પાથેય - તો સમજવું કે આપણા જીવનનો ફેરો સફળ થયો

સારા કામનો ચેપ લાગે તો કેવું?! આ ચેપ દરેકને લાગવો જોઇએ!

    28-Jan-2022
કુલ દૃશ્યો |

pathey
 
 
૩૫ વર્ષનો એક યુવાન દરરોજ પોતાની મોટરબાઈક લઈને એક રેસ્ટોરન્ટ પાસે આવતો અને આસપાસ ઊભેલા પાંચ ભિખારીઓને ભોજન માટે ટિફિન બંધાવી આપતો. એક વખત એ રેસ્ટોરન્ટના માલિકે વાતવાતમાં પૂછ્યું તો યુવાને કહ્યું, ’મારા પિતાજી કહેતા હતા કે કોઈકને જમાડ્યા પછી જમવાથી ભોજન પ્રસાદ બની જાય છે અને એ બહુ મીઠું લાગે છે. હું નાનો હતો ત્યારથી પિતાજીની સાથે આ રીતે ગરીબોને ટિફિન અપાવવા જતો હતો. હવે પિતાજી નથી, પણ એમનું કામ મેં ચાલુ રાખ્યું છે. મને મજા આવે છે.’
 
 
એ યુવાન રોજ નિયમિત રીતે રેસ્ટોરન્ટ પાસે આવતો. પાંચ ભિખારીઓને ટિફિન અપાવતો. કાઉન્ટર પર પેમેન્ટ કરીને ચુપચાપ ચાલી જતો. રેસ્ટોરન્ટનો માલિક અને કેટલાક ભિખારીઓ પણ એ યુવાનને ઓળખી ગયા હતા. એક વખત એવું બન્યું કે પેલો યુવાન રેસ્ટોરન્ટ પર આવ્યો જ નહીં. બે-ચાર ભિખારીઓ એની રાહ જોતા રેસ્ટોરન્ટની બહાર ઊભા હતા, તે થોડીક વાર એની રાહ જોયા પછી પાછા ચાલ્યા ગયા. બીજા દિવસે પણ એવું જ બન્યું. ત્રણ-ચાર દિવસ સુધી યુવાન દેખાયો જ નહિ. એવામાં એક વખત એક જૂના ભિખારીએ આવીને રેસ્ટોરન્ટ પરથી બીજા એક ભિખારીને ટિફિન અપાવ્યું અને એનું પેમેન્ટ કર્યું. રેસ્ટોરન્ટના માલિકે નવાઈ અનુભવતાં એને પૂછ્યું તો એ ભિખારીએ જવાબ આપ્યો, ‘અમને જે યુવાન દરરોજ ટિફિન અપાવતો હતો એનું એક અકસ્માતમાં અવસાન થયું છે. અમે બે-ચાર મિત્રોએ ભેગા મળીને એ યુવાનને શ્રદ્ધાંજલિ આપવા રૂપે, અમને દરરોજ ભીખમાં જે રકમ મળી હોય એમાંથી એક વ્યક્તિને ટિફિન અપનાવવાનું નક્કી કર્યું છે !’
 
 
ભિખારીની વાત સાંભળીને રેસ્ટોરન્ટના માલિકને શું બોલવું તે ન સૂઝયું, પણ શું કરવું એ એને તરત સૂઝયું. એણે કહ્યું, ‘ભાઈ ! હવે પેલા યુવાને શરૂ કરેલી ટિફિનસેવા મારા તરફથી ચાલુ રહેશે. તમારે એ માટે પૈસા ખર્ચવાની જરૂર નથી.’
 
 
આપણા જીવનમાં આપણને આવા કોઈ એક સારા કામનો ચેપ લાગે તો સમજી લેવું કે આપણો ભવનો ફેરો સફળ થયો છે !