પાથેયે । યાદશક્તિ વધારવાની એક માત્ર અસરકારક રીત

જ્યારે એક મુલાયમ દોરડું વારંવાર ઘસાવાથી પથ્થર પર પણ ખાડા પાડી દે, તો શું સતત અભ્યાસ કરવાથી હું વિદ્વાન ન બની શકાય?

    08-Oct-2022
કુલ દૃશ્યો |

memory improvement tips 
 
 

અભ્યાસનું પરિણામ 

 
પ્રાચીન સમયમાં બોપદેવ સંસ્કૃત ભાષાના બહુ મોટા વિદ્વાન થઈ ગયા. વાત તેમના છાત્ર જીવનની છે. તેમની સ્મરણશક્તિ બહુ કમજોર હતી. ભારે પ્રયત્નો છતાં વ્યાકરણનાં સૂત્ર તેમને યાદ નહોતાં રહેતા, જેથી પર ગુરુકૂળમાં તેમના સહપાઠી પણ તેમને ચીડવતા રહેતા હતા. આ બધી વાતોથી નિરાશ થઈને એક દિવસે તેઓ ગુરુકૂળમાંથી ભાગી ગયા. લાંબા સમયથી ચાલતાં ચાલતાં તેમને તરસ લાગી તો એક કૂવા પાસે આવીને અટક્યા. કૂવેથી ગામના લોકો પાણી ભરીને લઈ જતા હતા. બોપદેવે પાણી ભરનારી એક મહિલા પાસે પાણી માંગ્યું અને પીધું. થાક દૂર કરવા તેઓ કૂવાના કિનારે બેસીને આરામ કરવા લાગ્યા.
 
અચાનક તેમની નજર કૂવાના પથ્થર પર પડી. તેમણે જોયું કે, એના પર દોરડું ખેંચાવાનાં અનેક નિશાન પડી ગયાં હતાં. જ્યાં મહિલાઓ પાણી ભરવા માટે ઘડા મૂકતી હતી, ત્યાં પણ પથ્થર પર ખાડા પડી ગયા હતા. પથ્થર પર પડેલા નિશાનને જોઈને બોપદેવ ચિંતન કરવા લાગ્યા. જ્યારે એક મુલાયમ દોરડું વારંવાર ઘસાવાથી પથ્થર પર પણ ખાડા પાડી દે, તો શું સતત અભ્યાસ કરવાથી હું વિદ્વાન ન બની શકું? આ વિચાર કરતાં તેમણે મનોમન સંકલ્પ કર્યો કે, હવે હું ખૂબ મહેનત કરીને ભણીશ.
 
મનમાં આવો દૃઢ સંકલ્પ કરીને બોપદેવ ઊઠ્યા અને પાછા ગુરુકૂળ તરફ ચાલી નીકળ્યા. ગુરુકૂલ પહોંચીને બોપદેવે ન દિવસ જોયો કે ન રાત, તેઓ સતત તલ્લીન થઈને ભણવા લાગ્યા. પછી પરિણામ પણ સામે આવી ગયું. તેમને હવે સહજતાથી વ્યાકરણનાં સૂત્રો યાદ રહેવા લાગ્યાં. અંતે તેમણે ગુરુકૂળમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું અને ત્યારબાદ સંસ્કૃત ભાષાના મહાન વિદ્વાન પાણિનિના કઠિન વ્યાકરણને સરળ બનાવીને પ્રસિદ્ધ ‘મુગ્ધબોધ’ નામના ગ્રંથની રચના કરી દીધી. તેમને રાજદરબારના મહાપંડિત પણ બનાવવામાં આવ્યા.