શીખ શૂરવીરોના આક્રાંતાઓ સામેના યુદ્ધ | ઇ.સ. ૧૮૪૫

    12-Aug-2021
કુલ દૃશ્યો |

Sikh War_1  H x
 
 
ઇસ્લામિક આતંકથી સ્વરાષ્ટ અને સંસ્કૃતિની રક્ષા કરવા માટે શીખ પંથના અંતિમ ગુરુ ‘દશમેરા’ ગોવિંદસિંહે ખાલસા પંથની રચના કરીને ઘોષણા કરી કે,
 
સકલ જગત મેં ખાલસાપંથ ગાજે,
જગે ધર્મ હિન્દુ, સકલ ભંડ ભાગે
 
આમ, ઇસ્લામી આતંકનો ભોગ બનેલા નવમ શીખ ગુરુ તેગબહાદુરના પુત્ર ગુરુગોવિંદસિંહે ખાલસાપંથની રચના શીખ પંથની રક્ષા માટે નહીં, પરંતુ હિન્દુ ધર્મની રક્ષા માટે કરી હતી.
 
ઇસ્લામી આતંક સામે હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે આ દશમેરા ગુરુના ચારેય પુત્રોએ પોતાનાં બલિદાન આપ્યાં હતાં. વિશ્ર્વના યુદ્ધોના ઇતિહાસમાં દેશ અને ધર્મની રક્ષા માટે નિર્વંશ થનારા એક માત્ર ‘જન નાયક’ ગુરુ ગોવિંદસિંહ હતા. આવા પ્રખર હિન્દુ ધર્મરક્ષકે સ્થાપેલા ખાલસા પંથના ‘નરસિંહો’ના શૌર્યને કારણે દિલ્હીના કટ્ટરવાદી શાસકોના અધઃપતનનો આરંભ થયો. ગુરુ ગોવિંદસિંહે તેમના શિષ્યોને (શીખોને) સૈનિક બનાવીને યુદ્ધકૌશલ્યમાં પ્રશિક્ષિત કર્યા. ગુરુ ગોવિંદસિંહની ખાલસા સેનાએ જ, ઔરંગઝેબના અલીફખાન નામના કટ્ટર સેનાપતિના નેતૃત્વમાં ખેલાયેલા કાશ્મીરના રાજા ભીમચંદ સામેના યુદ્ધમાં સહાય કરી હતી અને ઔરંગઝેબની સેનાને પરાજિત કરી હતી.
 
ઔરંગઝેબ જ્યારે હિન્દવી સ્વરાજ્યનો અંત આણવા દક્ષિણમાં જઈને ધમપછાડા કરતો હતો ત્યારે તેના દિલ્હી સ્થિત સેનાપતિએ હિંદુરક્ષક ખાલસાપંથના વધતા પ્રભાવને ખાળવા માટે પૈદામાન અને દીનબાગ નામના બે સેનાપતિઓના નેતૃત્વમાં વિશાળ સેના પંજાબમાં મોકલી. આનંદપુર સાહિબના રણાંગણમાં ‘બોલે સો નિહાલ સત શ્રી અકાલ’ના ગગનભેદી જયઘોષ સાથે વીર શીખપંથી ખાલસા સૈનિકોએ કટ્ટરવાદી મોગલ સેનાનો સફાયો કર્યો. પૈદામાન માર્યો ગયો અને દીનબાગ રણક્ષેત્ર છોડીને ભાગી ગયો ! આમ આનંદપુર સાહિબના રણક્ષેત્રમાં થયેલા ભીષણ યુદ્ધમાં ધર્માંધ ઔરંગઝેબની સેનાનો ઘોર પરાજય થયો. દુર્ભાગ્યે ‘સેક્યુલર ઇતિહાસ’માં ગુરુ ગોવિંદસિંહના નરસિંહોએ યુદ્ધમાં પ્રાપ્ત કરેલા આ ભવ્ય વિજયનો ઉલ્લેખ પણ જોવા મળતો નથી !
 
‘હાર્યો જુગારી બમણું રમે’ એ ન્યાયે ઔરંગઝેબના પરાજિત સેનાપતિએ ગુરુ ગોવિંદસિંહને પરાજિત કરવા માટે પુનઃ આનંદપુર સાહિબ ઉપર આક્રમણ કર્યું. બે માસ સુધી ચાલેલા આનંદપુર સાહિબના યુદ્ધમાં મોગલો પરાજયના પંથે હતા ત્યાં જ સરહિંદનો અત્યાચારી શાસક વજીરખાન વિશાળ સેના લઈને મોગલોની સહાયમાં આવ્યો. આનંદપુર સાહિબ પાસેના નિમોહ ગામ પાસે ખેલાયેલા આ ભીષણ યુદ્ધમાં ગુરુ ગોવિંદસિંહે દિલ્હી તથા સરહિન્દની ઇસ્લામિક સેનાને ધૂળ ચાટતી કરી દીધી.
 
ગુરુ ગોવિંદસિંહ સામે ઔરંગઝેબની સેના બે વાર હારી તેનો બદલો લેવા, કાશ્મીરમાં ખાલસા સેનાની સામે ભૂંડી રીતે હારેલો અલીફખાન મોટી સેના અને શસ્ત્રસરંજામ લઈને નીકો. ગુરુ ગોવિંદસિંહની સેના અને અલીફખાનના નેતૃત્વમાં ઔરંગઝેબની સેના વચ્ચે પંજાબના ચમકૌર નામના સ્થળે ભીષણ યુદ્ધ ખેલાયું. આ યુદ્ધમાં ગુરુ ગોવિંદસિંહના ૧૯ વર્ષીય પુત્ર અજીતસિંહ તથા ૧૬ વર્ષીય પુત્ર જુજારસિંહે હિન્દુ ધર્મની રક્ષા માટે વીરગતિ પ્રાપ્ત કરી. આ યુદ્ધમાં જ પંચ પ્યારે પૈકીના મોહકમસિંહે પણ હિન્દુરક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું. આ ભીષણ યુદ્ધમાં શીખ સેનાનો પરાભવ થયો. તે પછી ગુરુ ગોવિંદસિંહ, તેમના પત્ની ગુજરી દેવી, તેમના બે પુત્રો અને તેમના વિશ્ર્વાસુ સૈનિકોને સાવધાનીપૂર્વક પંજાબમાં રઝળપાટ કરવી પડી. આ કપરાકાળમાં તેમના એક સહાયકે વિશ્ર્વાસઘાત કર્યો, જેને કારણે તેમના ૮ વર્ષીય પુત્ર જોરાવરસિંહ તથા ૬ વર્ષીય પુત્ર ફતેહસિંહને સરહિંદના અત્યાચારી શાસક વજીરખાને પકડી લીધા.
 
કુમળી વયનાં આ બે ભૂલકાંઓને મુસ્લિમ બનાવવા માટે કટ્ટરવાદી વજીરખાને તાલિબાની અત્યાચારો કર્યા, પરંતુ જગે ધર્મ હિન્દુ સકલ બંડ ભાગે એ મંત્ર સાથે ખાલસાપંથથી સંસ્કારિત થયેલા આ બંને હિન્દુ ભૂલકાંઓએ મુસ્લિમ બનવાની ધરાર ના પાડી. તેથી આતંકી વજીરખાને આ બે કુમળી વયનાં ભૂલકાંઓને જીવતા ને જીવતા ભીંતમાં ચણી દીધા અને સેક્યુલર શાંતિનો માર્ગ પ્રશસ્ત કર્યો. આમ, હિન્દુ ધર્મની રક્ષા માટે મહાન શીખ ગુરુ ગોવિંદસિંહના ચારેય પુત્રોએ પોતાનું બલિદાન આપ્યું ! ધન્ય છે આ મહાન શીખ બલિદાનોને !
 
ગુરુજીના ચારેય પુત્રોનો ભોગ લેનારા કટ્ટર અસહિષ્ણુ મુસ્લિમોનું લક્ષ્ય હવે ગુરુ ગોવિંદસિંહ હતા. ગુલખાન નામના ક્રૂર આતંકવાદીએ કપટપૂર્વક ગુરુ ગોવિંદસિંહ ઉપર ખંજર ભોંકીને આક્રમણ કર્યું. અત્યંત ગંભીર રીતે ઘાયલ થયેલા ગુરુજી થોડા દિવસો પછી નવેમ્બર, ૧૭૦૬માં સ્વર્ગે સિધાવ્યા.
 
ગુરુ ગોવિંદસિંહના આદેશ અનુસાર ખાલસા પંથનું નેતૃત્વ બંદા વીર વૈરાગી (બૈરાગી)ને સોંપાયું હતું. ૧૬૭૦માં જન્મેલા બંદા વીર વૈરાગીનું મૂળ નામ લક્ષ્મણદાસ હતું. પરંતુ યુવાનીમાં જ તેમણે સંન્યાસ ગ્રહણ કર્યો હતો તેથી તેમનું નામ માધવદાસ થયું. વૈરાગી જીવન જીવતા માધવદાસ ભારતભ્રમણ કરતાં કરતાં નાંદેડ પહોંચ્યા. ત્યાં ગુરુ ગોવિંદસિંહની પ્રેરણાથી વૈરાગી જીવનનો ત્યાગ કરીને હિન્દુ ધર્મની રક્ષા માટે ખાલસાપંથી બન્યા. આ વૈરાગીને ગુરુજીએ બંદાસિંહ નામ આપ્યું, પરંતુ ઇતિહાસમાં તેઓ બંદા વીર વૈરાગી તરીકે પ્રસિદ્ધ છે. ગુરુ ગોવિંદસિંહ ઉપર થયેલા હિંસક હુમલા તથા તેમના ચારેય પુત્રોની થયેલી નિર્મમ હત્યાનો પ્રતિશોધ લેવાનો બંદા વીર વૈરાગીએ સંકલ્પ કર્યો. તેમના નેતૃત્વમાં ખેલાયેલાં નાનાં-મોટાં યુદ્ધોમાં કૈથલ, સમાના, શાહાબાદ, અંબાલા અને કપૂરી જેવાં નાનાં રાજ્યોને તેમણે જીતી લીધાં. આમ, વધુ શક્તિશાળી બનેલા બંદા વીર વૈરાગીએ ૧૭૧૦માં સરહિંદ ઉપર આક્રમણ કર્યું. ગુરુ ગોવિંદસિંહ તેમના પિતા નવમ ગુરુ તેગબહાદુર અને ચારેય પુત્રોના પ્રાણ લેનારા આતંકી સમાજના કટ્ટર આતંકી વજીરખાનને સરહિન્દના ભીષણ યુદ્ધમાં બંદા વીર વૈરાગીએ પરાસ્ત કર્યો. સરહિંદમાં હિન્દુ શ્રદ્ધાકેન્દ્રોને ખંડિત કરીને બનાવવામાં આવેલાં સ્થાનોને પુનઃ પવિત્ર બનાવવામાં આવ્યાં. સેંકડો હિન્દુઓની કરપીણ હત્યા કરનારા અને ગુરુ ગોવિંદસિંહના કુમળી વયના બે પુત્રોને જીવતા ભીંતમાં ચણી દેનારા આતંકી વજીરખાનના શરીરના સેંકડો ટુકડા કરીને ગીધોને અન્નદાન આપવામાં આવ્યું. દુર્ભાગ્યે ૧૭૧૦માં અમીનખાનના નેતૃત્વમાં થયેલા લોહગઢના ભીષણ યુદ્ધમાં બંદા વીર વૈરાગીની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી અને શીખ આધિપત્ય ખંડિત થયું.
 
બંદા વીર વૈરાગીની હત્યા પછી અસ્તવ્યસ્ત થયેલા ખાલસા પંથને વીર હકીકતરાયે પુનઃ સંગઠિત કર્યાં હતો, પરંતુ મુસ્લિમોએ તેમની પણ ૧૭૪૨માં ક્રૂર હત્યા કરી. આ સમયગાળામાં અનેક શીખ સૈનિકોએ ધર્મની રક્ષા કાજે ઇસ્લામી આતંક સામે પોતાનાં બલિદાન આપ્યાં. પરંતુ ૧૭૯૯માં મહારાજા રણજિત સિંહે વિધિવત્ રીતે શીખ સામ્રાજ્યની સ્થાપના કરી.
 
રાષ્ટ અને ધર્મ માટે સમર્પિત શીખસમાજને મહારાજા રણજિતસિંહે પુનઃ સંગઠિત અને યુદ્ધકૌશલ્યોથી સંસ્કારિત કર્યા. તેમના જીવનકાળમાં તેમણે અનેક યુદ્ધો ખેલવા પડ્યાં હતાં.
 
આક્રમક પઠાણોએ ઉત્તર ભારતના પચાવી પાડેલા સર્વ પ્રદેશો ઉપરથી આતંકીઓને ખદેડી મૂકીને વિશ્ર્વના એક શ્રેષ્ઠ રાજા ગણાતા મહારાજા રણજીત સિંહે મુલતાન, લાહોર, કાબુલ, કંદહાર સુધી ભગવો ધ્વજ લહેરાવ્યો. અંગ્રેજો મહારાષ્ટ છોડીને ઉત્તર ભારતમાં વેપાર માટે ગયા ત્યારે તેઓ મહારાજા રણજિતસિંહના રાજ્યમાં પ્રવેશવાની હિંમત કરી શકતા ન હતા. અંગ્રેજોની કપટી નીતિને પામી ગયેલા મહારાજા રણજિતસિંહે કરેલી ‘એક દિન સબ લાલ હો જાયેગા’ એ આર્ષવાણી ૧૮૫૭માં સિદ્ધ થઈ હતી. (તે સમયે અંગ્રેજોના આધિપત્યવાળા પ્રદેશોની સીમાને લાલ રેખાથી દર્શાવવામાં આવતી હતી.)
 
આવા પ્રતાપી અને પરાક્રમી મહારાજા રણજિતસિંહ માણસપારખુ હતા. એક દિવસ તેમની રાજ્યસભામાં પોતાની સમસ્યા લઈને આવેલા માત્ર ૧૪ વર્ષના તરુણની આંખોમાં તરવરાટ અને તેમાં થનગનતા તારુણ્યને પારખી ગયેલા મહારાજાએ તેને પોતાના અંગત સહાયક તરીકે નીમ્યો. આ યુવક એટલે જ આક્રાંતા મોગલોને થરથર ધ્રુજાવનારા પ્રતાપી સેનાની હરિસિંહ નલવા. ૧૪ વર્ષની વયના હરિસિંહ ઉપર એકવાર જંગલમાં એક વાઘે હુમલો કર્યો. પરંતુ માત્ર ૧૪ વર્ષના આ શક્તિશાળી તરુણે એકલા હાથે વાઘનો વધ કર્યો. તેથી તેઓ ‘વાઘમાર’ તરીકે પ્રસિદ્ધ થયા.
 
આવા પરાક્રમી હરિસિંહે ૧૮૦૭માં લાહોરના ખંડિયા રાજ્ય કસૂર ઉપર યુદ્ધ કરીને જીતી લીધું. તે પછીનું મહત્ત્વનું યુદ્ધ વર્ષ ૧૮૧૩માં અટ્ટોકમી અત્યાચારી આતંકી પઠાણો સામે ખેલાયું અને લાહોર હસ્તકના સિંધુ તટના ઉપરના આ સમગ્ર પ્રદેશને ક્રૂર અફઘાની પઠાણો પાસેથી મુક્ત કરાવ્યો. તે પછી તેમણે ૧૮૧૫માં ગંધગઢના અત્યાચારી સૂબા શેરખાનને હરાવ્યો. જો કે વર્ષ ૧૮૧૮માં મુલતાનને આક્રાંતાઓથી મુક્ત કરાવવા માટે ખેલાયેલા યુદ્ધમાં હરિસિંહ નલવા ગંભીર રીતે ઘવાયા હતા. આ યુદ્ધમાંથી સાજા થયેલા હરિસિંહ નલવાએ તે જ વર્ષે પેશાવરને પઠાણોના આતંકથી મુક્ત કરવા થયેલા યુદ્ધમાં ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો. તેમના પરાક્રમથી પ્રસન્ન થયેલા મહારાજા રણજિતસિંહે તેમને પેશાવરની ધુરા સોંપી હતી. પેશાવર સુધી ભગવો લહેરાયો હોવા છતાં તેના આસપાસના પ્રદેશોમાં પઠાણોનો આતંક હતો. કાશ્મીર અને પંજાબમાંથી અફઘાની આતંકીઓને ભગાડી મૂકનારા હરિસિંહને હરાવવા કાબૂલના પઠાણ શાસક અઝીમખાને બીડું ઝડપ્યું. તે કટ્ટર ઝનૂની પઠાણોનાં ધાડેધાડાં લઈને પેશાવર જીતવા આવ્યો. હરિસિંહ નલવા અને પઠાણો વચ્ચે નૌશેરામાં ભીષણ યુદ્ધ થયું. હરિસિંહે નૌશેરાની આસપાસના પઠાણો સૂબાઓને જીતીને વ્યૂહાત્મક સરસાઈ મેળવી લીધી. એ પછી અદ્ભુત સામરિક કૌશલ્ય દાખવીને હરિસિંહ નલવાએ બે યુદ્ધમોરચા ખેલીને અત્યાચારી અઝીમખાનને ભૂંડી રીતે પરાસ્ત કર્યો. આમ તાલિબાનોના આતંકથી ગ્રસ્ત એવા આજના અફઘાનિસ્તાનને વર્ષ ૧૮૧૮માં મહારાજા રણજિતસિંહના સેનાપતિ હરિસિંહ નલવાએ પઠાણોના આતંકથી મુક્ત કરાવ્યું હતું.
 
વર્ષ ૧૮૩૭માં મૃત્યુ પામેલા વીર હરિસિંહ નલવાને વર્ષ ૧૮૧૮ પછી પણ સ્વધર્મ અને સ્વરાષ્ટની રક્ષા માટે અનેક યુદ્ધોમાં જોતરાવું પડ્યું હતું. જેમ પંજાબ અને કાશ્મીરમાં કપટી અંગ્રેજોના પ્રવેશને મહારાજા રણજિતસિંહે રોકી રાખ્યો હતો તેમ તેમના વીર સેનાની હરિસિંહ નલવાએ આજના પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને તે સમયના તાલિબાનોથી મુક્ત કરાવ્યું હતું. આ ગૌરવપૂર્ણ વિજયોની નોંધ પણ સેક્યુલર ઇતિહાસમાં જોવા મળતી નથી એ આપણું દુર્ભાગ્ય ગણાય.
 
- શુકદેવ