કેરળમાં મુસ્લિમો ઇસ્લામ છોડી રહ્યા છે !

આવા લોકોએ જે સંગઠન બનાવ્યું છે તેનું નામ છે ‘ઍક્સ મુસ્લિમ્સ ઑફ કેરલ’. ભારતમાં આ પ્રકારનું કદાચ આ પહેલું સંગઠન છે.

    04-Feb-2022   
કુલ દૃશ્યો |

Ex-Muslims of Kerala
ઇસ્લામની ટીકા કરવા માટે પણ હુમલા કે હત્યાનો ભોગ બનવું પડે છે ત્યારે ઇસ્લામ છોડવો તો ખૂબ જ જોખમી છે. આવી સ્થિતિ છતાં કેરળમાં વધુ ને વધુ મુસ્લિમો ઇસ્લામ છોડી રહ્યા છે. તેઓ ઇસ્લામની કટ્ટરતાથી કંટાળ્યા છે. તેમણે પોતાની એક સંસ્થા ’ઍક્સ મુસ્લિમ્સ ઑફ કેરલ’ બનાવી છે અને તેમણે ૯ જાન્યુઆરીને ’કેરલ ઍક્સ મુસ્લિમ ડે’ ( kerala ex muslim day ) મનાવવાનું નક્કી કર્યું છે.
 
 

Why Muslims in Kerala are Leaving Islam

 
 
જિતેન્દ્ર નારાયણ ત્યાગી, રામસિમ્હન આ બંને વચ્ચે તેઓ ફિલ્મોના નિર્માતા-નિર્દેશક હોવા ઉપરાંત શું સામ્ય છે? એ જ કે આ બંને મુસ્લિમમાંથી ગૃહ પુનરાગમન કરી ફરી હિન્દુ બનેલા છે. જિતેન્દ્ર નારાયણ ત્યાગી એટલે પહેલાં શિયા વકફ બૉર્ડના વસીમ રિઝવી તરીકે જાણીતું નામ. અને રામસિમ્હન એટલે મલયાલમ નિર્દેશક અલી અકબર. આ બંનેએ ઇસ્લામથી કંટાળી આ પંથનો ત્યાગ કરી દીધો. પરંતુ તે પહેલાં તેમણે ઘણા પ્રયત્નો કરી જોયા. તેમાં દુર્ભાગ્યે આપણા દેશના મુસ્લિમેત્તર લોકોનો પણ (ન્યાયતંત્ર સહિત) સાથ ન મળ્યો. આ જ રીતે ’બિગ બૉસ ઓટીટી’માં સ્પર્ધક તરીકે ભાગ લેનાર ઉર્ફી જાવેદ નામની બિન્દાસ્ત ટીવી અભિનેત્રી જે પોતાનાં ઓછાં વસ્ત્રોના કારણે ચર્ચામાં રહે છે તેણે પણ કહ્યું કે તેને ઇસ્લામમાં વિશ્ર્વાસ નથી. આથી તે કોઈ મુસ્લિમ છોકરા સાથે લગ્ન નહીં કરે. ઉર્ફી પોતે એક રૂઢિવાદી મુસ્લિમ પરિવારમાંથી આવે છે પરંતુ તેના વિચાર જુદા છે. તે હાલમાં ભગવદ્ ગીતા વાંચે છે.
 
ઉર્ફી જાવેદ કહે છે કે "તેના પિતા બહુ જ રૂઢિવાદી હતા. તે જ્યારે ૧૭ વર્ષની હતી ત્યારે તેના પિતા તેને અને તેની માતાને છોડીને ચાલ્યા ગયા હતા. મારી માતા ખૂબ જ શ્રદ્ધાળુ છે પરંતુ તેણે ક્યારેય તેનાં સંતાન પર પોતાની શ્રદ્ધા થોપી નથી. આવું જ હોવું જોઈએ. પોતાની પત્ની અને બાળકો પર શ્રદ્ધા થોપવી ન જોઈએ. તે મનથી આવવું જોઈએ. નહીં તો ન તો તમે ખુશ રહેશો અને ન તો અલ્લાહ ખુશ રહેશે."
 
What is the truth of forced Islamic conversions in Kerala, India?
 
આપણે આ કૉલમમાં અગાઉ જોઈ ચૂક્યા છીએ કે કેરળમાં કેટલીક સારી બાબતો પણ બની રહી છે. એમાંની એક એટલે સુન્ની મુસ્લિમોમાં શરૂ થયેલી વિચારણા કે મુસ્લિમો માટે વધુ ભયજનક શું? વહાબીઝમ કે સામ્યવાદ? આવી જ રીતે, બીજી એક બાબત હવે ધ્યાનમાં આવી છે. તે છે કેરળમાં વધતા જતા કટ્ટરવાદથી કંટાળી મુસ્લિમો ઇસ્લામ છોડી રહ્યા છે.
 
તમને થશે કે આવી એકલદોકલ ઘટનાઓ તો બનતી હોય છે. તેમાં મોટી વાત શું છે? મોટી વાત એ છે કે આવા લોકો માટે હવે એક સંગઠન બન્યું છે. એટલે કે જે મુસ્લિમો ઇસ્લામ છોડી રહ્યા છે તેઓ હવે એક સંગઠનના માધ્યમથી એકબીજા સાથે જોડાઈ રહ્યા છે. આ મોટી વાત છે. આનો અર્થ એ થયો કે તેઓ પોતાને પડતી તકલીફો એકબીજા સાથે વહેંચશે. પોતે શા માટે ઇસ્લામ છોડ્યો તેની વાત એકબીજાને કરશે. અને બીજાને પણ ઇસ્લામ છોડવા કદાચ પ્રેરશે.
 
આવા લોકોએ જે સંગઠન બનાવ્યું છે તેનું નામ છે ‘ઍક્સ મુસ્લિમ્સ ઑફ કેરલ’. ભારતમાં આ પ્રકારનું કદાચ આ પહેલું સંગઠન છે. આની સામાજિક અને રાજકીય અસર બહુ મોટી પડવાની સંભાવના છે. ભારત દેશમાં એવું નથી કે પંથથી અલગ થવાની પ્રવૃત્તિ ન હોય. એને રેશનલઝિમ કહે છે. જે કદાચ કોઈ પંથમાં ન માનતા હોય. તેઓ પોતાને રેશનાલિસ્ટ કહેવડાવતા હોય છે. હિન્દુ ધર્મમાં સુધારા માટે તો બ્રહ્મોસમાજ, આર્યસમાજ, વિશ્ર્વ હિન્દુ પરિષદ જેવી અનેક સંસ્થાઓ રચાઈ છે. પરંતુ ઇસ્લામમાં સુધારા માટે આવી કોઈ સંસ્થા રચાયાનું હજુ સુધી ધ્યાનમાં આવ્યું નથી. રચાવાની સંભાવના પણ હાલની સ્થિતિએ જણાતી નથી. આનું કારણ એ છે કે એક તરફ, અમેરિકા, રશિયા વગેરેમાં તેલના ભંડાર નીકળી તેઓ તેલ વેચવા લાગતાં, અને બીજી તરફ ભારત જેવા દેશોએ કાં તો જૈવિક ઈંધણ અને કાં તો ઇલેક્ટ્રિક વાહનોને ઉત્તેજન આપવાની નીતિના કારણે હવે તેલના કૂવા પરનું પ્રભુત્વ ઘટતું જતાં સાઉદી અરેબિયા અને યુએઇ, મહાસત્તા બનવા જઈ રહેલા ઇઝરાયેલ સાથે સંબંધો સુધારવા લાગ્યા છે. બીજી તરફ, પોતાના દેશમાં મુસ્લિમેત્તર પ્રજા માટે લગ્ન, રમઝાનમાં મુસ્લિમેત્તર પ્રજા માટે નિયમોમાં હળવાશ, મસ્જિદ પર લાઉડસ્પીકર પર નિયંત્રણ જેવાં પગલાં ભરવાં લાગ્યાં છે, ત્યારે ભારતમાં હજુ કટ્ટરતા ઓછી નથી થતી. ઉલટું, રાજકીય સંરક્ષણ કે અવગણનાના કારણે વધી રહી હોય તેમ લાગે છે. અને અહીં તો કલા , ન્યાય , મનોરંજન, મિડિયા વગેરેમાં કાં તો બૌદ્ધિક કવચ મળે છે કાં તો ઉપેક્ષા થાય છે.
 
આ બધાથી મુસ્લિમેત્તર પ્રજાને ત્રાસ થાય તે સ્વાભાવિક છે પરંતુ સાથે જ મુસ્લિમોના એક વર્ગને પણ કનડગત થાય છે. થોડા સમય પહેલાં અમદાવાદના જમાલપુરા વિસ્તારમાં એક મુસ્લિમની હૉટલમાં અસામાજિક તત્ત્વોએ ગુંડાગીરી કરી હોવાના સમાચારો પ્રસર્યા હતા. તેમાં તેઓ ધાક જમાવવા છરી લઈને આવ્યા હતા અને છીપાવાડમાં પોતાની ધાક બેસાડવા છરી લઈ બાઇક પર જાહેરમાં ફરી રહ્યા હતા. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ઇકબાલ શેખ બાંકડા પર બેઠો હતો. તેની આદિલ નામના યુવક સાથે કોઈ સામાન્ય કારણોસર બોલાચાલી થઈ હતી. પરંતુ લોકો વચ્ચે પડતાં વાત પતી ગઈ હતી તેમ લાગ્યું. જોકે વાત પતી નહોતી. બીજા દિવસે આદિલે પોતાના મિત્ર મોઇન સાથે ઇકબાલની દુકાને જઈ ફરીથી ઝઘડો કર્યો અને તે વખતે મોઇનના હાથમાં તલવાર હતી. તેણે ઇકલાબ પર તલવાર વડે જીવલેણ હુમલો કર્યો હતો.
 

Ex-Muslims of Kerala 
 
આવા કિસ્સા બને ત્યારે મુસ્લિમો પણ પોતાના જાતબિરાદરોથી કંટાળે તે સ્વાભાવિક છે. કેરળમાં તો ત્રાસવાદી સાથે મુસ્લિમોનો સંબંધ વધી રહ્યો છે. ત્યાંના મુસ્લિમો આઈએસઆઈએસમાં જોડાઈ રહ્યા છે તેવા અનેક કિસ્સા બહાર આવ્યા છે. આ બધાંની વચ્ચે કેરળમાં મુસ્લિમો હવે ઇસ્લામથી જ કંટાળી રહ્યા છે અને તેઓ ઇસ્લામ છોડવા લાગ્યા છે. આવા લોકોએ પોતાના સમૂહનું અથવા તો સંગઠનનું નામ ‘ઍક્સ મુસ્લિમ્સ ઑફ કેરલ’ ( Ex-Muslims of Kerala ) રાખ્યું છે. અને નોંધવા લાયક વાત એ છે કે દર ૯ જાન્યુઆરીને તેઓ ‘કેરલ ઍક્સ મુસ્લિમ ડે’ તરીકે મનાવવાના છે.
 
જાન્યુઆરી પંથીય ષડયંત્રની રીતે મહત્ત્વનો છે કારણકે આ જાન્યુઆરીમાં ૧૯ દિનાંકે કાશ્મીરમાંથી હિન્દુઓને ષડયંત્રપૂર્વક, મારીને, યાતના આપીને, બળાત્કાર કરીને, સંપત્તિ પડાવીને ખદેડવામાં આવ્યા હતા. હવે આ જ જાન્યુઆરીનીના નવમા દિનાંકે કેરળના પૂર્વ મુસ્લિમો ’કેરલ ઍક્સ મુસ્લિમ ડે’ મનાવશે.
 
પરંતુ એ વાત જાણીને આઘાત લાગશે કે ઇસ્લામ છોડવો આટલો સહેલો નથી. એકાદ મહિના પહેલાં ભાવનગરમાં એક વાર એક મુસ્લિમ રિક્ષા ડ્રાઇવર ભાઈ સાથે આ લેખકની વાત થઈ ત્યારે તેમણે ચોંકાવનારી વાત કહી હતી કે તેમના રીતરિવાજોમાં સહેજ પણ આમતેમ થાય તો તેમનો તેમના જાતબિરાદરો બહિષ્કાર કરે છે. નાતબહાર મૂકી દે છે. જો માત્ર રીતરિવાજમાં આમતેમ થાય તો આટલી હદ સુધી સહન કરવું પડતું હોય તો વિચારો કે પંથ છોડી દેનારા મુસ્લિમો સાથે શું થાય? તેમના માટે તો દેહાંત દંડની એટલે કે હત્યાની જ જોગવાઈ ઇસ્લામમાં છે. ઘણા બધા ઇસ્લામિક દેશોમાં જે લોકો ઇસ્લામ છોડે છે તેમની સામે દંડની કાર્યવાહી થાય છે. ભારતમાં ઇસ્લામ છોડવો એ બંધારણની રીતે દંડનીય કાર્યવાહી નથી પરંતુ ઉપર કહ્યું તેમ લોકોને સામાજિક-આર્થિક બહિષ્કારનો સામનો કરવો પડે છે અને હિંસાનો પણ.
 
ત્રણ વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક મુસ્લિમ વ્યક્તિ પર હુમલો થયો હતો. આ મુસ્લિમ વ્યક્તિનો વાંક શું હતો? ૩૮ વર્ષનો દિલશેર પોતાના ઘરમાં ગીતા પાઠ કરતો હતો. તે ધ્યાનમાં આવ્યું એટલે બે મુસ્લિમોએ તેના પર હુમલો કર્યો હતો.
 
હિંસા સિવાય ઘણાં અન્ય રસ્તા પણ મુલ્લા-મૌલવીઓ અપનાવે છે. તેઓ પરિવારના સભ્યોને ચડાવે છે. આવા પરિવારના લોકો પંથ છોડી દેનાર સાથે બોલવાનું બંધ કરી દે છે. તેમની સાથે સમાજના લોકો બોલવાનું બંધ કરી દે છે. આવી વ્યક્તિનો/ની જીવનસાથી તલાક માગે છે. ઇસ્લામ છોડનારને તેમનાં બાળકોને મળવા નથી દેવાતા. વારસામાંથી તેઓ બાકાત કરી દે છે. તેમનાં લગ્ન ન થવા દે.
 
પાકિસ્તાન સહિત ઇસ્લામિક દેશોમાં આવા પૂર્વ મુસ્લિમોને કે ઇસ્લામની નિંદા કરનારને ખોટા કેસમાં ફસાવી દેવાય છે. કેરળના એક અબ્દુલ કાદર પતિયાંગડી નામના મુસ્લિમને ઇસ્લામની ટીકા કરવા માટે હાલમાં દુબઈમાં જેલવાસ ભોગવવો પડી રહ્યો છે. અને તેને દુબઈના નહીં, પણ કેરળના મુસ્લિમોએ જ ફસાવ્યો હતો. તેમણે દુબઈના અધિકારીઓને ફરિયાદ કરી જેના કારણે તેને જેલની સજા ભોગવવી પડી રહી છે. નોંધવા જેવી વાત એ છે કે તેણે ઇસ્લામની જે ટીકા કરી હતી તે મલયાલમમાં કરી હતી. સ્વાભાવિક છે કે દુબઈના તંત્રને તો મલયાલમ આવડતી ન હોય. કેરળના મુસ્લિમોને જ ખબર પડી હોય. આથી તેમણે તેની દુબઈ ફરિયાદ કરી. જો આવી બધી યુક્તિ છતાં ઇસ્લામ છોડનાર કે છોડવા માગતી વ્યક્તિ ઝૂકે નહીં તો પછી તેના પર શારીરિક હુમલા કે છેવટે, હત્યા કરી દેવાય છે. કોઇમ્બતૂરમાં ફારુક નામના એક રેશનાલિસ્ટની ઇસ્લામની ટીકા કરવા માટે મુસ્લિમોએ હત્યા કરી નાખી હતી! બીજી તરફ, કેટલાક કટ્ટર અથવા મૂર્ખ હિન્દુઓ કાં તો જિતેન્દ્ર નારાયણ ત્યાગી જેવા ઘરવાપસી કરનારને ષડયંત્રના ભાગરૂપે જુએ છે તો કેટલાક માને છે કે માત્ર જન્મથી જ હિન્દુ બની શકાય છે.
 
કેટલાક પાછા એવો પ્રશ્ર્ન કરે છે કે ઘરવાપસી કરનારને કઈ જ્ઞાતિમાં મૂકશો? અરે ભાઈ ! જ્ઞાતિને ભૂલો. હિન્દુ ધર્મનો વિચાર કરો. જ્ઞાતિવાદ હતો જ નહીં, કર્મ (વ્યવસાય)ના આધારે વર્ણવ્યવસ્થા હતી જે આજે પણ છે. વેપારી વર્ગ, રક્ષણ કરનાર વર્ગ (સૈનિક, પોલીસ, અર્ધ સૈનિક, સૉસાયટીમાં વૉચમેન), શિક્ષણ/જ્ઞાનનું કામ કરનાર વર્ગ (શિક્ષકો, પ્રાધ્યાપકો, આઈટી, સલાહકાર), સેવા કરનાર વર્ગ (નોકરિયાત, ડૉક્ટર, નર્સ, સી.એ., સફાઈ કર્મચારી, વગેરે). આથી જ ઇસ્લામની ટીકા કરવી ખૂબ જ કઠિન બાબત છે અને ઇસ્લામ છોડવો તો તેથી પણ વધુ ભયજનક છે. પરંતુ તેમ છતાં હવે મુસ્લિમોમાં હિંમત આવી છે. તેઓ આગળ આવી રહ્યા છે. જે થવું હોય તે થાય પણ ઇસ્લામમાં હવે નથી જ રહેવું તેવી તેમની માનસિકતા બની ગઈ છે.
 
અને કેરળના મુસ્લિમોએ ઉપરોક્ત જે સંસ્થા બનાવી છે તેનો હેતુ છે જે લોકો ઇસ્લામ છોડે છે અથવા જે લોકો ઇસ્લામની ટીકા કરવાના કારણે યાતનાનો શિકાર બને છે તેમને સામાજિક, સંવેદનાથી, કાયદાકીય અને જરૂર પડે તો આર્થિક મદદ પૂરી પાડવી.