ભારત સરકારે બહાર પાડેલ ડિજિટલ કરન્સી (રૂપિયો) વિશે તમારે જે જાણવું હોય તે બધુ જ...

ભારતીય રિઝર્વ બેન્કે ૧ ડિસેમ્બરથી રિટેલ ડિજિટલ રૂપિયો લોન્ચ (પ્રસિદ્ધ) કર્યો છે ત્યારે શું છે આ ડિજિટલ રૂપિયો ? કેવી અસર પડશે તેના આવવાથી સામાન્ય નાગરિકો પર અને કેવા છે તેની સામેના પડકારો તે અંગે જાણીએ આ મુખપૃષ્ઠ વાર્તામાં…

    13-Dec-2022   
કુલ દૃશ્યો |
 
Digitala Rupee
 
 

ભારતમાં ડિજિટલ કરન્સી યુગનો પ્રારંભ

 
 
કેન્દ્ર સરકાર છેલ્લા ઘણા સમયથી દેશમાં ચલણ સ્વરૂપે ડિજિટલ આર્થિક વ્યવહારને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે ભારતીય ચલણ રૂપિયાને ડિજિટલ યુગમાં લઈ જવાની દિશામાં RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વધુ એક ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે. ભારતીય રિઝર્વ બેન્કે ૧ ડિસેમ્બરથી રિટેલ ડિજિટલ રૂપિયો લોન્ચ (પ્રસિદ્ધ) કર્યો છે ત્યારે શું છે આ ડિજિટલ રૂપિયો ? કેવી અસર પડશે તેના આવવાથી સામાન્ય નાગરિકો પર અને કેવા છે તેની સામેના પડકારો તે અંગે જાણીએ આ મુખપૃષ્ઠ વાર્તામાં…
 
 
- દેશમાં ૧ ડિસેમ્બરના રોજ Retail Digital Rupeeનો પાઇલોટ પ્રોજેક્ટ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો હતો. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ પહેલા જ દિવસે ૧.૭૧ કરોડ રૂપિયા જાહેર કર્યા.
 
- રિઝર્વ બેન્ક દ્વારા જારી કરવામાં આવેલા ઈ-રૂપી ડિજિટલ ટોકન તરીકે કામ કરશે. બીજા શબ્દોમાં કહીએ તો CBDC એ RBI દ્વારા બહાર પાડવામાં આવેલી ચલણી નોટોનું ડિજિટલ સ્વરૂપ છે.
 
- ડિજિટલ રૂપિયાના વ્યવહારો વ્યક્તિથી વ્યક્તિ (P2P) અને પર્સન ટુ મર્ચન્ટ (P2M) બન્ને રીતે કરી શકાય છે. આ સિવાય કોઈએ વેપારીને ચૂકવણી કરવી હોય તો તે તેની પાસે હાજર QR કોડને સ્કેન કરી ચૂકવણી કરી શકે છે.
 
- અગાઉ એક નવેમ્બરના રોજ કેન્દ્રીય બેંકે જથ્થાબંધ વ્યવહારો માટે ડિજિટલ રૂપિયો શરૂ કર્યો હતો, ત્યારે તેના પ્રથમ દિવસે જ ૨૭૫ કરોડની લેવડ-દેવડ થઈ હતી.
 
 
સૌ પ્રથમ વાત કરીએ ડિજિટલ ચલણ અંગે. ડિજિટલ ચલણ મુખ્યત્વે ત્રણ પ્રકારનું હોય છે. પ્રથમ ક્રિપ્ટોકરન્સી - આ પણ એક ડિજિટલ ચલણ છે, જે નેટવર્કમાં લેણ-દેણ કરવા માટે ક્રિપ્ટોગ્રાફીનો ઉપયોગ કરે છે. જોકે તેના પર કોઈપણ સરકાર કે દેશનું નિયંત્રણ ન હોવાથી તેમાં જોખમ પણ રહેલું છે. ‘બિટકોઈન’ અને ‘એથેરિયમ’ આનાં ઉદાહરણ છે. બીજી છે વર્ચ્યુઅલ કરન્સી. આ ચલણ એ ડેવલોપર્સ કે પ્રક્રિયામાં સામેલ જુદા જુદા હિતધારકો સાથે મળી એક સંગઠન દ્વારા નિયંત્રિત અનિયમિત ડિજિટલ ચલણ (કરન્સી) છે. અને ત્રીજું સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી જે ‘સીબીડીસી’ના નામે પણ ઓળખાય છે. તે કોઈપણ દેશની કેન્દ્રીય બેંક દ્વારા બહાર પાડવામાં આવે છે. હાલ ભારતની સેન્ટ્રલ બેંક આરબીઆઈએ જે ઈ-રૂપિયો બહાર પાડ્યો છે તે આમાં આવે છે. જે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. હવે વાત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં જ ઈ-રૂપી શરૂ કરાયો છે તેની.
 
આરબીઆઈ દ્વારા આ ડિજિટલ કરન્સીને સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) નામ આપવામાં આવ્યું છે. સામાન્ય માણસો ખુલ્લા બજારમાં આ ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરી શકે તે માટે ચાર બેંકો ઈ-રૂપી બહાર પાડશે.
 
ભારતીય રિઝર્વ બેન્કના જણાવ્યા મુજબ, પાયલટ પ્રોજેક્ટ દરમિયાન ડિજિટલ રૂપિયાનું નિર્માણ, વિતરણ અને રિટેલ ઉપયોગની સંપૂર્ણ પ્રક્રિયાનું ટેસ્ટિંગ કરાશે. પાયલટ પ્રોજેક્ટમાં ડિજિટલ રૂપિયાનું ચલણ દેશનાં ચાર શહેરો દિલ્હી, મુંબઈ, બેંગાલુરુ અને ભુવનેશ્ર્વરમાં શરૂ કરાશે. ત્યાર પછી બીજા તબક્કામાં અમદાવાદ, ગંગટોક, ગુવાહાટી, હૈદરાબાદ, ઇન્દોર, કોચ્ચિ, લખનઉ, પટના અને શિમલા જેવાં શહેરોમાં ડિજિટલ ચલણ શરૂ કરાશે.
 
આરબીઆઈના જણાવ્યા મુજબ પાયલટ પ્રોજેક્ટમાં ચાર બેન્કો ભારતીય સ્ટેટ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, યસ બેન્ક અને આઈડીએફસી ફર્સ્ટ બેન્ક ચાર શહેરોમાં રિટેલ ડિજિટલ રૂપિયા જારી કરવાનું કામ કરશે. ત્યાર પછી અન્ય ચાર બેન્કો બેન્ક ઓફ બરોડા, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, એચડીએફસી બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્ક પણ આ પ્રોજેક્ટ સાથે જોડાશે. આમ કુલ ૮ બેન્કો ડિજિટલ રૂપિયા જારી કરશે.
 
 

કાગળની નોટ જેવા આકારમાં જ ડિજિટલ રૂપિયા

 
 
આ બેન્કો એકદમ કાગળની નોટ જેવા આકારમાં જ ડિજિટલ રૂપિયા જારી કરશે. ડિજિટલ વોલેટના માધ્યમથી વ્યક્તિથી વ્યક્તિ અથવા વ્યક્તિથી દુકાનદાર, વેપારી વચ્ચે નાણાંકીય વ્યવહાર થઈ શકશે. સામાન્ય માણસ વસ્તુઓની ખરીદી માટે ડિજિટલ રૂપિયાની ચૂકવણી કરવી હોય તો તે ક્યુઆર કોડ મારફત કરી શકશે. આ સિવાય ડિજિટલ રૂપિયાથી સામાન્ય માણસો પરસ્પર પણ લેવડ-દેવડ કરી શકશે. આ ડિજિટલ રૂપિયા યુઝર્સ મોબાઈલ ફોન અથવા અન્ય ડિવાઈસમાં બેન્કો દ્વારા અપાતા વોલેટમાં સ્ટોર કરી શકશે. વધુમાં આ ડિજિટલ રૂપિયા રાખવા માટે કોઈ બેન્કમાં ખાતાની જરૂર નહીં પડે. મહત્ત્વની બાબત એ છે કે, આ ડિજિટલ રૂપિયા વોલેટમાં રાખવા પર બેન્કો તરફથી કોઈ વ્યાજ ચૂકવાશે નહીં. જ્યારે હાલ કાગળની નોટોને બેન્કોના ખાતામાં મૂકવા પર ગ્રાહકોને વ્યાજ મળે છે.
 
 

ડિજિટલ રૂપિયાનું મૂલ્ય કાગળની નોટોના મૂલ્ય સમાન જ

 
 
આરબીઆઈએ જણાવ્યું હતું કે, ડિજિટલ રૂપિયાનું મૂલ્ય કાગળની નોટોના મૂલ્ય સમાન જ હશે. તમે ઇચ્છો તો ડિજિટલ રૂપિયા બેન્કમાં આપીને કાગળની નોટો પણ મેળવી શકો છો. આરબીઆઈએ ડિજિટલ ચલણને બે કેટેગરીમાં વિભાજિત કર્યું છે, જેમાં હોલસેલ માટે સીબીડીસી-ડબલ્યુ અને રિટેલ માટે સીબીડીસી-આરનો સમાવેશ થાય છે. સીબીડીસી માટે કોમર્શિયલ બેન્કો નહીં, આરબીઆઈ જવાબદાર હોવાથી તે વર્તમાન ડિજિટલ નાણાં કરતાં અલગ પડશે.
 
ડિજિટલ રૂપિયાનો આશય વર્તમાન નાણાકીય વ્યવસ્થાને બદલવાનો નહીં, પરંતુ તેમાં વપરાશકારોને વધારાની સુવિધા પૂરી પાડવાનો છે. ટેક્ધોલોજીના આ યુગમાં ડિજિટલ રૂપિયો ભારતના ડિજિટલ અર્થતંત્રમાં વધુ ગતિ લાવશે અને નાણાંકીય સમાવેશ વધારશે. આજે સામાન્યમાં સામાન્ય માણસ પણ મોબાઈલનો વપરાશ કરતો થયો છે ત્યારે નાણાંકીય સિસ્ટમ સુધી તેની પહોંચ વધશે અને પેમેન્ટ સિસ્ટમ વધુ કાર્યક્ષમ થશે.
 
 

ભારતીય અર્થતંત્ર ડિજિટલ બનશે

 
 
ભારતના અર્થતંત્રને ડિજિટલ સ્વરૂપમાં વિકસિત કરવાની દિશામાં આરબીઆઈનું આ પગલું ઘણું જ મહત્ત્વપૂર્ણ છે. આરબીઆઈએ આ પહેલાં ૧ નવેમ્બરથી હોલસેલ સેગમેન્ટ માટે ડિજિટલ રૂપિયો લોન્ચ કર્યો હતો. હોલસેલ સેગમેન્ટમાં પ્રાયોગિક ધોરણે સરકારી સિક્યોરિટીઝમાં સેકન્ડરી માર્કેંટના નાણાંકીય વ્યવહારોની પતાવટ કરવાની છૂટ અપાઈ હતી. હવે રિટેલ સેગમેન્ટમાં આ પ્રાયોગિક પ્રોજેક્ટમાં મળનારા અનુભવોના આધારે આગામી તબક્કામાં દેશમાં તેના ચલણમાં વધુ પ્રસાર કરાશે.
 
 

શું છે આ ડિજિટલ રૂપિયો ?

 
 
ભારતનું ડિજિટલ ચલણ ક્રીપ્ટોકરન્સી નથી. બન્નેના સર્જન માટે બ્લોકચેઈન ટેકનોલોજીનો ઉપયોગ ચોક્કસ થશે પણ બન્ને વચ્ચે ફરક છે. એક, જેને સેન્ટ્રલ બેંક એટલે કે આરબીઆઈની માન્યતા હશે એટલે તે ભારતના ચલણ રૂપિયાનું ડિજિટલ સ્વરૂપ હશે. બીટકોઈન કે એથેરિયમ કે શિબુ જેવા વર્તમાન ક્રીપ્ટોને કોઈપણ દેશની સેન્ટ્રલ બેન્કે માન્યતા આપી નથી. જેમ રૂ.૧૦૦ની નોટનું મૂલ્ય સમગ્ર દેશમાં એક જ સમાન છે તેમ ડિજિટલ સ્વરૂપના ચલણનું મૂલ્ય પણ નિશ્ર્ચિત અને સમાન જ હશે. અત્યારે પણ આપણે પે-ટીએમ કે ફોન-પે કે અન્ય ડિજિટલ વોલેટમાં આ રીતે જ ડિજિટલ ચૂકવણી કરી રહ્યા છીએ. ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ પણ ડિજિટલ સ્વરૂપમાં થઈ રહ્યો છે. છતાં રોકડ નોટ અને સિક્કા પણ છે. ભવિષ્યમાં નોટોના સ્થાને માત્ર ડિજિટલ રૂપિયો જ હોય એવું પણ બની શકે! કેન્દ્ર સરકારના ડિજિટલ રૂપિયાની જાહેરાત બજેટ ૨૦૨૨-૨૩માં કરી હતી. ડિજિટલ ચલણથી ધીમે ધીમે કરન્સી નોટ અને સિક્કા છાપવા પાછળનો ખર્ચ ઘટી જશે. દરેક નાણાકીય વ્યવહાર ડિજિટલ હશે એટલે તેના ઉપર દેખરેખ શક્ય બનશે અને તેના ઉપર ટેક્સની વસૂલાત પણ સરળ બનશે એ ડિજિટલ ચલણના ફાયદા છે.
 
 

ડિજિટલ રૂપિયો અન્ય ડિજિટલ ચલણથી અલગ કઈ રીતે

 
 
સવાલ એ પણ થશે કે ડિજિટલ રૂપિયો અન્ય ડિજિટલ ચૂકવણીથી અલગ કેવી રીતે ? કારણ કે ડિજિટલ ટ્રાન્જેક્શન તો બેંક ટ્રાન્સફર, ડિજિટલ વોલેટ્સ અને કાર્ડ મારફતે તો થઈ જ રહી છે. તેવામાં ઈ-રૂપિયો અલગ કેવી રીતે ? ત્યારે અહીં એ સમજવાની જરૂર છે કે, મોટાભાગની ચૂકવણી (પેમેન્ટ્સ) એક ચેકની જેમ કામ કરે છે. તમે બેંકને સૂચના આપો છો ત્યારબાદ તે તમારા એકાઉન્ટમાં જમા રકમમાંથી વાસ્તવિક રૂપિયાની ચૂકવણી કે ટ્રાન્ઝેક્શન કરે છે. આમ દરેક ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં અનેક સંસ્થા, લોકો સામેલ હોય છે. જે આ આખી વિધિ (પ્રોસેસ) પૂર્ણ કરે છે, જેમાં સમય લાગે છે. જ્યારે ડિજિટલ રૂપિયામાં એક ક્લિકથી જ ચૂકવણી શક્ય છે.
 
 

Digitala Rupee 
 

બિટકોઈન જેવી ક્રિપ્ટો કરન્સીથી કેટલું અલગ

 
 
આગળ જોયું તેમ ડિજિટલ કરન્સીનો આ વિચાર નવો નથી. તેના મૂળમાં બિટકોઈન જેવી ક્રિપ્ટો કરન્સી છે. બિટકોઈન બાદ ‘ઇથર’ ડોઝકોઈનથી માંડી અનેક ક્રિપ્ટોકરન્સી શરૂ થઈ ચૂકી છે. ખાનગી ક્રિપ્ટો કરન્સી ખાનગી કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવતી હોવાથી તેના પર સરકારી નિયંત્રણ હોતું નથી અને તેના ટ્રાન્જેક્શનની કોઈ જ માહિતી મળતી ન હોવાથી આતંકવાદી ઘટનાઓ સહિતની અન્ય ગેરકાયદેસરની ગતિવિધિઓમાં તેનો છૂટથી ઉપયોગ થાય છે. આ કારણે ડિમાન્ડ (માંગ)ને આધારે તેની કિંમતમાં ભારે ઉતાર-ચડાવ આવતો હોય છે. બિટકોઈનની કિંમત અત્યાર સુધી ૫૦ ટકા ગગડી ચૂકી છે. જ્યારે આની સામે ડિજિટલ રૂપિયાની વાત કરીએ તો તેને આપણે ત્યાં આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. પરિણામે તેની કિંમતમાં ઉતાર-ચડાવનો કોઈ પ્રશ્ર્ન જ નથી રહેતો. એક રૂપિયાનો સિક્કો અને ડિજિટલ રૂપિયો એકસરખી જ કિંમતનો થાય છે. ઉપરથી આ ડિજિટલ રૂપિયા કોની પાસે કેટલા છે તે તમામ માહિતી રિઝર્વ બેંક પાસે હશે.
 
 

ડિજિટલ ચલણ મુદ્દે વિશ્વ હાલ ક્યાં છે

 
 
રિઝર્વ બેંકોની સેન્ટ્રલ બેંકના રૂપમાં કામ કરતી સ્વિસ સંસ્થા ઇન્ટરનેશનલ સેટલમેન્ટ બેંકના એક સર્વે મુજબ વિશ્ર્વના ૮૬% રિઝર્વ બેંક ડિજિટલ ચલણ પર સંશોધન કરી રહ્યા છે. આમાંના ૬૦ ટકા તો એ ચલણને અમલમાં લાવવાના અંતિમ ચરણમાં છે. હજુ યુરોપિયન સેન્ટ્રલ બેંકની પ્રમુખ કિસ્ટીન લેગાર્ડ કહે છે કે, અમે ૨૦૨૫ સુધી ડિજિટલ યુરો શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ. આ મુદ્દે પડોશી દેશ ચીન ખૂબ જ આગળ છે. આ દિશાના છ વર્ષના સંશોધન બાદ પીપલ્સ બેંક ઓફ ચાઈના દ્વારા એપ્રિલ ૨૦૨૦માં બે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યા હતા. અને લોટરી સિસ્ટમ મારફતે ઈ-યૂઆન વહેંચવામાં આવ્યા હતા. અને જૂન ૨૦૨૧ સુધી ૨.૪ કરોડ લોકો અને કંપનીઓએ ડિજિટલ યુઆનના વોલેટ બનાવી લીધા હતા. ચીનમાં ૩૪૫૦ કરોડ ડિજિટલ યુઆન (૪૦ હજાર કરોડ રૂપિયા)ની લેણ-દેણ યુટિલિટી બિલ્સ, રેસ્ટોરન્ટ અને ટ્રાન્સપોર્ટમાં થઈ ચૂકી છે.
 
બ્લૂમબર્ગના એક અહેવાલનું માનીએ તો ૨૦૨૫ સુધી ડિજિટલ યુઆનની ચાઈનીઝ અર્થશાસ્ત્રમાં ભાગીદારી ૯% સુધી પહોંચી જશે. જાન્યુઆરી ૨૦૨૧માં બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સે જણાવ્યું હતું કે વિશ્ર્વભરમાં ૮૬% કેન્દ્રીય બેંક ડિજિટલ ચલણ એટલે કે કરન્સી પર કામ કરી રહ્યા છે. ‘બાહમાસ’ ઓક્ટોબર ૨૦૨૦માં સૌપ્રથમ ‘સૈંડ ડોલર’ નામથી સીબીડીસી લાવ્યું હતું. ત્યારબાદ જમૈકા, નાઈજીરિયા સહિત ૮ પૂર્વી કૈરેબિયાઈ દેશોએ પણ આ પ્રકારની પહેલ કરી હતી. કેનેડા, જાપાન, સ્વિડન, સ્વિત્ઝરલેન્ડ, યુકે અને યુનાઈટેડ સ્ટેટસ (અમેરિકા) સાથે સાથે યુરોપિયન યુનિયન પણ બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સના સાથે મળી આ પ્રકારની ડિજિટલ ચલણની શક્યતાઓ ચકાસી રહ્યું છે.
 
 
 
 
 
 
 
 
 

સંજય ગોસાઈ

સંજય ગોસાઇ સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધનાનાં સંપાદક મંડળમાં છે…