ચીનમાં સરમુખત્યારશાહી નહીં, લોકશાહી માટે પ્રજાની માંગ !

લોકશાહી સજાવટથી નહીં આમ લોકોની સમસ્યાના સમાધાનથી ચમકે છે. આશા રાખીએ વિશ્વમાં જ્યાં પણ સરમુખત્યારશાહી છે ત્યાં લોકતંત્રનો ઉદય થાય અને એની શરૂઆત ચીનથી થાય.

    13-Dec-2022   
કુલ દૃશ્યો |

china people china government
 
 
દિવાળી પહેલાં જ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની ૨૦મી કોંગ્રેસમાં રાષ્ટ્રપતિ જિનપિંગને દેશના સૌથી મહાન નેતા જાહેર કરાયા હતા. તેમણે સ્વયં પણ પોતાને આજીવન રાષ્ટ્રપતિ ઘોષિત કરેલા. આજે ચીનનાં શહેરો અને ગામડાંઓમાં હજારો લોકો તેમના વિરોધમાં સડકો પર ઊતરી આવ્યાં છે. લોકો તેમને ગાદી પરથી હટી જવાની માંગ સાથે કહે છે કે, ચીનમાં બાદશાહી સરમુખત્યારશાહી નહીં લોકશાહી જોઈએ છે. કમ્યુનિસ્ટ પાર્ટીનો અભેદ ગઢ ગણાતા પેઈજિંગ, શાંઘાઈ અને કેન્ટન જેવાં શહેરોમાં ય સરકાર વિરુદ્ધ દેખાવો, હજારો લોકોની રેલીઓ થઈ રહી છે.
 
દબાવી રાખેલી સ્પ્રીંગ ઊછળે, દબાવી રાખેલો દાવાનળ ફાટે તેમ સરમુખત્યારશાહીના પહાડ નીચે દબાવી રાખેલી ચાઈનીઝ જનતાનો મિજાજ ફાટ્યો છે. ફરી કોરોના વકરતાં સત્તાધીશોએ અહીં મનફાવે તેવા પ્રતિબંધો લાદી દીધા છે. રોજિંદું જીવન ઠપ્પ, લોકોને ઘરમાં, ઓફિસમાં, ફેક્ટરીઓમાં પહેલાંની જેમ તાળાં મારીને ગોંધી દેવાયા. સ્કૂલો, કૉલેજો, બેંકો બંધ, આશ્ર્ચર્યજનક રીતે દવા લેવા કે હોસ્પિટલે ના જઈ શકાય એ હદના પ્રતિબંધો લદાયા. ચાઇનીઝ સરકાર રસીની અછત, મેડિકલ સહાયનો અભાવ, અપૂરતું આયોજન વગેરેને પ્રતિબંધોથી ઢાંકીને પાવર, શાસન, સત્તાનો દબદબો કાયમ રાખવા લોકોનું દમન અને શોષણ કરી રહી છે. આવા અમાનુષી અત્યાચારોથી ત્રાસીને - ‘નો ટુ લોકડાઉન, યસ ટુ ફ્રીડમ!’, ‘નીડ હ્યુમન રાઈટ્સ, નીડ ફ્રિડમ !’નાં બેનરો લઈને માનવાધિકાર અને સ્વતંત્રતાની માંગ સાથે જનતા લોકશાહીના સૂર રેલાવી રહી છે.
 
આ જુવાળની અસરથી ચીની સરકારે કેટલાંક શહેરોમાં પ્રતિબંધો હળવા કરવા પડ્યા છે. જે સૂચવે છે કે જાગૃત જનશક્તિનો વિજય થયો છે, ભલે તે આંશિક પણ કેમ ન હોય. આવું થવાથી જન-જનમાં જાગૃતિમૂલક વિશ્ર્વાસ પ્રગટી રહ્યો છે. આ એ જ ચીન અને કમ્યુનિસ્ટ સત્તાધીશો છે જેમણે વિરોધ પ્રદર્શનો કરવા બદલ ૧૯૮૯માં રિનાનમેન ચૉક પર લાખ્ખો છાત્રો - નિર્દોષ નાગરિકોને કચડી નાંખ્યા હતા. ૧૯૯૯માં ફરી અવાજ ઊઠતાં ફાલુન ગોંગ સંપ્રદાયના લોકોને દબાવી દેવાયા હતા.
કોરોનાની શરૂઆત ચીનના વુહાન શહેરથી ૩૧મી ડિસેમ્બર - ૨૦૧૯ના રોજથી થઈ હતી. આજે આખી દુનિયા લગભગ કોરોનામુક્ત બની છે ત્યારે ચીનમાં રોજના હજારો કેસ ફરી આવી રહ્યા છે. વિધિની વક્રતા કે સંકેત કે એ જ મહામારી સરમુખત્યારશાહીને ભરખી રહી છે અને લોકશાહીને જન્માવી રહી છે.
 
મહામારીમાં સાવચેતી જરૂરી છે, પણ અત્યાચાર નહીં. ભારત, અમેરિકા, બ્રિટન જેવા લોકતાંત્રિક દેશોમાં મહામારી વખતે લોકડાઉન થયાં હતાં, પ્રતિબંધો લદાયા હતા, પણ દમન નહોતું થયું. બંધન હોવા છતાં ઓછાં હતાં. દવા-હોસ્પિટલ વગેરેની શક્ય તેટલી કાળજી લઈ જનજીવન આગળ વધ્યું જ. મહામારીનો પ્રકાર જ એવો હતો કે લાખો/કરોડો લોકોએ બધે જ સહન કરવું પડ્યું.
 
પરંતુ ચીનનું લોકડાઉન કાળા પાણીની સજાથી બદતર છે. શિનચ્યાંગની એક ઇમારતમાં આગ લાગી, ફાયર બ્રિગેડ કંઈ કરી શક્યું નહીં, અનેક લોકો સળગીને ભડથુ બની ગયાં. લોકડાઉન અંતર્ગત એ ઇમારતને તાળાં લાગ્યાં હતાં. જે માણસો બળી મર્યા એ સરમુખત્યારશાહીની આગમાં બળી મર્યા હતા. એ જ આગમાંથી હવે લોકો લોકશાહીનો દીવો પ્રગટાવવા નીકળી પડ્યા છે. ઘણા વિશ્લેષકો આ ઘટનાથી ચીનમાં ૧૯૪૦ના દાયકામાં થયેલી માઓત્સે તુંગની ક્રાંતિ જેવી જ ક્રાંતિનાં મંડાણ થઈ ગયાં હોવાનું માને છે.
 
પાછલા દાયકામાં ઉદાર લોકશાહી ગણાતા દેશોની સંખ્યા ૪૧થી ઘટીને ૩૨ થઈ છે. જે ૧૯૮૯નાં લોકતાંત્રિક દેશોની સંખ્યા બરાબર છે. ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા ૨૦૨૧ના એક સર્વેક્ષણ મુજબ દુનિયાની માત્ર ૮.૪ ટકા આબાદી જ સંપૂર્ણ લોકશાહીમાં જીવે છે. હવે આ આંકડા વધશે જ. લોકશાહી માટે લોકોએ સ્વયં જાગવું પડશે. જે રીતે ચીનના લોકો જાગી રહ્યાં છે. અલંકાર, સજાવટ, રોશની કે ચકાચૌંધથી સરમુખત્યારશાહીનાં અંધારાં ઢાંકી શકાય નહીં તેમ ચીનીઓ સરમુખત્યારોને કહી રહ્યા છે. લોકશાહી આ બધી સજાવટથી નહીં આમ લોકોની સમસ્યાના સમાધાનથી ચમકે છે. આશા રાખીએ વિશ્વમાં જ્યાં પણ સરમુખત્યારશાહી છે ત્યાં લોકતંત્રનો ઉદય થાય અને એની શરૂઆત ચીનથી થાય.
 
 
 
 
 
 

મુકેશ શાહ

શ્રી મુકેશભાઈ શાહ ( તંત્રી-ટ્રસ્ટી )

  • અભ્યાસ : એન્જિનિયરિંગ,બિઝનેશ મેનેજમેન્ટ ,જર્નાલિઝમ
  • વ્યવસાય : સ્ટ્રેટેજિક પ્લાનિંગ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી

શ્રી મુકેશભાઈ શાહ. સાધના સાપ્તાહિકના તંત્રી અને ટ્રસ્ટી શ્રી. ૧૯૯૮થી સાધના સાથે ભાવપૂર્વક જોડાયેલા છે. તેમણે એન્જીનિયરીંગ, બિઝનેસ મેનેજમેન્ટ અને જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે. વ્યવસાયે મેનેજમેન્ટ કન્સ્લટન્ટ અને સ્ટ્રેટેજીક પ્લાનર છે. વરિષ્ઠ પત્રકાર અને લેખક છે.

શ્રી મુકેશભાઈ લકુલીશ યોગ યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડેન્ટ છે. માખનલાલ ચતુર્વેદ યુનિવર્સિટી-ભોપાલના ફાઈનાન્સ કમીટી અને ગવર્નિંગ બોર્ડના સભ્ય છે તથા ઈન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઈઝેશનના ગુજરાતના પ્રમુખ તરીકેની પણ જવાબદારી નિભાવે છે.

શ્રી મુકેશભાઈ શાહ ૫૦ વર્ષ જેટલાં દિર્ઘકાળથી રા.સ્વ.સંઘ સાથે સંકળાયેલા છે. વર્તમાનમાં તેઓ રા. સ્વ. સંઘના અખીલ ભારતીય પ્રચાર - પ્રસાર ટોળીના સભ્ય છે.

આનંદની વાત એ છે કે મુકેશભાઈને સોંપાયેલી અનેક જવાબદારીઓ સાર્થકતાની સુગંધ થઈને મહેકી રહી છે. ગુજરાતમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તેમણે ર વર્ષ સુધી અવિરત સેવા, સહકાર અને કાર્યમાં પોતાનું જીવન વિતાવ્યુ હતું. રા.સ્વ.સંઘ અને સેવા ભારતી દ્વારા ગુજરાતમાં ૧૪ નવા ગામડાઓ, ૧૭૦૦ ઘર અને ૧૦૦ શાળઓના નિર્માણમાં ચીફ કો ઓર્ડિનેટર તરીકે સેવાઓ આપી હતી. ઉલ્લેખનિય છે કે ભૂકંપ વખતે થયેલા કાર્યોમાં આ કામ સૌથી મોટુ અને શ્રેષ્ઠ હતું.

બેંકો દ્વારા ઈન્ડસ્ટ્રિઝને અપાયેલ નાણા જ્યારે નોન પરફોર્મિંગ એસેટ્સમાં પરિણમે ત્યારે કાયદાકીય રાહે બેંકોના ક્ધસલટન્ટ તરીકે, અધુરા પ્રોજેકટસ પૂરાં કરવામાં અને ૨૫૦ કરોડથી વધારે નાણાં પાછા અપાવવામાં શ્રી મુકેશભાઈની ચાવી‚પી ભૂમીકા રહી છે.