ચન્દ્રગુપ્ત અને સેલ્યુકસનું યુદ્ધ | ઇ.સ.પૂર્વે. ૩૦૬

    12-Aug-2021
કુલ દૃશ્યો |
 
Chandragupta and Seleucus
 

ચન્દ્રગુપ્ત અને સેલ્યુકસનું યુદ્ધ | ઇ.સ.પૂર્વે. ૩૦૬ | Chandragupta and Seleucus War

 
ચન્દ્રગુપ્તનો જન્મ શાક્ય વંશની એક શાખા ‘મોરિય’ એટલે કે, મૌર્ય વંશમાં થયો હતો, તેમના પિતા પિલ્વીવનના મોરિય હતા અને મયૂર પાલકોના મુખીના પુત્ર હોવાને કારણે ચન્દ્રગુપ્ત ‘મૌર્ય’ કહેવાયા. ઇતિહાસકારો મુજબ ચન્દ્રગુપ્ત મૌર્ય ક્ષત્રિય હતા. એક રાજાએ મોરિયવંશના પ્રધાનની હત્યા કરી તે કારણે ચંદ્રગુપ્તના ગર્ભવતી માતા અજ્ઞાતરૂપે પાટલીપુત્રમાં રહેતા અને જન્મ પછીથી ચંદ્રગુપ્તને એક ગોવાળે ઉછેર્યા હતા.
 
એક દિવસ મગધના અત્યાચારી રાજા નંદે પોતાના દરબારમાં આચાર્ય ચાણક્યનું અપમાન કર્યું હતું, ત્યારે બ્રાહ્મણ ચાણક્યએ પોતાની શિખા (ચોટલી) છોડી પ્રતિજ્ઞા લીધી હતી કે, જ્યાં સુધી તે નંદ વંશને મૂળ સાથે (સોતો) ઉખાડી નહીં ફેંકે, ત્યાં સુધી પોતાની શિખાને ગાંઠ વાળશે નહીં.
 
આચાર્ય ચાણક્યએ પોતાની એ પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા માટે ચન્દ્રગુપ્તને પસંદ કર્યા. તેઓ બાળક ચન્દ્રગુપ્તને પોતાની સાથે લઈ ગયા અને તેમના આશ્રમમાં ચન્દ્રગુપ્તને વેદશાસ્ત્રો સાથે સાથે અસ્ત્ર-શસ્ત્રના સંચાલન અને ઘોડેસવારીની તાલીમ આપવા લાગ્યા, જ્યારે ચંદ્રગુપ્ત યુવાન થયા ત્યારે આચાર્ય તેને પોતાની સાથે વિંધ્યપ્રદેશ લઈ ગયા, ત્યાં બંનેએ સાથે મળી ધનસંગ્રહ કરી એક સેના બનાવી અને નંદરાજાના મગધના વિનાશ માટે તેની પર આક્રમણ કરી દીધું. એ વખત ચંદ્રગુપ્તનો પરાજય થયો પરંતુ ચાણક્યએ હાર ના માની અને અથાગ પ્રયત્નો થકી પુનઃ એકવાર વિશાળ અને શક્તિશાળી સૈન્ય બનાવી લીધું, ત્યાં સુધી યૂનાની સમ્રાટ સિકંદરનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. ચંદ્રગુપ્તે ભારતના વિવિધ પ્રદેશો પર રાજ કરી રહેલા યૂનાની ગવર્નરોને હરાવી ભારતને વિદેશી યવનોની ગુલામીમાંથી આઝાદી અપાવી. પંજાબ જીત્યા બાદ ચંદ્રગુપ્તે તેના સૈન્યને વધારે શક્તિશાળી બનાવ્યું. ચંદ્રગુપ્તની વધી રહેલી શક્તિને કારણે અનેક રાજાઓએ તેની સાથે સંધિ કરવા માંડી. હિમાલયના પર્વતીય પ્રદેશ અને કાશ્મીરના રાજા પર્વતકે પણ ચંદ્રગુપ્ત સાથે મૈત્રીસંધિ કરી લીધી.
 
તે સમયે મગધના નંદરાજા ધનાનંદ પાસે અપાર ધનસંપદા અને અજેય એવી વિશાળ સેના હતી. નંદરાજા પોતાની પ્રજા પર વધારે પડતો કર નાખતો હતો, પરિણામે તેની પ્રજામાં અસંતોષ વ્યાપેલો હતો. પ્રજાના સહયોગથી તેણે મગધનરેશ સાથે ભીષણ યુદ્ધ કર્યું. આ યુદ્ધમાં ચંદ્રગુપ્તના મિત્ર પોરસે પણ તેનો સાથ આપ્યો. યુદ્ધમાં ચંદ્રગુપ્તની જીત થઈ. ચંદ્રગુપ્ત અને ચાણક્ય દ્વારા રાજા ધનાનંદને પાટલિપુત્ર છોડી ચાલ્યા જવાનો આદેશ આપવામાં આવ્યો. કેટલાક ઇતિહાસકારો મુજબ ચંદ્રગુપ્ત સાથેના યુદ્ધમાં નંદરાજા ધનાનંદ મૃત્યુ પામ્યો હતો. મગધ જીત્યા બાદ ઈ. સ. પૂર્વે ૩૨૨માં ચંદ્રગુપ્ત મૌર્ય મગધના શાસક બન્યા.
 
સેલ્યુકસ સિકંદરનો સેનાપતિ તથા તેનો ઉત્તરાધિકારી હતો. સિકંદર સમગ્ર ભારત પર વિજય મેળવવા માગતો હતો, પરંતુ તે શક્ય બન્યું નહીં અને તેણે પોતાના દેશ પરત ફરવું પડ્યું અને ત્યાં બીમાર હાલતમાં જ તેનું મૃત્યું થયું. સિકંદરના મૃત્યુ બાદ તેનો સેનાપતિ એ સપનાને પૂર્ણ કરવા માટે લાવ-લશ્કર સાથે ભારત આવ્યો અને ભારતના વિવિધ પ્રદેશો પર આક્રમણ કરવા લાગ્યો.
 
આ બાજુ ચંદ્રગુપ્ત મૌર્ય મગધ જેવા વિશાળ સામ્રાજ્યનાં સમ્રાટ બની ચૂક્યા હતા. આચાર્ય ચાણક્યની નીતિઓને કારણે ભારતના મોટાભાગના પ્રદેશો ચંદ્રગુપ્તના શાસન હેઠળ આવી ગયા હતા. સન ૩૦૬ ઈ. સ. પૂર્વેમાં સેલ્યુક્સ એંટીગોનસને યુદ્ધમાં હરાવ્યો અને ભારત પર આક્રમણ કરી જીતેલા પ્રદેશોને પોતાના સામ્રાજ્યમાં ભેળવવા પ્રયત્ન કરવા લાગ્યો, પરંતુ સેલ્યુક્સ ભારતમાં આગળ વધે એ પહેલાં જ સમ્રાટ ચંદ્રગુપ્તે પોતાની વિશાળ સેના સાથે તેનો સામનો કર્યો. બંને વીર યોદ્ધા હતા. બંને પાસે વિશાળ સેના પણ હતી, પરંતુ આ વખતે યૂનાની સેનાની હિંમત ભારતીય સેના સામે હારી અને વીર ચંદ્રગુપ્તનો એ યુદ્ધમાં વિજય થયો. સેલ્યુકસે પરાજિત થઈ સમ્રાટ ચંદ્રગુપ્ત સમક્ષ સંધિનો પ્રસ્તાવ રજૂ કર્યો. સંધિ મુજબ સેલ્યુકસ પોતાની યૂનાની રાજકુમારીનો વિવાહ રાજા ચંદ્રગુપ્ત સાથે કરી દેશે અને તેણે જીતેલા હેરાત, કાબૂલ, કંધાર, અફ્ઘાનિસ્તાન અને બલુચિસ્તાન ચંદ્રગુપ્તને સોંપી દેશે. પરાજિત સેલ્યુકસે આચાર્ય ચાણક્ય દ્વારા નક્કી કરેલી સંધિની આ તમામ શરતો માની લીધી અને પોતાની પુત્રીનો વિવાહ ચંદ્રગુપ્ત સાથે કરી દીધો.
 
સેલ્યુકસ પર વિજય અને તેની સાથેની સંધિનો ચંદ્રગુપ્તને ખૂબ જ લાભ થયો. હવે તેના મગધ સામ્રાજ્યનો વિસ્તાર છેક હિન્દુકુશ પર્વતો સુધી થઈ ગયો હતો. સમ્રાટ ચંદ્રગુપ્તે ૨૪ વર્ષ સુધી ભારત પર રાજ કર્યું, તેમનું સામ્રાજ્ય હિમાલયથી માંડી દક્ષિણમાં મૈસુર સુધી અને પશ્ર્ચિમમાં હિન્દુકુશ પર્વતથી લઈ બંગાળ સુધી ફેલાયેલું હતું. આ રીતે સમગ્ર ઉત્તર અને મધ્ય ભારત તેના આધિપત્ય હેઠળ હતું. સને ઈ. સ. પૂર્વે ૨૯૮માં સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યનું શ્રવણ બેલગોડામાં મૃત્યુ થયું હતું.
 
ચંદ્રગુપ્તને પોતાના ગુપ્તચરો મારફતે માહિતી મળી કે, સેલ્યુકસ પોતાના વિશાળ સૈન્ય સાથે મગધ પર આક્રમણ કરવા સિંધુ તટ સુધી આવી પહોંચ્યા. ચંદ્રગુપ્તે પણ પોતાના સૈન્યને સિંધુ નદીના તટ પર ગોઠવી દીધું. સેલ્યુકસે જ્યારે સિંધુ નદીના તટ પર ચન્દ્રગુપ્તના સૈન્યને જોયું તો તેની તમામ આશાઓ પર પાણી ફરી વું. સૈનિકોમાં અંદરો અંદર વાતો થવા લાગી કે આપણી સાથે કપટ થયું છે, કારણ કે આપણને કહેવામાં આવ્યું હતું કે કમ સે કમ મગધ સુધી તો તેમને લૂંટ-મારનું ખુલ્લું મેદાન મળવાનું છે. પરંતુ અહીં તો ચિત્ર જ કંઈક અલગ હતું. માંડ-માંડ સેલ્યુકસે સૈનિકોને યુદ્ધ કરવા તૈયાર કર્યા.
 
સેલ્યુકસે પણ પોતાના આકા એલેકઝેન્ડરની જેમ ચાલાકી વાપરી રાત્રિના અંધકારમાં સિંધુ નદીને પાર કરવાનું નક્કી કર્યું.
પરંતુ આ ચાલાકી પર ચંદ્રગુપ્ત ભારે પડ્યો. તેણે તેના કેટલાક કુશળ ધર્નુધારીઓને નદીની ઉત્તરમાં ઝાડીઓ પાછળ ગોઠવી દીધા. સેલ્યુકસની સેનાને ચોરીછૂપે નદી પાર કરાવવા કિનારે નાવો તૈયાર હતી. સૈનિકો એક-એક કરી નવામાં બેઠા અને નાવો ઊપડી જેવું નાવિકે પ્રથમ હલેસું લગાવ્યું કે સનનન... કરતું એક તીર આવ્યું અને તેની છાતીની આરપાર નીકળી ગયું. સેલ્યુકસના સૈનિકો કંઈ સમજે એ પહેલાં હજારો તીરોના વારથી તેઓ ડબોડબ નદીમાં પડવા લાગ્યા. યવન સેનામાં હાહાકાર મચી ગયો. અંધકારને કારણે એ પણ ખબર પડતી ન હતી કે, આખરે આ તીરો કોણ અને ક્યાંથી ચલાવી રહ્યું છે. ચંદ્રગુપ્તના સૈનિકો શબ્દવેધી બાણ ચલાવી રહ્યા હતા. તેઓ અંધકારમાં પણ પોતાના લક્ષ્યને ભેદવાનું કૌવત ધરાવતા હતા. સિંધુનું પાણી યવનોના લોહીથી લાલ થઈ રહ્યું હતું. યવન સેના રણમેદાન છોડી ભાગી. તરત જ ચંદ્રગુપ્તની સેનાએ નદી પાર કરી યવન સેનાને ઘેરી લીધી. સેક્યુકસ ગભરાયો કારણ કે તેના સૈન્ય પર ચારેય તરફથી હુમલા થઈ રહ્યાં હતા. યવન સેનામાં હારકાર મચી ગયો. છેવટે સેલ્યુકસે પોતાનો જીવ બચાવવા માટે ચંદ્રગુપ્ત સમક્ષ સંધીનો પ્રસ્તાવ મોકલ્યો. ચંદ્રગુપ્ત યુદ્ધ જીતી ચૂક્યા હતા. હવે સંધીની શરતો તેમણે જ નક્કી કરવાની હતી.
 
અને સેલ્યુક્સ વિશ્ર્વ વિજેતા થવા આવ્યો હતો પણ ચંદ્રગુપ્તે તેને ઘુંટણીયે પાડ્યો હતો. મોતની બીકે હારેલા સેલ્યુક્સે ચંદ્રગુપ્તની બધી જ શરતો સ્વીકારી હતી શરતોને આધીન ચંદ્રગુપ્તે ગ્રીક રાજકુમારી હેલેનાને જીત્યા હતા અને તેની સાથે લગ્ન કર્યા હતા.
 
- ગીરિરાજ