વિક્રમજનક IPOથી ભારતીય રોકાણકારોના દૃઢ આત્મવિશ્ર્વાસની સફર...

    01-Jan-2022   
કુલ દૃશ્યો |

ipo india
 
 
ભારતીય બજારમાં IPOના બધા જ રેકોર્ડ ગયા વર્ષના અંતે તૂટી ગયા છે. ૨૦૨૧માં ૬૩ કંપનીઓએ બજારમાંથી IPO દ્વારા ૧.૧૯ લાખ કરોડ રૂપિયાની રકમ એકઠી કરી, જે ૨૦૨૦ કરતાં ૪.૫ ગણી અને ૨૦૧૭ કરતાં લગભગ બમણી છે. ૨૦૨૦માં માત્ર ૧૫ કંપનીઓને ૨૬,૬૧૩ કરોડ અને ૨૦૧૭માં ૩૬ કંપનીઓને ૬૮,૮૨૭ કરોડ રૂપિયા મળ્યા હતા. IPO મારફત જંગી રકમ ઊભી થવા પાછળ મુખ્ય ન્યૂ-એજ ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ કંપનીઓનો બજારમાં પ્રવેશ છે, જેમાં ઝોમેટો, પેટીએમ અને નાયકા જેવી ત્રણ કંપનીઓએ ૩૪ હજાર કરોડ રૂપિયા જેવી મોટી રકમ ઊભી કરી છે. આ કંપનીઓના IPOનું સરેરાશ કદ રૂ ૧૮૮૪ કરોડનું જોવા મળ્યું, જેમાં પેટીએમની માલિકીની વન - ૯૭ કોમ્યુનિકેશનનો IPO ૧૮૩૦૦ કરોડ સાથે સૌથી મોટું કદ ધરાવે છે. નિષ્ણાતો મુજબ તો ૬૩માંથી ૩૬ કંપનીઓને ૧૦ ગણું અને કેટલીક કંપનીઓને ૧૦૦ ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. કોરોના ઓછો થતાં આર્થિક વ્યવસ્થામાં રિકવરી અને કંપનીઓની મબલખ કમાણી પણ આ વિક્રમી ફંડ પાછળ કારણભૂત. બીજી તરફ સેન્સેક્સ ૬૨ હજારનો રેકોર્ડ બનાવી ચૂક્યો છે તો નિફ્ટી ૧૮ હજારને પાર થઈ ગયો છે. પાછલા વર્ષે સારા ગણાતા બધા જ શેરોએ બમણાથી વધુનો ફાયદો કરાવ્યો.
 
પ્રાઈમ ડેટાબેઝ ગુપના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ હલ્દિયા કહે છે કે, ‘IPOમાં તેજીની શરૂઆત નવા જમાનાની ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ કંપનીઓએ કરી છે. ખાસ કરીને રિટેલ રોકાણકારોએ ખૂબ જ મોટાપાયે આમાં ભાગ લીધો છે.’ ભારતીયોને હવે બિઝનેસ અને ઈકોનોમીમાં ખૂબ વિશ્ર્વાસ છે, જેમા ટેક-ફાયનાન્સ કંપનીઓ મોખરે છે. આ બધાનો આધાર ન્યૂ સ્ટાર્ટઅપ પર છે. અમેરિકા, ફ્રાંસ, ચીન જેવા વિકસિત દેશોનો આ બાબતે દબદબો રહ્યો છે પણ હવે ભારત પણ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. ગયા વર્ષે ભારતમાં ૫૪ નવા સ્ટાર્ટઅપ થયા, જેમાં એક અરબ ડોલર કરતાં પણ વધારે મૂલ્યાંકનવાળી ૩૩ સ્ટાર્ટઅપ કંપનીઓને યુનિકોર્નનો દરજ્જો મળ્યો છે. આ દરજ્જા બાદ ભારતે યુનિકોર્નની યાદીમાં બ્રિટનને પાછળ છોડી દીધું છે.
 
૨૦૨૨માં પણ આ જ પ્રકારના મજબૂત IPOની સંભાવનાઓ નિષ્ણાતો સેવી રહ્યા છે. જેમાં ન્યૂ ટેકનોલોજી, સ્વાસ્થ્ય સેવા, કેમિકલ, સોલાર પાવર, ઈલેકટ્રિક વ્હિકલ જેવાં ક્ષેત્રોનો દબદબો રહેશે. ૧૫થી વધારે કંપનીઓએ પોતાના IPOને ૨૦૨૨ના પ્રથમ ત્રિમાસિકમાં પૂરા કરવાની યોજના બનાવી છે. નવા વર્ષમાં આવનારા LICનાં IPO પર નાના-મોટા સૌ રોકાણકારોની નજર છે. એનાથી લગભગ ૧ લાખ કરોડનું ભંડોળ એકઠું કરવાની યોજના છે. ઉપરાંત અદાણી વિલ્મર અને ઓલા જેવી કંપનીઓના પણ મોટા IPO પણ લોન્ચ થવાના છે.
 
ન્યૂ એજ કંપનીઓના આગમનને આટલો આવકાર અને નવા ક્ષેત્રોનો વિકાસ, આવનારા વર્ષમાં હજુ વધુ ભંડોળ એકઠું કરી કંપનીઓના વિકાસની સંભાવનાઓ, આ બધું જ આત્મનિર્ભર ભારતના સર્જનમાં ઉપયોગી બને તો દેશની આર્થિક ધરી વધુ મજબૂત થાય. વિદેશી રોકાણ પણ એટલું જ જરૂરી. સરકાર દ્વારા પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ (FDI)માં થયેલા નીતિગત સુધારા, રોકાણને સુવિધાજનક બનાવવા અને વેપાર કરવામાં સરળતા સુનિશ્ર્ચિત કરવા અનેક મોરચે થયેલા વિભિન્ન ઉપાયોના પરિણામસ્વરૂપે દેશે FDIના પ્રવાહમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરી છે. ભારતે નાણાકીય વર્ષ - ૨૦૨૦-૨૧માં કુલ ૧ લાખ ૪૫ હજાર કરોડ રૂપિયાની FDI પ્રાપ્ત કરી, જે પાછલા વર્ષ કરતાં દસ ટકા વધુ હતી. પરંતુ ૨૦૨૧-૨૨ના ચાર જ મહિનામાં તેનો પ્રવાહ ૨ લાખ કરોડ રૂપિયા જેટલો ઊંચો રહ્યો. ભારત સરકારે આત્મનિર્ભર ભારતની યોજનાને વધુ મજબૂત કરવા ડિફેન્સ સેક્ટરને તેની સાથે જોડીને તેમાં FDIની સીમા ૪૯ ટકાથી વધારીને ૭૪ ટકા કરી છે. ૧૦૧ મિલિટરી આઈટમ્સના હોમ પ્રોડક્શન સાથે વર્ષ - ૨૦૨૫ સુધીમાં ૧ લાખ ૭૫ હજાર કરોડ રૂપિયાનું ઉત્પાદન કરવાનું રક્ષા મંત્રાલયનું લક્ષ્ય છે.
 
દેશના અન્ય ક્ષેત્રોમાં આયાત ઓછી થાય અને દેશમાં જ સામાનોનું ઉત્પાદન વધે તો આત્મનિર્ભર ભારતનું લક્ષ્યાંક સિદ્ધ થાય. મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા અને વર્ક ફોર્સને રોજગાર સાથે જોડવા માટે કેન્દ્ર સરકારે ૨૦૨૦માં જુદા જુદા સેક્ટરમાં PLI યોજના અર્થાત્ પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ યોજનાની શરૂઆત કરી છે, જેની અંતર્ગત ઓટોમોબાઈલ, ઈલેક્ટ્રોનિક, ફાર્માસ્યૂટિકલ, મોબાઈલ ફોન વગેરે ક્ષેત્રોમાં રોકાણ થયું અને કોરોનાકાળમાં પણ મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક કંપોનન્ટના નિર્માણમાં ૩૫ હજાર કરોડ રૂપિયાનું પ્રોડક્શન થયું. ભારતમાં વિદેશી કંપનીઓને આમંત્રિત કરવાની સાથે સાથે સ્થાનિક કંપનીઓને મેન્યુફેક્ચરિંગ માટે સવલતો સાથેનું પ્રોત્સાહન પૂરું પાડવાનો આ યોજનાનો ઉદ્દેશ્ય છે. ફક્ત PLI દ્વારા જ આવનારા પાંચ વર્ષોમાં લગભગ ૫૨૦ બિલિયન ડોલર (અંદાજિત ૩૮ લાખ કરોડ રૂપિયા)નું પ્રોડક્શન અને મહત્તમ રોજગારી ભારતમાં થવાનું અનુમાન છે.
 
૨૦૨૧ના અંતે ભારતીય મૂડીબજારના ઇતિહાસમાં IPOમાં રોકાણનો જે વિક્રમ સ્થાપિત થયો છે, નવા વર્ષમાં તેથી પણ આગળ પહોંચાય, PLI યોજનાના ક્ષેત્રો, MSMEનું લઘુ ઉદ્યોગોનો વિરાટ વિકાસ થાય, ડિફેન્સ, ફાર્માસ્યૂટિકલનાં તમામ અનુમાનો સાચા પડે, ઈલેક્ટ્રોનિક, મોબાઈલ, ઓટોમોબાઈલ જેવાં અન્ય ક્ષેત્રો રોજગારીના માધ્યમ બને અને ભારત સંપૂર્ણ આત્મનિર્ભર બનીને અર્થતંત્રની સૌથી ઊંચી સપાટીએ પહોંચે તો દુનિયામાં ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર થવામાં જૂજ વર્ષો બાકી રહેશે.