મા. મોહનજી ભાગવતની મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથેની ગોષ્ટિ સમન્વયની દિશામાં એક મહત્ત્વનું પગલું

જે ઇસ્લામની કટ્ટરવાદી અને હિંસક છબીથી નારાજ છે અને ઇચ્છે છે કે, ઇસ્લામમાં રહેલો ઉદાર મતવાદ પુનઃ પ્રગટે. આપણા દ્વારા શુદ્ધભાવથી કરવામાં આવેલા પ્રયત્નો આ લઘુમતીને ચોક્કસ બળ આપશે. હવે જો આપણે આ કામ નહીં કરીએ તો ભવિષ્યનું ભારત વર્તમાન ભારતના હિન્દુ અને મુસ્લિમોને કદી માફ નહીં કરે.

    08-Oct-2022   
કુલ દૃશ્યો |

sarsanghchalak mohan bhagwat
 
 
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવત અને પાંચ મુસ્લિમ બુદ્ધિજીવીઓ વચ્ચે ૨૨ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ દિલ્હીમાં વિચાર ગોષ્ટિ યોજાઈ ગઈ, જેમાં ભાગવતજી સાથે દિલ્હીના પૂર્વ ગવર્નર લેફ. જનરલ નજીબગંજ, પૂર્વ ચૂંટણી કમિશ્નર એસ. વાય. કુરેશી, પત્રકાર શાહીદ સિદ્દીકી, હોટલ વ્યવસાયી સઇદ શેરવાની, લેફ્. જનરલ જમીરુદ્દીન શાહ હતા. આ ગોષ્ટિમાં સહસરકાર્યવાહ મા. કૃષ્ણગોપાલજી પણ ઉપસ્થિત હતા. આ અગાઉ જમીયતે ઉલેમાએ હિંદના નેતા મૌલાના અરશદ મદનીએ પણ ૨૦ ઑગસ્ટ, ૨૦૧૯ના દિને દિલ્હીના ઝંડેવાલા સંઘ કાર્યાલયમાં જઈને મા. મોહનજી ભાગવત સાથે વિચાર-વિમર્શ કરેલો. અલબત્ત આ ગોષ્ટિ યોજવાની પહેલ ઉપરોક્ત પાંચ મુસ્લિમ બુદ્ધિજીવીઓ દ્વારા જ થઈ હતી. સમગ્ર ગોષ્ટિ દરમ્યાન પાંચેય મુસ્લિમ સજ્જનો ભાગવતજીની સાદગી, સરળતા, સમયની પાબન્દી, બોલનાર વ્યક્તિના વિચારોને ખલેલ વિના ધ્યાનપૂર્વક સાંભળવાની ચેષ્ટાથી ભારે પ્રભાવિત થયા હતા. ભાગવતજીએ વાતચીત દરમ્યાન ત્રણ મુદ્દા મૂકેલા જેમાં તેમણે કહ્યું કે, ‘હિંદુત્વ સર્વસમાવેશી વિચાર છે. ભિન્ન ભિન્ન મત, સંપ્રદાય, પૂજાપદ્ધતિ ધરાવતા લોકો માટે સમાન સ્થાન છે. તેઓશ્રીનો બીજો મુદ્દો હતો કે, દેશ ત્યારે જ આગળ પ્રગતિ કરી શકે છે જ્યારે તમામ સમુદાયો એકજૂટ હોય અને ત્રીજો મુદ્દો મૂકતાં તેઓશ્રીએ કહ્યું કે, ભારતનું સંવિધાન પવિત્ર છે. સમગ્ર દેશે તેનું પાલન કરવાનું છે. રા.સ્વ. સંઘ વિશે એવો ભ્રામક પ્રચાર છે કે સંઘવાળા બંધારણ બદલી નાખશે અને મુસ્લિમોને મતાધિકારથી વંચિત કરી દેશે તે વાતનો ભાગવતજીએ સ્પષ્ટ રીતે અસ્વીકાર કર્યો. ગોષ્ટિ દરમ્યાન મુસ્લિમ સજ્જનોએ હિંદુઓમાં મુસ્લિમો બાબતે પ્રવર્તતી ભેદભાવ ઉત્પન્ન કરતી બાબતોનો ઉલ્લેખ પણ કર્યો. મુસ્લિમો વિશે બોલાતા શબ્દો પાકિસ્તાની, જેહાદી જેવા શબ્દોની ચર્ચા પણ થઈ. તેવી જ રીતે ભાગવતજીએ હિંદુઓ માટે બોલાતા શબ્દો જેવા કે કાફીર બાબતે પણ વાત કરી. તેઓશ્રીએ હિંદુઓમાં રહેલી ગોમાતા વિશેની શ્રદ્ધાની પણ વાત કરી. સંક્ષિપ્તમાં આ સમગ્ર ગોષ્ટિ અત્યંત સદ્ભાવનાયુક્ત રહી. ગોષ્ટિમાં ઉપસ્થિત મુસ્લિમ સજ્જનોએ એવો મત પ્રગટ કરતાં કહેલું કે અમે ચોક્કસ માનીએ છીએ કે, આ પ્રકારની ગોષ્ટિઓ અને સંવાદથી જ આપણે આગળ વધી શકીશું. આમાં આપણે કશું જ ગુમાવવાનું નથી જે કંઈ હશે તે ઉપલબ્ધિ જ હશે.
 
 

sarsanghchalak mohan bhagwat  

સંઘમાં પ્રારંભથી જ સંવાદ દ્વારા એકબીજાની નજીક આવવાની પ્રવૃત્તિ વિકસેલી છે

 
અલબત્ત આ ગોષ્ટિની વાત મીડિયા સુધી પહોંચી ગઈ. પ્રતિભાવો આવવાના શરૂ થયા. ગોષ્ટિમાં ઉપસ્થિત મુસ્લિમ મહાનુભાવોને તેમના સમર્થનમાં અસંખ્ય સંદેશાઓ મુસ્લિમો અને બિનમુસ્લિમો તરફથી મા તો કેટલાક ટીકાકારોએ તેમની ટીકા પણ કરી. કેટલાક હિન્દુવાદીઓએ પણ આવી ગોષ્ટિઓ પ્રત્યે અણગમો વ્યક્ત કર્યો અને આવી ગોષ્ટિઓથી કોઈ અર્થ સરવાનો નથી તેવો મત પણ પ્રગટ કર્યો, પણ વાસ્તવમાં લાંબા સમયના અનુભવો અને પરિણામો પછી એક વાત માનવી પડશે કે, આવા પ્રકારની ગોષ્ટિઓ વડે જ ભિન્ન ભિન્ન વિચારો ધરાવતા સમૂહો ભેગા થતા હોય છે અને તેમનામાં પ્રવર્તતી ગેરસમજો દૂર થતી હોય છે. અલબત્ત આ પ્રક્રિયા ખૂબ ધીમી હોય છે તે વાત સાચી. પણ અત્યાર સુધીમાં સંઘને જે પરિણામો માં છે તે ઉપરથી એ માનવું જ રહ્યું કે, આ પ્રકારના સંવાદો જ સાચો માર્ગ છે. રા. સ્વ. સંઘમાં પ્રારંભથી જ સંવાદ દ્વારા એકબીજાની નજીક આવવાની પ્રવૃત્તિ વિકસેલી છે. સંઘસ્થાપક ડૉ. હેડગેવારજીએ ૧૯૩૪માં ગાંધીજી સાથે ખૂબ લાંબો સંવાદ કરી ગાંધીજીને સંઘ સમજાવ્યો હતો. સંઘના દ્વિતીય સરસંઘચાલક શ્રી ગુરુજી પણ ૧૯૪૭માં ગાંધીજીને મળેલા. શ્રી ગુરુજી પ્રખ્યાત અરબી વિદ્વાન અને મુસ્લિમ લીગ સમર્પિત એક અંગ્રેજી દૈનિકના સંપાદક તરીકે રહી ચૂકેલા સુપ્રસિદ્ધ પત્રકાર ડૉ. સૈફુદ્દીન જીલાણીની સાથે ખૂબ લાંબી ચર્ચા કરી તેમને સંઘની ભૂમિકા સમજાવેલી. આ સંવાદથી ડૉ. જીલાણી ખૂબ પ્રભાવિત પણ થયેલા. સંઘના તૃતીય સરસંઘચાલક મા. બાળાસાહેબ દેવરસજી પ્રવાસે જ્યાં જતા ત્યાં માત્ર મુસ્લિમ પ્રૌઢોને જ નહોતા મળતા. તેઓ મુસ્લિમ યુવાનો, મુસ્લિમ શિક્ષકો, મુસ્લિમ ડૉક્ટરો, મુસ્લિમ વકીલો વગેરેને પણ મળતા. તેમના કથન મુજબ સંવાદમાં ઉપસ્થિત રહેતા લોકો બાળાસાહેબે મૂકેલા વિચારો સાથે સહમત પણ થતા અને સંઘકાર્યમાં પણ જોડાતા.
 

- ૧૯૭૫ની કટોકટી દરમ્યાન સંઘ સ્વયંસેવકો અને મુસ્લિમ નેતાઓ એક જ જેલમાં બંધ હતા. આ સમયે સંવાદ દ્વારા એકબીજા વિશેની ભ્રમણાઓ દૂર કરવાની તક મળેલી.
 
- તે પછી કટોકટી બાદ દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામે પોતાની ઇચ્છાથી ૨૩ ફેબ્રુઆરી, ૧૯૭૮ના દિને પંજાબમાં ફાજિલ્કા શાખાની મુલાકાત લીધેલી. તેમણે સ્વયંસેવકોને સંબોધન પણ કરેલું.
 
- કટોકટી પછીના સમયમાં આપણા ગુજરાતમાં પણ મુસ્લિમ નેતાઓ તથા સંઘ અધિકારીઓની સદ્ભાવના બેઠક અમદાવાદના સંઘ કાર્યાલય ડૉ. હેડગેવાર ભવનમાં યોજાયેલી. જેનો ઉદ્દેશ્ય, સંવાદ દ્વારા પરસ્પરને સમજવાનો હતો.
 
- ૨૪ એપ્રિલના એક સમાચાર મુજબ રા. સ્વ. સંઘ અને મુસ્લિમ અગ્રણીઓની એકત્રિત ગોષ્ટિ માનનીય સુદર્શનજીના પ્રવાસ અંતર્ગત યોજાયેલી ગોષ્ટિ એક મંદિરમાં રાખવામાં આવેલી. ચર્ચા દરમ્યાન નમાજ અદા કરવાનો સમય થતાં મા. સુદર્શનજીની સૂચના અનુસાર મંદિરના જ એક ખંડમાં નમાજ વ્યવસ્થા ગોઠવાઈ હતી. સંવાદ દરમ્યાન થયેલી વાતોમાં રહેલી સચ્ચાઈનો અનુભવ મુસ્લિમ અગ્રણીઓને ત્યાં જ થયેલો.
 
- સંઘના સરસંઘચાલકો અને લઘુમતિના આગેવાનો વચ્ચે સમયે સમયે વિચાર વિમર્શ થતો રહ્યો છે. તેથી તેમનાં મન સ્વચ્છ થયાં છે, ભ્રમણાઓ દૂર થતી રહી છે અને એકતાનો માર્ગ મોકળો થતો રહ્યો છે.
 
- ૧૯૭૯ના માર્ચ મહિનામાં કેરળના ચર્ચના અગ્રણીઓ સાથે બાળાસાહેબ દેવરસજીની લંબાણપૂર્વક ગોષ્ટિ થઈ. વિચારોનું મુક્ત આદાન-પ્રદાન થયેલું. તે સમયે બાળાસાહેબે કહેલું કે, કોઈ ધાર્મિક અપવાદ સિવાય આ દેશના તમામ વતનીઓને અમે હિંદુ ગણીએ છીએ અને આ દેશની બિનસાંપ્રદાયિકતા સંવિધાનને કારણે નહીં પણ હિંદુઓની વૈચારિક ભૂમિકાને કારણે અહીં ટકી રહી છે. હવે આ ચર્ચાનું પરિણામ શું આવ્યું તે જોઈએ. ચર્ચાના અંતે આ ધાર્મિક વડાઓનાં મંતવ્યો હતાં કે, ચર્ચા માહિતીસભર હતી. અમારી ગેરસમજ દૂર થઈ. આપશ્રી અન્ય પ્રાંતોમાં જાઓ ત્યારે ત્યાં અમારા મિત્રોને મળજો. આપણે સાથે આવીએ તો ઘણું બધું થઈ શકે તેમ છે. - બસ આ છે સંવાદની ફળશ્રુતિ.
 
- ૧૯૭૯માં બાળાસાહેબજી જમ્મુ ખાતે શેખ અબ્દુલ્લાને પણ મા હતા. એપ્રિલ, ૧૯૮૦માં જમ્મુના મેયરની ચૂંટણીમાં શેખની નેશનલ કોન્ફરન્સે ભાજપાના ઉમેદવારને સમર્થન કરેલું.
 
- મુંબઈમાં રા. સ્વ. સંઘ દ્વારા વિવિધ સંપ્રદાયોનો મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુંબઈના ઈમામ મૌલાના ગુલામ જિલાણી નદવી બોલેલા કે તમામ ભારતીયોએ ભાઈચારાથી રહેવું જોઈએ. આ જ મિલન કાર્યક્રમમાં ખ્રિસ્તી ફાધર ઑરેલેન્ડો રોડ્રીગ્ઝ પણ ઉપસ્થિત રહેલા. તેમણે પોતાના સંબોધનમાં કહેલું કે ભારતમાં સંપ્રદાયો અનેક છે પણ આપણી સંસ્કૃતિ એક જ છે. આપણે જે વાત કરીએ છીએ એ જ વાત ખ્રિસ્તી ફાધરના મુખેથી નીકળે તેને સંવાદ-ગોષ્ટિની સફળતા જ માની શકાય.
 
- કેરળમાં સંઘકાર્યના વધતા વિસ્તાર અને પ્રભાવથી છંછેડાયેલા કેટલાક રાજકારણીઓએ મુસ્લિમ લીગના નેતાઓને ભડકાવવાનો પ્રયત્ન કર્યો, તો પૂર્વ મુખ્યમંત્રી શ્રી સી. એચ. મહંમદ કોયા ૨૬ માર્ચ, ૧૯૮૦ના દિને કેરળની વિધાનસભામાં બોલી ઊઠેલા કે, અમને મુસ્લિમોને ડરાવવા માટે હવે રા. સ્વ. સંઘનો હાઉ કામમાં નહીં આવે. સંઘનું સત્ય સમજાતાં શું પરિણામ આવે છે તેનું આ દૃષ્ટાંત છે.
 

સંવાદ થકી જ પરિણામ મળે છે…

 
સંવાદ દ્વારા પરસ્પરને સમજવાના પ્રયત્નોને કારણે પરિણામો પણ જોવા માં છે જેમ કે, (૧) દારૂલ દેવબંદે હિંદુઓની લાગણીને માન આપીને ઈદ-ઉલ-અજહા (બકરી ઇદ) પ્રસંગે ગોહત્યા ન કરવાની અપીલ તા. ૭/૧૧/૨૦૧૧ના રોજ કરેલી. (૨) ઑલ ઇન્ડિયા મુસ્લિમ મજલિશે મશાવરાતે (AIMMM) ૩૦ જુલાઈ, ૨૦૧૭ના દિને એક પ્રસ્તાવ પારિત કરી ભારતનાં ૧૧ રાજ્યોમાં ગોવંશ પર પ્રતિબંધ મુક્યો. (૩) છત્તીસગઢના રાયપુર નગરનિગમમાં મુસ્લિમોના ટેકાથી કોંગ્રેસ સત્તા પર છે. ત્યાં નિગમે ગાયમાતાને નગરમાતા ઘોષિત કરી. (સમાચાર તા. ૮ સપ્ટેમ્બર, ૨૦૧૭) મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સહસંયોજક સૈયદ હસન કૌસરે બકરી ઈદના દિવસે બકરીના આકારની કેક કાપી હિન્દુઓની અહિંસાનું સન્માન કરેલું. સુન્ની મુસ્લિમ ફોરમ (લખનૌ) પણ છેલ્લાં કેટલાક વર્ષોથી આ જ રીતે બકરી ઈદ ઊજવે છે. (સમાચાર ૨૨/૮/૨૦૧૮).
 

sarsanghchalak mohan bhagwat
 

બંધારણમાંથી Minority શબ્દ કાઢી નાંખો….

 
 
સંઘના વિચારોથી પ્રેરિત થઈને બનેલ મુસ્લિમ રાષ્ટ્રીય મંચના નેતાઓ હવે સંકોચ વગર - કટ્ટરવાદીઓના દબાણ વગર સ્પષ્ટપણે દેશહિતના વિચારો પ્રગટ કરતા દેખાય છે. થોડાં વર્ષો પહેલાં અમદાવાદમાં યોજાયેલ સંમેલનમાં આરીફ મહંમદખાન બોલેલા કે બંધારણમાંથી Minority શબ્દ કાઢી નાંખો. એક અન્ય મુસ્લિમ વક્તા બોલેલા કે, Minority એ Ante-thisis છે. તે રાષ્ટજીવનને દૂષિત કરે છે. મહંમદ ફારૂકી બોલેલા કે, ન હું અલ્પસંખ્યકમાં વિશ્ર્વાસ કરું છું, ન અલ્પસંખ્યકવાદમાં. હું આ દેશમાં બીજા નંબરનો Second C-ass સિટિઝન બનવા તૈયાર નથી. થોડાં વર્ષો અગાઉ આવાં ઉચ્ચારણો મુસ્લિમો કરે તે અસંભવિત લાગતું હતું.
 
 

sarsanghchalak mohan bhagwat  
 

હવે જો આપણે આ કામ નહીં કરીએ તો…

 
 
અલબત્ત મુસ્લિમોને તેમની ઘરેડમાંથી બહાર લાવવા ઘણું અઘરું છે, પણ તે અશક્ય નથી જ. ડૉ. બાબાસાહેબ આંબેડકરે મુસ્લિમ સમાજ માટે C-ose Corporation (બંધ નિકાય)ની સંજ્ઞા આપેલી. તે સૂચવે છે કે, કામ કેટલું અઘરું છે, પરંતુ તે વાત પણ એટલી જ સત્ય છે કે, સંવાદની લાંબી અને ધીરજપૂર્વકની પ્રક્રિયા સિવાય બીજો કોઈ હાથવગો ઉપાય નથી. વિશ્વમાં વધતી જતી ઇસ્લામિક કટ્ટરતાને કારણે મુસ્લિમ સમાજમાં જ એક નાનો વર્ગ ખડો થઈ રહ્યો છે, જે ઇસ્લામની કટ્ટરવાદી અને હિંસક છબીથી નારાજ છે અને ઇચ્છે છે કે, ઇસ્લામમાં રહેલો ઉદાર મતવાદ પુનઃ પ્રગટે. આપણા દ્વારા શુદ્ધભાવથી કરવામાં આવેલા પ્રયત્નો આ લઘુમતીને ચોક્કસ બળ આપશે. હવે જો આપણે આ કામ નહીં કરીએ તો ભવિષ્યનું ભારત વર્તમાન ભારતના હિન્દુ અને મુસ્લિમોને કદી માફ નહીં કરે.
 
અસ્તુ...
 
 
 
 

સુરેશ ગાંધી

શ્રી સુરેશભાઈ ગાંધી

  • શ્રી સુરેશભાઈ ગાંધી વર્ષ ૨૦૦૮થી સાધનાના ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવે છે.
  • મૂળ વતન વડાલી, જિલ્લો - સાબરકાંઠા, ૨૦૦૨થી કર્ણાવતીમાં નિવાસ.
  • જન્મ તારીખ - ૨૬-૦૬-૧૯૪૨
  • ૧૯૬૯થી સંઘના સ્વયંસેવક છે.
  • અભ્યાસ - એમ.એ, બી.એડ, ડીટીસી.
  • નિવૃત આચાર્ય - ૨૦૦૦
સંઘમાં જિલ્લા કાર્યવાહ, વિભાગ કાર્યવાહ અને છેલ્લે પ્રાંત બૌધિક પ્રમુખની જવાબદારી નીભાવી. ઉપરાંત તેઓ ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી તથા પ્રદેશ ઉપાધ્યક્ષ પદે પણ રહી ચૂક્યા છે.