રશિયા-યુક્રેન વિવાદ : વિશ્ર્વયુદ્ધ તો નહીં નોંતરે ને ? શું છે રશિયા - યુક્રેન વિવાદ

હાલ રશિયાના યુક્રેન પરના હુમલાને લઈને જો અને તો વચ્ચે વિશ્ર્વ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. છતાં પણ જો રશિયા યુક્રેન પર હુમલો કરે છે તો તેના પડઘા વૈશ્ર્વિક સ્તરે પડશે એ નિશ્ર્ચિત છે

    14-Feb-2022   
કુલ દૃશ્યો |

Russia-Ukraine crisis
 
 
 
 
 
શું રશિયા યુક્રેન પર હુમલો કરવાનું છે?
શું આનાથી વિશ્વયુદ્ધ ફાટી નીકળવાનું છે?
ભારત પર આની કેવી અસર થશે?
વાંચો સંપૂર્ણ અહેવાલ ટૂંકમાં...
 
 
રશિયા અને યુક્રેન વચ્ચે તનાવ ચરમસીમા પર છે. આ વિવાદમાં મહાશક્તિઓ પણ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. રશિયા ને ચીન એક તરફ છે તો બીજી તરફ અમેરિકા, બ્રિટન અને યુરોપિયન દેશો છે. વિશ્ર્વ સુરક્ષા વિશેષજ્ઞો પરિસ્થિતિને ખૂબ જ પ્રવાહી ગણાવી નાનુંઅમથું છમકલું દુનિયાને વિશ્ર્વયુદ્ધમાં ધકેલી દેશેની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે શું છે રશિયા-યુક્રેન વિવાદ, જો રશિયા યુક્રેન પર હુમલો કરે છે તો શું હશે વિશ્ર્વની ભૂમિકા અને ભારત પર કેવી થશે તેની અસર જાણીએ આ મુખપૃષ્ઠ વાર્તામાં...
 
 
 
* રશિયા અને યુક્રેન વચ્ચે હાલ તનાવ ચરમસીમા પર છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની આશંકાને એટલા માટે પણ બળ મળે છે કે અમેરિકાએ તો પોતાના નાગરિકોને યુક્રેન છોડી દેવા પણ જણાવ્યું છે અને પોતાના દૂતાવાસને પણ ખાલી કરાવી રહ્યું છે.
 
* રશિયા અને યુક્રેન વચ્ચે પેદા થયેલ યુદ્ધની પરિસ્થિતિને કારણે અને વિશ્ર્વસત્તાઓમાં આ વિવાદમાં ઝંપલાવવાના કારણે વિશ્ર્વ પર મહાયુદ્ધનાં વાદળો પણ મંડરાઈ રહ્યાં છે.
 
* અમેરિકા પહેલાં જ રુસને યુક્રેન પર હુમલો કર્યો તો જોવા જેવી થશેની ચેતવણી આપી ચૂક્યું છે. તો બ્રિટન અને કેનેડાએ યુક્રેનને સૈન્ય સહાયતા અને યુદ્ધનો સામાન પૂરો પાડવાનું પણ શરૂ કરી દીધું છે.
 
 
દુનિયાના સૌ પ્રથમ સામ્યવાદી દેશની રચના અને વિઘટન
 
 
રશિયા-યુક્રેન વચ્ચેના આ આખા વિવાદને જાણતા પહેલાં એક નજર એક સમયની વિશ્ર્વ મહાસત્તા સોવિયત સંઘ (હાલનુંં રશિયા)ના ગઠન અને વિઘટનના ઇતિહાસ પર એક નજર કરી લઈએ. સોવિયત સંઘ કે યુએસએસઆર (યુનિયન ઓફ સોવિયેત સોશિયાલિસ્ટ રિપબ્લિક્સ)ની રચના વર્ષ ૧૯૨૨માં ૩૦મી ડિસેમ્બરે થઈ હતી. આ સંઘ રશિયા, બેલારૂસ, યુક્રેન અને ટ્રાન્સકોકેશિયન ફેડરેશન (જેના ૧૯૩૬માં જયોર્જિયા, અઝરબૈજાન અને ઓર્મેનિયા પ્રજાસત્તાકમાં ભાગલા પડ્યા) મળીને બન્યો હતો. માકર્સવાદી સમાજ પર આધારિત આ દુનિયાનો પ્રથમ સામ્યવાદી દેશ હતો. ૧૯૧૭માં થયેલી રશિયન ક્રાંતિને પગલે રશિયન સામ્રાજ્યનું પતન થયું. ત્યાર બાદ ત્યાં ત્રણ વર્ષ સુધી ગૃહયુદ્ધની સ્થિતિ રહી. આ ગૃહયુદ્ધ બાદ વ્લાદિમિર લેનિનની આગેવાનીવાળી બોલ્શેવિક પાર્ટી સૌથી મોટી શક્તિ બનીને ઊભરી, જેણે એક સમાજવાદી દેશની રચનાનું આહ્વાન કર્યું અને આ રીતે યુએસએસઆરની રચના થઈ. તેમાં સરકારના બધા જ સ્તરો પર કમ્યુનસ્ટિ પાર્ટીનું નિયંત્રણ હતું. રચનાના થોડા દાયકામાં જ સોવિયત સંઘ દુનિયાની એક મુખ્ય તાકાત બની ગયો, જેમાં રશિયા, યુક્રેન, જયોર્જિયા, બેલારૂસ, ઉઝબેકિસ્તાન, આર્મેનિયા, અઝરબૈજાન, કઝાખસ્તાન, કિર્ગસ્તાન, મોલ્દોવા, તુર્કમેનિસ્તાન, તઝાકિસ્તાન, લાતવિયા, લિથુઆનિયા અને એસ્તોનિયા જેવા ૧૫ દેશોનો સમાવેશ થતો હતો. વર્ષ ૧૯૯૧માં કમ્યુનિસ્ટ શાસનના પતન બાદ સોવિયત સંઘના ભાગલા પડી ગયા. હવે વાત કરીએ યુક્રેન રશિયા માટે આટલું મહત્ત્વનું કેમ તે અંગે...
 
 
રશિયા માટે કેમ મહત્ત્વનું છે યુક્રેન
 
 
ભૂતકાળમાં યુક્રેન સોવિયત સંઘનો જ એક ભાગ હોવાથી યુક્રેનના રશિયા સાથે ખૂબ જ ઊંડા સાંસ્કૃતિક, આર્થિક અને રાજનૈતિક સંબંધો રહ્યા છે. યુક્રેનની રાજધાની કિવને રશિયાનાં શહેરોની માતા પણ કહેવામાં આવે છે. આ શહેરનું સાંસ્કૃતિક મહત્ત્વ રશિયાની રાજધાની મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગ શહેરથી જરા પણ ઊતરતું નથી. સોવિયત સંઘના પતન બાદ યુક્રેનનું રશિયાથી અલગ થવાને અનેક રશિયન રાજનેતા ઇતિહાસની સૌથી મોટી ભૂલ ગણાવે છે. યુક્રેન પર સ્થાયી પકડ બાંધી અને પશ્ર્ચિમી દેશોના યુક્રેન પર દબદબાને રશિયા પોતાની આંતરરાષ્ટ્રીય પ્રતિભા અને શક્તિ પર આઘાત તરીકે જુએ છે. રશિયા યુક્રેનમાં રહેતા ૮૦ લાખ જેટલા રશિયન નાગરિકોની રક્ષાને પણ વારંવાર મુદ્દો બનાવે છે. વ્યાપારની દૃષ્ટિએ પણ યુક્રેન રશિયા માટે ખૂબ જ મહત્ત્વનું છે. યુક્રેન યુરોપનો બીજો સૌથી મોટો દેશ છે. અહીં ખૂબ જ ફળદ્રુપ મેદાની વિસ્તાર છે તો બીજી તરફ પૂર્વ યુક્રેનમાં અનેક મોટા ઉદ્યોગો છે. યુક્રેનના પશ્ર્ચિમી ભાગમાં લોકોનો ઝુકાવ પોલેન્ડ તરફી છે ને પશ્ર્ચિમી દેશોના પ્રભાવથી અહીં રાષ્ટવાદની ભાવના પ્રબળ બની છે, પરિણામે રશિયા યુક્રેનને હંમેશના માટે પોતાના હાથમાંથી સરકતું જોઈ હાંફળું બન્યું છે.
 
 
યુક્રેન રશિયા માટે બફર જોન
 
 
વર્જીનિયામાં ટેક યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ રિલેશનના પ્રોફેસર જેરોલ્ડ ટોલ મુજબ જે વલણ હાલ રશિયા અપનાવી રહ્યું છે તે એટલા માટે છે તે પોતાના સરહદો નજીક એક શક્તિશાળી અને તેના માટે ખતનારક સૈન્ય ગઠબંધનનું પ્લેટફોર્મ રચાય તેમ ઇચ્છતું નથી. રશિયા યુક્રેનને નાટોનું સદરસ્ય બનતાં રોકવા કોઈપણ હદે જઈ શકે છે, કારણ કે આમ થઈ જાય તો યુક્રેનને તે દેશો તરફથી સૈન્ય સહકાર મળવા લાગે જે રશિયા માટે મોટો પડકાર ઊભો કરે. ૧૮૧૨માં નેપોલિયનના આક્રમણ સમયેથી જ યુક્રેન રશિયા માટે બફર જોન બની રહ્યું છે. યુક્રેન રશિયાની પશ્ર્ચિમી સરહદ પર સ્થિત છે જ્યારે તેના પર બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન પશ્ર્ચિમ તરફથી હુમલો થયો હતો ત્યારે યુક્રેનના આ વિસ્તારમાંથી જ તેણે પોતાની રક્ષા કરી હતી. ત્યાંથી રશિયાની રાજધાની મોસ્કો ૧૦૦૦ માઈલ એટલે કે ૧૬૦૦ કિલોમીટર છે, ત્યારે જો યુક્રેન નાટોના હાથમાં ગયું તો મોસ્કો નાટોથી માત્ર ૪૦૦ માઈલ એટલે કે ૬૪૦ કિલોમીટર જ દૂર હશે. માટે યુક્રેન રશિયા માટે હાલ એ સંરક્ષણાત્મક વિસ્તાર છે. જેને તે કોઈપણ ભોગે પોતાની પાસે રાખવા માંગે છે. રશિયાને લાગી રહ્યું છે કે તે દુશ્મનોના એક ગઠબંધનથી ઘેરાઈ ગયું છે, જે તેના માટે મોટો ખતરો છે. ૧૨ જુલાઈ, ૨૦૨૧ના રોજ યુક્રેન સાથેના રશિયાના સંબંધો પર રાષ્ટપતિ પુતિન દ્વારા લખાયેલા એક વિસ્તૃત લેખનો ઉલ્લેખ કરી તેઓ કહે છે કે રશિયા યુરોપ અને યુક્રેન વચ્ચે એક વાઘ બની ઊભું છે. પુતિન તેમના લેખમાં લખ્યું હતું કે બેલારુસ, યુક્રેન અને રશિયાના પૂર્વજો એક જ હતા. રશિયા અને યુક્રેનના લોકો એક સમાન છે. રાષ્ટપતિ પુતિન દ્વારા લખાયેલા આ લેખનો ઉલ્લેખ કરી તેઓ કહે છે કે રશિયા યુક્રેનને માત્ર એક દેશ તરીકે જ નથી જોતું પોતાના જ એક ભાગ ગણે છે માટે જ તેનો દૃષ્ટિકોણ યુક્રેનને પોતાના હાથમાંથી જતું રોકવા ખૂબ જ આક્રમક છે. સાથે જ રશિયા યુક્રેનને પોતાનું દિલ (હૃદય) માને છે ત્યારે યુક્રેન એક દેશ તરીકે પોતાને રશિયા વિરોધી ગણાવે છે, ત્યારે રશિયામાં ખૂબ જ તીવ્ર ભાવના પેદા થાય છે અને રશિયાની યુક્રેનને લઈ એવી જ ગુસ્સાની ભાવના પેદા થાય છે જેમ એક ભાઈ દ્વારા બીજા ભાઈ સાથે વિશ્ર્વાસઘાત કરવામાં આવે. ત્યારે એક ભાઈને પાપ છે.
 
 
બન્ને દેશો વચ્ચેના તનાવનું મૂળ કારણ શું છે ?
 
 
યુક્રેનની સરહદો પશ્ર્ચિમી યુરોપ અને પૂર્વમાં રશિયા સાથે જોડાયેલી છે. ૧૯૯૧ સુધી યુક્રેન સોવિયત સંઘનો જ એક ભાગ હતું. યુક્રેન રશિયાથી અલગ થયા બાદ ૨૦૧૩ બાદ અચાનક આ બન્ને દેશો વચ્ચે તનાવ વધી ગયો હતો. નવેમ્બર, ૨૦૧૩માં યુક્રેનની રાજધાની કિવમાં રશિયા તરફી ગણાતા તત્કાલીન રાષ્ટપતિ વિક્ટર યુનાકોવિચનો વિરોધ કરવા જનતા રસ્તાઓ પર ઊતરી આવી હતી. એ વખતે પણ અમેરિકા અને બ્રિટને પ્રદર્શનકારીઓનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું. પ્રદર્શનો એટલાં જબરજસ્ત અને હિંસક હતાં કે ૨૦૧૪માં યાનુકોવિચને યુક્રેન છોડી ભાગવું પડ્યું હતું. આ ઘટનાથી રશિયા એટલું તો ગુસ્સે થયું કે તેણે દક્ષિણી યુક્રેનના મહત્ત્વના વિસ્તાર એવા ક્રિમિયા પર કબજો કરી લીધો હતો અને યુક્રેનના અલગાવવાદીઓને સમર્થન જાહેર કરી દીધું. રશિયા સમર્થિત અલગાવવાદીઓ હાલ યુક્રેનના મોટાભાગ પર હાહાકાર મચાવી રહ્યા છે અને અલગાવવાદીઓ અને યુક્રેન સૈન્ય વચ્ચે અથડામણો ચાલી રહી છે.
 
ઉલ્લેખનીય છે કે ૧૯૫૪માં સોવિયત સંઘના સર્વોચ્ચ નેતા સુશ્ચેવે યુક્રેનને ક્રિમિયા ભેટ રૂપે આપ્યું હતું. તે વખતે બન્ને દેશો વચ્ચે ખૂબ જ સારા સંબંધો હતા. પરંતુ ૧૯૯૧માં યુક્રેન જ્યારે સોવિયત સંઘથી અલગ થયું ત્યારે ક્રિમિયાને લઈ બન્ને દેશો વચ્ચે વિવાદ વધી ગયો અને રશિયાના સંભવિત આક્રમણથી બચવા યુક્રેન પશ્ર્ચિમી દેશો તરફ ઝૂક્યું. ૨૦૧૫માં ફ્રાન્સ અને જર્મનીની મધ્યસ્થીથી રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સમજૂતી થઈ અને બન્ને દેશો વચ્ચે સંઘર્ષ વિરામ થયો. પરંતુ હજી પણ રશિયાને યુક્રેનનો પશ્ર્ચિમી દેશો તરફનો આ ઝુકાવ જ ખટકે છે. યુક્રેન પશ્ર્ચિમી દેશો સાથે પોતાના સંબંધો સતત સુધારવામાં લાગેલું છે. જ્યારે રશિયા તેનો વિરોધ કરે છે. યુક્રેન નાટોનું સદસ્ય ન હોવા છતાં પણ NATO સાથે તેના ખૂબ જ સારા સંબંધો છે. વાચકોને જણાવી દઈએ કે ૧૯૪૯માં સોવિયત સંઘનો મુકાબલો કરવા માટે જ નોર્થ અટલાંટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન (NATO)ની સ્થાપના થઈ હતી. આજે અમેરિકા સહિત વિશ્ર્વના ૩૦ દેશો તેના સદસ્યો છે અને આ સંગઠનની સંધિ મુજબ જો સંગઠનના કોઈ સદસ્ય દેશ પર બહારનો કોઈ દેશ હુમલો કરે છે તો NATO ના તમામ દેશો સંગઠિત થઈ તેનો સામનો કરશે. નાટો અને યુક્રેન વચ્ચે વધી રહેલી નજદીકીને લઈ રશિયાને યુક્રેન પણ નાટોનું સદસ્ય બની જવાની ચિંતા છે. આને આમ થાય તો નાટો સીધું જ રશિયાની સરહદો સુધી પહોંચી જશે. માટે જ રશિયા નાટોને અને યુક્રેનને નાટોથી એકબીજાથી દૂર રહેવાની ચેતવણી આપ્યા કરે છે અને નાટો જો યુક્રેન મામલે દખલગીરી કરે છે તો વિશ્ર્વયુદ્ધ છેડવાની ધમકી આપી છે.
 
પશ્ર્ચિમના એક વરિષ્ઠ ગુપ્તચર અધિકારીએ ચેતવણી આપી છે કે જો રશિયા યુક્રેન પર હુમલો કરવાનો નિર્ણય લેશે તો સંઘર્ષ સમગ્ર યુરોપમાં ફેલાઈ શકે છે. પત્રકારો સાથે વાત કરતાં આ અધિકારી જણાવે છે કે, આપણે અંધારામાં ન રહેવું જોઈએ. જો રશિયા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરશે તો નાટોના સભ્યો સામે પણ કાર્યવાહી કરશે. ત્યારે આ લડાઈ માત્ર એક દેશ પૂરતી જ સીમિત રહેશે એવો વિચાર નરી મૂર્ખતા ગણાશે. બ્રિટનના સૌથી વરિષ્ઠ લશ્કરી અધિકારી ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ એડમિરલ સર ટોની રાડાકિને પણ આવી જ ચિંતા વ્યક્ત કરી છે. એડમિરલ સર ટોની રાડાકિન જણાવે છે કે, પૂર્ણ આક્રમણની દૃષ્ટિએ આનાથી ખરાબ પરિસ્થિતિ બીજા વિશ્ર્વયુદ્ધ પછી યુરોપમાં જોવા નહીં મળી હોય. તેમણે યુક્રેનની સરહદે રશિયન સૈનિકોના જમાવડાને અત્યંત ચિંતાજનક ગણાવ્યો છે, તેઓ કહે છે કે, યુએસ અને તેના નાટો સહયોગીઓએ ચેતવણી આપી છે કે રશિયાના યુક્રેન પર હુમલાના ગંભીર આર્થિક પરિણામો આવશે, તેમ છતાં રશિયાના સૈન્યનો યુક્રેનની સરહદે જમાવડો ચાલુ છે અને આ કંઈ અચાનક નથી થયું પરંતુ સતત પ્રક્રિયાનો હિસ્સો છે. અમેરિકન એજન્સીઓના અંદાજ મુજબ, ૧,૦૦,૦૦૦ રશિયન સૈનિકો હાલમાં યુક્રેન સરહદે ટેન્ક અને આર્ટિલરી સાથે તહેનાત છે. આ સંખ્યા વધીને ૧,૭૫,૦૦૦ થઈ શકે છે. જો રશિયાએ અત્યારે હુમલો કરવાનો નિર્ણય લઈ લીધો હશે તો તે તેમ કરી શકે છે. તેમણે એ પણ ધ્યાન દોર્યું કે, જો કે, રશિયન સૈન્યને હજુ પણ યુક્રેનની સરહદે સંપૂર્ણ લૉજિસ્ટિકલ સપોર્ટ, દારૂગોળો, ફિલ્ડ હૉસ્પિટલો અને બ્લડ બૅન્કો જેવી કેટલીય મહત્ત્વપૂર્ણ સુવિધાઓની ભારે માત્રામાં જરૂરિયાત છે. રશિયન સૈન્યના જમાવડાને ધીમી ગતિનો અને ધીમે ધીમે દબાણ વધારતો ગણાવ્યો છે.
 
 
પુતિનનો ઇરાદો
 
આ મામલા પર નજર રાખી રહેલાં વિશેષજ્ઞો મુજબ, રશિયા યુક્રેન પર હુમલો કરે તો મોટી સંખ્યામાં લોકો વિસ્થાપિત થઈ શકે છે અને યુક્રેનમાં તબાહીને કારણે શરણાર્થીઓની સંખ્યા અને મૃત્યુઆંક ખૂબ જ વધારે રહેવાનું અનુમાન છે. ૨૦૧૪માં પૂર્વીય યુક્રેનમાં થયેલી લડાઈમાં ૧૪,૦૦૦ લોકો માર્યા ગયા હતા અને લગભગ ૧૪ લાખ લોકો વિસ્થાપિત થયા હતા. આ કાર્યવાહીમાં રશિયા નાટોના સભ્ય દેશો પર સાયબર અને હાઇબ્રિડ હુમલા કરવાની સાથે સીધા હુમલા પણ કરી શકે છે. જો આ લડાઈ અન્યત્ર ફેલાશે, તો આ અસરો વધુ વિસ્તૃત થઈ શકે છે.
 
જો કે, રશિયાના રાષ્ટપતિ વ્લાદિમીર પુતિનના ઇરાદા અંગે પશ્ર્ચિમી દેશો હજુ સ્પષ્ટ નથી. શું પુતિને આક્રમણ કરવાનો નિર્ણય લીધો છે? નિર્ણય લેવાનો હજુ બાકી છે ? જો કે વિશેષજ્ઞોએ ચેતવણી પણ આપી છે કે, જો રશિયાની માગણીઓ સંતોષવામાં નહીં આવે, તો ક્રેમલિનના ટેબલ પર લશ્કરી વિકલ્પો મુકાવાની શક્યતાઓ ઘણી વધારે છે. આમાં મૉસ્કોની કટ્ટર આક્ષેપબાજી, યુક્રેન અને નાટો પર ઉશ્કેરણીનો આરોપ લગાવવો, પારદર્શિતાનો અભાવ અને ૨૦૧૪માં રશિયાનો ક્રિમિયા પર કબજો કરવાના ઇતિહાસનો ચિંતાજનક ટ્રેક રેકૉર્ડ વગેરે ચિંતા ઉપજાવા પૂરતા છે. આમાં બેલારુસમાં હજારો પ્રવાસીઓના સ્થળાંતર સાથે જોડાયેલા તાજેતરના સરહદસંકટની સાથે કોકેશસ અને અન્ય પ્રદેશોમાં અલગતાવાદીઓને રશિયન સમર્થનનો પણ સમાવેશ થાય છે. જોકે આ બધા દેશ વ્યૂહાત્મક રીતે જોડાયેલા છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. તેમના મતે, આ દર્શાવે છે કે પૂર્વીય યુરોપના પૂર્વ ભાગમાં સમસ્યા છે.
 
 
રશિયાની માગણીઓ અને તેમના રાજદ્વારી ઉકેલો
 
 
અમેરિકા અને નાટોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ સંઘર્ષ ટાળવા માટે રશિયા સાથે વાતચીત કરવા માગે છે. મૉસ્કો પણ ઇચ્છે છે કે વાતચીત ચાલુ રહે. તાજેતરની બાયડન અને પુતિન વચ્ચેની વર્ચ્યુઅલ મીટિંગ એ દિશામાં શરૂઆત છે. એ પછી નાટોના અન્ય સભ્ય દેશો સાથે વધુ વાતચીત પણ થશે. જોકે રશિયાની માગણીઓ અને કહેવાતી લાલ રેખાઓ કૂટનીતિને મુશ્કેલ બનાવી રહી છે. રશિયા ઘણા મુદ્દાઓ પર ખાતરી માગે છે, જેમ કે યુક્રેન ક્યારેય નાટોમાં જોડાવું ન જોઈએ, યુક્રેનમાં નાટોના સભ્ય દેશોનું કોઈ કાયમી દળ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર (માળખું) ન હોવું જોઈએ અને રશિયન સરહદે લશ્કરી કવાયત કરવા માટે પણ કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું ન જોઈએ. જોકે નાટોએ ભારપૂર્વક કહ્યું છે કે તેમનું જોડાણ સુરક્ષા ખાતર રચાયું છે અને તે રશિયા માટે ખતરો નથી. આ સાથે નાટોએ સ્પષ્ટ કર્યું છે કે તેમના મતે યુક્રેનને એક સાર્વભૌમ દેશ તરીકે પોતાના નિર્ણયો લેવાનો અધિકાર છે અને તે યુક્રેનના ભવિષ્ય પર રશિયાને વીટો આપવા બિલકુલ તૈયાર નથી. નાટોના આ કડક વલણ બાદ રશિયાએ યુક્રેનને ચારેય તરફથી ઘેરવા લાગ્યું છે. જ્યારે અમેરિકા પણ યુરોપમાં પહેલેથી જ તૈનાત પોતાના ૬૦,૦૦૦ સૈનિકો ઉપરાંત ૨૦૦૦ સૈનિકો મોકલી રહ્યું છે. ત્યારે આ સમસ્યા ઉકેલવાને બદલે વધુ ગૂંચવડ ભરી બની છે.
 
 
ભારત માટે કટોકટીનો સમય
 
 
ભારતની વાત કરીએ તો યુક્રેન-રશિયા વચ્ચે તનાવ અંગે ચર્ચાની બેઠક પહેલા સંયુક્ત રાષ્ટ સુરક્ષા પરિષદમાં પ્રક્રિયાત્મક મતદાનમાં ભાગ ન લેવાનો નિર્ણય કરી ભારતે પુનઃ એક વખત રશિયા-અમેરિકા સાથેના તેના સંબંધો વચ્ચે સમતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રસ્તાવમાં યુએનએસસીના ૧૦ દેશ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, યુએઈ, ઘાના, અલ્બાનિયા, નોર્વે, બ્રાઝિલ, મેક્સિકો અને આયર્લેન્ડે યુક્રેનના મુદ્દાને ઉઠાવવાના પક્ષમાં મતદાન કર્યું હતું. તો આના બે સદસ્યો ચીન અને રશિયાએ તેમના વિરુદ્ધ મતદાન કર્યું હતું. જ્યારે ભારત સહિત ગેબોન અને કેન્યાએ મતદાનથી પોતાને અલગ રાખ્યા હતા. જો કે અમેરિકાને ચર્ચાને આગળ વધારવા માત્ર ૯ મતોની જ જરૂર હતી ત્યારે ભારતે મતદાન કરી પુનઃ એક વખત અમેરિકા અને રશિયા વચ્ચે સંબંધોનું સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. સ્વિડિશ થિંક ટૅન્ક સ્ટૉકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI)ના રિપોર્ટ અનુસાર, ભારતની લગભગ ૬૦ ટકા સૈન્ય જરૂરિયાતો રશિયા પાસેથી પૂરી થાય છે અને આ અત્યંત મહત્ત્વપૂર્ણ પક્ષ છે અને હાલ જ્યારે પૂર્વ લદ્દાખમાં ચીન અને ભારતના સૈનિક હાલ સામસામે છે, ત્યારે આવી પરિસ્થિતિમાં યુક્રેનના મામલે ભારત, રશિયાને નારાજ કરવાનું જોખમ ન લઈ શકે. બીજી તરફ યુરોપ અને અમેરિકા પણ ભારતના મહત્ત્વપૂર્ણ સાથીદારો છે. ભારત-ચીન સીમા પર નજર રાખવામાં ભારતીય સેનાને અમેરિકા પાસેથી અમેરિકન પેટ્રોલ ઍરક્રાફ્ટ પાસેથી મદદ મળે છે. સૈનિકો માટે ઠંડી માટેનાં કપડાં ભારત અમેરિકા અને યુરોપ પાસેથી ખરીદે છે. આવી પરિસ્થિતિમાં ભારત ન તો રશિયાને છોડી શકે છે અને ના પશ્ર્ચિમ સાથે છેડો ફાડી શકે છે. ત્યારે યુક્રેન-રશિયા સંકટ ભારત માટે પણ કોઈ સંકટ કરતાં ઓછું નથી.
 
યુક્રેન સંકટ વચ્ચે જો રશિયા પર ચીન ભારત માટે સૈન્ય પુરવઠો રોકવામાં દબાણ કરે છે ત્યારે રશિયા શું કરશે ? તેનો જવાબ આપતાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રશિયન અને મધ્ય એશિયા અધ્યયન કેન્દ્રના ઍસોસિયેટ પ્રોફેસર રાજનકુમાર કહે છે કે, મને નથી લાગતું કે રશિયા યુક્રેન પર હુમલો કરશે. પુતિન માટે હુમલો કરવો સરળ નથી. રશિયાનું અર્થતંત્ર યુરોપમાં ગૅસ પુરવઠો પૂરો પાડવા પર ઘણુંખરું નિર્ભર છે. છતાં જો તેઓ હુમલો કરે છે તો ચીન સાથે રશિયાની નિકટતા વધશે અને તે ભારત માટે સારું નહીં કહેવાય. જો કે, ત્યારે રશિયા ચીનનો દબાણને વશ થઈ. ભારતને પુરોપડાતો સૈન્ય પુરવઠો નહીં રોકે. રાજનકુમાર કહે છે કે, ૨૦૧૪માં જ્યારે પુતિને ક્રિમિયાને રશિયામાં ભેળવી લીધું હતું ત્યારે ભારતની પ્રતિક્રિયા કંઈક આવી હતી. રશિયાનું યુક્રેન અને ક્રિમિયામાં તાર્કિક હિત જોડાયેલું છે. ભારતે એનેક્સેશન શબ્દનો ઉપયોગ પણ કર્યો હતો.
 
આ વખત પણ ભારતનું વલણ કંઈક આવું જ રહેશે, જેથી તે બંને શક્તિઓની અથડામણ વચ્ચે નહીં પડે. પરંતુ ઘણી વાર વચ્ચે ન આવવા છતાં પણ આપ પ્રભાવિત થઈ જાઓ છો. ૧૯૬૨માં ક્યૂબા મિસાઇલ સંકટ અને ભારત પર ચીનનો હુમલો, બંને એકસાથે થયા હતા. સોવિયેત યુનિયનને ચીનના સમર્થનની જરૂરિયાત હતી. આવી પરિસ્થિતિમાં ભારતને મુશ્કેલ સમયમાં સમર્થન નહોતું મળ્યું. કહેવાઈ રહ્યું છે કે હાલ એક વાર ફરીથી રશિયાને ચીનની જરૂરિયાત હશે અને આવી પરિસ્થિતિમાં રશિયા પોતાના હિતને જોતાં ભારત સાથે સંબંધોની ચિંતા ન પણ કરે માટે ભારત માટે આ સમય ખરેખર મુશ્કેલીભર્યો સમય છે.
 
 
રશિયા તરફી રહેલું ભારતનું વલણ
 
 
ખાડીના દેશો બાદ અમેરિકાનો સૈન્ય હસ્તક્ષેપ સમગ્ર વિશ્ર્વમાં વધ્યો છે. તેમાં બોસ્નિયા અને કોસોવોમાં ૧૯૯૦ના દાયકાના સૈન્ય હસ્તક્ષેપ પણ સામેલ છે. ૧૯૯૯માં સર્બિયાના પાટનગર બેલગ્રેડમાં નાટોએ બૉમ્બધડાકા કર્યા હતા. આ જ આધારે રશિયા કહેતું રહ્યું છે કે નાટો ગઠબંધન માત્ર પોતાની સુરક્ષા માટે નથી. બેલગ્રેડમાં જ્યારે નેટોએ બૉમ્બધડાકા કર્યા હતા ત્યારે ચીનનું દૂતાવાસ પણ પ્રભાવિત થયું હતું અને ચીન તેને ભૂલ્યું નથી. ૯/૧૧ના આંતકવાદી હુમલા બાદ નાટોએ અનુચ્છેદ પાંચનો ઉપયોગ કરતાં અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો. પરંતુ અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની સેના પરત ફરી અને તેના સમર્થનવાળી સરકારના રાષ્ટપતિ અશરફ ગની પણ દેશ મૂકીને ભાગી ગયા હતા, ત્યારે વિશેષજ્ઞોનું માનવું છે કે અમેરિકાના અફઘાનિસ્તાનાંથી પાછા હઠ્યા બાદ એક સંદેશ ગયો કે અમેરિકન ઑર્ડરવાળી દુનિયા કમજોર પડી રહી છે. હાલ પુતિને કઝાખસ્તાનમાં સફળતાપૂર્વક સૈન્ય હસ્તક્ષેપને અંજામ દીધો અને હવે યુક્રેન પર આ આશંકા મજબૂત બનતી જઈ રહી છે.
 
નવેમ્બર ૨૦૨૦માં સંયુક્ત રાષ્ટમાં યુક્રેન ક્રિમિયામાં માનવાધિકારોના કથિત ઉલ્લંઘનને લઈને પ્રસ્તાવ લાવ્યા. અને ભારતે તેના વિરુદ્ધમાં વોટ કર્યો હતો. અમેરિકાએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. સ્પષ્ટ છે કે ભારતે અમેરિકા બદલે રશિયાનો સાથ આપવાનું પસંદ કર્યું હતું. માર્ચ, ૨૦૧૪માં જ્યારે રશિયાએ ક્રિમિયાને પોતાનામાં સામેલ કરી લીધું ત્યારે ભારતની તત્કાલીન મનમોહનસિંહની સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કામ કરનાર શિવશંકર મેનને કહ્યું હતું કે, ક્રિમિયાનું હિત રશિયા સાથે છે. એટલે કે ભારતે ક્રિમિયાને રશિયામાં સામેલ કરવાનું પણ સમર્થન કર્યું જ્યારે અમેરિકા સહિત યુરોપના દેશે આજે પણ આ વાતને ગેરકાયદેસર માને છે.
 
તે સમયે રશિયાના રાષ્ટપતિ પુતિને ભારતના સમર્થન માટે આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, હું એ તમામનો આભાર વ્યક્ત કરું છું, જેમણે ક્રિમિયામાં રશિયન કાર્યવાહીનું સમર્થન કર્યું. ચીનનો હું આભારી છું, જ્યાંના નેતૃત્વે ક્રિમિયામાં રશિયાના પગલાનું સમર્થન કર્યું. અમે ભારતના સંયમ અને નિષ્પક્ષતાની અત્યંત સરાહના કરીએ છીએ.
 
 
ભારત પર શી અસર થશે ?
 
 
રશિયા અને યુક્રેન વચ્ચે કોઈ સૈન્ય અથડામણ થઈ તો રશિયા પર પશ્ર્ચિમ દેશ પ્રતિબંધ લાદશે. આવી પરિસ્થિતિમાં રશિયા યુરોપમાં ગૅસનો પુરવઠો પૂરો પાડવામાં ઘટાડો કરી શકે છે. તેની અસર ઑઇલની કિંમતો પર પડશે. યુક્રેનનો ડોનબાસ વિસ્તાર, જે રશિયા અને યુક્રેન વચ્ચે વિવાદમાં સૌથી મહત્ત્વનો છે અનો ત્યાંનો સૌથી મોટો રિઝર્વ છે. આવી સ્થિતિમાં રશિયા ચીન સાથે ઑઇલ અને ગૅસ વેચાણ અંગે વાત કરશે. વૈશ્ર્વિક ઊર્જા બજાર પ્રભાવિત થશે અને ઑઇલની કિંમતો વધી શકે છે. આવી પરિસ્થિતિમાં ભારત પર પણ અસર થશે.
 
 
ઉપસંહાર
 
 
આમ હાલ રશિયાના યુક્રેન પરના હુમલાને લઈને જો અને તો વચ્ચે વિશ્ર્વ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. છતાં પણ જો રશિયા યુક્રેન પર હુમલો કરે છે તો તેના પડઘા વૈશ્ર્વિક સ્તરે પડશે એ નિશ્ર્ચિત છે અને આગળ આશંકા જતાવી તેમ વિશ્ર્વમાં કદાચ ત્રીજા વિશ્ર્વયુદ્ધનાં વાદળો ઘેરાઈ શકે છે અને જો આમ થાય છે ત્યારે વિશ્ર્વની સાથે સાથે ભારત માટે પણ આ કટોકટીભર્યો સમય હશે, કારણ કે ભારત સરહદ પર પાકિસ્તાન અને ચીનનો પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે ચીન પહેલેથી જ ક્રિમિયા મુદ્દે રશિયાની પડખે ખુલ્લેઆમ છે અને પાકિસ્તાન પણ વહેલા મોડા આ મુદ્દે રશિયાનાં ટેકામાં ખુલ્લે આમ આવી જશે. એ નક્કી છે ત્યારે ભારત વિરુદ્ધનો કોઈપણ પગલામાં રશિયા માટે ભારતનાં પક્ષે ખુલ્લેઆમ ઉતરી આવવું સરળ નહીં હોય.
 
 
 

સંજય ગોસાઈ

સંજય ગોસાઇ સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધનાનાં સંપાદક મંડળમાં છે…