માનગઢનું યુદ્ધ । ભારતનાં તમામ ભીલોને એ પોતીકી લાગતી ચળવળ

    12-Aug-2021
કુલ દૃશ્યો |

Mangadh_1  H x  
 

માનગઢનું યુદ્ધ (ઈ.સ. ૧૯૧૩)  । Mangadh

 
ભીલોના ગુરુ ગોવિંદનો જન્મ ઈ.સ. ૧૮૬૩માં રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વેદસા ગામે વણજારા (ભીલ) કુટુંબમાં થયો હતો. તેમની જન્મભૂમિ રાજસ્થાન જ્યારે કર્મભૂમિ ગુજરાત રહી છે. બિલકુલ ભણેલા નહીં. તેઓએ ૨૧ વર્ષની ઉંમરે વૈરાગી જીવન જીવવાનો પ્રારંભ કર્યો હતો. ઈ.સ. ૧૮૯૯-૧૯૦૦ના છપ્પનિયા દુકાળે કાળો કેર વર્તાવી દીધો ત્યારે દુષ્કાળની ભયંકરતાથી બચવા પંચમહાલ જિલ્લાના સુંથ (સંતરામપુર) રાજ્યના નટવા ગામે તેઓ સ્થાયી થયા. દુષ્કાળે તેમનાં પત્ની અને ત્રણ બાળકોને ભરખી લીધાં તે આઘાતે તેમના જીવનને એક નવી દિશા ચીંધી.
 
સામાજિક દૂષણોમાં સબડતા ભીલો માટે તેમને સંવેદન જાગ્યું. ૧૯૦૫માં સંપ સભા અને ત્યારબાદ ભગત ચળવળ શરૂ કરી. ભીલોને વ્યસનથી મુક્ત કરાવવા આંદોલન ચલાવ્યું. ગોવિંદ ગુરુની ભગત ચળવળના કારણે ભીલોમાં આવેલી જાગૃતિ અંગ્રેજો અને દેશી-રજવાડાંઓ માટે ગંભીર ચિંતાનું કારણ બની એટલે તેઓ ભગત ચળવળને કચડી નાખવા મેદાને પડ્યા. આ જ સમયે દેશી રજવાડાંઓ અને તેમને પ્રોત્સાહિત કરતા અંગ્રેજોથી હારી-થાકી ગોવિંદ ગુરુએ ભીલ રાજ સ્થાપવાનું સ્વપ્ન સેવ્યું. તેમણે પોતાના શિક્ષિત શિષ્ય પૂંજા ધીરજી પારગીના માર્ગદર્શનમાં ભીલરાજનો વિચાર રજૂ કર્યો અને માનગઢ ખાતે મોટા પ્રમાણમાં ભીલોને એકઠા કરી નવેમ્બર ૧૯૧૭માં ભીલરાજનું રણશિંગું ફૂંકવાનું નક્કી કર્યું. તેના ભાગરૂપે ૧૭ નવેમ્બર, ૧૯૧૩ના રોજ માનગઢ ખાતે મોટા મેળાનું આયોજન કર્યું.
 
માનગઢ પર ભીલોનું વિશાળ સંખ્યામાં ભેગા થવું એ દેશી રજવાડાંઓ માટે ઘેરી ચિંતાનું કારણ બન્યું હતું તેથી સંતરામપુરના રાજાએ ગોવિંદ ગુરુની ધરપકડ કરી માનગઢ પરથી ભીલોને તાત્કાલિક વિખેરી નાખવા અંગ્રેજોને વિનંતી કરી. ગોવિંદ ગુરુ આક્રમક મિજાજની સાથે મધ્યમમાર્ગી વૃત્તિનો સુમેળ ધરાવતા હતા. ભીલરાજનું રણશિંગું ફૂંકતા પહેલાં તેમણે બ્રિટિશ સરકાર સાથે પત્રવ્યવહાર કરી દેશી રજવાડાંઓને ભીલો પ્રત્યેના વ્યવહારોમાં પરિવર્તન લાવવા વિનંતી કરી હતી, પરંતુ તે બહેરા કાને અથડાઈને પાછી આવી. અંગ્રેજોએ છૂપું કારસ્તાન કર્યું. ૧૭મી નવેમ્બર, ૧૯૧૩ની સવારે નવ વાગે બ્રિટિશ લશ્કર, મેવાડ ભીલ કોપ્સ અને સંતરામપુર તથા ડુંગરપુરનાં લશ્કરોએ સામેના ડુંગર પરથી ગધેડાની પીઠ પર તોપો મૂકીને યોજનાબદ્ધ કોઈ દુર્ગ તોડવા કરાય તેવો મોટો હુમલો દબાતા પગે શિકારને દાબે તેમ કર્યો. અંગ્રેજ લશ્કરના નેજા હેઠળ લડાતી આધુનિક હથિયારોથી સજ્જ સેના સામે તીરકામઠાંઓ વડે લડતા ભીલો કેટલી ટક્કર ઝીલી શકે? છતાં ભીલો આખરી દમ સુધી લડ્યા. જલિયાંવાલા બાગને પણ શરમાવે તેવો ભયંકર હત્યાકાંડ થયો હતો. લોકમુખે બે હજારથી વધારે ભીલો અને અંગ્રેજ નોંધ પ્રમાણે પંદરસો જેટલા ભીલો ગોળીઓથી રહેંસાયા હતા...
 
છેલ્લા હુમલામાં અંગ્રેજોએ ગુરુ ગોવિંદને ગિરફતાર કર્યા, રાજ્યનિકાલની સજા કરી, જેલમાં ગોંધી રાખ્યા. ૧૯૧૯માં જેલમાંથી છૂટ્યા પછી તેમની સતત ભીલ સેવા ભારતભરમાં ચાલતી રહી. ૧૯૩૧માં કુદરતી રીતે મૃત્યુ પામ્યા તે પછી પંચમહાલના લીમડી પાસે કમ્બોઈ ગામે તેમની સમાધિ બની. આવા ભેખધારી સ્વાતંત્ર્ય સંગ્રામની મશાલમાં પહેલું તેલ પૂરનાર ગોવિંદ ભીલ (વણઝારા), ગોવિંદ ભગત અને સમયાંતરે ગુરુ ગોવિંદ બન્યા. તેમની ભગત ચળવળ એ આઝાદીની પહેલી પ્રચંડ ચળવળ ગણાવી શકાય કે જે રજવાડી અને અંગ્રેજ હકૂમત બંનેની સામે હતી અને ભારતનાં તમામ ભીલોને એ પોતીકી લાગતી હતી.
 
ભીલો આજે પણ માગસર સુદી પૂનમના દિવસને શ્રદ્ધાપૂર્વક બલિદાન દિનની જેમ ઊજવે છે. માનગઢ હિલ ઉપર ગોવિંદ ગુરુની સમાધિ બનાવવામાં આવી છે અને આ જગ્યાએ એક અમર જ્યોતિ સ્તંભ ઊભો કરવામાં આવ્યો છે. આ જગ્યાને ગોવિંદ ગુરુ સ્મૃતિવન નામ આપવામાં આવ્યું છે. આ સ્મૃતિવનનું શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા. ૩૦-૦૭-૧૨ના રોજ લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત ગુજરાતના ગોધરા ખાતે ગુરૂ ગોવિંદસિંહ યુનિવર્સિટીનું પણ નિર્માણ થયું છે.
 
- હેમરાજ રાણા