ક્વીટ ઇન્ડિયાથી સ્વીટ ઇન્ડિયા સુધી - માનસમર્મ

    25-Sep-2021   
કુલ દૃશ્યો |

moraribapu_1  H
 
“પ્રસન્નતા જ એકમાત્ર એવું અત્તર છે, જેને તમે બીજા પર છાંટો છો તો કેટલાંક ટીપાં તમારા ઉપર પણ પડે છે. ”
 
 
 
એવી રીતે જીવન જીવો કે તમારે આવતીકાલે મરી જવાનું છે અને શીખો એવી રીતે જાણે કે તમારે કાયમ જીવતા રહેવાનું છે.’ આ શબ્દો છે મહાત્મા ગાંધીના. વિશ્વ સાહિત્યમાં જેમનું પુસ્તક ‘સત્યના પ્રયોગો’ અગ્રસ્થાને છે એ જ ગાંધીજી સાહિત્ય પરિષદની ચૂંટણી હારી ગયા હતા. પણ એ ચલિત થયા ન હતા અને પોતાનું કાર્ય કર્યે ગયા. પછીનું પરિણામ જગ જાહેર છે. વિશ્વાસ કરવો એક ગુણ છે, અવિશ્વાસ દુર્બળતાની નિશાની છે. ગાંધીજીનો આત્મવિશ્વાસ ગજબનો હતો. ગાંધીજી સમયના પાબંધ માણસ હતા. એ કદી ક્યાંય મોડા પડતા ન હતા અને મોડા આવેલા લોકો એને પસંદ ન હતા. જે સમય બચાવે છે, તે ધન બચાવે છે અને બચાવેલું ધન કમાયેલા ધનની જેમ જ મહત્વપૂર્ણ છે.
 
મને હંમેશા પ્રસન્ન લોકો ગમે છે. સોગિયા મોંવાળા યજમાનની હું કથા પણ નથી કરતો. ગાંધીજીની વાત સાથે હું સંમત છું કે ‘પ્રસન્નતા જ એકમાત્ર એવું અત્તર છે, જેને તમે બીજા પર છાંટો છો તો કેટલાંક ટીપાં તમારા ઉપર પણ પડે છે. મારામાં હાસ્ય વૃત્તિ ન હોત તો મેં ક્યારનીય આત્મહત્યા કરી નાખી હોત’. ગાંધીજીના અમુક વિશેષ પાસા હજુ આપણી સામે બહુ ઓછા આવ્યા છે. ગાંધીજીએ ‘ક્વીટ ઇન્ડિયા’ સૂત્ર આપ્યું હતું. બાપુએ આ સૂત્રને પોતાનો જીવનમંત્ર બનાવી દીધો. ‘ક્વીટ ઇન્ડિયા’ની લડત ચાલુ થઇ અને એક દિવસ દેશ આઝાદ થયો. ડૉ. વસંતભાઈએ મને કહ્યું કે ‘હવે આપણે આઝાદ થયા છીએ ત્યારે નીટ(Knit) ઇન્ડિયા અને નીટ(Neat) ઇન્ડિયા નામના બે સૂત્રની જરૂર છે. મને આ વિચાર ગમી ગયો છે. હું એમાં મારા તરફથી વધુ બે સૂત્રો ઉમેરું છું. મીટ(Meet) ઇન્ડિયા અને સ્વીટ(Sweet) ઇન્ડિયા. આપણે ત્યાં વિચારચોરી વાયરસ બની, વકરીને વિસ્તરી છે. બીજાના વિચાર પોતાના નામે ચડાવી દેવા એ પાપ છે. સાચો સાધુ એ છે કે અન્યના વિચારો એના નામ સાથે રજૂ કરી ગમતાનો ગુલાલ કરે. એ વિચારમાં વધારો કરી અને વધાવો આપીને વહેંચે છે.
 
પહેલું સૂત્ર નીટ(Knit) ઇન્ડિયાનો અર્થ ગૂંથવું થાય છે. અહીં K મૂક છે. Kની માફક આપણો કેપિટલ ‘I’ પણ મૂક બની જાય તો જીવનનો શબ્દકોશ મહાન બની જાય છે. અહંનો છેદ એ પરમપ્રાપ્તિનું પ્રથમ પગથિયું છે. વસ્ત્રમાં જેમ અલગ અલગ દોરાથી ભરતકામ કરવામાં આવે અને કપડું રંગીન બની જાય એમ ભારતની શોભા વિવિધ કોમના લોકોથી વધી છે.
 
નીટ(Neat) ઇન્ડિયા એટલે સ્વચ્છ ભારત. બહારની સાથે ભીતરની સ્વચ્છતા પણ આવે એ જરૂરી છે. સ્વચ્છતા સાથે સ્વસ્થતા પણ જોડાયેલી છે. કેટલાક લોકો બહારથી સ્વચ્છ લાગે ખરા પણ અંદરથી સ્વસ્થ નથી હોતા. બગલાના મનનો મેલ એને કાગડા કરતા પણ વધુ કલંકિત કરે છે.
 
મીટ(Meet) ઇન્ડિયાનો અર્થ મળવું થાય. ભારતને મળીએ ત્યારે આદર્શ નાગરિક બનીને મળીએ અને ભારત આપણને મળે ત્યારે ગાંધી, સરદાર કે ભગતસિંહ બનીને મળે. સમગ્ર વિશ્વને દોસ્તીનો હાથ લંબાવીએ.
 
સ્વીટ(Sweet) ઇન્ડિયા એટલે મધુર બનીને રહેવું. કહેવાયું છે ને કે જીભમાં અમી તો દુનિયા ગમી. આપણા પૂર્વજોએ વિશ્વને જે અધ્યાત્મનો વારસો આપ્યો છે તેના મૂળમાં મીઠાશનો મંત્ર પડેલો છે. ભારત માટે કોઈ રાષ્ટ્ર પ્રત્યે કટુતા ન રહે અને દૂધમાં સાકાર ભલે તેમ બધામાં ભળી જાય એ સ્વીટ ઈન્ડિયાનો સાર છે.
 
દુશ્મન કો ભી સિને સે લગાના નહીં ભૂલે,
હમ અપને બુઝુર્ગો કાં જમાના નહીં ભૂલે.
 
આપણી દિવ્ય અને ભવ્ય પરંપરાને સમજ્યા વગર કેટલાક લોકો એને ક્રિટીસાઈઝ કરી રહ્યા છે. એમણે હું આહ્વાન આપું છું કે એકવાર આ ભવ્ય ગ્રંથોમાંથી પસાર તો થાવ. એ ભવ્યતાનો ભેટો તો કરો. રામાયણનું હું દર્શન કરું તો મને એમ લાગે છે કે એમાં સાહિત્ય છે, સાંસ્કૃતિક ભૂમિકાઓ છે અને આધ્યાત્મિકતાનો ઉજાસ તો છે જ છે. અનેક દેશોમાં રામાયણ અનુવાદિત થઈ સાહિત્યિક સ્વરૂપે વિસ્તરી. મજાની વાત એ છે કે દરેક રામાયણની અભિવ્યક્તિ જુદી છે પણ કેન્દ્રમાં કરુણા છે. સત્યનું ઘર છે જીભ, પ્રેમનું ઘર છે માણસનું હૃદય અને કરુણાનું ઘર છે માણસની આંખો. આવો, આંખોને કરુણાથી આર્દ્ર કરીએ અને દ્રષ્ટિ ચોખ્ખી કરીએ.
 
- આલેખન - હરદ્વાર ગોસ્વામી