જ્યારે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા પર પ્રતિબંધ લગાવાયો...

૧૯૪૯માં વામપંથીઓએ પણ ‘PFI’ની જેમ ભારત સામે સશસ્ત્ર ગૃહયુદ્ધ છેડેલું પરિણામે ભારત સરકારે લાદ્યો હતો CPI (કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા) પર પ્રતિબંધ.

    08-Oct-2022   
કુલ દૃશ્યો |

Communism and communist agenda,  
 
આ કોલમમાં છેલ્લે વામપંથીઓએ ઘડી કાઢેલ ખુલ્લા રાષ્ટ્રવ્યાપી રાષ્ટ્રદ્રોહ (સશસ્ત્ર ગૃહયુદ્ધ)ની શરૂઆત 22 ફેબ્રુઆરી, 1949થી કરવામાં આવેલી, જેના મુંબઈ ખાતે ભજવાયેલ કિસ્સાની ઝલક સંક્ષિપ્તમાં રજૂ કરેલી.
 
આ રાષ્ટ્રદ્રોહને કમ્યુનિસ્ટ પાર્ટીએ ‘સશસ્ત્ર જનક્રાંતિ’ એવું નામ આપ્યું હતું. વામપંથી પ્રભાવવાળા વિસ્તારોમાં ભજવાયેલ ‘સશસ્ત્ર જનક્રાંતિ’ની નોટંકીથી સર્વ સામાન્ય સમાજને જે વેઠવું પડ્યું હતું તે આજે પણ અકલ્પ્ય છે. કમ્યુનિસ્ટ બૌદ્ધિક પરંપરા પ્રમાણે પોતે આચરેલ અપરાધો-કારનામાંના ઈતિહાસને સદા સદા માટે દફનાવી દેવામાં આવે છે. તે દફનાવી દેવા માટે સક્ષમ પણ હતા, કારણ કે આપણી પરાધીનતાનાં એ છેલ્લાં ત્રેવીસેક વર્ષથી ભારતના વામપંથીઓ, રશિયા-ચીનના વામપંથી સત્તાધીશોના પાકા પિઠ્ઠુ બની ચૂક્યા હતા. આ બંને દેશોના ઈશારે વર્તવાના બદલામાં તેમને બધા જ પ્રકારનું પોષણ-રક્ષણ પ્રાપ્ત થતું, જેને મેળવતી વખતે તેમને કોઈ જ પ્રકારની લાજ કે નાનમ નહોતી આવતી, બલ્કે વિદેશી બુદ્ધિ-ધન-નામના વગેરે મેળવવા છટપટાહટ રહેતી, મળી જાય ત્યારે પરમ ધન્યતાનો ગર્વભેર અનુભવ કરતા. આ બધી ગુલામીસંપન્ન અનુકૂળતાઓના કારણે સ્વાધીનતા પછી પણ છદ્મવેશે સરકારમાં પણ સામેલ થવું તેમના માટે સાવ સરળ હતું. આવી તમામ સુવિધાજનક સ્થિતિના કારણે તેઓ બની બેઠેલા ‘ઓપીનિયન-મેકર’, બુદ્ધિજીવીઓ, પ્રગતિશીલ તરીકે ખ્યાતિ(લેબલ)પ્રાપ્ત હતા. વળી તે સમયનાં તમામ પ્રચાર-માધ્યમો તો ઠીક, પરંતુ તથાકથિત ઇતિહાસકારો પણ વામપંથીઓની આ વિદેશી વીરાસતના-સહભાગી થવા માટે વામપંથીઓની દિન રાત કુરનીશ બજાવવા પડાપડી કરતા હતા. તે સમયે નામ માત્રનું પણ સોશિયલ મીડિયા ન હોવાથી પ્રચાર-માધ્યમોમાં તેમનું એકહથ્થુ આધિપત્ય હતું.
 
એ વખતના વડાપ્રધાન નહેરુજીની વિચારસરણી ‘લેબલ’થી ભલે વામપંથી નહોતી, પરંતુ તેમનાં તમામ કામ તો સવાયાં વામપંથી હતાં, રાષ્ટ્રના ‘સ્વ’ને દબાયેલું, કચડાયેલું રાખવાની નેમ, જેમ તમામ વાપંથીઓની હોય છે, તેવી જ નેમ નહેરુજીની પણ હતી. સ્વાધીનતા સંગ્રામથી લઈને તેમની સત્તા રહી ત્યાં સુધી તેમણે રાષ્ટ્રના ‘સ્વ’ને સતત નકારવામાં પાછા વળીને જોયું જ નહીં. જેને વાસ્તવમાં તો એ વખતની કોંગ્રેસે પણ નકાર્યાં હતાં, તેમ છતાં પાશ્ર્ચાત્યવૃત્તિગ્રસ્ત આ શાસકને આઝાદીના પ્રારંભે જ વિધાતાએ ભારતના લમણે લખી દીધા હતા, જેઓએ...
 
- ભારતની સ્વાધીનતાના મંત્ર સમા પૂર્ણ वंदे मातरम्‌ ગાનને નકાર્યું.
 
- સ્વયં ‘ધ્વજ કમિટી’ના સદસ્ય હતા તેમ છતાં ‘ધ્વજ કમિટી’ના સર્વાનુમતે લેવાયેલા નિર્ણય મુજબ અગ્ર ભાગે ડાબે ખૂણે વાદળી રંગના ચરખા અંકિત ભગવાધ્વજને રાષ્ટ્રધ્વજ તરીકે પ્રસ્થાપિત કરવાના નિર્ણયને પણ નકાર્યો.
 
- 1948માં તેઓએ જ રચેલા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની અધ્યક્ષતાવાળા ‘શિક્ષણ આયોગ’ની તમામ ભલામણોને (અભરાઈએ ચઢાવીને) નકારી દીધી.
 
- મહાત્મા ગાંધીજીને વળતો પત્ર પાઠવીને તેમના ‘સ્વરાજ’ના વિચારને નકાર્યો.
 
- લોકસભામાં અંકિત धर्मचक्र, રાજ્યસભામાં અંકિત सत्य वद धर्म चर અને ઉચ્ચતમ ન્યાયાલયમાં અંકિત यतो धर्मस्ततो जय આ ત્રણેયમાં ‘સ્વ’રૂપે રહેલા ‘ ને ‘Secu-arism’ના નામે નકાર્યો.
 
- વામપંથીઓ સાથે મીલી ભગત કરીને કોંગ્રેસમાં રહેલા રાષ્ટ્રવાદીઓને પણ વીણી વીણીને ખૂણે-કોરાણે ધકેલી દીધા. આનું કદીયે ન ભૂલાય તેવું એક ઉદાહરણ આપવું હોય તો તે- નહેરુજીના દબાણમાં આવીને અધ્યક્ષપદેથી પુરુષોત્તમદાસ ટંડનજીનું રાજીનામું!
 
નહેરુજીને વામપંથી રશિયા અને ચીન પ્રત્યે અત્યંત અઢળક પ્રેમ ઉભરાતો હતો. કદાચ સૌને સમજાય તેવી સીધી ભાષામાં કહેવું હોય તો, નહેરુનીતિ વામપંથનું વર્ણસંકરિત સંસ્કરણ હતું. તેમ છતાં નહેરુ સરકારને કમ્યુનિસ્ટ પાર્ટી પર પ્રતિબંધિત લાદવો પડ્યો હશે તો વિચાર કરો કે, વાસ્તવમાં એ સશસ્ત્ર વિદ્રોહથી દેશને કેટલું વેઠવું પડ્યું હશે? કેવી વિસ્ફોટક સ્થિતિ સર્જાઈ હશે? કલ્પના કરી શકો છો?
 
હા, ભલે એ ‘સશસ્ત્ર જનક્રાંતિ’ના પુરાવાનો સમૂળ નાશ કરાયો હોય, ભલે કોઈ જ વિવરણ ન મળતું હોય, પરંતુ આ ક્રાંતિ જેમના મગજની પેદાશ હતી તે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના તે વખતના મહાસચિવ બી. ટી. રણદિવેના જીવનમાં થોડું પણ ડોકિયું કરીશું તો તેમનું માનસિક અસંતુલન અને તેમનામાં રહેલો નર્યો વિદ્વેષ તથા તેમના પ્રપંચના નિમ્નાતિનિમ્ન સ્તરને આપણે જાણી શકીશું અને તો આપમેળે ‘સશસ્ત્ર જનક્રાંતિ’ હેઠળ આચરાયેલા કુકર્મોની ક્રૂરતા, લોકોએ વેઠેલી હૃદયવિદારક વેદનાનો અંદાજ લગાવી શકીશું. જેવી વ્યક્તિ તેવી કૃતિ.
 
15 ઓગસ્ટ, 1947માં આપણે પ્રાપ્ત કરેલી સ્વાધીનતાને માટે એ છેક સુધી આ બી. ટી. રણદિવે એવું જ કહેતા રહ્યા કે, રાજનૈતિક જીવનમાં એવું કશું જ થયું નથી કે, જેથી આપણે કહી શકીએ કે, આપણે આઝાદી પ્રાપ્ત કરી છે. આપણે પહેલાંની જેમ સામ્રાજ્યવાદથી જ બંધાયેલા છીએ.
 

Communism and communist agenda, 
 
15 ઓગસ્ટ, 1947ના દિવસે ભારત સ્વાધીન (આઝાદ) થયું હોવા અંગે કોઈના મનમાં બે મત હોઈ શકે કે? કોઈને આવો પ્રશ્ર્ન જ કેમ થવો જોઈએ? કમ્યુનિસ્ટ પાર્ટીને ભારતમાં ઉભી કરવામાં જેનું નામ સૌથી મોખરે છે તેવા પૂર્વ મહાસચિવ પી. સી. જોશીએ પણ ભારતની આઝાદીને અનુમોદન આપેલું, પરંતુ આ મુદ્દે બી.ટી. રણદિવેએ પી. સી. જોશી પર પસ્તાળ પાડી દીધી. અને પી.સી. જોશીનું દિમાગ ખરાબ થઈ ગયું છે, તેવું કહીને પી.સી. જોશી સાથે મુલાકાત કરવા આવનારાઓને આ રણદિવેએ દૂર રાખ્યા. તેમને હંમેશના માટે દૂર કરી દેવાનાં કારસ્તાન પણ રચ્યાં. રણદિવેએ જાહેરમાં પ્રશ્ર્ન ઉઠાવ્યો કે, પી. સી. જોશી એવી કલ્પના જ કેવી રીતે કરી શકે કે, ભારતને આઝાદી મળી ગઈ છે? જેનું દિમાગ ખરાબ થઈ ગયું હોય એવી વ્યક્તિ જ કહી શકે કે આઝાદી મળી છે ! મતલબ સમજી શકીએ છીએ ? રણદિવેની નજરે તમારું, મારું, આપણી આગળની પેઢીનું અને કુલ મળીને આખા ભારતનું દિમાગ ખરાબ થઈ ગયેલું ગણાય! વાસ્તવમાં તો આ રણદિવેના મગજની બીમારી નકારવાની હતી. તેમણે પોતાની આ બિમારીને એવી તો ફેલાવી કે, આ બિમારીનો ચેપ કમ્યુનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ ઓથોરિટી એવા આખાને આખા પૉલીટ-બ્યુરોને પણ લાગ્યો. આ ‘રણદિવે-વાયરસ’થી સંક્રમિત ભારતના આખાય વામપંથે રણદિવેના વાહિયાત, વામણા, વિચારને મહાન ‘ક્રાંતિકારી શોધ’ કહીને માથે લીધો.
 
આટલેથી પૂરૂં થઇ ગયું હોત તોય ઠીક, ના, પણ આ તો વામપંથીઓ! સૌએ સાગમટે રણદિવેના આ વિચારવાયુને એવી તો હવા આપી કે, જ્યાં જુઓ તો તમામે તમામ લાલ વાવટાવાળા ‘His Master’s Voice’ સાથે પોતાના જ અત્યંત મોટા કદના નેતા વિરુદ્ધ બદલાની ભાવના સાથે દેખાવે ચઢ્યા. પી. સી. જોશી પર ચારે બાજુએથી દબાણ ઉભું કરવામાં આવી રહ્યું હતું કે, તેઓ સ્વીકાર કરે કે, 15 ઓગસ્ટ, 1947ના દિવસે ભારત સ્વાધીન (આઝાદ) થયું હોવાની પોતે કરેલી વાત એ પોતાની ભયંકર ભૂલ હતી. અંતે પી. સી. જોશીને જબરદસ્તીથી એક ઓરડામાં બંધ કરી દેવામાં આવેલા. તેમને પોતાની ‘આત્મ-આલોચના’ લખવા માટેની ફરજ પાડવામાં આવી. પોતાના જ પક્ષના પોતાના જ પૂર્વ રાષ્ટ્રીય મહાસચિવ સ્તરના આવા હાલ કરવાવાળા બી. ટી. રણદિવેના વિચિત્ર વ્યક્તિત્વનું ચિત્ર હવે નજર સમક્ષ તરવરતું થયું? આ તો હજુ ઝાંખી છે. આગળ ?
 
આ સશસ્ત્ર રાષ્ટ્રદ્રોહના રચયિતા રણદિવેએ ચાતરેલા માર્ગે આજે પણ ચાલનારા લોકો પણ કાંઈ કમ નથી. જેમ, ભલે ભારત આખાને આઝાદી મળી, પણ આ કટ્ટર વામપંથી રણદિવેને નહોતી મળી તેમ પેલી भारत तेरे टूकडे होंगे, इंशाल्लाह इंशाल्लाह નારા લગાવવાવાળી ‘જે.એન.યુ.’ની વામપંથી ગેંગને પણ આઝાદી મળી નથી. તેમના મતે તો ભારતના ટૂકડે ટૂકડા થાય ત્યારે જ આઝાદી મળી ગણાય ! એ ટૂકડે ગેંગનો સરદાર કન્હૈયાકુમાર કોંગ્રેસની વર્તમાન ‘ભારત જોડો યાત્રા’માં જોડાઈ ગયો તે જાણીને મને સ્હેજેય આશ્ર્ચર્ય નથી થયું. નહેરુજીના જમાનાથી.. आगे से… આ જ ચાલતું આવ્યું છે. વામપંથી વિનાની કોંગ્રેસની કલ્પના એ માત્ર કોરી કલ્પના છે.
 
મૂળ વાત પર આવીએ. આ રણદિવે મહાશય આઝાદીને નકારવાના મુદ્દે આટલેથી નહીં અટકેલા, તેઓએ કહેલું કે, ભારત આઝાદ થઈ ગયું એવી વાત એ આપણી આંખો પર બાંધવામાં આવેલી સામ્રાજ્યવાદી પટ્ટી છે. બ્રિટિશ અને અમેરિકાના સામ્રાજ્યવાદ સાથે ભારત પણ મળી ગયું છે. તેઓએ તમામ રાજનૈતિક મર્યાદા, શાલિનતા, શૂચિતાને છડે ચોક કોરાણે મૂકીને નહેરુજીને આ સામ્રાજ્યવાદના दौडते हुए कुत्ते કહેલા.
 
બી. ટી. રણદિવેએ કરેલ આ સંબોધન સાંભળીને શું નહેરુજીને, પોતાની ઓળખ ન ‘વામ-પંથે ચાલવાવાળા’ તરીકેની રહી.. કે ન ‘રાષ્ટ્ર-પંથે ચાલવાવાળા’ તરીકેની રહી.. તેનો વસવસો થયો હશે ?
 
‘હિન્દી-ચીની ભાઈ-ભાઈ’ના નશામાં મસ્ત નહેરુજીને ચીનના વામપંથ પર કેટલો બધો ભરોસો હતો. પરંતુ કપટી વામપંથી ચીને જ્યારે ૧૯૬૨માં હુમલો કર્યો ત્યારે નહેરુજી જેવું દુર્બળ નેતૃત્વ આખા વિશ્ર્વમાં ક્યાંય નજરે દેખાતું નહોતું. તેની ગ્લાનિ તે જીરવી ન શક્યા ને ૧૯૬૪માં ભગ્ન હૃદયે પરલોકની વાટ પકડી..
 
પોતાના સર્વોચ્ચ નેતૃત્વ એવા બી. ટી. રણદિવેએ નહેરુજીને કરેલું નિમ્નસ્તરીય સંબોધન સાંભળીને, બેફામ વાણીવિલાસવાળી સંસ્કારવિહીનતાને જોઈને, કુલ મળીને.. વામપંથમાં વ્યાપ્ત નર્યો દંભ - આંતરકલહ - અસહિષ્ણુતા વગેરે જોઈને મૂળ નખશિખ કમ્યુનિસ્ટ, જેઓએ કેટલાંય વર્ષો સુધી કમ્યુનિસ્ટ પાર્ટીના સર્વોચ્ચ સ્તર પર અણથક - સતત સક્રિયતાથી કામ કરેલું એવાં શ્રીમતી રાજ થાપર (૧૯૨૬-૧૯૮૭) દ્વારા કમ્યુનિઝમ અંગે કરવામાં આવેલું આકલન ‘ઑલ ધીઝ ઈયર્સ’ નામના પુસ્તકમાં છે.
 
તેઓએ કહેલું કે -
"किंतु मार्क्सवादी चश्मों से गह आच्छादित अपनी आंखों से हम यह सब देख ही कैसे सकते थे - हमा दृष्टिकोण के अनुसार हमा देश के नेता "दौड़ते हुए कुत्ते", "गंदे जानवर", "नीच गुलाम" थे। आह, कम्युनिस्टों के पास कितना सीमित शब्द-भंडार था ! यह निश्चय ही अत्यंत भुखम मस्तिष्क को प्रतिबिंबित करता था..
 
 
શંકાશીલ રણદિવેએ કમ્યુનિસ્ટ પાર્ટીમાંથી અસંખ્ય લોકોને નિષ્કાસિત કરી દીધેલા. પાર્ટીમાં ઉભરાતો અસંતોષ પરાકાષ્ઠાએ હતો. પાર્ટી મુખ્યાલયના લોકો પણ આતંકિત હતા. ડરના માર્યા કેટલાક સદસ્યો તો ખાનગી ટપાલ ચૂપચાપ ખોલીને જોઈ લેતા પણ હતા, કારણ કે સૌને સદા શંકા રહ્યા કરતી હતી કે, રણદિવેના પાગલપણાનો પ્રત્યેક વ્યક્તિ સહિત પોતે પણ શિકાર બની શકે છે. સૌના મનમાં આવી શંકા માત્ર અમસ્તી નહોતી જન્મી. એકવાર આવી ખાનગી ટપાલમાં જ્યારે રણદિવેએ પી. સી. જોશીને જાનથી મારી નાંખવાનો કરેલો હુકમ પકડાઈ ગયેલો, બસ ત્યારથી આ આતંકનો માતમ આખી પાર્ટી પર છવાઈ ગયેલો.
રશિયા અને ચીનના કોમ્યુનિસ્ટ શાસકોના જોરે અને ઈશારે નાચતા આ રણદિવેએ સત્તા હથિયાવી લેવા ‘સશસ્ત્ર જનક્રાંતિ’ કરીને કેવો આતંક સર્જ્યો હશે? આ ઘરનાએ જ ઉઠીને આગ લગાડી હશે ત્યારે નવા-સવા સ્વાધીન થયેલા ભારતની શું હાલત થઈ હશે ? રણદિવેનું આ પાગલપણું જોઈને અને છેલ્લે ખાનગી ટપાલમાં જ્યારે રણદિવેએ પી. સી. જોશીને જાનથી મારી નાંખવાના કરેલા હુકમની જાણકારી મળી તે પછી શ્રીમતી રાજ થાપરે વર્ણન કરતાં તેમની ડાયરીમાં વિક્ષિપ્ત મનસ્થિતિએ લખ્યું છે કે, મારા મનમાંથી એક ક્ષણ માટે પણ આ વાત જતી નથી કે, શું થશે, જો આવા લોકો ભારતની સત્તા કબજે કરશે તો? શું રસ્તાઓ પર ઠેક-ઠેકાણે ફાંસીઘર નહીં બનાવાશે ?
 
આ પ્રશ્ર્ન, વામપંથીઓએ શરૂ કરેલા નવા ખતરનાક ખેલના કારણે અગાઉની જેમ આજે પણ મહત્વનો જ છે. જો આટલું જાણ્યા પછી આપને ખરેખર ખલેલ પહોંચી હોય તો.. આ ખતરનાક ખેલને ઓળખવાની જરૂર છે.
 
(ક્રમશઃ)
 
 
 
 

ભાનુ ન. ચૌહાણ

"L.D. Eng. College" માંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે "CEPT University, Amadavad"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગ'માં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. હાલ તેઓ "સાધના" સાપ્તાહિકમાં સ્તંભલેખક છે.