પોરસ અને સિકંદરનું ઝેલમ યુદ્ધ । ઈ.સ. પૂર્વે ૩૨૬

    12-Aug-2021   
કુલ દૃશ્યો |
 
porus and sikander_1 
 
 

પોરસ અને સિકંદરનું ઝેલમ યુદ્ધ । ઈ.સ. પૂર્વે ૩૨૬

 
લગભગ ૨૩૩૭ વર્ષ પહેલાંની વાત છે. યૂનાન દેશમાં સિકંદર નામનો એક ખૂબ જ શક્તિશાળી શાસક રાજ કરી રહ્યો હતો, તે ખૂબ જ મહત્ત્વાકાંક્ષી હતો અને વિશ્ર્વવિજયનું સ્વપ્ન સેવી રહ્યો હતો. પોતાના વિશ્ર્વવિજયના સ્વપ્નને સાકાર કરવા તે અને તેની વિશાળ સેના એશિયાને રગદોળતાં સન ૩૨૭ ઈ. પૂર્વે હિન્દુકુશ પર્વત ઓળંગી ભારત તરફ આવી પહોંચ્યા અને ભારતવિજય માટે ભારત પર આક્રમણ કરી દીધું, તે સમયે પૂર્વ ભારતમાં મગધનું શક્તિશાળી સામ્રાજ્ય હતું, પરંતુ પશ્ર્ચિમ ભારતનાં જે રાજ્ય હતાં તે નાનાં નાનાં હતાં, તે સમયે હિન્દુકુશની ઉત્તરમાં સિંધુ નદી સુધી એક વિસ્તૃત રાજ્ય ફેલાયેલું હતું, જેની પાસે કુશળ સેના પણ હતી. આ સેનાએ સિકંદરના સૈન્યનો વીરતાપૂર્વક સામનો કર્યો છતાં યુદ્ધમાં હારી. આ હાર બાદ સિકંદરે આ રાજ્યનાં ૪૦ હજાર પુરુષો સૈનિકોને બંદી બનાવી લીધા. ત્યાર બાદ હિન્દુકુશના ઉત્તરી ક્ષેત્ર તરફ નજર નાખી, ત્યાં શશિગુપ્ત નામનો રાજા રાજ કરતો હતો, તેણે સિકંદરની અધીનતા સ્વીકારી લીધી અને તેના ભારત અભિયાનમાં તમામ પ્રકારની મદદ કરી.
 
૩૨૬ ઈ. સ. પૂર્વે સિકંદર સિન્ધુ નદી પાર કરી તક્ષશિલા પહોંચ્યો, તેના રાજાએ પણ સિકંદરને સૈન્યથી માંડી તમામ પ્રકારની સહાય કરી. કેટલાક ઇતિહાસકાર માને છે કે, રાજા આમ્ભિએ ભારતના અન્ય રાજાઓ સાથે ગદ્દારી કરી સિકંદરને ભારત પર આક્રમણ કરવા આમંત્રણ આપ્યું હતું. રાજા આમ્ભિએ ન માત્ર સિકંદરની આધીનતા સ્વીકારી બલકે તેના તરફથી સંપૂર્ણ સહાયતા પણ પૂરી પાડી હતી.
 
 
રાજા આમ્ભિનું પોરસ સાથે વેર
 
 
રાજા પોરસનું રાજ્ય ચિનાબ અને ઝેલમ નદી વચ્ચેના પ્રદેશમાં સ્થિત હતું. આમ્ભિ તેનું પડોશી રાજ્ય હતું. જો કે પોરસ એક ઉદાર પ્રકૃતિનો રાજા હતો અને તેના મનમાં આમ્ભિ અંગે કોઈ પણ પ્રકારનું વૈમનસ્ય કે દ્વેષ ન હતાં, પરંતુ પોરસની શક્તિશાળી સેના અને તેના વધી રહેલા પ્રભાવને કારણે આમ્ભિ પોરસની ઈર્ષા કરતો હતો. તેણે અનેકવાર પોરસનું રાજ્ય જીતવાના પ્રયાસો પણ કર્યા હતા, પરંતુ દરેક વખતે તેને નિષ્ફળતા મળી હતી. પરિણામે તે કોઈ પણ પ્રકારે પોરસને ઝુકાવવા માંગતો હતો, પરિણામે તેણે સિકંદરને ભારત જીતવા આમંત્રણ આપ્યું હતું.
 
યૂનાન સમ્રાટ સિકંદરે રાજા પોરસના દરબારમાં પોતાનો એક દૂત મોકલ્યો અને કહેવડાવ્યું કે, કાં તો અમારી આધીનતા સ્વીકારો કે પછી યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ, પરંતુ સમ્રાટ પોરસ કાંઈક જુદી જ પ્રકૃતિના નીકા અને સિકંદરને વળતો જવાબ મોકલ્યો કે, તેને વીરતાપૂર્વક દુશ્મન સામે યુદ્ધમાં કુર્બાન થઈ જવાનું પસંદ છે, પરંતુ કોઈની આધિનતા ક્યારેય સ્વીકારાશે નહીં અને રણમેદાનમાં તે જાતે જ હાજર રહી યુનાની નરેશનું સ્વાગત કરશે. પોતાની અપેક્ષાથી વિરુદ્ધ જવાબ સાંભળી સિકંદર ખૂબ જ ગુસ્સે ભરાયો અને પોતાના સૈન્યને પોરસના રાજ્ય પર હુમલો કરવાનો આદેશ આપ્યો. જે રણમાં યુદ્ધ થવાનું હતું, ત્યાં વરસાદને કારણે પાણી અને કિચડ ભરાઈ ગયાં હતાં. સિકંદરની સેના નદી પાર કરતાં અચકાતી હતી અને નદી પાર કર્યા વગર પોરસને યુદ્ધમાં હરાવવો અશક્ય હતું.
 
હવે યૂનાન નરેશે પોતાના અત્યંત કુશળ ૧૧ હજાર સૈનિકોને નદીના ૧૬ માઈલ ઉપર તરફના રસ્તે નદી પાર કરાવી અને પોરસને આ વાતની ખબર ન પડે તેનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું, જ્યારે પોરસને ભ્રમમાં રાખવા તેના અન્ય સૈનિકોને નદી પારની સૈનિક છાવણીમાં નાચતાં-ગાતાં રાખવામાં આવ્યાં. પરિણામે રાજા પોરસ અને તેમના ગુપ્તચરો એવા ભ્રમમાં રહ્યાં કે દુશ્મન હજી નદીની સામે પાર જ છે અને આનંદપ્રમોદમાં વ્યસ્ત છે. જો તે નદી પાર કરવાનું દુઃસાહસ કરશે તો આપણી સેનાનાં ઝેરીલા બાણોથી બચી શકશે નહીં.
 
પરંતુ અચાનક સિકંદરની સેનાના ૧૧ હજાર અત્યંત કુશળ સૈનિકોએ પોરસની સેના પર હુમલો કરી દીધો. પોરસે તેના પુત્રને ચાર હજાર સૈનિકો સાથે સિકંદરનો સામનો કરવા મોકલ્યો, પરંતુ સિકંદરના સૈનિકો વધુ હોવાથી પોરસના પુત્રના સૈન્ય પર ભારે પડ્યાં અને યુદ્ધમાં પોરસનો પુત્ર વીરગતિ પામ્યો. હવે સિકંદરની સેના રાજા પોરસની બિલકુલ નજીક આવી ગઈ હતી. બંને સૈન્ય વચ્ચે ઘમસાણ યુદ્ધ મચ્યું. આ ભીષણ યુદ્ધમાં અનેક વખત પોરસની સેના યૂનાનીઓ પર ભારે પડી અને એક સમય એવું લાગવા માંડ્યું હતું કે પોરસ આ યુદ્ધ જીતી રહ્યા છે, પરંતુ ત્યાં જ યૂનાની સેનાએ યુક્તિ વાપરી પોરસની સેનાના મહાકાય હાથીઓને ભાલાથી ઘાયલ કરવા લાગી. પરિણામે ઘાયલ હાથીઓ અહીંતહીં ભાગવા લાગ્યા. આમ છતાં પણ પોરસ હાથી પર બેસી સિકંદરની સેનાને સિંહની માફક લલકારતો રહ્યો. આ ભીષણ યુદ્ધમાં તક્ષશિલા નરેશ આમ્ભિ સિકંદર તરફથી લડી રહ્યો હતો. પોરસના વારથી આમ્ભિ માંડ માંડ બચ્યો. આ આ બાજુ હાથીઓની ભાગદૌડથી અને પોરસ યૂનાનીઓથી ઘેરાઈ ગયો હતો અને સિકંદરના સૈનિકોએ પોરસને બંદીવાન બનાવી લીધો હતો.
 
જ્યારે રાજા પોરસને બંદી બનાવી સિકંદર સમક્ષ લાવવામાં આવ્યો ત્યારે સિકંદરે તેને પૂું, ‘‘બોલ, તારી સાથે કેવો વ્યવહાર કરવામાં આવે ?’’ પોરસે નીડરતાપૂર્વક જવાબ આપ્યો, ‘‘જેવો વ્યવહાર એક રાજા બીજા રાજા સાથે કરે છે.’’ સિકંદર બહાદુર હોવાની સાથે સાથે તે પોરસનો સ્વાભિમાનપૂર્ણ જવાબ સાંભળી ખૂબ જ ખુશ થયો અને તેણે વીર પોરસને પોતાનો મિત્ર બનાવી તેનું રાજ્ય તેને પરત સોંપી દીધું. સિકંદર ખૂબ જ રાજનૈતિક ચતુર વ્યક્તિ હતો. તેણે વિચાર્યું કે જો પોરસ જેવો શક્તિશાળી રાજા તેનો મિત્ર બની જાય તો તેના દ્વારા જીતેલાં રાજ્યોની દેખરેખ રાખવાનું ખૂબ જ આસાન બની જશે. આમ વિચારીને જ તેણે સામે ચાલી પોરસ સમક્ષ દોસ્તીનો હાથ લંબાવ્યો હતો. સિકંદરે ચિનાબ નદીના પશ્ર્ચિમી રાજ્ય ગ્લૌગનિકઈ; ગડરીસ, અદુષ્ટ સહિતનાં રાજ્યો પોરસને સોંપી દીધાં.
 
પોરસ સાથેના યુદ્ધ બાદ સિકંદર વિચારવા લાગ્યો હતો કે ભારતનો એક સરહદી રાજા તેને આટલો બધો પરેશાન કરી શકે છે તો મધ્ય ભારતના મોટા મોટા રાજાઓ સામે તે કોઈપણ કાળે ટકી શકશે નહીં. બીજી તરફ ભારતીય સૈનિકોના રણકૌશલ્યને કારણે સિકંદરના સૈન્યમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. હવે તેઓ કોઈપણ પ્રકારનું જોખમ ઉઠાવવા માંગતા ન હતા. આમ વિશ્ર્વવિજયનું સ્વપ્ન જોનારા સિકંદરને ભારતમાં સાક્ષાત્ હારના ભણકારા વાગવા લાગ્યા અને પોતાની નિશ્ર્ચિત હારનો અણસાર આવી ગયો હતો. સિકંદર ભારતના રાજાઓ વિશે જેટલું વધુ વિચારતો હતો તેટલું જ તેની હારની શક્યતાઓ વધારે ઘેરી જોઈ રહ્યો હતો. છેવટે તેણે પોતાનું નામ બચાવવા માટે ભારતમાંથી પાછા જવાનો નિર્ણય કર્યો, પરંતુ પરત ફરતાં પણ સિકંદરને શિવિ, અગ્યગ સાંઈ, માલવ શુદ્રક વગેરે રાજ્યો સાથે યુદ્ધ કરવા પડ્યાં. માલવો સાથે યુદ્ધ કરતાં સમયે સિકંદર ઘાયલ થયો. સમ્રાટ સિકંદર તે જ હાલતમાં પોતાની રાજધાની બેબીલોન પહોંચ્યો, જ્યાં ઈ. સ. પૂર્વે ૩૨૩માં તેનું મૃત્યુ થયું.
 
આમ સિકંદર વિશ્ર્વવિજયનું સ્વપ્ન લઈ સંપૂર્ણ ભારતમાં વિજય મેળવવાના આશય સાથે ભારત આવ્યો હતો, પરંતુ સ્વાભિમાની અને પ્રતાપી ભારતનાં નરેશોની વીરતા જોઈ તેનાં સૈન્યની હિંમત ભાંગી ગઈ હતી અને પોતાના સ્વપ્નને અધૂરું મૂકી પરત પોતાના દેશ ફરવું પડ્યું હતું.