન્ફ્રન્ટીના મૅજર રાકેશસિંહ શહીદ થયા. ૩૧મી મે એ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીએ સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું કે, કારગિલમાં યુદ્ધ જેવી સ્થિતિ છે અને આપણે દુશ્મનોનો સફાયો કરીશું જ.
 
૮મી જૂનના ભારતીય વાયુસેના અને થલ સેનાનો તુર્તુક અને બટાલિક ક્ષેત્રમાં ઘૂસણખોરો ૫૨ તોપો અને મોર્ટારોથી હુમલો કરતાં પરિણામસ્વરૂપ દુશ્મનનો માર્ગ નષ્ટ થઈ ગયો. ૧૩ જૂનના તોતોલિંગના બે પૉઈન્ટ ૪૫૯૦ અને ૫૧૪૦ ને ૧૮ ગ્રેનેડિયર્સના ૨૦ કમાન્ડોએ રાત્રિ દરમિયાન પાક ઘૂસણખોરોથી મુક્ત કરવાનું સોંપાતાં તેમણે ૧૮ ઘૂસણખોરોનો ખાતમો બોલાવી પૉઈન્ટ ૪૫૯૦ ૫૨ કબજો કર્યો. ૧૯ જૂનના નિયંત્રણ રેખાથી ૮૦૦-૯૦૦ મીટર દૂર આવેલ તોતર્લિંગની સર્વાધિક ઊંચા પહાડી પૉઈન્ટ ૫૧૪૦ને પણ મુક્ત કરી. ભારતીય સેનાએ ૨૪ કલાકની લડાઈના અંતે ટાઈગર હિલની ૧૦ ચોકીઓ પર પણ પુનઃ કબજો મેળવી લીધો. ૨૧ જૂન સુધીમાં ભારતીય સેનાએ દ્રાસ ક્ષેત્રને પણ ઘૂસણખોરોથી પૂર્ણરૂપે મુક્ત કરાવ્યું તો મોહ ઘાટીમાં તેઓને નિયંત્રણ રેખાથી ઘણાં પાછળ ધકેલી દીધા.
 
૧૧ જુલાઈથી કારગિલ ક્ષેત્રની નિયંત્રણ રેખા નજીકથી પાક સૈનિકો પાછા ફરવા માંડ્યા. આ દરમિયાન પાક વિદેશમંત્રી સરતાજ અજીજે ઈસ્લામાબાદમાં ભારત-પાકના અધિકારીઓ વચ્ચે કાશ્મીરમાં ક્ષેત્રવાર યુદ્ધવિરામની પ્રક્રિયા શરૂ થઈ ગયાનું જાહેર કર્યું. પરંતુ ભારતે આનું તુરંત ખંડન કરતાં સ્પષ્ટ કર્યું કે યુદ્ધવિરામ જેવી કોઈ વાત જ નથી ! ભારતે સ્પષ્ટ કર્યું કે કારગિલ સેક્ટર કે અન્ય કોઈ સ્થાનેથી એક પણ ભારતીય સૈનિક હટશે નહિ, એટલું જ નહિ ઑપરેશન વિજય ચાલુ જ રહેશે.
 
પરિસ્થિતિ ધીમે ધીમે અત્યંત વિકટ થતી જતી હતી. પાકિસ્તાની ઘૂસણખોરો કારગિલની ૧૬થી ૧૮ હજાર ફૂટ ઊંચી પહાડીઓ પર મશીનગન લગાવીને બેસી ગયા હતા. આપણા સૈનિકો તળેટીએ હતા અને એ ઉપર. સામનો કરવો મુશ્કેલ જ નહીં અશક્ય પણ હતો. પણ કદાચ અશક્ય શબ્દ આપણા જેવા સામાન્ય માણસો માટે જ નોંધાયો હશે. ભારતીય સૈનિકો માટે કોઈ વસ્તુ અશક્ય નહોતી. એમના માટે તો રામાયણ, મહાભારત, ગીતા બધેથી એક જ શબ્દનો પડઘો ઊઠી રહ્યો, વિજય....વિજય...વિજય...!
 
પોતાની માતૃભૂમિની છાતી ઉપર કોઈ વિધર્મીઓ કાળો કેર કરી રહ્યા હોય એ કોઈ દીકરો કેમ સાંખી લે ? ઘેર ભીની આંખે વાટ જોતી પત્ની, પિતા સાથે ધીંગામસ્તી કરવા વલખાં મારતાં બાળકો, સ્ફટિકની માળામાં દીકરા માટે દુઆ માંગતી મા, દીકરાનો ખભો પકડી જાત્રાએ જવા તરસી રહેલો બાપ, ભાઈ જેવા ભાઈબંધો, હાડકાં ઓગાળી નાખતી ટાઢ અને અઢાર અઢાર હજાર ફૂટ ઊંચેથી ખાબકતું મોત બધું જ ભૂલીને ભારતીય સૈનિકો માભોમની રક્ષા કાજે હાથમાં ગન અને કફન લઈને કૂદી પડ્યા.
 
આખું કારગિલ તોપગોળા અને ગનમશીનોના અવાજથી ધણધણી ઊઠ્યું. કલ્પી પણ ન શકાય એવી અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ભારતના સિંહોએ પાકિસ્તાનનાં શિયાળોને જડબાતોડ જવાબ આપ્યો. શિયાળો અલ્લાહને પ્યારા થઈ રહ્યા હતા તો સિંહો શહીદ. હિમાચલ પ્રદેશના કેપ્ટન વિક્રમ બત્રા ચારણી જેવી છાતીએ શહીદ થઈ ગયા, મેરઠના યોગેન્દરસિંહ યાદવ પોતાના જ કપાઈ ગયેલા હાથને છાતી સાથે બાંધીને દુશ્મનો ઉપર તૂટી પડ્યા અને અંતે શહીદી વહોરી, એન. કેનગુરુસે તોલોલિંગની ચોટી માટે આરપારની લડાઈમાં શહીદ થઈ ગયા, ગુજરાતના વીર અશોકસિંહ જાડેજા, મહિપતસિંહ જાડેજા, દિલીપસિંહ ચૌહાણ, મુકેશ રાઠોડ, હરેન્દ્રગીરી ગોસ્વામી, દિનેશ વાઘેલા, શૈલેશ નિનામા, રૂમાલ રજાત, કાંતિ કોટવાલ, રમેશ જોગલ, ભલાભાઈ બારીયા, છગનભાઈ બારીયા જેવા અનેક જુવાનોએ માભોમની રક્ષા માટે રક્ત રેડ્યું.
 
૨૫મી જુલાઈ ૧૯૯૯ની રાત માથે ઘાત લઈને આવી હતી. યુદ્ધ એની ચરમસીમાએ હતું.
 
૧૮ હજાર ફૂટ ઉપરથી મોત ખાબકતું હતું. ભારતનાં ફાઈટર વિમાનો સૂર્યોદય પહેલાં ઊડી શકે એમ નહોતાં. મા અંબાના ચરણોમાં લીલા નારિયેળ વધેરાતાં હોય એમ મા ભારતીનાં ચરણોમાં દૂધમલ જવાનોનાં માથાં વધેરાઈ રહ્યાં હતાં. આખુ એરફોર્સ હેયામાં દેશદાઝ લઈને દુશ્મનો પર ત્રાટકવા આતુર હતું પણ અંધારાનો અજગર કેમેય કરીને આગળ વધવા દેતો નહોતો. અને આખરે બત્રીસલક્ષણા રાજવીના ભાલ પર ચમકતા કંકુના વિજયતિલક જેવી સવાર પડી. ભારતીય ફાઇટર પ્લેન બેવડા જૂનૂન સાથે પાકિસ્તાનીઓ પર તૂટી પડ્યાં. અને આખરે અનેક દૂધમલ જવાનોની શહીદીની સોગાત જેવો ભારતના ભાલ પર વિજયતિલક બનીને છવાઈ જનાર અને પાકિસ્તાનના ગાલ પર વધુ એક પરાજયનો તમાચો બનીને જડાઈ જનાર એ દિવસ આવી ગયો. એ દિવસે પાકિસ્તાની ઘૂસણખોરોનો ખાતમો બોલાવીને આપણા જવાનોએ કારગિલની ટેકરી પર રાષ્ટધ્વજ ફરકાવ્યો. એ દિવસ એટલે ઑપરેશન વિજયની સફળતાનો દિવસ. આજે એ વાતને ૨૨ વર્ષ વીતી ચૂક્યાં છે. કારગિલની ટેકરીઓ પર હજુયે સિંહોની ત્રાડના પડઘા પડી રહ્યા છે. ત્યાં છંટાયેલા હિન્દુસ્તાની લોહી પર બરફના થર જામી ગયા છે, પણ ભારતની જનતાના હૃદય પર બાઝેલી એમનાં બલિદાનોની યાદ પર કોઈ થર નથી બાઝયું. હજુ આજેય એમની શહીદીની યાદ આંખમાંથી ચોમાસું વરસાવી દે છે.