૩૦૦ વર્ષ બાદ કર્ણાટકનાં મંદિરોમાં હવે સલામ આરતી નહીં સંધ્યા આરતી થશે

હિન્દુ ધાર્મિક સંસ્થાન અને ધર્માર્થ બંદોબસ્તી વિભાગ (મુજરઇ)ના મંત્રી શશિકલા જોલે મુજબ આ ફારસી નામોને બદલવા અને ‘સલામ આરતી’નું મંગલા આરતી કે નમસ્કાર આરતી જેવાં પારંપરિક સંસ્કૃત નામો કરી દઈ આપણે આપણી પુરાતન પરંપરા તરફ પાછા વા છીએ.

    26-Dec-2022   
કુલ દૃશ્યો |

salaam aarti sandhya aarti
 
 
કર્ણાટકમાં આખરે ત્રણસો વર્ષથી ચાલી આવતી ગુલામીનો સાક્ષાત્કાર કરાવતી પ્રથાનો અંત આવ્યો છે. કર્ણાટક સરકાર દ્વારા ત્રણ સદીથી મંદિરોમાં ચાલી આવતી ‘સલામ આરતી’નું નામ બદલી નાખવામાં આવ્યું છે. હવે ‘સલામ આરતી’ ‘સંધ્યા આરતી’ના નામે ઓળખાશે. ઉલ્લેખનીય છે કે કેટલાક હિન્દુવાદી સંગઠનો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ ટીપુ સુલતાનના નામ પર ચાલી આવતા અનુષ્ઠાનોને ખતમ કરવાની માગણી લાંબા સમયથી કરવામાં આવી રહી હતી, જેમાં એક સલામ આરતી પણ હતી.
 
વાત જાણે એમ છે કે, કર્ણાટકના મેલકોટમાં ઐતિહાસિક ચાલુવનારાયણ સ્વામી મંદિર આવેલું છે. જ્યાં હૈદર અલી અને તેના શાહજાદા ટીપુના શાસનકાળથી દરરોજ સાંજે ૭ વાગે ‘સલામ આરતી’ (મશાલ આરતી) થતી આવી છે. ૧૮મી સદીમાં ટીપુ સુલતાનના આ મંદિરપ્રવાસ દરમિયાન તેને ખુશ કરવા આ આરતીનું નામ ‘સલામ આરતી’ કરવામાં આવ્યું હતું. અહીંનાં હિન્દુ સંગઠનો લાંબા સમયથી માંગણી કરી રહ્યાં હતાં કે, સલામ શબ્દ ભારતીય છે જ નહીં. તે તો ટીપુ સુલતાન દ્વારા આ આરતી આગળ લગાડવામાં આવ્યો હતો.
 
હિન્દુ ધાર્મિક સંસ્થાન અને ધર્માર્થ બંદોબસ્તી વિભાગ (મુજરઇ)ના મંત્રી શશિકલા જોલે મુજબ આ ફારસી નામોને બદલવા અને ‘સલામ આરતી’નું મંગલા આરતી કે નમસ્કાર આરતી જેવાં પારંપરિક સંસ્કૃત નામો કરી દઈ આપણે આપણી પુરાતન પરંપરા તરફ પાછા વા છીએ.
 
ચાલુવનારાયણ સ્વામી મંદિરના કાર્યકારી અધિકારીએ સરકારના આ નિર્ણયને આવકારતાં કહ્યું હતું કે, મંદિરના રેકોર્ડમાં પણ સંધ્યા આરતીનું નામ સલામ મંગલા આરતી ક્યારેય ન હતું. પરંતુ ટીપુ સુલતાનની યાત્રા દરમિયાન ટીપુને સલામી આપવા અને ખુશ કરવા તેનું નામ ‘સલામ આરતી’ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ હવે હિન્દુ મંદિરોની દેખરેખ કરનારા સ્ટેટ ઓથોરિટી મુજરઈ દ્વારા આ નવા નામાકરણને મંજૂરી મળી ગયા બાદ મંદિરોમાં ‘સલામ આરતી’ની જગ્યાએ સંધ્યા આરતી થઈ જશે.
હવે સમય આવી ગયો છે. જ્યારે આપણે ગુલામીના પ્રતીક ચિહ્નોથી પીછો છોડાવી દેશને માનસિક ગુલામીના પ્રતીકોમાંથી મુક્ત કરીએ, જેથી આપણી હાલની અને નવી પેઢી એક સ્વાભિમાની અને સમૃદ્ધ રાષ્ટમાં ગૌરવભેર શ્ર્વાસ લઈ શકે.
 
જોકે દર વખતની જેમ આ વખતે પણ રાજ્યના વિરોધ પક્ષો કોંગ્રેસ અને જેડીએસને કર્ણાટક સરકારના આ નિર્ણયમાં ઇતિહાસ સાથે ચેડાં લાગી રહ્યાં છે. તેઓએ કર્ણાટક સરકાર ઉપર કર્ણાટકનાં ઐતિહાસિક તથ્યો સાથે ચેડાં કરી રહી હોવાનો આરોપ લગાવી રાડારાડ કરી મૂકી છે. ઇતિહાસ અને પરંપરાની દુહાઈ દેનારા આ લોકો એ કેમ ભૂલી જાય છે કે કર્ણાટકના ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે ચેડાં તો ૩૦૦ વર્ષ પહેલાં ટીપુ સુલતાન દ્વારા કરવામાં આવ્યાં હતાં. જ્યારે અહીંનાં મંદિરોમાં સનાતન કાળથી ચાલી આવતી સંધ્યા આરતીનું નામ બદલી ‘સલામ આરતી’ કરી દેવામાં આવ્યું હતું અને અફસોસ કે ત્યાર બાદના એક વિશેષ સમુદાયને ખુશ કરવા ગુલામીના આ ધબ્બાને સામાજિક સદ્ભાવના અને પરંપરાના નામે સદીઓ સુધી હિન્દુ સમુદાયને આ કુપ્રથા વેંઢારવા મજબૂર કરવામાં આવ્યો.
 
કર્ણાટકનાં કેટલાંક મંદિરોમાં તત્કાલીન મૈસૂર સુલતાન ટીપુના નામ પર સલામ આરતીની પરંપરા ચાલુ કરવામાં આવી હતી. સરકારે તેનું નામ બદલી સંધ્યા આરતી કરી દીધું અને તે બિલકુલ યોગ્ય જ છે. જો ભારતનાં મંદિરોમાં આપણી સંસ્કૃતિને મજબૂત કરવાનું કામ નહીં કરવામાં આવો તો પછી બીજે ક્યાં થશે ? - અરાંગા જ્ઞાનેન્ય (ગૃહમંત્રી, કર્ણાટક)
 
 
સરકારે ‘દીવતિગે સલામ’નું નામ બદલી દીવતિગે નમસ્કાર, સલામ આરતીનું આરતી નમસ્કાર સલામ મંગલ આરતીનું નામ બદલી મંગલ આરતી નમસ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા આ નિર્ણય વરિષ્ઠ આગમ પૂજારીઓની સલાહ પર લેવામાં આવ્યો છે. કર્ણાટક રાજ્ય ધાર્મિક પરિષદની મીટિંગમાં કેટલાક સદસ્યોએ આ મામલે તથ્યાત્મક વાત રજૂ કરી હતી. એટલું જ નહીં અહીં આવતા દર્શનાર્થીઓએ પણ આ આરતીઓનાં નામ બદલી હિન્દુ પરંપરા મુજબ કરવાની માંગણી કરી હતી.- શશિકલા જોલે (મંત્રી કર્ણાટક સરકાર)

સંજય ગોસાઈ

સંજય ગોસાઇ સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધનાનાં સંપાદક મંડળમાં છે…