સાન્તા ક્લૉઝથી બાળકોને દૂર કેમ રાખવાં? હિન્દુ-ખ્રિસ્તી બંનેની ચિંતા!

શું ભારતમાં થતી ક્રિસમસ-નવા વર્ષની ઉજવણી ખ્રિસ્તી પરંપરાની વિરુદ્ધ છે? ચુસ્ત ખ્રિસ્તીઓને પણ સાન્તા ક્લૉઝ કેમ પસંદ નથી ! ભારતમાં સાન્તા ક્લૉઝની લોકપ્રિયતા ક્યારથી વધી ?

    26-Dec-2022   
કુલ દૃશ્યો |

santa is real 
 
 
તા. ૨૫ ડિસેમ્બરે ખ્રિસ્તીઓના પવિત્ર તહેવાર નાતાલની ઉજવણી થશે. ભારતમાં પણ દેખાદેખીમાં હિન્દુઓ નાતાલની ઉજવણી કરે છે. પરંતુ વિચારવા જેવી બાબત એ છે કે આ ઉજવણી શું ખરેખર ધર્મસંગત છે?
 
ઘણા હિન્દુઓ આ તહેવાર પહેલાં જ સંદેશાઓ મોકલે છે કે પોતાના બાળકને જૉકર જેવો ન બનાવશો. વિદેશી તહેવારનું આંધળું અનુકરણ ન કરશો. આમ છતાં, સાન્તા ક્લૉઝ જેવી લાલ ટોપી, તેના જેવો લાલ કોટ અને લાલ પેન્ટ બજારમાં અને ફૂટપાથ પર ધૂમ વેચાય છે. કારણ ?
 
કારણ, ચોતરફ કરાતો મારો. ફિલ્મોથી માંડીને ટીવી પર ધારાવાહિકો અને સમાચારોમાં એટલો બધો મારો કરાય છે કે લોકો આપોઆપ ભોળવાઈને આકર્ષાય છે. સમાચારોમાં ટીવીના સમાચારના શો કરતા એન્કરો સાન્તા ક્લૉઝ જેવી વેશભૂષામાં દેખાશે. ટીવી પર ધારાવાહિકોમાં સાન્તા ક્લૉઝ બનીને કોઈ પોતાના જ બાળકને ભેટ આપતો દેખાડાશે. વર્તમાનપત્રો કે ડિજિટલ મિડિયામાં ક્રિસમસની ઉજવણીના સમાચારો મોટા પાયે છપાશે (પરંતુ ગૌરીવ્રત, શિવરાત્રિ વગેરેના સમાચાર નહીં છપાય).
 

સાન્તા ક્લૉઝનો ઇતિહાસ | Santa Claus: Real Origins & Legend - HISTORY

 
તુર્કીમાં એક ખ્રિસ્તી બિશપ હતા, નિકોલસ. જ્યાં ખ્રિસ્તી વસતિ વધારવી હોય ત્યાંની મોટી વ્યક્તિને પદ્ધતિસર સંત જાહેર કરવામાં આવે. (ભારતમાં રહી સેવાના નામે પંથાંતરણ કરનાર મધર ટેરેસાને પણ જાહેર કરાયાં હતાં.) તેઓ ખ્રિસ્તીઓમાં ખૂબ લોકપ્રિય થયાં. તેઓ દયાની વાત કરતાં હતાં અને બાળકો પ્રત્યે ઉદાર હતાં. સૌથી પહેલાં નેધરલેન્ડ્સમાં સાન્તા ક્લૉઝ જેવી ભેટ પરંપરાની શરૂઆત થઈ. ત્યાં સંત નિકોલસના માનમાં જમણવાર થતો. માબાપ પોતાનાં બાળકો માટે ભેટ છોડી જતાં. બાળકો એમ માનતા કે સંત નિકોલસ રાત્રે તેમને મળવા આવ્યા હતા અને તેમના માટે ભેટ છોડીને ગયા. એ વખતે સંત નિકોલસ ગધેડા પર બેસીને આવતા અને બિશપ જેવી લાંબી હૅટ પહેરીને આવતા તેવું ચિત્રણ થતું.
 
ઈ. સ. ૧૬૬૪માં આ કથા નેધરલેન્ડ્સથી અમેરિકામાં વસેલા નેધરલેન્ડ્સના નિવાસીઓની ડચ વસાહત સુધી પહોંચી. તેને ન્યૂ એમ્સ્ટરડેમ અથવા આજનું ન્યૂ યૉર્ક શહેર તરીકે ઓળખવામાં આવતું.
 
૨૦૦ વર્ષ વીત્યાં પરંતુ તે દરમિયાન ડચ લોકોને બ્રિટિશરો સામે પોતાની સંસ્કૃતિ અને પરંપરા બચાવવાનો પડકાર હતો. કેટલાક ડચ બુદ્ધિજીવીઓ મળતા અને તેમના જૂથને નિકરબૉકર તરીકે ઓળખાવતા. તેમાં એક લેખક હતો - વોશિંગ્ટન ઇરવિંગ. તેણે ન્યૂ યૉર્કમાં નિકરબૉકરના ઇતિહાસ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું. આ પુસ્તકમાં સંત નિકોલસને સિન્ટર ક્લાસ (Sinter Klaas) તરીકે વારંવાર ઉલેખ્યા. વોશિંગ્ટને કરેલું સંતનું વર્ણન ન્યૂ યૉર્કના અન્ય નિવાસીઓને પસંદ પડી ગયું. બ્રિટિશરોએ પણ ડચ દ્વારા થતી સંત નિકોલસ દિવસની ઉજવણીને અપનાવી લીધી. આ રીતે સિન્ટર ક્લાસ એ સાન્તા ક્લૉઝ (Santa Claus) બની ગયો.
 
તેમાં પછી પરિવહનના સાધન તરીકે ગધેડાના બદલે ઘોડો અને પછી રેન્ડિયર આવ્યું. ઘોડો અને રેન્ડિયર એ બ્રિટિશ કલ્પના હતી. વોશિંગ્ટન ઇરવિંગના મિત્ર ક્લેમેન્ટ ક્લાર્કની કવિતામાં આ પ્રકારનું વર્ણન હતું. જોકે બાદમાં ક્લેમેન્ટે તેને નકાર્યું હતું કે, આ કવિતા તેમની નથી. પરંતુ કવિતા લોકપ્રિય થઈ. અને ક્રિસમસ સાથે સાન્તા ક્લૉઝ જોડાઈ ગયો.
 
પરંતુ સાન્તા ક્લૉઝની લોકપ્રિયતા વધી. ઠંડું (અને હાનિકારક ગણાતું) પીણાં કૉકા કૉલાની જાહેરખબરથી. ઈ. સ. ૧૯૨૦ના દાયકાથી આ ક્રમ શરૂ થયો.
 

ચુસ્ત ખ્રિસ્તીઓને પણ સાન્તા ક્લૉઝ પસંદ નથી !

 
ચુસ્ત ખ્રિસ્તીઓને પણ ક્રિસમસ પર ભગવાન ઈસુ કરતાં સાન્તા ક્લૉઝનું મહત્ત્વ વધુ થાય, તેની લોકપ્રિયતા વધે તે પસંદ નથી. ઈ. સ. ૨૦૧૭માં આયર્લેન્ડના એક કેથોલિક ખ્રિસ્તી પ્રિએસ્ટ ડેસ્મન્ડ ઑ ડૉનેલે ખ્રિસ્તીઓને વિનંતી કરી હતી કે, ક્રિસમસ શબ્દ પડતો મુકે, કારણ કે તે સાન્તા અને રેન્ડિયરે કબજે કરી લીધો છે. ફાધર ડેસમન્ડે કહ્યું કે, ક્રિસમસનો કોઈ પવિત્ર અર્થ હવે રહ્યો નથી તેવું તમામ પેટા સંપ્રદાયના ખ્રિસ્તીઓ સ્વીકારી લે.
 
Biblestudytools.com નામની ખ્રિસ્તીઓની વેબસાઇટ પર બાઇબલ અનુસાર સાન્તા સાચો છે તેમ ન કહેવા માટે પાંચ કારણો અપાયાં છે: ૧. બાઇબલ સાચું બોલવાનું કહે છે. સાન્તા ક્લૉઝ છે તેમ કહેવું એ અસત્ય છે. ૨. સાન્તા જેવી કોઈ વ્યક્તિ સાચે જ છે, તેમ કહેવું એ તમારા બાળકને શરમમાં મૂકી શકે છે. જ્યારે કોઈ તેને સાચી વાત કહેશે ત્યારે બાળક અથવા તે બાળકમાંથી મોટી થયેલી વ્યક્તિ શરમમાં મુકાશે કે અત્યાર સુધી તે જે વાત માનતો હતો તે ખોટી હતી. ૩. સાન્તા સાચે જ છે તેમ કહેવાથી મા-બાપ પરથી બાળકનો ભરોસો ઊઠી શકે છે, ૪. સાન્તા સાચે જ છે તેમ કહેવાથી બાળક મોટું થશે ત્યારે તેના (ખ્રિસ્તી) પંથ અંગેના વિચારોમાં ગૂંચવણ પેદા થઈ શકે છે કારણ કે જ્યારે તે ખ્રિસ્તી પંથને જાણશે ત્યારે ખબર પડશે કે આવું તો કોઈ છે જ નહીં. અને સાન્તા સાચે જ છે તેમ કહેવાથી બાળકને ઈસુ કરતાં સાન્તામાં વધુ વિશ્ર્વાસ થશે.
 

santa is real 
 

ભારતમાં સાન્તા ક્લૉઝની લોકપ્રિયતા ક્યારથી વધી ?

 
આમ તો, અંગ્રેજો આવ્યા ત્યારથી જ તેમણે કૉન્વેન્ટ વગેરે શાળાઓ દ્વારા હિન્દુઓનું માનસિક અને વાસ્તવિક પંથાંતરણ શરૂ કરી દીધું હતું. પરંતુ તેની અસર એટલી વ્યાપક નહોતી. ફિલ્મોમાં પણ એક એજન્ડા હેઠળ ઈમામ અને ફાધર હંમેશાં સારા બતાવાતા હતા. (અમર અકબર એન્થની અને શોલે યાદ કરો.) ઈ. સ. ૧૯૭૫માં આવેલી સુનિલ દત્ત, આશા પારેખની ફિલ્મ ઝખ્મીના આઓ તુમ્હે ચાંદ પે લે જાયે ગીતની શરૂઆતમાં કારમાં સાન્તા ક્લૉઝની ટચૂકડી મૂર્તિ લટકેલી દેખાડાય છે અને આશા પારેખ જિંગલ બેલવાળું જોડકણું ગાય છે. કદાચ સાન્તા ક્લૉઝને દેખાડવાનું ત્યારથી ચાલુ થયું હશે. એ પછી અનેક ફિલ્મો અને ટીવી સિરિયલોમાં સાન્તાનું બતાવવાનું પ્રમાણ વધ્યું.
 
બીજી તરફ, દેખાદેખીમાં અંગ્રેજી શાળાઓની સાથે ભારતીય ભાષાઓની શાળામાં પણ ક્રિસમસ, હેલોવિન વગેરે તહેવારોની ધામધૂમથી ઉજવણી શરૂ થઈ.
 

ભારતમાં થતી ક્રિસમસ-નવા વર્ષની ઉજવણી ખ્રિસ્તી પરંપરાની વિરુદ્ધ છે

 
ભારતમાં જે રીતે ક્રિસમસ - નવા વર્ષની ઉજવણી થાય છે તે ખ્રિસ્તીઓની સાચી પરંપરાથી વિરુદ્ધ છે. ક્રિસમસ કે ૩૧ ડિસેમ્બરે દારૂની રેલમછેલ થાય છે, બેલે ડાન્સર મંગાવાય છે, કૉલ ગર્લ બોલાવાય છે, ફાર્મ હાઉસમાં પાર્ટી થાય છે, તેવી રીત ખ્રિસ્તી પરંપરામાં પણ નથી. જેમ હિન્દુઓ ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ જન્મે તે માટે ઉપવાસ રાખે અને પછી પારણાં કરે તેમ સાચા ખ્રિસ્તીઓ ૨૫ ડિસેમ્બરે ઈસુનો જન્મ થાય તે માટે ઉપવાસ રાખે છે. કોઈ ૪૦ દિવસના ઉપવાસ કરે તો કોઈ ચાર દિવસના. જેની જેવી શ્રદ્ધા. આ દરમિયાન લાલ માંસ, મરઘી, માંસનાં ઉત્પાદનો, ઈંડાં, ડેરી પ્રૉડક્ટ, માછલી, તેલ અને વાઇન પર પ્રતિબંધ હોય છે. જ્યારે આપણે ત્યાં તો ક્રિસમસ અને ૩૧મીએ આ બધી બાબતોની જાણે કે રેલમછેલ થાય છે.
બીજું કે આ વસ્તુઓ પણ યુરોપ-અમેરિકા વગેરે ઠંડા પ્રદેશોમાં ખવાય છે, કારણ કે ત્યાં આપણી જેમ અનાજ, શાકભાજીની વિવિધતા નથી હોતી. આ બધો ગરમ ખોરાક ત્યાં ઠંડા પ્રદેશમાં જરૂરી છે.
 

ભારતીયો કેમ સાન્તા ક્લૉઝનો પર્યાય નથી શોધી શક્યા?

 
હવે પ્રશ્ર્ન એ છે કે ભારતીયો કેમ સાન્તા ક્લૉઝનો પર્યાય શોધી નથી શક્યા? આપણે ત્યાં દિવાળી પર લક્ષ્મીજી આવે છે તેથી દરવાજા ખુલ્લા રખાય છે, આંગણામાં દીવા કરાય છે. પરંતુ માતાપિતા જો બાળકો માટે ભેટ મૂકીને કહે કે લક્ષ્મીજી આપીને ગયાં છે તો બાળકો લક્ષ્મી માતાને પણ સાન્તા ક્લૉઝની જેમ જ પ્રેમ કરે, પૂજે. બીજું કે આપણે ત્યાં અનેક સેવામૂર્તિઓ છે જ. ભાવનગરમાં શ્રી માનભાઈ ભટ્ટ બાળકોની આવી જ સેવા કરતા હતા. શિશુવિહારમાં તેઓ બેસતા અને મેલાંઘેલાં ગરીબ બાળકોના નખ કાપી આપતા, ત્યાં રમકડાંની લાઇબ્રેરી હતી, રમવાનાં ભરપૂર સાધનો હતાં, પરંતુ આપણે ધર્મના નામે ક્યારેય આવું ગતકડું નથી કર્યું. આપણે કાર્ટૂન ચેનલોને દોષ દઈએ છીએ પરંતુ બાળકોમાં મિકી માઉસ, ડૉનાલ્ડ ડક, ડૉરેમોન, ટૉમ એન્ડ જેરી, પેપ્પા પિગ, શિન ચાન, પોકેમોન વગેરે જેવાં કાર્ટૂન પાત્રો સર્જી ન શક્યાં. ચાચા ચૌધરી, છોટા ભીમ, મોટુ પતલુ છે પરંતુ તેની સાથે આપણી સંસ્કૃતિ જોડાયેલી હોય તેવાં કાર્ટૂનો નથી.
 
જીવરામ જોષીની વાર્તાઓમાં ભારતીય સંસ્કૃતિ ઝળકતી હતી. પ્રાણાયામ કરતા હોવાથી સમુદ્રમાં ઘણો સમય શ્ર્વાસ ટકાવી રાખી શકે તેવાં અડુકિયો-દડુકિયો જેવાં પાત્રો તેઓ બતાવતા હતા. પરંતુ હવે આવશ્યકતા છે કે સ્ટેશનરીથી માંડીને કંપાસ બૉક્સ, લંચ બૉક્સ, સ્કૂલ બેગ, સ્ટિકર, કાર્ટૂન સિરિયલો, કાર્ટૂન ચેનલો અને સ્ટાર-સબ ટીવી જેવી સામાન્ય મનોરંજન ચેનલો પર આવતી સિરિયલો અને તેના પર દર્શાવાતી જાહેરખબરોમાં ભારતીય સંસ્કૃતિ ઝળકે.
 
આજે બાળકોને માતા-પિતા યૂટ્યૂબ પર જોડકણાં બતાવે છે. વ્હીલ ઑન ધ બસ ગૉ રાઉન્ડ ઍન્ડ રાઉન્ડ, ફાઇવ મંકીઝ જમ્પિંગ ઑન ધ બેડ વગેરે ખૂબ સરસ છે, પરંતુ અંગ્રેજી જોડકણાંમાં જેક ઍન્ડ જિલ હોય કે ફાઇવ મંકીઝ તે પડી જ જાય તેવું બતાવાય છે. ત્યાં રેઇન રેઇન ગો અવે જેવી કવિતા આવે છે, જ્યારે ગુજરાતમાં આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ કવિતા આવે છે, કારણ કે ભારત-ગુજરાત ખેતીપ્રધાન છે. અહીં વરસાદની ખૂબ કિંમત છે. સાકેત શાહે ટમેટું રે ટમેટું ગીત અદ્ભુત બનાવ્યું છે. તેમાં ભારતીય સંસ્કૃતિ ઝળકે છે. તને ઘૂઘરે રમાડું, તને હાથેથી જમાડું (પશ્ર્ચિમમાં છરી-કાંટાથી જમવાનું હોય છે), ખભે બેસાડી ખંભો પોઠિયો કરીશ... મીઠાં હાલરડાં ગાઈ હું તો તને સુવડાવું, અડકો દડકો દહીં દડૂકો, તારી ખોટી જિદ ના પૂરી હું કરીશ, ના આપવાની ચીજ હું તો સંતાડી દઈશ& આ ગીત બાળકોમાં ખૂબ લોકપ્રિય છે, પણ કેટલાં માબાપ પોતાનાં બાળકોને આ ગીત બતાવે છે ? અને આવાં કેટલાં ગુજરાતી કે ભારતીય ભાષાનાં બાળગીતો છે? ભારતીય સંસ્કૃતિ ઝળકે તેવાં નવાં બાળગીતો ન બનવાં જોઈએ ? પંચતંત્ર આધારિત અથવા નૈતિક બોધ હોય તેવી કાર્ટૂન ફિલ્મ અને સિરિયલો ન બની શકે? ભારતીયોમાં સર્જનાત્મકતા ઓછી નથી. વાત એ જ છે કે તેને ભારતીયતા સાથે જોડવાની આવશ્યકતા છે.
 
 
 
 
 

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…