વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતે મેળવેલી ૨૨ ઉપલબ્ધિઓ

    17-Sep-2021
કુલ દૃશ્યો |

narendra modi_1 &nbs
 
 
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને નૂતન ભારતના વિકાસ અને વિરાસતની વાત । Narendra Modi's Achievements
 
૧૬ મે, ૨૦૧૪ના રોજ ભારતમાં નવી સરકાર એટલે કે ભારતીય જનતા પક્ષના નેતૃત્વવાળી એનડીએ સરકારનું શાસન આવ્યું. સતત પાંચ વર્ષના સફળ શાસન બાદ ૨૦૧૯માં પુનઃ એક વખત સંપૂર્ણ બહુમતી સાથે ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર સત્તારૂઢ થઈ. નવી સરકારનાં સાત વર્ષ થવામાં છે. પોતાના આ કાર્યકાળમાં સરકારે પોતાના શાસનથી સિદ્ધ કર્યું છે કે રાજનીતિક ઇચ્છાશક્તિવાળી સરકાર પોતાના નિર્ણયો અને શાસન થકી ન માત્ર દેશની રાજનીતિ, બલકે દશા અને દિશા પણ બદલી શકે છે. આવો, એક નજર ભારતની એવી કેટલીક ઉપલબ્ધિઓ પર નાખીએ જેણે દુનિયાભરમાં ભારતનું ગૌરવ વધાર્યું છે.
 
 
#1 ધાર્મિક પ્રવાસનને ઉત્તેજન આપવા શ્રી રામાયણ યાત્રાની સ્પેશિયલ ટ્રેન
 
 
કેન્દ્ર સરકારે શરૂ કરેલી પહેલ ‘દેખો અપના દેશ’ અન્વયે ભારતીય રેલવેએ ‘શ્રી રામાયણ યાત્રા’ નામની ખાસ ટ્રેનસેવા શરૂ કરી દેશમાં ધાર્મિક પ્રવાસનને ઉત્તેજન આપવાનું નિર્ધાર્યું છે. આ ટૂર હેઠળ ભગવાન રામ સાથે સંકળાયેલાં તમામ અગ્રણી સ્થળોને આવરી લેવામાં આવશે. આ આખી ‘શ્રી રામાયણ યાત્રા’ના પ્રવાસ માટે વ્યક્તિ દીઠ રૂા. ૮૨,૯૫૦ ભાડું નક્કી કરાયું છે, જેમાં એસી (પ્રથમ અને બીજા) વર્ગો, એસી હોટેલમાં રહેવું. ભોજન, આસપાસનાં જોવાલાયક સ્થળોની મુલાકાત, ટ્રાવેલ ઇન્સ્યુરન્સ અને આઈઆરસીટીસી ટૂર મેનેજરની સેવાનો સમાવેશ થાય છે. આ સ્પેશ્યિલ ટ્રેનના દરેક ડબામાં સિક્યુરિટી ગાર્ડ્સ અને સીસીટીવી કેમેરાની સુવિધા હશે. આ સમગ્ર પ્રવાસ ૧૭ દિવસનો હશે, જે હેઠળ ૭,૫૦૦ કિ.મી.નું અંતર આવરી લેવાશે. અયોધ્યામાં ટ્રેનનું પ્રથમ સ્ટોપ હશે. પ્રવાસીઓને બંધાઈ રહેલા શ્રી રામ જન્મભૂમિ મંદિર, નંદીગ્રામનું ભારત મંદિર અને હનુમાન મંદિરનાં દર્શન અયોધ્યાના રોકાણ દરમિયાન કરાવાશે. આ પછી બીજું સ્ટોપ બિહારનું સીતામઢી હશે, જે માતા સીતાનું જન્મસ્થળ છે. જનકપુરમાં રામ-જાનકી મંદિરની મુલાકાત જમીન માર્ગે રોડ થકી કરાવાશે. વારાણસી, ચિત્રકૂટ, પ્રયાગરાજના મંદિરો પણ આ પ્રવાસમાં આવરી લેવામાં આવશે. છેલ્લા સ્ટોપ નાસિક, રામેશ્ર્વરમ્ અને હમ્પી હશે. ૧૭મા દિવસે ટ્રેન દિલ્હી પરત ફરશે અને અંદાજે ૭,૫૦૦ કિ.મી.નો પ્રવાસ તેણે પાર પાડ્યો હશે.
 

narendra modi_1 &nbs 
 
 
#2 ભારતીય યોગને વૈશ્ર્વિક સ્તરે પહોંચાડ્યો
 
 
મન અને શરીરની શક્તિઓને વિકસિત કરનારી ભારતની સનાતન પરંપરા યોગને કેન્દ્ર સરકારની પહેલ અને રણનીતિથી ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભામાં વિશ્ર્વભરના દેશોએ માન્યતા આપી. સમગ્ર વિશ્ર્વમાં વર્ષ ૨૦૧૫થી ૨૧ જૂનના યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે સમગ્ર વિશ્ર્વમાં યોગને લઈ ગજબની ચેતના જોવા મળી રહી છે અને તેને અપનાવનારા દેશોની સંખ્યા સતત વધી રહી છે.
 

narendra modi_1 &nbs 
 
#3 વિશ્ર્વની સૌથી ઊંચી પ્રતિમા - સ્ટેચ્યુ ઓફ યુનિટી
 
 
૩૧ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ ભારતના બિસ્માર્ક અને લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાતના કેવડિયા ખાતે નર્મદા નદીના સાધુ બેટ પર સરદાર વલ્લભભાઈ પટેલનું સ્મારક વિશ્ર્વને અર્પણ કરવામાં આવ્યું હતું. ૧૮૨ મીટરની ઊંચાઈ ધરાવતું સ્ટેચ્યુ વિશ્ર્વની સૌથી ઊંચી પ્રતિમા છે, એટલું જ નહીં, અહીં આવતા પ્રવાસીઓ માટે આ સ્મારક શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જીવન સાથે રૂબરૂ થવાનો એક અવસર પૂરો પાડે છે.
 
 
#4 સરકારની એ જનકલ્યાણકારી યોજનાઓ
 
 
કેન્દ્ર સરકાર દ્વારા ૨૮ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ દેશના પ્રત્યેક નાગરિકને બેન્કિંગ સાથે જોડવા માટે જન-ધન યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત ૩૧.૩૧ કરોડ લોકોનાં ખાતાં ખોલવામાં આવ્યાં. દેશમાં ઠેક-ઠેકાણે બેંકોએ કેમ્પ લગાવી વંચિત લોકોનાં ખાતાં ખોલી તેમને બેન્કિંગ સુવિધાઓ સાથે જોડવાનું ઉત્તમ કામ કર્યું હતું. દેશના ગરીબમાં ગરીબ માણસ પણ ગેસ પર ભોજન બનાવી શકે, તે માટે કેન્દ્ર સરકારે ઉજ્જ્વલા યોજનાને અમલી બનાવી જે અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રના ગરીબ પરિવારોને મફતમાં ગેસ આપવામાં આવ્યો. સરકારી આંકડા મુજબ ૩ કરોડ જેટલા પરિવારોને આ યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર આપવામાં આવ્યાં છે. કેન્દ્ર સરકારે ઘરે-ઘરે વીજળી પહોંચાડવા માટે ૨૦૧૭માં સૌભાગ્ય યોજનાની શરૂઆત કરાવી હતી, જે મુજબ દરેક ઘરે વીજળી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું અને સરકાર મુજબ તે પોતાના લક્ષ્યમાં સફળ રહી છે. ૨૦૧૮માં પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી બનાવી એક કરોડ ઘરો બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. સરકારી આંકડાઓનું માનીએ તો તે પણ પૂર્ણ થવાના આરે છે. દેશના પ્રત્યેક નાગરિકને સ્વાસ્થ્ય માટે સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆત કરી છે. જે અંતર્ગત ગરીબ પરિવારના દરેક સદસ્યને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફત મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
 

narendra modi_1 &nbs 
 
 
#5 સર્જિકલ સ્ટ્રાઇક
 
 
આ સરકારના શાસનકાળમાં સેનાએ પોતાનું ઐતિહાસિક પરાક્રમનું પ્રદર્શન કરી બતાવી દીધું કે ભારતની રક્ષાશક્તિ વિશ્ર્વના કોઈ વિકસિત દેશથી સહેજેય ઊતરતી નથી. સાથે સાથે એ પણ સાબિત કર્યું કે આકરા અને મજબૂત નિર્ણય લેવામાં ભારત પણ કોઈ મહાશક્તિથી જરાય ઊણું ઊતરે તેમ નથી. સર્જિકલ સ્ટ્રાઇક અને એયર સ્ટ્રાઇક મારફતે ભારતે સાબિત કરી દીધું કે, ભારત પારંપરિક લડાઈ સાથે સાથે આધુનિક લડાઈમાં પણ વિશ્ર્વની આધુનિક સેનાઓમાં એક છે. ઉરી પરના આતંકી હુમલા બાદ ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ અડધોઅડધ દુનિયા ઊંઘી રહી હતી ત્યારે ભારતીય સેનાનું વિશેષ દળ પાકિસ્તાનના નાપાક મનસૂબાનો જડબાતોડ જવાબ આપી રહી હતી. ભારતીય સેનાના ઝાંબાજ જવાનો પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં આતંકીઓના કેમ્પોને તબાહ કરી રહ્યા હતા. ત્યાર બાદ પુલવામા આતંકી હુમલો થયો તો ભારતીય સેનાએ ૨૬ ફેબ્રુઆરીના રોજ બાલાકોટ એયરસ્ટ્રાઇક કરી પાકિસ્તાનને જડબાતોડ આપ્યો હતો. ભારતીય જવાનોએ આતંકીઓને તેમના ઘરમાં ઘૂસીને પાઠ ભણાવ્યો હતો.
 
 
#6 ધારા ૩૭૦ને નિષ્પ્રભાવી બનાવી દીધી
 
 
કેન્દ્ર સરકારનું સૌથી સાહસિક કદમ બીજા કાર્યકાળ દરમિયાન લેવાયેલ ઐતિહાસિક નિર્ણય જમ્મુ-કાશ્મીરને લગતો હતો. જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ને નિષ્પ્રભાવી બનાવવાનાં કદમ ઉઠાવવાની સાથે સાથે રાજ્યને બે ભાગમાં વિભાજિત કરવાનું ઐતિહાસિક કામ પણ આ સરકાર દરમિયાન થયું છે. સરકારના આ ઐતિહાસિક કદમથી જમ્મુ-કાશ્મીરમાં એક દેશ એક વિધાન અને એક નિશાન લાગુ પડી ગયું છે.
 
#7 ત્રણ તલાકનો ખેલ ખતમ
 
 
કેન્દ્ર સરકારની આ ઉપલબ્ધિ તેનાં કેટલાંક ક્રાંતિકારી પગલાઓમાંની એક છે. જે અંતર્ગત દેશની મુસ્લિમ મહિલાઓને આ કાળી પ્રથાથી આઝાદી મળી ગઈ છે. આ કાયદા મુજબ હવે કોઈ વ્યક્તિ મૌખિક, લેખિત કે પછી અન્ય કોઈ માધ્યમથી પોતાની પત્નીને એક વખતમાં ત્રણ તલાક આપે છે તો તે અપરાધ માનવામાં આવ્યો, જેને કારણે જે મુસ્લિમ મહિલાઓ હમણાં સુધી ત્રણ તલાકના ડરના સાયામાં જીવી રહી હતી તે આત્મસન્માન સાથે પોતાની જિંદગી જીવી રહી છે.
 
#8 ભવ્ય અને દિવ્ય શ્રીરામમંદિર નિર્માણનો પ્રારંભ
 
 
દેશના સદીઓ જૂના સૌથી મોટા કાનૂની વિવાદ, અયોધ્યામાં વિવાદનું નિરાકરણ કેન્દ્ર સરકારના પ્રથમ છ મહિનામાં જ લાવી દેવાયું હતું અને એ પણ સર્વસ્વીકાર્ય રીતે દાયકાઓથી કોર્ટની કાર્યવાહીમાં ફસાયેલ અયોધ્યાના રામમંદિરને આખરે સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મો. ૯ નવેમ્બર, ૨૦૧૯ના રોજ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદામાં અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિને જ રામનું જન્મસ્થળ હોવાનું માન્યું. ન્યાયાલયના આદેશ બાદ કેન્દ્ર સરકાર દ્વારા શ્રીરામ મંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટનું ગઠન કરવામાં આવ્યું છે અને હાલ અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય શ્રી રામમંદિરના નિર્માણનું કાર્ય શરૂ થઈ ગયું છે.
 

narendra modi_1 &nbs 
 
#9 વ્યાપાર સુવિધા રેંકિંગમાં ૧૧.૮૩ અંકનો ઉછાળો
 
 
કોરોનાકાળમાં અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે ભારત સરકારનો નીતિગત બદલાવ અને અનેક પ્રોત્સાહન યોજનાઓ લાગુ પાડવામાં આવી હતી, જેની અસર હવે વૈશ્ર્વિક સ્તરે જોવા મળી રહી છે. વિત્ત મંત્રાલય મુજબ ડિજિટલ અને ટકાઉ વ્યાપાર સુવિધામાં સંયુક્ત રાષ્ટ્રએ વૈશ્ર્વિક સર્વેક્ષણમાં ભારતની સ્થિતિમાં ઉલ્લેખનીય સુધારો નોંધ્યો છે. ભારતે હાલના જ સર્વેક્ષણમાં ૯૦.૩૨ ટકા અંકો મેળવ્યા હતા. આ આંકડો ૨૦૧૯માં ૭૮.૪૯ ટકા હતો. વિશ્ર્વભરની ૧૪૩ અર્થવ્યવસ્થાઓના મૂલ્યાંકન બાદ ૨૦૨૧ના સર્વેક્ષણમાં ભારતની સ્થિતિ પારદર્શિતા સંસ્થાગત વ્યવસ્થા અને સહયોગ, કાગળ રહિત વ્યાપારની પરિસ્થિતિમાં ખૂબ જ સુધારો થયો છે. ભારત હવે વ્યવસાય, સરકાર, માધ્યમોના મામલે વિશ્ર્વમાં સૌથી વિશ્ર્વસનીય દેશોમાં સામેલ થઈ ગયું છે, કારણ કે છેલ્લા દાયકામાં ભારતીય સરકારે આ અંગે અનેક ક્રાંતિકારી પગલાં લીધાં છે, જેને કારણે ભારતની સ્થિતિ દિન-પ્રતિદિન સુધરી રહી છે અને ભારત વિકાસશીલ દેશોમાંથી વિકસિત દેશ બનવાની દિશામાં અગ્રક્રમે જણાઈ રહ્યું છે.
 
#10 વિદેશી રોકાણકારોમાં ભારત પ્રત્યે વિશ્ર્વાસ
 
 
કેન્દ્ર સરકારના સતત એફડીઆઈ (સીધા વિદેશી મૂડીરોકાણ)નીતિમાં સુધારાને કારણે, રોકાણ માટેની વિવિધ સુવિધાઓ અને ઇઝ ઓફ ડૂઈંગ બિઝનેસ જેવાં કદમ ઉઠાવવાને કારણે વિદેશી રોકાણકારોનો કોરોનાકાળમાં પણ ભારતીય અર્થવ્યવસ્થા પર વિશ્ર્વાસ ન માત્ર જળવાઈ રહ્યો છે, વધી પણ રહ્યો છે. વિદેશી રોકાણકારો ભારતમાં છુટ્ટા હાથે રોકાણ કરી રહ્યા છે. ભારતમાં એપ્રિલ ૨૦૨૦થી જાન્યુઆરી ૨૦૨૧ સુધી ૭૨.૧૨ અરબ ડોલરનું વિદેશી મૂડીરોકાણ આવ્યું હતું. જે કોઈ નાણાકીય વર્ષના પ્રથમ ૧૦ મહિનાના સમયગાળા દરમિયાન આવેલું સૌથી વધુ રોકાણ છે. ભારતના આર્થિક વૃદ્ધિદરમાં પણ ૦.૪ ટકાનો વધારો જોવા મો છે. ભારતની આ આર્થિક મજબૂતીના પ્રભાવે શેરબજાર નવી-નવી સપાટીઓ વટાવી રહ્યું છે.
 
#11 એનર્જી ટેક્નોલોજી
 
 
કેન્દ્ર સરકાર દ્વારા સોલર ચરખા મિશન અને નવીકરણીય ઊર્જા વિસ્તાર કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ૨૦૨૨ સુધી નવીકરણનીય ઊર્જાથી ૧૭૫ GW વીજળી ઉત્પન્ન કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. હરિયાણાના ગુરુગ્રામ ખાતે આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન સચિવાલયની પાયો નાખવાની વાત હોય કે પછી રાષ્ટ્રપતિ દ્વારા સ્વદેશી ઉચ્ચ તાપમાન ઇંધણ સેલ પ્રણાલીનું ઉદ્ઘાટન જેવાં પગલાં આ અંતર્ગત લેવાયાં છે. ૨૪ કરોડ એલઈડી બલ્બનું વિતરણ કરવામાં આવ્યું છે.
 
#12 મેક ઇન ઇન્ડિયાની ઉડાન
 
 
ભારતમાં જ લગભગ ૪૫ હજાર કરોડ રૂપિયાના ખર્ચે પન્નડુબીઓનું નિર્માણ થઈ રહ્યું છે. સેનાના જવાનોની રક્ષા માટે અત્યાધુનિક ટેક્નોલોજીથી સ્વદેશી બુલેટપ્રૂફ જેકેટ બનાવવામાં આવી રહ્યાં છે. હાલ વિશ્ર્વનાં સૌથી ઘાતક હથિયારોમાં જેની ગણના થાય છે, ક્લાશ્નિકોવ રાઇફલ એકે ૧૦૩ ભારતમાં જ નિર્મિત થઈ રહી છે. એડવાન્સ લાઈટ ટોરપીડો (એ.ટી. સબમરીન ટોરપીડો) અપાચે જેવા યુદ્ધ હેલિકોપ્ટર્સ પણ ભારતમાં જ નિર્મિત થઈ રહ્યાં છે. મેક ઈન ઇન્ડિયા અંતર્ગત નિર્મિત ડોર્નિયર-૨૨૮ સ્કવાડ્રન INAS ૩૧૩, આઈએએનએસ કરંજ આઈએ એએસ કલવરી જેવી સબમરીન પણ ભારતમાં જ નિર્મિત થઈ છે. આ સિવાય સંપૂર્ણ રીતે ભારતમાં જ નિર્મિત ધનુષ તોપ કે 7 K-9 વજ્ર ટેંક પણ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત નિર્માણ કરી સેનામાં સામેલ કરાઈ છે.
 
#13 ટેક્નોલોજી બની દેશની તાકાત
 
અંતરિક્ષ અને રક્ષાક્ષેત્રમાં ભારતની શક્તિ સતત વધી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા રક્ષાક્ષેત્રમાં અને વિકાસને પ્રોત્સાહન આપવાના કારણે જ્યાં ભારત નિરંતર ઊંચાઈઓ સર કરી રહ્યું છે તો મેક ઇન ઇન્ડિયા પણ અસર બતાવી રહ્યું છે. અંતરિક્ષમાં ત્રણસો કિલોમીટર દૂર લો અર્થ ઓરબિટમાં લાઇવ સેટેલાઈટને તોડી પાડવાની ક્ષમતા હોય. એક સાથે અનેક સેટેલાઇટ્સ અંતરિક્ષમાં સ્થાપિત કરવાની ઘટનાથી વિશ્ર્વ હવે ભારતની તાકાતને જોઈ રહ્યું છે. ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ મંગલ યાનને મંગળની કક્ષામાં પહોંચાડી ઇતિહાસ રચ્યો હતો. ભારત પોતાના પહેલા જ પ્રયાસમાં આવું કરી શકનાર વિશ્ર્વનો સૌપ્રથમ દેશ બની ગયો છે.
 
#14  ડિજિટલ ટેક્નોલોજી
 
 
ટેક્નોલોજીને સામાજિક ન્યાય, સશક્તિકરણ, જલ પર્યાવરણ સંરક્ષણ, સક્ષમ સરકારી તંત્ર અને પારદર્શિતાનું માધ્યમ બની છે. વિશેષ કરીને ડિજિટલ ટેક્નોલોજીનું વ્યાપક માળખું વિકસિત થયું છે, જેનો લાભ સામાન્ય જનતાને મળી રહ્યો છે. સરકારી સુવિધાઓની જાણકારી માટે ઉમંગ અને ડિજિટલ કેશલેસ લેણ-દેણ માટે ભીમ એપ પોર્ટલે આ ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. ગ્રામ પંચાયતોના વિકાસ માટે ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલે કે સરકારી યોજનાઓના લાભનાં નાણાં સીધાં જ લાભાર્થીઓના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવાની સુવિધા આપી સરકારે ૧.૭ લાખ કરોડથી વધારે રૂપિયા ખોટા લોકોના હાથમાં જતા બચાવ્યા છે. હાલ ૩.૬૫ લાખ કોમન સર્વિસ સેન્ટરના માધ્યમથી ગામે-ગામ ઓનલાઇન સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
 
#15 કેન્દ્ર સરકારની નાગરિકતા ક્રાંતિ
 
 
વર્તમાન સરકારે તેના બીજા કાર્યકાળમાં બીજો એક મોટો નિર્ણય લઈ સર્વને ચોંકાવી દીધા હતા. ૧૧ ડિસેમ્બરે સંસદમાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું, જે હવે કાયદો બની ચૂક્યું છે. આ કાયદા મુજબ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની લઘુમતીઓને પણ હવે ભારતના નાગરિક બનવાનો અધિકાર મળી ગયો છે. આ કાયદા બાદ તે દેશોના હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ જેવા ધાર્મિક ઉત્પીડનથી પ્રતાડિત લોકોને ભારતની નાગરિકતા મેળવવાનો અધિકાર મળી ગયો છે.
 
#16 વિશ્ર્વનું બીજા નંબરનું સૌથી આકર્ષક મેન્યુફેકચરિંગ હબ
 
 
કેન્દ્ર સરકારની ઔદ્યોગિક નીતિઓને કારણે ભારત રોજેરોજ નવી ઉપલબ્ધિઓ મેળવી રહ્યું છે. વિશ્ર્વભરમાં ભારતની છાપ મજબૂત બનતાં આંતરરાષ્ટ્રીય સ્તરની ભારતની તમામ રેંકિંગમાં સુધારો થઈ રહ્યો છે. અમેરિકાને પછાડી ભારત વિશ્ર્વનું બીજું સૌથી આકર્ષક મેન્યુફેકચરિંગ હબ બની ગયું છે. રિયલ એસ્ટેટ કંસલ્ટ કુશમેન એન્ડ વેકફીલ્ડ મુજબ ગ્લોબલ મેન્યુફેકચરિંગ રિસ્ક ઇંડેક્સ ૨૦૨૧માં ચીન બાદ ભારત બીજા નંબરે પહોંચી ગયું છે.
 
#17 આંતરિક સુરક્ષા
 
 
બોર્ડર ઉપર સતત તણાવ અને પાકિસ્તાન દ્વારા સમયાંતરે યુદ્ધવિરામનું ઉલ્લંઘન થવાને કારણે જવાનોની શહીદી થતી હોવા છતાં તેમજ આંતરિક રીતે માઓવાદીઓની ધમકીઓનો સામનો કરવા છતાં, ભારતે આંતરિક સુરક્ષામાં ઘણી લાંબી મજલ કાપી છે, ઘણી મજબૂત સ્થિતિ પ્રાપ્ત કરી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં જેહાદી આતંકીઓ પકડવાની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. તો ઘણી જેહાદી યોજનાઓને નિષ્ફળ બનાવાઈ છે. કોમવાદી - સાંપ્રદાયિક હિંસાની ઘટના પણ નોંધપાત્ર રીતે ઘટી છે. દેશ હવે નાગરિકોને સ્પર્શતા - વિકાસને અવરોધતા મુદ્દાઓ પર સારું ધ્યાન આપી શકે છે. જ્યારે આંતરિક સુરક્ષા પણ સુદૃઢ બની છે. જમ્મુ-કાશ્મીરમાં સેના આતંકવાદીઓ સામે લડી રહી છે અને સરહદે પાકિસ્તાનને જડબાતોડ જવાબ અપાઈ રહ્યો છે. હિંસા કરનારાઓને મુખ્ય પ્રવાહમાં લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે અને સેના તથા જમ્મુ કાશ્મી૨ની પોલીસ વચ્ચે સંકલન વધ્યું છે. આંતરિક સુરક્ષામાં વધારો થયો છે અને પ્રજા હવે નિર્ભીક રીતે પોતાનો કામ-ધંધો સંભાળી રહી છે.
 
#18 લાલબત્તી કલ્ચર ખતમ
 
 
દેશમાં વીઆઈપી કલ્ચર ખતમ કરવા માટે મોદી-સરકારે પહેલી મે ૨૦૧૭થી પ્રધાનોની ગાડીઓ પરથી લાલબત્તી દૂર કરાવી દીધી છે. જોકે કેટલીક આવશ્યક સેવાઓ માટે લાલબત્તીનો ઉપયોગ કરી શકાશે. સરકાર સામાન્ય લોકોની સરકાર છે. એક વિકલ્પ એ હતો કે લાલબત્તીના ઉપયોગને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે જ્યારે બીજો વિકલ્પ એ હતો કે બંધારણીય હોદ્દા પર રહેલા પાંચ લોકોને ઉપયોગની મંજૂરી આપવામાં આવે. આ પાંચ લોકોમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, લોકસભા સ્પીકર, વડાપ્રધાનનો સમાવેશ થાય છે. જોકે વડાપ્રધાને કોઈને પણ રાહત આપવાનો ઇનકાર કર્યો. વીઆઈપી કલ્ચરને સંપૂર્ણપણે ખતમ કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પહેલ કરાઈ છે.
 

narendra modi_1 &nbs 
 
#19 સ્વચ્છ ભારત અભિયાન
 
 
૨ ઑક્ટોબર, ૨૦૧૪ના રોજ વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળ શરૂ કરેલ સ્વચ્છ ભારત અભિયાન, સ્વતંત્ર ભારતની એક મહત્ત્વપૂર્ણ જાહેર ચળવળ બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલાં દેશમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવા માટે ક્યારેય કોઈ વિચાર કર્યો ન હતો. અભિયાનના દિવસે, શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીના પ્રસંગે ભારત સ્વચ્છ ભારત તરીકે શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપી શકે છે. સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ દેશ સ્વચ્છતા વિશે સભાન થઈ ગયો છે, સ્વચ્છતા વિશે વિચારવાનું બદલાયું છે. આ સ્કીમ હેઠળ, સમગ્ર દેશમાં, ગામડાંઓમાં, ઘરોમાં શૌચાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અને ચાર વરસમાં લગભગ ત્રણ લાખ સાઠ હજાર ગામોને ખુલ્લામાં શૌચથી છુટકારો અપાવ્યો છે.
 
#20 વન નેશન - વન રેશન કાર્ડ યોજના
 
 
કોવિડના કારણે અનેક લોકોની નોકરી છૂટતાં પ્રવાસી નાગરિકોને અનાજ યોજનાનો લાભ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વન નેશન વન રેશન કાર્ડ યોજના લાવવામાં આવી, જે અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને સાવ નજીવી કિમતે ઘઉં, ચોખા, કઠોળ સહિતની ખાદ્યાન્ન ચીજવસ્તુઓ મળતી થઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ પડાયેલ આ યોજના મુજબ હવે રાશન કાર્ડધારક દેશમાં ક્યાંય પણ રહેતો હોય તો તેનો લાભ લઈ શકે છે તો નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત ૬૫ વર્ષથી વધુની ઉંમરના દિવ્યાંગોને ઘરે બેઠા અનાજ મળી રહે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દેશની લગભગ ૩૭% આબાદી પ્રવાસી શ્રમિકોની છે. ત્યારે આ યોજના તે તમામ લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. આ ઉપરાંત સૈનિકો માટે વન રેન્ક વન પેન્શન સહિત અનેક યોજનાઓ કાર્યાન્વિત થઈ છે.
 
#21 ત્રાસવાદ અને માઓવાદ પર બ્રેક
 
 
કેન્દ્ર સરકારની કુશળ અને વિકાસ કેન્દ્રિત નીતિઓથી નક્સલી ઘટનાઓમાં ઉલ્લેખનીય ઘટાડો. સરકારે નક્સલી સમસ્યાઓને ઘટાડવા વ્યાપક દૃષ્ટિકોણ અપનાવ્યો છે, જેના કારણે નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા ક્રમશઃ ઘટી રહી છે. હાલના દિવસોમાં નક્સલ પ્રભાવિત જિલ્લાઓમાં સફળતા મળ્યા બાદ ગૃહ મંત્રાલય દ્વારા સૌથી ખતરનાક નક્સલવાદી વિસ્તારમાં આ ઑપરેશન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકાર નક્સલવાદીઓની સામે સીઆરપીએફને ફ્રી હેન્ડ આપવાના મૂડમાં દેખાઈ રહી છે. નક્સલવાદીઓનો સામનો કરવા માટે જવાનોને વધુ આક્રમક બનાવવામાં આવનાર છે. મોદી-સરકારે ૩૧મી માર્ચ ૨૦૧૯થી પહેલા ઓછામાં ઓછા ૨૦ અન્ય જિલ્લાઓને નક્સલીમુક્ત કરવાની યોજના તૈયાર કરી લીધી છે. છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા, બિહાર, બંગાળ, તેલંગાણા આંધ્રપ્રદેશ સહિત ૨૦ જિલ્લાઓની ઓળખ કરવામાં આવી છે. નક્સલવાદથી મુક્તિને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
 
 
#22 વિશ્ર્વભરના સન્માન પુરસ્કારો મેળવી દેશનું ગૌરવ વધાર્યું
 
 
૨૦૧૪માં ભારતના વડાપ્રધાન બન્યા બાદ શ્રી નરેન્દ્રભાઈ મોદીને અનેક આંતરરાષ્ટ્રીય સન્માનો માં છે. તેમાંથી ૫ દેશોએ તો તેઓને પોતાના દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે. ૨૦૧૬માં અફઘાનિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક સન્માન ‘અમાનુલ્લાહખાન પુરસ્કાર’, ૨૦૧૬માં સઉદી અરબનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘કિંગ અબ્દુલ અઝીસ સૈશ’, ૨૦૧૮માં પેલેસ્ટાઇનમાં ‘ગ્રાન્ડ કોલર પુરસ્કાર’, ૨૦૧૯માં માલદીવ દ્વારા ‘નિશાન ઇજ્જુદ્દીન’, ૨૦૧૯માં બહરીન દ્વારા ‘ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસા’ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૨૦૧૮માં સંયુક્ત રાષ્ટ્રના સૌથી મોટા પર્યાવરણ સુરક્ષા સન્માન ‘ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ’થી નરેન્દ્રભાઈ મોદીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ૨૦૧૮માં સિપોલ ‘શાંતિ પુરસ્કાર’, તો ૨૦૧૯માં રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ધ ઓર્ડર ઓફ ધ સેન્ટ એંડ્રયુ ધ એપોસ્ટલ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
 
 
... હંમેશ જેમ અવિરત ભારતવર્ષનું ગૌરવ વધારતા રહો !
 
 
 
સમગ્ર દેશવાસીઓ હવે એ વાતના સાક્ષી છે કે, નરેન્દ્ર મોદી એવા રાજપુરુષ-રાષ્ટ્રનાયકના રૂપમાં ઊભરી રહ્યા છે કે, જેઓ નિરંતર જનતા-જનાર્દનની સેવામાં પૂર્ણ-સમર્પિત છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શિક્ષા-દીક્ષા પ્રાપ્ત શ્રી નરેન્દ્રભાઈનું વ્યક્તિત્વ, નેતૃત્વ, કર્તૃત્વ એ સંઘની : તેરા વૈભવ અમર રહે માં, હમ દિન ચાર રહે ન રહે... ધ્યેય-સાધના અમર રહે !ની ભાવનાનું મૂર્તિમંત સ્વરૂપ છે. આ એક એવા પ્રધાનમંત્રી છે, જેમના માટે રવિવારની રજા જેવું પણ નથી, કે નથી તેમને માટે કોઈ છુટ્ટીઓના દિવસો ! દિવાળી-પર્વ નરેન્દ્રભાઈ સરહદી સૈનિકો સાથે વિતાવે છે. તો સ્વદેશમાં અને વિદેશોમાં સતત સ્નેહ-સંપર્કથી ભારતવર્ષની ઉન્નતિ અને ભારતમાતાની ગૌરવપ્રતિષ્ઠા માટે સતત ચરૈવેતિ-ચરવૈતિના મંત્રને લઈને પરિવ્રાજકની ભૂમિકામાં ઘરઆંગણે જનજનને પ્રેરિત કરી રહ્યા છે, તો વિદેશોમાં વસતા લાખો મૂળ ભારતીયો સાથેના સ્નેહ-સંબંધની ગાંઠને મજબૂત કરીને તેઓને મેઇક ઇન ઇન્ડિયા પ્રકલ્પમાં સામેલ થવા માટે પણ પ્રેરી રહ્યા છે; અને એ સઘળા ક્ષેત્રે ભારતવર્ષના સાંસ્કૃતિક દૂત તરીકે વિદેશોની ધરતી ઉપર રહીને ભારતની સુવાસ અને ગૌરવપ્રતિષ્ઠા માટે પણ સજગ-સક્રિય પણ કરે છે. તો વિદેશોના રાજપુરુષો સાથેના મૈત્રી-સંબંધો વિસ્તારીને, ભારતવર્ષની પ્રાચીન સંસ્કૃતિ-બૌદ્ધધર્મ જેવા સોફ્ટ-પાવરના પ્રયોજનથી, વિદેશનીતિ અને ડિપ્લોમસીમાં નવા કીર્તિમાન પણ સ્થાપી રહ્યા છે.
 
 
શ્રી નરેન્દ્રભાઈ પાસે એક દૃષ્ટિવંત નેતૃત્વ, કુશળ સંગઠક, મેધાવી રાજપુરુષ અને જનનાયક તરીકે લોકોની નાડ પારખવાની-તેના ધબકાર અનુભવવાની અને જન-મન સાથે કનેક્ટ થવાની અદ્ભુત કોઠાસૂઝ પણ જોવા મળે છે. નરેન્દ્રભાઈ સંઘ-સ્વયંસેવક અને આગળ જતાં સંઘ-પ્રચારક બન્યા ત્યારથી જ, તેમના રહેલી ક્ષમતા-તણખાં (સ્પાર્ક)ને પારખી જઈને સંઘના તત્કાલીન ગુજરાતના પ્રાંત-પ્રચારક માનનીય શ્રી વકીલસાહેબે તેમનું જતનપૂર્વક ઘડતર કરેલું. સંઘ પ્રચારક નરેન્દ્રભાઈ જ્યારે એંશીના દાયકામાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના સંગઠન-મંત્રીપદ સાથે સક્રિય રાજનીતિમાં પ્રવેશ્યા ત્યારે, તેમનું હીર પારખીને એ વર્ષોમાં સદ્ગત ચંદ્રકાંત બક્ષીએ, નરેન્દ્ર મોદીના રૂપમાં એક સમર્થ રાજપુરુષ આવી રહ્યાનો વસંત-વૈતાલિક કોકિલ-કુહૂકાર કરી જાણેલો !
 
 
શ્રી ચંદ્રકાંત બક્ષીની ભવિષ્યવાણીને સાચી ઠેરવતાં, શ્રી નરેન્દ્રભાઈએ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ત્રીસ વર્ષના સુદીર્ઘ અંતરાળ પછી, કેન્દ્રમાં પૂર્ણ બહુમતવાળી સરકારનું સ્વપ્ન સાકાર કર્યું અને ૨૦૧૯માં પણ ભવ્ય જીત હાંસલ કરી. ભારતીય જનસંઘ - ભારતીય જનતા પાર્ટીના રૂપમાં રાષ્ટ્રવાદી શક્તિઓના છ દાયકાઓ ઉપરાંતના ત્યાગ-તપશ્ર્ચર્યાના રાષ્ટ્ર-યજ્ઞની યશસ્વી પૂર્ણાહુતિ સંપન્ન કરી છે તેમ જરાયે અતિશયોક્તિ વગર કહી શકાય. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી, પં. દીનદયાળજી ઉપાધ્યાય અને અટલજીનાં પદ-ચિહ્નો પર ચાલનાર શ્રી નરેન્દ્રભાઈ જીવનના ૭૨મા વર્ષે ભારત માતાને પરમ વૈભવના શિખરે સ્થાપિત કરવા પ્રયત્નશીલ છે ત્યારે તેમના જન્મદિને ફરીવાર તેમને ‘સાધના’ પરિવાર શુભેચ્છાઓ આપે છે કે તેઓ તેમના એ સદ્કાર્યમાં સફળ થાય, સ્વસ્થ દીર્ઘાયુ પામે અને ભારતવર્ષનું ગૌરવ વધારતા રહે. શતમ્ જીવમ્ શરદમ્.