પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન...હિન્દુઓની સ્થિતિ ખરાબ કેમ છે?

    23-Aug-2021
કુલ દૃશ્યો |

violent against_1 &n 
 
 

પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અફઘાન હિન્દુઓની દશા સર્વત્ર કફોડી

 
 
પાકિસ્તાનમાં એક આઠ વર્ષના હિન્દુ બાળક સામે ઈશનિંદાનો આરોપ લાગ્યો. તેના લીધે શ્રી ગણેશ મંદિરમાં તોડફોડ કરવામાં આવી. તો બાંગ્લાદેશમાં આ જ સમયગાળામાં મંદિરો, હિન્દુ ઘરો અને દુકાનો પર હુમલા કરાયા. અફઘાનમાં તાલિબાનના હુમલા વચ્ચે હિન્દુ-શીખની સ્થિતિ કફોડી છે. ભારતના મુરાદાબાદમાં ૮૧ હિન્દુ પરિવારો સામૂહિક પલાયનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. હિન્દુઓની આવી દશા કેમ છે?
 
 
###
 
 
અત્યારે માત્ર પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં જ નહીં, અફઘાનિસ્તાન અને ભારતમાં પણ હિન્દુઓની સ્થિતિ કફોડી છે. અફઘાનિસ્તાનમાં અમેરિકી દળો હટ્યા પછી તાલિબાન એક પછી એક શહેર કબજે કરી રહ્યું છે. આવામાં ત્યાં વસતા હિન્દુઓ અને શીખોની સ્થિતિ ચિંતાજનક બની છે. જોકે આ બાબતે મોદી સરકાર ચિંતિત છે અને સક્રિય પણ છે.
 
 
###
 
 
વિદેશોમાં અને ભારતમાં પણ હિન્દુ ડરેલો છે. કાશ્મીર હોય, ગુજરાતનાં ભાવનગર કે વારાહી ગામ હોય કે કૈરાના, કે પછી પશ્ર્ચિમ બંગાળ, દરેક જગ્યાએ જિહાદી માનસિકતાવાળા લોકો હિન્દુઓ પર હુમલા કરી તેમને ભગાડે છે.
 
 
###
 
 
તાજેતરમાં પાકિસ્તાનમાં શ્રી ગણેશ મંદિરમાં તોડફોડ કરવામાં આવી. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આ દુર્ઘટના ઘટી હતી. લાહોરથી લગભગ ૫૯૦ કિમી દૂર પંજાબ પ્રાંતના રહીમ યાર ખાન જિલ્લાના ભોંગ ગામમાં ચાર ઑગસ્ટે શ્રી ગણેશ મંદિર પર ભીડે હુમલો કરી દીધો હતો. તેમણે મંદિરમાં આગ ચાંપી હતી અને તેને ખંડિત કર્યું હતું. અહેવાલો અનુસાર, ન્યાયાલયે એક આઠ વર્ષના હિન્દુ બાળકને છોડી દીધો હતો. તેનાથી રોષે ભરાઈને મુસ્લિમ લોકોએ મંદિરને નિશાન બનાવ્યું. આ બાળક પર કથિત રીતે મદરેસામાં પેશાબ કરવાનો ઈશનિંદા (બ્લાસફેમી)નો આરોપ હતો. પછી બાળકની ધરપકડ કરવામાં આવી હતી.
 
આ ઘટના બની એટલે ભારતે તેની સામે કડક વિરોધ નોંધાવ્યો. આ પછી પાકિસ્તાનના સર્વોચ્ચ ન્યાયાલયે ત્યાંના પોલીસ અધિકારીઓની કડક નિંદા કરી. મુખ્ય ન્યાયમૂર્તિએ ત્યાં સુધી ટિપ્પણી કરી કે મંદિરમાં તોડફોડની ઘટના દેશ માટે શરમજનક છે. પોલીસ મૂક દર્શક બની રહી છે. આનાથી દેશની આંતરરાષ્ટ્રીય છબિ ધૂમિલ થઈ રહી છે. સાથે ન્યાયાલયે યથા શીઘ્ર સમારકામનો આદેશ પણ આપ્યો હતો. આ ઘટનાની માત્ર ભારત નહીં, પૂરા વિશ્ર્વએ ટીકા કરી હતી. એટલે જ પાકિસ્તાનની સંસદે પણ એક પ્રસ્તાવ પસાર કરીને મંદિર પર હુમલાની ટીકા કરી હતી.
 
આથી પોલીસે સક્રિયતા દેખાડતાં માત્ર ચાર જ દિવસમાં એટલે કે આઠ ઑગસ્ટે પચાસ આરોપીઓની ધરપકડ કરી લીધી! ૧૫૦થી વધુ સંદિગ્ધો સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ ઘટના સંબંધિત વાઇરલ વિડિયોને આધાર બનાવીને અત્યાર સુધીમાં કુલ નેવું આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે જ આ મંદિરનો ર્જીણોદ્ધાર કરાવીને મંદિર હિન્દુઓને પાછું સોંપી દેવાયું છે.
 

violent against_1 &n પાકિસ્તાનમાં શ્રીગણેશના મંદિરમાં તોડફોડ કરવામાં આવી...
 
 
આ ઘટનાનું મૂળ હતું તે આપણે ઉપર વાંચી ગયા, પરંતુ વિગતે જાણીએ. એક આઠ વર્ષના હિન્દુ બાળક પર ઈશનિંદાનો આરોપ લાગ્યો. આરોપ હતો કે તેણે મદરેસામાં પેશાબ કર્યો. હવે મદરેસા એ કંઈ પૂજાસ્થાન નથી. એ ભણાવવાનું સ્થાન છે. અને બાળક માત્ર આઠ વર્ષનો છે. તે પેશાબ કરી જાય તો તેને વઢવાનું હોય. ઠપકો આપવાનો હોય. તેના માટે તેની ધરપકડ થાય તે કેટલું યોગ્ય? અને તેના બદલામાં એક મંદિરમાં તોડફોડ કરવામાં આવે તે કેટલું યોગ્ય? ભારતમાં કેટલાય મુસ્લિમ યુવાનો અને બાળકો મંદિરમાં જઈ અભદ્ર ચેષ્ટા કરે છે અને વિડિયો બનાવે છે. તાજેતરમાં એક કટ્ટર મુસ્લિમે સોમનાથ મંદિર પાસે જઈ મહેમૂદ ગઝનીએ સોમનાથ પર આક્રમણ કર્યાનું ગૌરવ લેતો વિડિયો બનાવ્યો હતો. તો શું ભારતના હિન્દુઓએ તેના બદલામાં કોઈ મસ્જિદમાં તોડફોડ કરી?
 
કોઈ ઘટના બને કે ન બને, તેનો બદલો હિન્દુઓ સાથે લેવાનું કટ્ટર મુસ્લિમોને વર્ષોથી ઝનૂન છે. અયોધ્યા ખાતે જર્જરિત ઢાંચો તૂટ્યો તેના બદલા રૂપે સમગ્ર ભારતમાં રમખાણો થયાં હતાં. સીએએના કાયદાના વિરોધમાં અનેક જગ્યાએ હિંસક દેખાવો થયા હતા.
 
પાકિસ્તાનના ઇતિહાસમાં આવું પહેલી વાર બન્યું છે કે આઠ વર્ષના બાળક પર ઈશનિંદાનો આરોપ લાગ્યો છે. આ બાળકે મદરેસાની લાઇબ્રેરીમાં જાજમ પર પેશાબ કર્યો હતો. કટ્ટર મુસ્લિમોનું કહેવું છે કે ત્યાં અનેક પવિત્ર પુસ્તકો રાખેલાં હતાં. અલબત્ત, એ સ્પષ્ટ રીતે કહેવાયું નથી કે પુસ્તકો પર તો પેશાબ નહોતો કર્યો ને. પરંતુ સ્થાનિક મૌલાનાઓએ કટ્ટરપંથીઓને ઉશ્કેર્યા અને પોલીસ પર કાર્યવાહીનું દબાણ કર્યું. પોલીસે પણ અતિરેક કરતાં બાળકને હિરાસતમાં લઈ લીધો. જોકે બાદમાં તેને જામીન પર છોડી દેવાયો. પણ આટલી સજાથી કટ્ટરો ખુશ ન થયા. તેમણે સેંકડોની સંખ્યામાં એકઠા થઈ ઉક્ત શ્રી ગણેશ મંદિર પર હુમલો કરી દીધો.
 
બ્રિટિશ સમાચારપત્ર ‘ગાર્ડિયન’માં બાળકના પરિવાર સાથેની વાતચીત લખાઈ છે. તેમાં પરિવારે કહ્યું કે બાળકને ઈશનિંદા કાયદાની કોઈ જાણકારી નથી (આવડા નાના બાળકને ક્યાંથી હોય?) તેના પર ખોટો આરોપ લગાવાયો છે. તેને તો હજુ પણ સમજાતું નથી કે તેનો અપરાધ શું છે? એક સપ્તાહ માટે તેને જેલમાં કેમ રાખવામાં આવ્યો? અમે લોકો બહુ ડરેલા છીએ. અમે પોતાનું ઘર પણ છોડી દીધું છે. અમને નથી લાગતું કે દોષિતોની વિરુદ્ધ કે પછી અહીં રહેતા લઘુમતીઓની સુરક્ષા માટે કોઈ નક્કર અને સાર્થક કાર્યવાહી કરવામાં આવશે.
 
આ બાળકને ફાંસીની સજા થવાની ભીતિ છે. જોકે આશાનું કિરણ એ છે કે મુખ્ય ન્યાયમૂર્તિએ ઉક્ત શ્રી ગણેશ મંદિર પર હુમલાના કેસની સુનાવણી વખતે આ બાળક અંગે પોલીસને પૂછ્યું કે પોલીસ આટલા નાના બાળકની માનસિક સ્થિતિ કેમ ન સમજી શકી. જોકે તે પછી પણ, તાજી માહિતી અનુસાર, પાકિસ્તાને આ હિન્દુ બાળક સામે ઈશનિંદાની કલમ દૂર નથી કરી.
 
વાત માત્ર પાકિસ્તાનની નથી. બાંગ્લાદેશમાં પણ સ્થિતિ સારી નથી. બાંગ્લાદેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માર્ચ ૨૦૨૧ની મુલાકાત પછી ત્યાં હિન્દુઓનાં મંદિરો અને ટ્રેનો પર હુમલા કરાયા હતા. તેમાં ૧૨ જણાનાં મૃત્યુ થયાં હતાં. એ ઘટનાની શાહી હજુ તાજી છે ત્યાં ફરી આ પ્રકારની હીન ઘટનાઓ બની છે. બાંગ્લાદેશના ખુલાના જિલ્લામાં કટ્ટરપંથીઓની ભીડે પચાસથી વધુ હિન્દુઓનાં ઘરો પર હુમલા કર્યા છે. આ ઘટના સાત ઑગસ્ટની છે. આ હુમલાઓમાં ભીડે ઓછામાં ઓછાં ચાર મંદિરોને નિશાન બનાવ્યાં. તેમાં તોડફોડ કરી. આનું કારણ જાણવા જેવું છે.
 
બંગાળી ભાષાના સમાચારપત્ર ‘સમકલ’ મુજબ, છ ઑગસ્ટે સાંજે જિલ્લાના સિયાલી ગામમાં સ્થાનિક મસ્જિદના એક મૌલવીએ હિન્દુઓના એક ઉપાસના સરઘસનો વિરોધ કર્યો હતો. તે પછી કટ્ટરપંથીઓની ભીડ આક્રોશિત થઈ ગઈ અને સાત ઑગસ્ટે ગામડાંના હિન્દુઓનાં ઘરો અને દુકાનો પર હુમલો કરી દીધો. ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીને ટાંકીને અહેવાલોમાં કહેવાયું હતું કે રોષિત ભીડમાં આસપાસનાં ગામડાંના મુસ્લિમો હતા. ચાર મંદિરો પર કરાયેલા હુમલામાં દસ મૂર્તિઓ બદમાશોએ તોડી નાખી હતી. આ દરમિયાન વિરોધ કરનારા અનેક હિન્દુ ઘાયલ થયા હતા. જોકે પછી પોલીસે કાર્યવાહી કરતાં, અનેક હિન્દુ મંદિરો, ઘરો અને દુકાનોમાં તોડફોડના સંદર્ભમાં અત્યાર સુધી દસ જણાની ધરપકડ કરી છે. સ્થાનિક સમુદાયના લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં પહેલી વાર આવી હિંસા થઈ છે.
 
બાંગ્લાદેશના આ તાજા હુમલા પાછળ હિફાઝત એ ઇસ્લામ નામનું સંગઠન હોવાનું કહેવાય છે. આ જ સંગઠને વડા પ્રધાન મોદીની મુલાકાત પછી હિંસા કરી હતી. વડા પ્રધાનની મુલાકાત પછી બાંગ્લાદેશની શેખ હસીના સરકારે હિફાઝત સંગઠનના લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી. આ સંગઠનની રચના ઈ. સ. ૨૦૧૦માં બાંગ્લાદેશના મદરેસા શિક્ષકો અને વિદ્યાર્થીઓને મળીને કરાઈ હતી. આ એક કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન છે, જેને સાઉદી અરેબિયાના કટ્ટરપંથી શેખો ભંડોળ પૂરું પાડે છે. જોવાની વાત એ છે કે સાઉદી અરેબિયાના શાસક દેશને ધીમેધીમે નરમપંથી બનાવી રહ્યા છે. આ જ કારણથી તેઓ મસ્જિદ પર લાઉડસ્પીકરના ઉપયોગ પર નિયંત્રણો મૂકી રહ્યા છે અને નમાઝના સમયે દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપી રહ્યા છે. પરંતુ તીર નિશાનામાંથી છૂટી ગયું છે. આ કટ્ટરપંથની આગને રોકવી અઘરી છે. અલબત્ત, ચીનનો રાહ પકડવામાં આવે તો સાવ અશક્ય પણ નથી. પરંતુ ચીનમાં એકપક્ષીય શાસન છે, જ્યારે ભારતમાં લોકશાહી છે અને લોકશાહીમાં જીતવા મતો જરૂરી હોય છે. મતો માટે ભારતમાં વર્ષોથી કટ્ટરપંથી મુસ્લિમોને થાબડભાણાં કરાય છે. જોકે જો ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવે તો મત જરૂરી નહોતા ત્યારે પણ ગાંધીજી અને કોંગ્રેસે કટ્ટરપંથી મુસ્લિમોને થાબડભાણા તુર્કીના ખિલાફત આંદોલનને ટેકો આપીને શરૂ કરેલાં જે પછી મોપલા રમખાણોમાં કટ્ટરપંથી મુસ્લિમોના અનેક હિન્દુ શિકાર બન્યા હતા. તે પછી પણ આંખ ન ઉઘડી અને તેની જલદ ટીકા કરવાના બદલે ગાંધીજીએ તેમના પ્રત્યે નરમ વલણ અપનાવ્યું.
 
અત્યારે માત્ર પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં જ નહીં, અફઘાનિસ્તાન અને ભારતમાં પણ હિન્દુઓની સ્થિતિ કફોડી છે. અફઘાનિસ્તાનમાં અમેરિકી દળો હટ્યા પછી તાલિબાન એક પછી એક શહેર કબજે કરી રહ્યું છે. આવામાં ત્યાં વસતા હિન્દુઓ અને શીખોની સ્થિતિ ચિંતાજનક બની છે. જોકે આ બાબતે મોદી સરકાર ચિંતિત છે અને સક્રિય પણ છે.
 
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ૧૨ ઑગસ્ટે નિવેદન આપતાં કહ્યું હતું કે ત્યાં રહેલા હિન્દુ અને શીખ પરિવારોને દેશમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળવામાં ભારત મદદ કરશે. મોદી સરકાર દ્વારા અગાઉ યમન સહિત કેટલાક યુદ્ધગ્રસ્ત ઇસ્લામિક દેશોમાંથી ભારતીયોને સુરક્ષિત ભારત લવાયા હતા. કોરોનાકાળમાં પણ વિદેશોમાં રહેલા ભારતીયોને સુરક્ષિત ભારત લવાયા હતા.
 
સરકાર તો મદદ કરવા તત્પર છે, પણ પ્રશ્ર્ન એ છે કે આ માનસિકતાનો ઉપાય શું? કેમ પૂરા વિશ્ર્વની આંખ આ બાબતે ઊઘડતી નથી. વિદેશોમાં જ નહીં, ભારતમાં પણ હિન્દુઓની સ્થિતિ કફોડી છે. આજથી પાંચેક વર્ષ પહેલાં શાહરુખ ખાન, આમિર ખાને મુસ્લિમ ડરેલો છે, દેશમાં અસહિષ્ણુતા વધી ગઈ છે તેવું નિવેદન આપ્યું હતું પરંતુ હકીકત એ છે કે વિદેશોમાં અને ભારતમાં પણ હિન્દુ ડરેલો છે. કાશ્મીર હોય, ગુજરાતનાં ભાવનગર કે વારાહી ગામ હોય કે કૈરાના, કે પછી પશ્ર્ચિમ બંગાળ, દરેક જગ્યાએ જિહાદી માનસિકતાવાળા લોકો હિન્દુઓ પર હુમલા કરી તેમને ભગાડે છે. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક વિસ્તારમાંથી પણ હિન્દુઓના પલાયનના સમાચાર તાજેતરમાં આવ્યા છે.
 
કટઘર પોલીસ મથકના ક્ષેત્રમાં એક કોલોનીમાં રહેતા ૮૧ હિન્દુ પરિવારોએ સામૂહિક રીતે પોતાનાં મકાન વેચવા કાઢ્યાં છે. આનું કારણ મુસ્લિમો દ્વારા કરાતી હેરાનગતિ. સમગ્ર દેશમાં લેન્ડ જિહાદ ચાલે છે તે રીતે અહીં પણ બન્યું છે. કોલોનીના મુખ્ય દરવાજા પર જે ઘરો છે તેને મુસ્લિમોએ ખરીદી લીધાં છે. આ ઘર ખરીદવા તેમણે બજાર ભાવથી ત્રણ ગણી કિંમત આપી છે. (આ ઘર વેચનારની પણ ભૂલ કહેવાય જ.) હવે તેઓ માંસાહાર કરીને માંસના અવશેષો હિન્દુ ઘર સામે નાખી દે છે, આવો ત્યાં રહેનારાઓનો આક્ષેપ છે. આના કારણે વિસ્તારમાં ગંદકી થઈ રહી છે. કોલોનીમાં રહેતા મોટા ભાગના લોકો શાકાહારી છે. સ્થાનિક હિન્દુઓની માગ છે કે આ બંને મુસ્લિમોની રજિસ્ટ્રી નિરસ્ત કરી દેવામાં આવે. જો આમ નહીં કરાય તો ૮૧ હિન્દુ પરિવારો સામૂહિક પલાયન કરશે.
 
આ હિન્દુઓની દશા પણ ઉલમાંથી ચૂલમાં પડ્યા જેવી છે. તેમાંના ઘણા લોકો પાકિસ્તાનથી પ્રતાડિત થઈ અહીં શરણાર્થી તરીકે આવ્યા હતા. પરંતુ અહીં પણ તેમની હેરાનગતિ કરાઈ રહી છે.
 
આના પરથી હિન્દુઓ શું શીખી શકે? બધી જગ્યાએ સરકાર મદદે નહીં આવી શકે. બધી વખતે સરકાર હિન્દુઓનો પક્ષ લેનારી ન પણ હોય. આથી હિન્દુઓએ સંગઠિત થવાની જરૂર છે. પોતાનો અવાજ ઉઠાવી, પોતાની સમસ્યા રજૂ કરવાની જરૂર છે. ઑડિયો-વિઝ્યુઅલ રીતે પોતાની વેદનાને વ્યક્ત કરવી પડશે. ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવી પડશે. મીડિયા સાથે સારા સંબંધો કેળવી મીડિયામાં પોતાની વાતને વાચા આપવી પડશે, કારણ કે એક પણ મુસ્લિમ કે ખ્રિસ્તીને તકલીફ પડે તો તેની વાત સમગ્ર વિશ્ર્વમાં ફેલાઈ જાય છે. હિન્દુઓ વિરુદ્ધ વાતાવરણ બની જાય છે. આ બાબતે અહિંસક આંદોલન અને કાનૂની લડત જરૂરી છે. લોકશાહીમાં પોતાના મતની કિંમત કરતાં શીખવું પડશે.
 
- જયવંત પંડ્યા