પુષ્યમિત્ર શુંગનું પરદેશી ગ્રીકો સાથેનું યુદ્ધ | ઈ. સ. પૂર્વે ૧૫૫-૧૫૩

    12-Aug-2021
કુલ દૃશ્યો |

pushyamitra shunga _1&nbs
 
 
પાટલીપુત્રમાં મૌર્ય વંશનો અંત આણી, શુંગ વંશની પુષ્યમિત્રે સ્થાપના કરી હતી; અને ઈ. સ. પૂર્વે ૧૮૫માં તે શુંગ વંશનો પ્રથમ રાજા બન્યો.
 
પુષ્યમિત્રનું ગ્રીક રાજવી ડિમેટ્રિયસ સાથેનું પ્રથમ યુદ્ધ; ઈ. સ. પૂર્વે ૧૯૧-૧૬૯ : પુષ્યમિત્ર ગાદીએ આવ્યો, ત્યારે ગ્રીકોએ ભારતની વાયવ્ય સરહદ ઉપર આક્રમણ કરેલું. ગ્રીક રાજવી ડિમેટ્રિયસ બેક્ટ્રિયાનો રાજા હતો. તેની મહેચ્છા મગધ જીતી લઈ, સમગ્ર ઉત્તર ભારત ઉપર પોતાની સત્તા જમાવવાની હતી. ગાર્ગી સંહિતાના વિવરણ મુજબ, તેણે ભારતની વાયવ્ય સરહદે પહેલું ગ્રીક સૈનિકો (ભારતના લોકો તેમને) યવન દેશના સૈનિકો કહેતા હતા.) દ્વારા આક્રમણ કર્યું. પણ તે ફાવ્યો નહોતો.
 
પુષ્યમિત્ર શુંગના સમયમાં ગ્રીક રાજવી મિનેન્ડરે કરેલું બીજું આક્રમણ, ઈ. સ. પૂર્વે ૧૫૫-૧૫૩ના અરસામાં : પુષ્યમિત્ર શુંગના શાસનકાળના લગભગ અંતિમ ભાગમાં એટલે કે ઈ. સ. પૂર્વે ૧૫૫-૧૫૩ દરમિયાન ભારતની વાયવ્ય સરહદે આક્રમણ કરી, સરહદ પરનો પ્રદેશ જીતી લઈ, સિયાલકોટને પોતાના રાજ્યની રાજધાની બનાવી. આથી બૌદ્ધ ધર્મી ગ્રીક રાજવી મિનેન્ડરે મગધ ઉપર ઈ. સ. પૂર્વે ૧૫૫ થી ૧૫૩ના અરસામાં આક્રમણ કર્યું.
 
ભારત ઉપર આક્રમણ કરનાર ગ્રીક રાજવી મિનેન્ડરને પુષ્યમિત્ર શુંગ દુશ્મન માનતો હતો; અને તે પરદેશી યવનોના ભારત પરના નિર્દયી આક્રમણને સાંખી લે તેવો ન હતો. આથી તેણે તાત્કાલિક લશ્કરી પૂર્વતૈયારીઓ કરવા જ માંડેલી. દુશ્મન રાજવી મિનેન્ડર મગધ ઉપર આક્રમણ કરવા સિયાલકોટથી લશ્કર લઈને આવી રહ્યો છે, એવી બાતમી મળતાં જ પુષ્યમિત્રે પોતાના પૌત્ર વસુમિત્રને તાત્કાલિક બોલાવી સઘળી હકીકતોથી વાકેફ કર્યો અને એ એક સેનાપતિપદે હોવાથી લશ્કરને સાધનસજ્જ થવા આદેશ આપ્યો.
 
એક તરફ રાજકુમાર તથા લશ્કરના સેનાપતિ વસુમિત્ર શુંગનાં લશ્કરો અને બીજી તરફ ગ્રીક રાજવી મિનેન્ડરનાં લશ્કરો સામસામે ગોઠવાઈ ગયાં. મિનેન્ડરે (ભારતીય નામ : મિલિન્દ) આક્રમણ કર્યું હોવાથી સમજૂતીને તો કોઈ અવકાશ જ ન હતો. રણશિંગાં ફૂંકાયાં ! ભારતીય સેનાપતિ વસુમિત્ર અને તેમનાં લશ્કરો પરદેશી અને આક્રમણખોર લશ્કરોને મારી હટાવવા થનગની રહ્યાં ! માતૃભૂમિ પર કરાયેલા આ હિચકારા હુમલાને ખાળવા સેનાપતિ વસુમિત્ર શુંગ પણ મક્કમ હતો અને પૂરતો આત્મવિશ્ર્વાસ ધરાવતો હતો. દૃઢ નિર્ણયશક્તિ અને આત્મવિશ્ર્વાસ હોય ત્યાં સફળતા મળે જ.
 
બંને લશ્કરો વચ્ચે પંજાબમાં, સિંધુ-નદીના દક્ષિણ કિનારે ઘમાસાણ યુદ્ધ થયું ! એ યુદ્ધમાં દુશ્મન રાજા મિનેન્ડરના ઘણા સૈનિકો ખપી ગયા, છતાં ગ્રીક રાજવી પરાજિત થયો; આથી મિનેન્ડરને યુદ્ધને અંતે નામોશીભરી સંધિ સ્વીકારવાની ફરજ પડી.
 
આમ વધુ એકવાર વિદેશી આક્રમણકારીને ભારતનાં વીર યોદ્ધાઓનો પરચો મો. આ વખતે નાયક હતાં મગધના સેનાપતિ અને રાજકુમાર વસુમિત્ર. રાજકુમાર વસુમિત્ર દ્વારા વિેદેશી આક્રમણખોરોને અપાયેલા જડબાતોડ જવાબથી રાજા પુષ્યમિત્ર શુંગની પ્રતિષ્ઠામાં અનેકગણો વધારો થયો. આ વિજયની યાદમાં પુષ્યમિત્ર શુંગે બે અશ્ર્વમેધ યજ્ઞો કરી, તેની યશકલગીમાં વધુ એક રત્ન જડાયું ! આજે પણ અયોધ્યા ખાતે અભિલેખમાં બે અશ્ર્વમેધ યજ્ઞોની હકીકત કોતરાયેલી છે.
 
- પ્રો. મનુભાઈ બી. શાહ (જોજ્ઞાસુ)