શું થયું પાંચેય રાજ્યોમાં? શું પાંચ રાજ્યોમાં હિન્દુત્વ ચાલ્યું - પાંચેય રાજ્યોના ચૂંટણી પરિણામોનું સચોટ વિશ્લેષણ

ચૂંટણી પહેલા અને પછી શું શું થયું? કેવા વિવાદ ઉભા કરવામાં આવ્યા? કઈ રીતે મુદ્દાઓ ઊભા કરવામાં આવ્યા? આ તમામ માહિતી માત્ર એક લેખમાં...

    16-Mar-2022   
કુલ દૃશ્યો |

five state election analysis
 

પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોનું વિશ્ર્લેષણ - વિકાસ અને હિન્દુત્વનો જયજયકાર

 
 
પાંચ રાજ્યોના પરિણામોનો ટૂંકસાર
પાંચ રાજ્યોના પરિણામનો ટૂંક સાર એ છે કે રાજ્યને સ્થાનિક મજબૂત નેતા જોઈએ છે જેને કેન્દ્રીય પીઠબળ હોય. ચાહે તે મોદી-યોગી, મોદી-ધામી, મોદી-સાવંત, મોદી-બિરેનસિંહ હોય કે કેજરીવાલ-ભગવંત માન હોય. લોકો હવે ત્રિશંકુ નહીં, પણ સ્પષ્ટ જનાદેશવાળી સ્થિર સરકાર ઈચ્છે છે. વિકાસ અને હિન્દુત્વ બંને સાથેસાથે ચાલે છે. લોકોને હવે ખોટું તુષ્ટિકરણ પસંદ નથી. લોકોને પરિવારવાદ પણ પસંદ નથી. એટલે તો પ્રકાશસિંહ બાદલ અને સુખબીરસિંહ બાદલ પણ હાર્યા.
 
 
 
 
ભાજપનો ચાર રાજ્યોમાં વિજય આનું મૂલ્યાંકન અનેક રીતે થવું જરૂરી છે. વિપક્ષોનો કોરો નકારાત્મક પ્રચાર, સામે ભાજપનો વિકાસ અને હિન્દુત્વને સાથ, અને સામાજિક સમીકરણો બેસાડવાં, ટીમ વર્ક, મોદી-અમિત શાહ-યોગીનું કુશળ નેતૃત્વ વગેરે રંગ લાવ્યું છે. પંજાબમાં આઆપનો ઉદય બતાવે છે કે લોકો હવે કૉંગ્રેસનો વિકલ્પ ઝંખી રહ્યા છે. કૉંગ્રેસનો રકાસ છતાં તેના બેઠા થવાની કોઈ સંભાવના દેખાતી નથી.
 
શું થયું પાંચેય રાજ્યોમાં ?
 
ઉત્તર પ્રદેશમાં આ વખતે યોગી આદિત્યનાથના નેતૃત્વમાં લડાઈ રહેલી ચૂંટણી ખૂબ જ પ્રતિષ્ઠાની લડાઈ બની રહી હતી. કેન્દ્રમાં ભાજપને હરાવવો હોય તો ઉત્તર પ્રદેશની ચૂંટણી જીતવી વિપક્ષ માટે આવશ્યક હતી. માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં, પંજાબ જેવા સીમાવર્તી રાજ્ય, મણિપુર જેવું પૂર્વનું સીમાવર્તી રાજ્ય, ઉત્તરાખંડ જેવું નેપાળ સાથેનું સીમાવર્તી રાજ્ય અને સમુદ્રી સીમાવાળું ગોવા- આ બધાં રાજ્યોની ચૂંટણી અગત્યની હતી. એટલા માટે પહેલાં શાહીનબાગ આંદોલન થયું અને તે પછી ખેડૂત આંદોલન. તે પછી કર્ણાટકમાં, ઍડ્મિશન લેતી વખતે શરતો માની હોવા છતાં હિજાબની જીદ કરી જ્યાં-જ્યાં ભાજપનું શાસન છે ત્યાં હિજાબનો વિવાદ સર્જવામાં આવ્યો. (કેરળમાં સામ્યવાદી સરકારે સ્ટુડન્ટ પોલીસ કેડેટમાં હિજાબ પહેરવાની વિદ્યાર્થિનીને ના પાડી તો ત્યાં કોઈ આંદોલન નહીં.) શાહીનબાગ, ખેડૂત આંદોલન અને હિજાબ બધામાં આંતરરાષ્ટ્રીય હસ્તીઓ કૂદી પડી. ખેડૂત આંદોલનમાં કથિત પર્યાવરણવાદી ગ્રેટા થનબર્ગ, પૉપસ્ટાર રિહાના, પૉર્નસ્ટાર મિયા ખલીફા વગેરે કૂદી પડ્યાં અને ટૂલકિટ જાહેર થઈ તો હિજાબમાં ફ્રાન્સનો ફૂટબૉલ ખેલાડી પૉલ પોગબા, પાકિસ્તાનની મલાલા યુસુફઝઈ કૂદી પડ્યાં.
 
ભારતની પત્રકાર રાણા અયૂબની ૧.૭ કરોડ રૂપિયાની બૅન્ક ડિપૉઝિટ જપ્ત કરાઈ તો સંયુક્ત રાષ્ટોના મિશન ઇન જીનેવાએ રાણા અયૂબને હેરાન ન કરવા ટ્વીટ કર્યું. આ રાણા અયૂબે ગુજરાતનાં રમખાણો પર ગુજરાત ફાઇલ્સ પુસ્તક લખ્યું છે. ન્યૂઝ લૉન્ડ્રી જેમાં રાણા અયૂબ કામ કરતી હતી તેનાં સ્થાપક તંત્રી મધુ ત્રેહાને રાણા અયૂબનાં જૂઠાણાં ઉઘાડાં પાડ્યાં હતાં. એટલું જ નહીં, સાઉદી અરેબિયાએ યમન સામે સૈન્ય કાર્યવાહી આદરી છે તેવું રાણા અયૂબે ટ્વીટ કરી પોતે આંતરરાષ્ટ્રીય નાયિકા બનવા ગઈ તો સાઉદીના નાગરિકોએ તેના ફેક ન્યૂઝને ઉઘાડા પાડ્યા હતા. મુસ્લિમ યુવકને માર મારી જય શ્રી રામ બોલવા ફરજ પાડી તેવા ફેક ન્યૂઝ માટે પણ રાણા અયૂબ સામે ઉત્તર પ્રદેશ પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી. તે રાણા અયૂબના સમર્થનમાં સંયુક્ત રાષ્ટો આવે તે શું બતાવે છે?
 
ખેડૂત આંદોલનમાં પણ ખાલિસ્તાન સમર્થકો બહાર આવ્યા હતા અને ઈન્દિરા ગાંધીની જેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાની વાત કરી હતી. આ આંદોલનમાં કથિત ખેડૂતોએ બળાત્કાર કર્યાના આક્ષેપો પણ થયા હતા અને દલિત લખબીરસિંહની નૃશંસ હત્યા પણ કરાઈ હતી. કેનેડા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયામાં પણ ખાલિસ્તાન સમર્થકોએ પ્રદર્શનો કર્યાં હતાં. તેમાં તિરંગાને સળગાવાયો હતો. હરિયાણાના કુરુક્ષેત્રના એક ભારતીય વિદ્યાર્થી વિશાલને તો સિડનીમાં ખાલિસ્તાનીઓનો વિરોધ કરવા બદલ જેલની હવા ખાવી પડી હતી! વિશાલનો વાંક એ હતો કે તે મોદી ઝિંદાબાદ સૂત્ર પોકારી રહ્યો હતો અને ભારતનો રાષ્ટધ્વજ તિરંગો બતાવી રહ્યો હતો! તેણે ૨૬ જાન્યુઆરીએ બીજા વિદ્યાર્થીઓ સાથે તિરંગા યાત્રા કાઢી હતી અને ખાલિસ્તાની ધ્વજ સળગાવ્યો હતો. તે પછી તે ખાલિસ્તાનીઓના નિશાન પર આવી ગયો હતો. ખાલિસ્તાનીઓએ અનેક વાર તેના પર હુમલાના પ્રયાસ કર્યા અને તેના ઘર અને કારમાં પણ તોડફોડ કરી. જોકે વિશાલ દર વખતે છટકી જતો, જેથી તેનો ભોગ બીજા ભારતીય વિદ્યાર્થીઓ બન્યા.
 
આ તો બધું મૂળ ભારતીયો એવા ખાલિસ્તાન સમર્થકો કરી રહ્યા હતા પરંતુ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જ્યારે ભારતના ખેડૂત આંદોલનને સમર્થન કર્યું ત્યારે સ્પષ્ટ થઈ ગયું કે આ બધા પાછળ એક દેશ (અને કેનેડા હોય એટલે તેની પાછળ અમેરિકા હોય જ) પણ છે. જોકે એ અલગ વાત છે કે જ્યારે પોતાના જ દેશ કેનેડામાં રસીકરણના વિરોધમાં, ભારતના ખેડૂત આંદોલનની જેમ ટ્રકચાલકોએ ટ્રેક્ટર સાથે પ્રદર્શન કર્યું તો ત્યારે ટ્રુડોએ તેનું દમન કરવા કટોકટી લાદી દીધી હતી!
આ પાંચેય રાજ્યોમાંથી ભાજપને બાકાત રાખવા માટે દેશ-વિદેશમાં અત્યંત ગલીચ રીતે ષડયંત્રો થયાં. અમેરિકા, ઇટાલી, બ્રિટન, ઑસ્ટ્રેલિયા, ચીન, બધે જ કોરોનાથી અત્યંત ખરાબ સ્થિતિ થઈ હતી. કોઈના નિયંત્રણની વાત જ નહોતી. પરંતુ જાણે કે ભારતમાં જ ખૂબ પરિસ્થિતિ ખરાબ થઈ હોય અને તેમાંય ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં જ ખૂબ જાનહાનિ થઈ હોય તેવું ચિત્ર દેશ-વિદેશનાં પ્રસાર માધ્યમોમાં ઉપસાવવામાં આવ્યું. અમેરિકાના જે ન્યૂ યૉર્ક ટાઇમ્સએ કોરોનાથી મરનારનાં માત્ર નામો છાપ્યાં, તે જ ન્યૂ યૉર્ક ટાઇમ્સે ભારતની સળગતી ચિતાઓ (એટલે કે જાણે કોરોનાથી માત્ર હિન્દુઓ જ મર્યા) ફૉટા છાપ્યા. ભારતના ફૉટોગ્રાફરોએ એજન્ડા સમજ્યા વગર ફૉટા વેચી રોકડી કરી લીધી. અનેક સ્થાનિક-રાષ્ટ્રીય પત્રકારોએ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મિડિયામાં ઉત્તર પ્રદેશ અને ગુજરાતની સ્થિતિ દર્શાવી પોતે પ્રશંસા મેળવવા પ્રયાસ કર્યા.
કોરોના દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે નક્કી એ થયું હતું કે જે વ્યક્તિ જ્યાં હોય ત્યાં જ રહે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૦માં જનતા કર્ફ્યૂ, તે પછી ઘર-વાસ (લૉકડાઉન) જાહેર કર્યો ત્યારે બધાને આ વાત સુપેરે રાષ્ટજોગ સંબોધનો દ્વારા સમજાવી હતી. આજીવિકાદાતાઓને પણ અપીલ કરી હતી કે શ્રમજીવી સહિતના કર્મચારીઓના પગાર ન કાપે.
 
ઘરસ્વામીઓ ભાડુઆત શ્રમજીવીઓનાં ભાડાં જતાં કરે, પરંતુ વિપક્ષોએ તેમને રાહત સામગ્રી આપવાના બદલે, તેમને સમજાવવાને બદલે તેમને પલાયન કરવા ઉશ્કેર્યા. સોનિયા ગાંધીએ ટ્રેન ભાડું આપવા જાહેરાત કરી. દિલ્લીમાં આઆપે પણ તેમને પલાયન કરવા ઉશ્કેર્યા. ટીવી પર રોજેરોજ માત્ર કોરોનાને લગતી ડિબેટ થઈ, જેમાં સ્થિતિ થાળે પાડવાના બદલે લોકો કેમ ઉશ્કેરાય તેવો પ્રયાસ થયો. અખિલેશ યાદવે કોરોનાની સ્વદેશનિર્મિત રસીને ભાજપની રસી ગણાવી હતી અને કૉંગ્રેસ સહિત વિપક્ષના નેતાઓએ જનતાને રસી લેવા સમજાવવાના બદલે માત્ર સરકારની ખામીઓ કાઢવાનું જ કામ કર્યું. પંજાબ, રાજસ્થાનમાં તો રસી ગટરમાં જોવા મળી. પંજાબમાં ખાનગી હૉસ્પિટલોને રસી વેચી દેવાયાનું બહાર આવ્યું. સોનિયા ગાંધીએ દિલ્લી રમખાણો પહેલાં પણ રેલી કરી મુસ્લિમોને સીએએ વિરોધ કરવા ઉશ્કેર્યા હતા. તે પછી ઠેરઠેર સીએએ વિરોધી હિંસક પ્રદર્શનો થયાં જેમાં અમદાવાદ મનપામાં હાલના કૉંગ્રેસના શહેઝાદ ખાન પઠાણે નેતૃત્વ લીધું હતું અને પોલીસ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. દિલ્લીમાં તો ભયંકર રમખાણો થયાં જેમાં આઆપના નગરસેવક તાહીર હુસૈનની ભૂમિકા બહાર આવી હતી. આ બધું પણ ત્યારે જ્યારે અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ અને દિલ્લીની મુલાકાતે હતા. કોરોના કાળમાં ગુજરાતમાં સ્વયંભૂ (સુઓ મોટો) નોંધ લઈ, વારંવાર સરકાર સામે ટીપ્પણી (ચુકાદા જુદા હોય છે અને સુનાવણી દરમિયાન કરાતી ટીપ્પણી જુદી હોય છે, આ ટીપ્પણી ઘણી વાર ચુકાદાનો ભાગ નથી હોતી પરંતુ મિડિયામાં રજૂઆત એવી રીતે કરાય છે જાણે તે ચુકાદો હોય) કરી કરીને અને ઉત્તર પ્રદેશમાં પણ કડક અવલોકનો દ્વારા, જ્યાં આઆપનો વાંક હતો ત્યાં દિલ્લીમાં કેન્દ્ર સરકાર પર દોષનો ટોપલો ઢોળીને ન્યાયતંત્રએ પણ ભૂમિકા ભજવી. એ વાત અલગ છે કે મહારાષ્ટમાં ન્યાયતંત્રએ એવી ટીપ્પણી કરી હતી કે જનતા માસ્ક ન પહેરે તો કોઈ શું કરી શકે ?
 
આ દરમિયાન પશ્ર્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, આસામ અને પુડુચેરીમાં ચૂંટણીઓ થઈ. તે વખતે પણ તમિલનાડુના ચેન્નાઈ ઉચ્ચ ન્યાયાલયે ૨૦૨૧માં તો ચૂંટણી પંચ સામે હત્યાનો આરોપ મૂકવો જોઈએ તેમ કહ્યું, તે જ ઉચ્ચ ન્યાયાલયે ૨૦૨૨માં તમિલનાડુની સ્થાનિક ચૂંટણી અટકાવવા મનાઈ કરી દીધી. ૨૨ જૂન ૨૦૨૧ના દિને સર્વોચ્ચ ન્યાયાલયે તમિલનાડુના નવ જિલ્લામાં સ્થાનિક ચૂંટણીને અટકાવવા ના પાડતા કહ્યું હતું કે કોરોના કોઈ બહાનું નથી. ઉલ્લેખનીય છે કે દિલ્લી ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ ડી. એન. પટેલે નિવૃત્તિ સમયના પ્રવચનમાં સ્વીકાર્યું કે કેટલાક ન્યાયમૂર્તિઓ સરકાર તરફી અને કેટલાક સરકાર વિરોધી હોય છે અને તેમાં કંઈ ખોટું નથી.
 
જોકે આ પાંચ રાજ્યોની ચૂંટણી પછી ઉપરોક્ત જેવું કોઈ દોષારોપણ ન થઈ શકે તે માટે ચૂંટણી પંચે પૂરતાં પગલાં લીધાં અને ભૌતિક હાજરીવાળી રેલીઓ નિયંત્રિત અથવા પ્રતિબંધિત કરી. પરિણામે રાજકીય પક્ષોએ આભાસી (વર્ચ્યુઅલ) ડિજિટલ રેલીઓ કરી. ઘરે-ઘરે જઈ પ્રચાર કર્યો. અમિત શાહ સહિત મોટા મોટા નેતાઓએ આવો પ્રચાર કર્યો!
 

five state election analysis 
 
 
પાંચ રાજ્યોમાં હિન્દુત્વ ચાલ્યું
 
રાજકીય નિષ્ણાતો ભલે ગમે તે કહે, સત્ય વાત એ છે કે આ પાંચેય રાજ્યોમાં હિન્દુત્વ ચાલ્યું છે. પશ્ર્ચિમ બંગાળ, કેરળ અને આસામની ચૂંટણીમાં પણ ચાલ્યું હતું. આ વખતે ભાજપ તો હિન્દુત્વને વળગેલો રહ્યો જ. શ્રી રામમંદિર નિર્માણના ચુકાદા માટે યોગી આદિત્યનાથની સરકાર હોવાથી દસ્તાવેજોના અનુવાદમાં સરળતા થઈ, શ્રી રામમંદિર માટે અન્ય જમીનની ફાળવણી પણ સરળ થઈ, કાશી વિશ્ર્વનાથનો ર્જીણોદ્ધાર મોદી-યોગીના કારણે આટલો દીપનીય થઈ શક્યો, યોગીના આવ્યા પછી અયોધ્યામાં ભવ્ય દીપ પ્રજ્વલન સાથે, રામલીલા સાથે દિવાળી ઉજવાતી થઈ, બહેનો-દીકરીઓની સુરક્ષા માટે એન્ટી રૉમિયો સ્કવૉડ બનાવી. લવ જિહાદ વિરોધી કાયદો બનાવ્યો. ઈદ પર ગોવંશ હત્યા બંધ કરાવી. પોતે હિન્દુ છે અને ભલે મુખ્ય પ્રધાન હોય પણ ઈદ નહીં જ ઉજવે અને ઈદ ઉજવનારને કોઈ તકલીફ પણ નહીં પડવા દે તેવું યોગીજીએ નિસંકોચ કહ્યું. મસ્જિદોમાં સ્વતંત્રતા દિવસ ઉજવવા ફરજ પાડી. સર્વોચ્ચ ન્યાયાલયના આદેશ અનુસાર ઉપાસના સ્થાનો પર લાઉડ સ્પીકરના ઉપયોગ માટે સરકારી અનુમતિ ફરજિયાત બનાવી. સીએએ વિરોધી હિંસામાં સંડોવાયેલાઓ સામે કડક પગલાં લીધાં. હૉર્ડિંગ પર જાહેરમાં નામ મૂકાવ્યાં. આ હિંસામાં સરકારી સંપત્તિને નુકસાન માટે જવાબદારની સંપત્તિ ટાંચમાં લીધી. હિન્દુઓને મુસ્લિમ બનાવવાનું મૌલાના ઉંમર ગૌતમનું કાવતરું પકડાયું જેનું પગેરું વડોદરા પણ નીકળ્યું. ભારતના ભાગલા માટે જવાબદાર, તાલિબાનોના સર્જન માટે જવાબદાર દારુલ ઉલુમ દેવબંદમાં ત્રાસવાદ વિરોધી ટુકડી- એટીએસના એકમની સ્થાપના કરી. અલ્હાબાદનું નામ પ્રયાગરાજ, ફૈઝાબાદ જિલ્લાનું નામ અયોધ્યા, મુગલસરાય રેલવે સ્ટેશનનું નામ પંડિત દીનદયાલ ઉપાધ્યાય રેલવે સ્ટેશન, ઝાંસી રેલવે સ્ટેશનનું નામ વીરાંગના લક્ષ્મીબાઈ સ્ટેશન કર્યું. અગાઉ શ્રાવણમાં કાંવડ યાત્રા અટકાવી દેવાતી, પણ યોગીએ કહ્યું કે કાંવડ યાત્રા વિપંથી ગુંડાઓના ભયથી શા માટે અટકે? તેમણે કાંવડ યાત્રીઓ પર હેલિકૉપ્ટરથી પુષ્પવર્ષા કરાવડાવી. મહા કુંભનું સારું આયોજન કર્યું. પહેલાં રમખાણો વગર કોઈ તહેવાર થતો નહોતો, હિન્દુઓના તહેવારો પર નિયંત્રણો લાગતા હતા તેની યાદ અપાવી. વડા પ્રધાન મોદીએ તો ૧૫ ઑગસ્ટે લાલ કિલ્લા પર જાહેરાત જ કરી અને લોકોને સમજાવ્યું, યોગીએ તો વધતી જનસંખ્યા સામે નીતિ પણ બનાવી નાખી. આ જ રીતે ઉત્તરાખંડમાં પણ પુષ્કરસિંહ ધામીએ મંદિરો પરથી સરકારી નિયંત્રણ હટાવી લીધાં. સરકાર આવે તો ગોવાની જેમ સમાન નાગરિક સંહિતા લાગુ કરવા વચન આપ્યું. અહીં મોદી સરકારે ચાર ધામોનો જબરદસ્ત વિકાસ કર્યો. ૨૦૧૪ પછી ક્રમશ: બધા વિપક્ષો હિન્દુત્વનો રાગ આલાપવા લાગ્યા છે. આ વખતે પણ તે જોવા મળ્યું. અખિલેશ યાદવ, મમતા બેનર્જી, પ્રિયંકા ગાંધી વાડ્રા, રાહુલ ગાંધી શિવજીના ભક્તોની જેમ ત્રિપુંડ કરેલા જોવાં મળ્યાં. પ્રિયંકા ગાંધી વાડ્રાએ એક જનસભામાં મહામૃત્યુંજય મંત્રનો ઉચ્ચાર કરી હર હર મહાદેવનો ઘોષ કરાવ્યો. એક સમયે આઆપના નેતા અને દિલ્લીના ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા કહેતા હતા કે રામજન્મભૂમિ પર હૉસ્પિટલ બનાવવી જોઈએ. પરંતુ રામમંદિરની તરફેણમાં ચુકાદો આવ્યા પછી કેજરીવાલે પલટી મારી. દિલ્લી ચૂંટણીમાં હનુમાન ચાલીસા કર્યા. આ વખતે પણ પંજાબમાં ભવ્ય વિજય પછી હનુમાનજીના દર્શને જઈ આવ્યાનો દાવો કર્યો. દિલ્લીની આઆપ સરકારે પાંચ રાજ્યોની ચૂંટણી પહેલાં દિલ્લીના લોકોને મફત અયોધ્યા યાત્રા શરૂ કરાવડાવી. આ બધું બતાવે છે કે હવે હિન્દુઓ અને હિન્દુત્વની ઉપેક્ષા કરી શકાશે નહીં.
આ ચૂંટણીનાં પરિણામો આવ્યાં ત્યારે ચાર રાજ્યોમાં ભાજપનો વિજય થયો. ઉત્તર પ્રદેશ, મણિપુરમાં તો ભવ્ય વિજય થયો. ઉત્તર પ્રદેશમાં અલબત્ત, ગયા વખત કરતાં બેઠકો ઘટી. પંજાબમાં આઆપનો ભવ્ય વિજય થયો. આ રાજ્યોમાં રાજ્યવાર ફળશ્રુતિ જોઈએ. સૌ પ્રથમ વાત ઉત્તર પ્રદેશની કરીએ.
 

five state election analysis 
ઉત્તર પ્રદેશ - મોદી-યોગીની વિકાસ નીતિ
 
( કુલ સીટ 403 - ભાજપ 274 )
 
ઉત્તર પ્રદેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૮ મેદાની અને આભાસી રેલીઓ કરી. ગયા વખત કરતાં તે ચાર વધુ હતી. અમિત શાહે ૬૨ રેલીઓ અને રૉડ શૉ કર્યા, જે ગયા વખતે કરેલી ૧૫૩ રેલીઓ કરતાં ઓછી હતી. યોગી આદિત્યનાથે ગયા વખતે ૮૫ જનસભાઓ કરી હતી જ્યારે આ વખતે ૨૦૭ રેલીઓ કરી. અખિલેશ યાદવે ગયા વખતે ૨૦૫ રેલીઓ કરી હતી આ વખતે ૧૫૦થી વધુ રેલીઓ કરી. માયાવતીએ ગયા વખતે ૫૦ અને આ વખતે માત્ર ૨૦ રેલીઓ કરી. પ્રિયંકા ગાંધી વાડ્રાએ ૧૧૫ જનસભાઓ કરી હતી.
 
વિપક્ષો તરફથી આજીવિકાનો અભાવ, ભ્રષ્ટાચાર, કાયદો અને વ્યવસ્થા, રખડતા પશુઓ મુદ્દો હતા.
 
ઉત્તર પ્રદેશમાં ભાજપે તેની તૈયારીઓ બહુ વહેલી આરંભી દીધી હતી. સ્વતંત્રદેવસિંહ ઓબીસી નેતા છે. ઑગસ્ટ ૨૦૨૧થી જિલ્લે-જિલ્લે ઑબીસી સંમેલનો કર્યાં હતાં. તેઓ પછાત વિસ્તારોમાં ગયા. બૂથ અધ્યક્ષોના ઘરે ભોજન કર્યું, કાર્યકર્તાઓને ગળે લગાડ્યા, તેમનામાં જોશ ભર્યું. અમિત શાહે પણ ઘરે-ઘરે પ્રચાર અને જનસભાઓ કરી લોકોને મુઝફ્ફરનગર અને કૈરાનાની યાદ અપાવી પણ ધ્રૂવીકરણના બદલે કાયદો-વ્યવસ્થાની સુધરેલી પરિસ્થિતિની યાદ અપાવી. આ વખતે અખિલેશ યાદવે જાટ નેતા મનાતા જયંત ચૌધરીના રાષ્ટ્રીય લોક દળ (આરએલડી) સાથે ગઠબંધન કર્યું હતું. તેથી અમિત શાહે જાટ સમુદાયને યાદ અપાવ્યું કે તમે પણ મોગલો સામે લડતા હતા અને અમે પણ લડીએ છીએ.
 
યોગી આદિત્યનાથ પર બુલડૉઝરનો આક્ષેપ થયો તો તેમણે તેને સકારાત્મક લઈ કહ્યું કે ગુંડાઓની સંપત્તિ પર બુલડૉઝર ફરશે જ. તેમને બાબા બુલડૉઝરનું વિશેષણ મળ્યું.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની જનસભાઓમાં પ્રચારનું મુખ્ય નિશાન સપાને જ રાખ્યો. પરિવારવાદને નિશાન બનાવ્યો. કાયદો અને વ્યવસ્થાની વાત કરી. તેમણે બે-ત્રણ ઇન્ટરવ્યૂ આપી કોરોના કાળ દરમિયાન વિપક્ષોએ ભજવેલી ભૂંડી ભૂમિકાને ઉઘાડી કરી. કોરોના કાળમાં જ્યારે સોનિયા ગાંધી વગેરે શ્રમજીવીઓને ભગાડવાની ભૂમિકા ભજવી રહ્યા હતા ત્યારે વડા પ્રધાને મૌન રાખ્યું હતું. આ શ્રમજીવીઓ ઉત્તર પ્રદેશ અને બિહાર જ જવાના હતા. તેઓ ઉશ્કેરાય તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ બગડત અને ચૂંટણી પર પણ વિપરિત અસર પડત. પરંતુ વડા પ્રધાને કેન્દ્રીય સ્તરે ગરીબ કલ્યાણ યોજના દ્વારા દિવાળી સુધી મફત રાશનની યોજના લાગુ કરી અને ગુજરાત-ઉત્તર પ્રદેશ સહિત ભાજપ શાસિત રાજ્યોએ તેનો સારો અમલ કર્યો. આ અમલ ચૂંટણી પરિણામોમાં મોટા પાયે દેખાયો. અજિત અંજુમ જેવા ભાજપ વિરોધી પત્રકારોએ પૂછ્યું ત્યારે એક વૃદ્ધાએ કહ્યું, મોદીને જ મત આપીશ કારણકે તેમનું લૂણ ખાધું છે. આને પણ વડા પ્રધાને મુદ્દો બનાવ્યો અને કહ્યું કે મેં અને યોગીએ પણ જનતાનું લૂણ ખાધું છે અને આ લૂણનું ઋણ ચૂકવીશું. રાજીવ રંજને એક વૃદ્ધને પૂછ્યું કે તમે કઈ જાતના છો તો તેમણે કહ્યું કે હિન્દુ. આમ, વિરોધી પત્રકારોને પણ લોકોએ સ્પષ્ટ સંકેત આપી દીધો હતો કે આવશે તો યોગી જ.
 
૨૦૧૭ સુધી ઉ. પ્ર.માં ૧૨ મેડિકલ કૉલેજ હતી, તે યોગી શાસનમાં વધીને ૩૩ થઈ. ૧૪ કરોડ લોકોને રસીકરણ કરાવનારું ઉત્તર પ્રદેશ પહેલું રાજ્ય બન્યું હતું. અહીં સારું પ્રશાસન, રાશન અને મહિલાઓને સુરક્ષાના મુદ્દા કામ કરી ગયા. મોદીએ રાજીવ ગાંધી ખેલ રત્ન એવૉર્ડનું નામ બદલી મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવૉર્ડ કર્યું. મેજર ધ્યાનચંદ હોકીના મહાન ખેલાડી તો હતા જ, પરંતુ તેઓ પ્રયાગરાજના પણ હતા. ઉત્તર પ્રદેશમાં મેજર ધ્યાનચંદ સ્પૉર્ટ્સ યુનિવર્સિટી, ગોરખપુરમાં ખાતરનું કારખાનું, અમેઠી ભલે ગાંધી પરિવારનું મનાતું હોય પણ ત્યાં શસ્ત્રોનું કારખાનું, વગેરે આપ્યું. લખનઉમાં યોગી સરકારે બ્રહ્મોસ મિસાઇલ એકમ માટે જમીન ફાળવી. તેમણે ઍલ્ડરલાઇન પ્રૉજેક્ટ નિસહાય વૃદ્ધો માટે જાહેર કર્યો. પોતે બીજી લહેરમાં કોરોનાગ્રસ્ત થઈ ગયા તો એકાંતવાસમાં કોરોનાની સ્થિતિ પર નજર રાખી. તે પછી સ્વસ્થ થયા બાદ કોરોનાનાં કેન્દ્રોની જિલ્લે-જિલ્લે મુલાકાત લીધી. ગેરકાયદે પ્રાણી વધ ગૃહો બંધ કરાવ્યાં. જ્યારે હિન્દી ફિલ્મ જગતના કલાકારો-ડ્રગ્સનું બહાર આવ્યું અને શિવસેના દ્વારા કંગના રનૌતને હેરાનગતિ કરાઈ ત્યારે ઉત્તર પ્રદેશના નોઇડામાં ફિલ્મ સિટી બનાવવા તેમણે જાહેરાત કરી વિકલ્પ આપ્યો. દેશના પ્રશ્ર્નો પર બોલતા તેઓ ખચકાયા નહીં. પશ્ર્ચિમ બંગાળ અને બિહારની ચૂંટણીમાં પણ તેઓ ભાજપના મુખ્ય પ્રચારક બન્યા.
 
ઑસ્ટ્રેલિયાના હ્યુજેસના સાંસદ ક્રેગ કેલીએ ટ્વીટ કરી કહ્યું કે સારું થાત કે યોગી જેવા સારા કોરોના પ્રબંધક અમને પણ મળી શકતા હોત. યોગીએ તાન્હાજી ફિલ્મને કરમુક્ત કરી હતી. ‘ઑપરેશન કાયાકલ્પ’ દ્વારા ૯૨ હજારથી વધુ પ્રાથમિક પાઠશાળાઓને દીવાલ, શૌચાલય, પીવાના પાણી, વીજળીકરણ વગેરે સુવિધાઓથી સંપન્ન કરી, ૪૫,૩૮૩ શિક્ષકોની ભરતી કરી. મફત ટેબલેટ, સ્માર્ટ ફૉન યોજનાનો અમલ કર્યો, ગોપાલકોને બૅંકો દ્વારા પાંચ વર્ષ માટે રૂ. ૪૦,૦૦૦ પ્રતિ વર્ષની લૉન, ગરીબ કન્યાને લગ્ન માટે ૫૧,૦૦૦ રૂપિયાનું અનુદાન, સ્પર્ધાત્મક કસોટીની તૈયારી કરનારાને પ્રશિક્ષણ માટે સંસાધનો, પૉર્ટલ, કોરોના કાળમાં મહારાષ્ટ, ગુજરાત, દિલ્લીથી આવેલા શ્રમિકોને રોજગાર માટે યોજના, આર્થિક રીતે નબળા પરિવારોને હપ્તામાં વીજળી બિલ ભરવાની સુવિધા, આ સિવાય અનેક યોજનાઓ છે જેનો સારી રીતે અમલ કર્યો, દોઢ કરોડ ઘરોમાં મફત વીજળી કનેક્શન આપ્યાં. ૬૩ બાંગ્લાદેશી હિન્દુ પરિવારોને ઘર માટે જમીન આપી. પચાસ વર્ષથી અટકેલી સરયૂ નહેર પરિયોજનામાં તેજી લાવી તેનાથી ૩૦ લાખ ખેડૂતોને લાભ થવાનો હતો. ઉત્તર પ્રદેશમાં ગાયો માટે ૨૪ X ૭ એમ્બ્યુલન્સ સેવા હશે.
 
કાશી વિશ્ર્વનાથ કોરિડૉરના ઉદૃઘાટન પછી વડા પ્રધાન મોદી મજૂરો વચ્ચે જઈને બેઠા. રાત્રે સ્ટેશનની મુલાકાત કરી. તે જ રીતે ચૂંટણીના અંતિમ તબક્કામાં રૉડ-શૉ કર્યો અને પછી રાત્રે પપ્પુની ચાની દુકાનમાં કુલ્હડમાં ચા પીધી સંવાદ કર્યો. ઉત્તર પ્રદેશના કાર્યકર્તાઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યો. કાશીમાં પ્રબુદ્ધજનો સાથે પણ તેમણે સંવાદ કર્યો.
 
ભારત-પાકિસ્તાન, ઝીણા, તાલિબાન...
 
એક આક્ષેપ એવો થાય છે કે ચૂંટણી આવે એટલે ભાજપ ભારત-પાકિસ્તાન, ઝીણા, હિન્દુ-મુસ્લિમના મુદ્દા ઊછાળે છે, પણ આ પાંચ રાજ્યોની ચૂંટણી સંદર્ભે આ વાત બિલકુલ સાચી નથી. ૩૧ ઑક્ટોબર ૨૦૨૧ના દિને સરદાર પટેલ જયંતીના દિને અખિલેશ યાદવે ભારતના વિભાજનમાં ભૂંડી ભૂમિકા ભજવનાર મોહમ્મદ અલી ઝીણાને યાદ કર્યા અને તેમને ગાંધી, નહેરુ, સરદારની હરોળમાં બેસાડી દીધા! તે પછી અખિલેશ યાદવે એમ પણ કહ્યું કે પાકિસ્તાન આપણું દુશ્મન નથી. ભાજપ જ મત બૅંક માટે પાકિસ્તાનને અસલી દુશ્મન ગણાવે છે. અખિલેશ યાદવનાં પત્ની ડિમ્પલ યાદવે કહ્યું કે લોઢામાં લાગતા કાટનો રંગ ભગવો હોય છે. યોગીનાં વસ્ત્રોનો રંગ પણ ભગવો જ છે. આનો યોગી આદિત્યનાથે જવાબ આપ્યો. યોગીએ લોકોને મુઝફ્ફરનગરમાં રમખાણગ્રસ્તો કડકડતી ઠંડીમાં ધ્રૂજતા હતા ત્યારે મુલાયમસિંહ યાદવના ગૃહનગર સૈફઈમાં સલમાન ખાન-માધુરી દીક્ષિત વગેરે કલાકારોના નાચ-ગાનના જલસા સપાના લોકો માણતા હતા તેની યાદ અપાવી.
 
સમાજવાદી પક્ષના ધારાસભ્ય રફીક અન્સારીએ નવો શબ્દ આપ્યો અને કહ્યું કે પાંચ વર્ષમાં હિન્દુગર્દી જ મચેલી છે. (ગુંડાગર્દી પરથી શબ્દ બનાવ્યો. આને પણ ધર્મ સાથે જોડ્યો. કોઈએ એમ કહ્યું હોત કે મુસ્લિમ ગર્દી તો ?)
 
નાહીદ હસન નામના મુસ્લિમે જાટોને ધમકી આપી હતી કે તમે માત્ર ૨૪ હજાર છો અને અમે ૯૦ હજાર. સમાજવાદી પક્ષના સાંસદ શફીકુર્રહમાન બર્કેં તાલિબાનને સ્વતંત્રતા માટે લડનારા આંદોલનકારી કહ્યા હતા.
 
અમદાવાદ ૨૦૦૮ બૉમ્બ વિસ્ફોટના આતંકવાદીઓ પૈકીનો એક આઝમગઢના સંજરપુરનો રહેવાસી હતો. તેના પિતા સમાજવાદી પક્ષનો પ્રચાર કરી રહ્યા હતા તે વાતને યોગીએ ઊછાળી.
 
કૉંગ્રેસના લોકોએ યોગી પ્રત્યે ઘૃણાનો મારો ચલાવ્યો. દરેક ટીવી ડિબેટમાં યોગી આદિત્યનાથને તેમના પૂર્વાશ્રમના નામે અજયસિંહ બિશ્ત કહીને બોલાવતા હતા.
 
હિજાબ વિવાદ વખતે કુવૈતના પાકિસ્તાન દ્વારા શાંતિ પુરસ્કાર પામેલા સાંસદો વચ્ચે કૂદ્યા અને કહ્યું કે ભાજપના નેતાઓને કુવૈત ન આવવા દેવા જોઈએ. આ ટ્વીટને કૉંગ્રેસના નેતા શશિ થરૂરે રીટ્વીટ કર્યું. કુવૈતમાં ભારતના દૂતાવાસે તેની ટીકા કરી અને પાકિસ્તાન ઍજન્ટોના પ્રભાવમાં ન આવવા કહ્યું. શાહીનબાગમાં પણ કૉંગ્રેસી નેતાઓ મણિશંકર અય્યર અને શશિ થરૂરની ભૂમિકા લોકોને યાદ હતી.
 
યોગી આદિત્યનાથ સરકારનાં વિકાસ કાર્યો
 
ઉત્તર પ્રદેશ માટે કેન્દ્ર સરકારે અનેક વિકાસ કાર્યો કર્યાં. દિલ્લી-મેરઠ ઍક્સ્પ્રેસ હાઇ-વે, પૂર્વાંચલ ઍક્સ્પ્રેસ હાઇ-વે, ગોરખપુર અને સોનિયા ગાંધીના મતવિસ્તાર હોવા છતાં રાયબરેલીને એઇમ્સ, કાશી વિશ્ર્વનાથ કૉરિડોરનું પુનનિર્માણ, રામમંદિર માટે સરકાર તરફથી જે સુવિધા થવી જોઈએ તે.
 
૩૦ ટકા મુસ્લિમ વસતિવાળી બેઠકોમાં શું પરિણામ આવ્યું?
 
ઉત્તર પ્રદેશમાં કુલ ૪૦૩ વિધાનસભા બેઠકોમાંથી ૧૪૩ બેઠક પર મુસ્લિમો નિર્ણાયક સ્થિતિમાં હોય છે. તેમાંથી ૭૦ વિધાનસભા બેઠકો પર મુસ્લિમ વસતિ લગભગ ૨૫ ટકા અને ૭૩ બેઠકો પર ત્રીસ ટકાથી વધુ મુસ્લિમ વસતિ છે.
રામપુરમાં ૫૦ ટકા વસતિ, મુરાદાબાદ અને સંભલમાં ૪૭ ટકા વસતિ, બિજનોરમાં ૪૩ ટકા વસતિ, સહારનપુરમાં ૪૧ ટકા વસતિ, મુઝફ્ફરનગર, શામલી અને અમરોહામાં ૪૦ ટકા વસતિ, બીજા પાંચ જિલ્લામાં ૩૦થી ૪૦ ટકા વસતિ, ૧૨ જિલ્લામાં ૨૦થી ૩૦ ટકા વસતિ મુસ્લિમોની છે.
 
૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપે મુસ્લિમ બહુલ ક્ષેત્રોમાં જીત મેળવી હતી. ભાજપે ૮૨માંથી એવી ૬૨ બેઠક પર જીત મેળવી હતી જ્યાં મુસ્લિમોની વસતિ લગભગ એક તૃત્તીયાંશ હતી. ૩૦ ટકાથી વધુ મુસ્લિમ વસતિવાળી ૩૮ બેઠકોમાંથી ૨૧ બેઠક સપા અને રાલોદને ફાળે ગઈ. તેમાં સૌથી આશ્ર્ચર્યજનક બેઠક કૈરાનાની રહી જ્યાં નાહીદ હસન જીત્યા. સપા સરકાર વખતે કૈરાનામાંથી હિન્દુઓનું પલાયન થયું હતું. યોગી આદિત્યનાથ આવ્યા પછી તે અટક્યું હતું. આ વખતે કૈરાનામાં સૌથી વધુ ૭૫ ટકા મતદાન થયું હતું. પરંતુ તેમ છતાં વિજય નાહીદ હસનનો થયો. આઝમ ખાન પણ રામપુર બેઠક પરથી જીતી ગયા. નાહીદ અને આઝમ ખાન જેલમાં રહીને ચૂંટણી જીત્યા! આઝમ ખાનના દીકરા અબ્દુલ્લા આઝમ સાઇઠ હજાર મતોની સરસાઈથી જીત્યા. જોકે કટ્ટર મુસ્લિમોનો ગઢ ગણાતા દેવબંદમાંથી ભાજપના બૃજેશસિંહ રાવત ૨૦ હજાર મતોથી જીત્યા તે પણ આશ્ર્ચર્યજનક પરિણામ ગણાય. આ જ રીતે ગેંગ્સટર મુખ્તાર અન્સારીનો દીકરો અબ્બાસ અન્સારી અને ભત્રીજો સુહૈબ ઉર્ફે મનુ અન્સારી પણ જીત્યા. અબ્બાસ અન્સારીએ ૩૮,૨૨૭ મતોની સરસાઈથી જીત મેળવી. તો સુહૈબ ૧૮,૧૯૯ મતોની સરસાઈથી જીત્યા. નાહીદ હસન ૨૫ હજાર મતોની સરસાઈથી જીત્યા. નિઝામગઢ (આઝમગઢ)માં સપાના ૮૫ વર્ષીય આલમ બેદી ૩૪,૧૮૭ મતોના અંતરથી જીત્યા. મેરઠની કિથોર બેઠક પરથી સપાના શાહીદ મઝૂર માત્ર ૨,૧૮૦ મતોથી જીત્યા. સપાના સાંસદ શફીકુર્રહેમાનના દીકરા ઝિયા ઉર રહેમાન કુંદરકી (મુરાદાબાદ)ની બેઠક પરથી ૪૩,૧૬૨ મતોથી જીત્યા.
 
આ વખતે સપાએ ૬૪, બસપાએ ૮૮ અને કૉંગ્રેસે ૭૫ મુસ્લિમ ઉમેદવારો ઊભા રાખ્યા હતા. અસદુદ્દીન ઓવૈસીના મિમ પક્ષે ૯૭ ઉમેદવારો ઊભા રાખ્યા હતા. પશ્ર્ચિમ બંગાળ પછી ફરીથી એ સ્પષ્ટ થયું કે મુસ્લિમ મતદારો જાણે છે કે કોને મત આપવા જોઈએ અને કોને નહીં. તેમના માટે સપા એ મુખ્ય પસંદગી પૂરવાર થઈ. આ વખતે ગયા વખત કરતાં બે મુસ્લિમ ઉમેદવારો વધુ જીત્યા. કુલ ૩૪ મુસ્લિમ ઉમેદવારો જીત્યા તેમાંથી ૩૨ સપાના છે.
 
મુસ્લિમ મતદારોનું મૌન પ્રભાવી છે
 
૨૦૧૪ પહેલાં મુસ્લિમ મતદારો નિર્ણાયક રહેતા હતા અને બધા પક્ષો તેમને ખુશ કરવા અનેક હદે જતા હતા, પરંતુ ૨૦૧૪માં હિન્દુ મતો એક થતાં ચિત્ર બદલાવા લાગ્યું. તે પછી બધા પક્ષો મંદિરે જતા થઈ ગયા. એવું લાગ્યું જાણે કે મુસ્લિમ મતદારો મૌન દર્શક બનવા લાગ્યા છે. સમાજવાદી પક્ષે આ વખતે જાહેર કર્યું નહોતું કે તેણે કેટલા મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી. માયાવતીએ દલિત-મુસ્લિમના બદલે દલિત-બ્રાહ્મણ મતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. વિપક્ષોમાંથી કોઈએ તેમના ચૂંટણી ઢંઢેરામાં મુસ્લિમ સમુદાયને કોઈ ચોક્કસ વચન આપ્યું નહીં.
 
આનો અર્થ એ થાય કે ચૂંટણી ઢંઢેરામાં પોતાના સમુદાયને કોઈ વચન નથી અપાયું અને નહીં અપાય તે મુસ્લિમ મતદારો સમજ્યા અને એ પણ સમજ્યા કે તેનાથી નિરાશ થવાની આવશ્યકતા નથી. પરંતુ તેમણે તેમની રાજકીય સૂજ બતાવી કે કોને મત આપીશું તો વેડફાશે અને કોને મત આપીશું તો લેખે લાગશે. તેમણે ઓવૈસીના મિમ, માયાવતીના બસપા કે કૉંગ્રેસના બદલે સપા પર પસંદગી ઉતારી. એક ઇન્ટરવ્યૂમાં ઇતિહાસકાર અને વારાણસી સ્થિત શ્રી ડી. આર. મહિલા મહા વિદ્યાલયના આચાર્ય મોહમ્મદ આરીફે કહ્યું કે ચૂંટણી દરમિયાન સરઘસો કાઢવા અને માગણીઓ મૂકવી તેનાથી કોઈ લાભ (મુસ્લિમોને) થતો નથી. (મુસ્લિમ) સમુદાય શાંત છે પણ (અંદરઅંદર) વાત અને ચર્ચા કરે છે.
 
જમિયત ઉલેમા એ હિન્દના રાજ્ય પ્રમુખ મૌલાના અશદ રશીદી મુસ્લિમોની માનસિકતા બરાબર સમજાવે છે, ભારત જેવી લોકશાહીમાં એ જોવું જરૂરી છે કે સેક્યુલર મતોનું વિભાજન ન થાય.
 
આનો અર્થ એ થયો કે મુસ્લિમ મતદારોમાં અંદર ખાને સંદેશો ગયો હતો કે પ્રગટપણે સેક્યુલર પક્ષો ખાસ કરીને સપા કંઈ નહીં વચન આપે. કેટલા મુસ્લિમ ઉમેદવારો જાહેર કરાશે તે નહીં કહે, પણ છતાં સત્તા મળશે તો ઘણું બધું કરશે. અને આથી બીજા કોઈ પક્ષને મત આપીને વેડફવા કરતાં સપાને જ મત આપવા જોઈએ.
 
મિમના ૯૭ પૈકી એકેય ઉમેદવારો જીત્યા નથી. પરંતુ આશાજનક વાત એ છે કે તેનો મત હિસ્સો ગયા વખતે ૦.૨ હતો તે આ વખતે વધીને ૦.૪૬ ટકા થયો છે. આ નજીવો વધારો ગણાય. મુસ્લિમ મતદારોમાં એ સંદેશ દૃઢ રીતે ગયો છે કે મિમએ ભાજપની બી ટીમ છે જે તૃણમૂલ કૉંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ અને સપા જેવા વિપક્ષના મત તોડવા માટે બનેલો પક્ષ છે. અથવા તો બીજો અર્થ એ પણ કાઢી શકાય કે મુસ્લિમોને સાવ મુસ્લિમ તરફી પક્ષ પસંદ નથી. ત્રીજો અર્થ એવો છે કે આ વખતે મિમ કરતાં વધુ કટ્ટરતા અખિલેશ યાદવના સપાએ બતાવી હતી. ઓવૈસીએ ઝીણા પ્રેમ નહોતો બતાવ્યો. મિમે બાબુસિંહ કુશવાહાના જન અધિકાર પક્ષ અને ભારત મુક્તિ મોરચા સાથે ગઠબંધન કર્યું હતું.
 
ભાજપને આઠ ટકા મુસ્લિમ મતો મળ્યા
 
સર્વે કરનાર સીએસડીએસ-લોકનીતિએ જાહેર કર્યું છે કે સામાન્ય માન્યતા છે કે ભાજપને મુસ્લિમ મતો નથી મળતા, પરંતુ આ વખતે તેને મુસ્લિમ વસતિના આઠ ટકા મતો મળ્યા છે. કુલ મતદારોના ૨૦ ટકા મત મુસ્લિમોના છે. તે પૈકી સૌથી વધુ ૭૯ ટકા મતો સપાને અને આઠ ટકા મતો ભાજપને મળ્યા છે. ગયા વખત કરતાં ભાજપને મળેલા મુસ્લિમ મતોનું પ્રમાણ એક ટકા વધુ છે. અમેરિકાની પ્યૂ રિસર્ચ સંસ્થાએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે કરેલા સર્વે મુજબ, ૨૦૧૯ની ચૂંટણીમાં સમગ્ર દેશમાંથી ભાજપને કુલ ૨૦ ટકા મતો મુસ્લિમોના મળ્યા હતા. સર્વે મુજબ, આનો અર્થ એ થયો કે પાંચમાંથી એક મુસ્લિમે ભાજપને મત આપ્યો.
 
મુસ્લિમ મતદારોનો ઝૂકાવ, ૧૯૯૨ પછીથી સ્વતંત્રતા મળ્યા પછી ૮૦ના દાયકા સુધી મુસ્લિમ મતદારો કૉંગ્રેસ સાથે હતા. ૧૯૯૨માં અયોધ્યા ખાતે જર્જરિત ઢાંચો તૂટ્યા પછી મુસ્લિમ મતદારો માટે એક જ નિશાન હતું- ભાજપને હરાવવો. ૯૦ના દશકથી મુસ્લિમ મતદારો સપા સાથે થઈ ગયા. કારણ હતું મુલાયમસિંહ યાદવે કારસેવકો પર ચલાવેલી ગોળીઓ. ૯૦ના દશકથી ૨૦૦૦ સુધી આમ ચાલ્યું. ૨૦૦૭ની વિધાનસભા ચૂંટણીમાં બસપા ઉભરીને આવ્યો તો મુસ્લિમો તેની સાથે થઈ ગયા. ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં કલ્યાણસિંહ સપા સાથે થયા તો મુસ્લિમ મતદારો કૉંગ્રેસ તરફ ઢળ્યા. ૨૦૧૨માં તેઓ ફરી સપા તરફ ઝૂક્યા. ૨૦૧૪માં હિન્દુ મતદારો એક થયા તો મુસ્લિમ મતોનો પ્રભાવ શૂન્ય થઈ ગયો.
 
દલિત મતો કોના તરફ વળ્યા?
 
દલિતના પક્ષધર ગણાતા માયાવતીના બસપાના આ ચૂંટણીમાં ભૂંડા હાલ થયા. એક સમયે તેણે તિલક તરાજુ ઔર તલવાર, ઇનકો મારો જૂતે ચાર જેવું સ્ફોટક વર્ગવિગ્રહ થાય તેવું સૂત્ર આપ્યું હતું, પરંતુ ૨૦૦૭ પછી તેઓ બ્રાહ્મણો તરફ વળ્યા અને હાથી નહીં યે ગણેશ હૈ, બ્રહ્મા વિષ્ણુ મહેશ હૈ જેવું સૂત્ર આપ્યું તેથી એકલા હાથે સત્તાના સિંહાસન સુધી પહોંચી શક્યાં, પરંતુ તે પછી ક્રમશ: તેમના પક્ષની સ્થિતિ બગડવા લાગી. આ વખતે તો બસપાને માત્ર એક જ બેઠક મળી છે. ચૂંટણી પૂર્વે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એક ઇન્ટર્વ્યૂમાં માયાવતીની અને મતદાનના દિવસે માયાવતીએ અમિત શાહની પ્રશંસા કરી હતી. ૧૨૨ બેઠકોમાં સપા અને બસપાના ઉમેદવાર સમાન જાતિના હતા. આ ૧૨૨ બેઠકોમાંથી ૬૮ બેઠક ભાજપને ફાળે આવી છે. આનો અર્થ એ થયો કે સપા-બસપાની લડાઈમાં ભાજપ ફાવી ગયો. બીજી બાજુ, ભીમ આર્મીવાળા ચંદ્રશેખર આઝાદ રાવણ યોગી આદિત્યનાથ સામે પોતાની થાપણ પણ બચાવી શક્યા નથી.
 
ભાજપને ફળ્યું સુશાસન, રાશન અને હિન્દુત્વ
 
યોગી સરકારના સુશાસન, રાશન અને હિન્દુત્વને લીધે મુસ્લિમ સહિત સર્વ સમાજના મત ભાજપને મળ્યા. ચૂંટણી સમયે સંત રવિદાસના મંદિરમાં પણ દરેક પક્ષના નેતાઓ ઉમટી પડ્યા હતા. ભાજપને દલિત અને લબરથી સંપ્રદાયના મતો પણ મળ્યા.
 
ખેડૂત આંદોલન- ટિકૈત થયાં ટાંય ટાંય ફિસ્સ
 
કેન્દ્ર સરકારે લાવેલા ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂત આંદોલન થયું. તેમાં કૃષિ પ્રધાને અનેક વાર વાટાઘાટો કરી. પરંતુ ખેડૂતો ટસના મસ ન થયા. ૨૬ જાન્યુઆરી ૨૦૨૧ના દિને લાલ કિલ્લા પર ખાલિસ્તાની સમર્થકોએ ખેડૂત આંદોલનનો હિસ્સો બની હિંસા પણ કરી. અંતે વડા પ્રધાન મોદીએ દેશહિતમાં કાયદાઓ પાછા ખેંચ્યા. આની અસર થઈ હોય કે કેમ, પણ ઉત્તર પ્રદેશમાં ભાજપને ખેડૂત આંદોલનની નકારાત્મક અસર ન દેખાઈ. રાકેશ ટિકૈતે અનેક દાવાઓ કર્યા પરંતુ તેઓ ટાંય ટાંય ફિસ્સ જ થયા. લખીમપુર ખૈરીમાં કેન્દ્રમાં ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રના પુત્રના કાર અકસ્માતનો મુદ્દો સળગતો રહેવા છતાં લખમીપુર ખૈરીમાં આઠે આઠ બેઠક ભાજપે જીતી.
 
મહિલા મતદારોની ભૂમિકા નિર્ણાયક
 
ઉત્તર પ્રદેશમાં ભાજપની જીતમાં મહિલા મતદારોની ભૂમિકા નિર્ણાયક રહી. વડા પ્રધાન મોદી તો ગુજરાત વખતથી મહિલા મતદારો પર ભાર મૂકતા આવ્યા છે. યોગી શાસને મહિલાઓને સુરક્ષા આપી. રાશન આપ્યું. તેથી પ્રિયંકા ગાંધી વાડ્રાના લડકી હૂં લડ સકતી હૂં જેવા સારા સૂત્ર છતાં મહિલા મતદારો ભાજપ તરફ ઢળ્યાં. પ્રિયંકાની મહિલા મેરેથોનમાં કોરાનાના નિયમોનો ભંગ થયો, મહિલા દોડવીરોને સવારે આઠ વાગે બોલાવાઈ, ૧૧.૩૦ વાગે દોડ ચાલુ થઈ ત્યાં સુધી ભૂખી-તરસી રખાઈ, સ્પર્ધામાં ધાંધલી થઈ, ભાગદોડ મચી, તેથી મહિલાઓ વિફરી. જેમને લડકી હૂં લડ સકતી હૂંની પૉસ્ટર ગર્લ બનાવેલી તે વંદનાસિંહ, પલ્લવીસિંહ, પ્રિયંકા મૌર્યએ પક્ષ છોડ્યો.
 
પ્રિયંકા ગાંધી વાડ્રાનું લૉન્ચિંગ નિષ્ફળ!
 
આ ચૂંટણીને પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાના ખભા પર ઊંચકી હતી અને અહીં કૉંગ્રેસના મુખ્ય પ્રચારકો પૈકી કોઈ પ્રચાર કરવા નહોતા ગયા. અનેક મુદ્દાઓ તેમણે ઉપાડ્યા પણ હતા, ગેસ્ટ હાઉસમાં તેઓ કચરો વાળતાં દેખાયાં હતાં. પરંતુ પરિવારમાં કોરોના થતાં તેઓ ગાયબ થઈ ગયા. રાહુલ ગાંધી અધવચ્ચેથી પ્રચાર કરવા આવ્યાં. મહિલા મતદારોનો મુદ્દો ઉપાડ્યો. ૪૦ ટકા મહિલાઓને ટિકિટ આપવા જાહેરાત કરી. તેમ છતાં રાજસ્થાનમાં કૉંગ્રેસ શાસનમાં બળાત્કાર, મહિલાઓની અને ખેડૂતોની સ્થિતિ તેમને ભારે પડી. પંજાબ સહિત સમગ્ર દેશભરમાં કૉંગ્રેસ તૂટી તે બધા જોતા હતા. પૂર્વ કાયદા પ્રધાન અશ્ર્વિન કુમારે રાજીનામું આપ્યું. પૂર્વ કેન્દ્રીય પ્રધાન આરપીએન સિંહ અને જિતિનપ્રસાદ ભાજપમાં જોડાયા. ગુજરાતમાં જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાયા. ગોવામાં કૉંગ્રેસના પૂર્વ મુખ્ય પ્રધાન લુઇજિન્હો ફલેરિયો સહિતના નેતા તૃણમૂલ કૉંગ્રેસમાં ગયા. કેરળમાં પી. સી. ચાકો રાષ્ટવાદી કૉંગ્રેસ પક્ષમાં ગયા. આમ, ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધી વાડ્રાને લૉન્ચ કરવાનો કાર્યક્રમ નિષ્ફળ ગયો.
 
 

five state election analysis 
 
ઉત્તરાખંડ - અનેક પડકાર છતાં ભાજપની જીત
 
કુલ સીટ 70 - ભાજપ 48
ઉત્તરાખંડમાં ભાજપ માટે ગઢ આલા પણ સિંહ ગેલા જેવું થયું. અહીં મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામી જીતી ન શક્યા. અહીં ભાજપને ૪૭ બેઠક પર જીત મળી જે ગયા વખત કરતાં દસ ઓછી છે. અહીં ભાજપમાં જૂથબંધી બહુ જ હતી. એક જ વર્ષમાં તેને ત્રણ મુખ્ય પ્રધાન બદલવા પડ્યા. આથી આ સ્થિતિમાં ભાજપનો વિજય તેના માટે આશ્ર્વાસન ગણાય. વળી, કૉંગ્રેસમાંથી આવેલા હરકસિંહ રાવત ભાજપ છોડી પાછા કૉંગ્રેસમાં ગયા.
 
અગાઉ કહ્યા પ્રમાણે, હિન્દુત્વનો મુદ્દો અને વિકાસનો મુદ્દો અહીં અસરકારક હતો જ પરંતુ કૉંગ્રેસના પક્ષે મુશ્કેલી એ રહી કે અહીં તેના નેતા હરીશ રાવત પંજાબના પ્રભારી હતા. પંજાબમાં તો તેમણે ઊંધું નાખ્યું જ. પરંતુ અહીં પણ સીધું પડ્યું નહીં. તેમને જ કૉંગ્રેસ મોવડી મંડળે મુખ્ય પ્રધાનના ચહેરા તરીકે જાહેર કરવામાં વાર લગાડી. તેઓ પોતે પણ લાલ કુંવામાંથી હારી ગયા. તેમની દીકરી જોકે જીતી શકી. અહીં ભાજપના કયા નેતા મુખ્ય પ્રધાન બને છે તેના પર બધાની નજર છે. મિડિયા અહેવાલો અનુસાર, ધનસિંહ રાવત, સતપાલસિંહ મહારાજ અને ત્રિવેન્દ્રસિંહ રાવતનાં નામો ચર્ચાય છે.
 
ગોવા - વિકાસ અને સ્વતંત્રતાનો મુદ્દો ફળ્યો
 
કુલ સીટ 40 - ભાજપ 20
ગોવા ચૂંટણી પહેલાં વડા પ્રધાન રોમમાં પૉપ ફ્રાન્સિસને મળ્યા હતા. ગોવામાં ખ્રિસ્તી મતોનું પ્રમાણ નોંધપાત્ર છે. ગોવામાં ૨૫ ટકા ખ્રિસ્તી મતો છે. આ ઉપરાંત ગોવામાં વિકાસ કાર્યો પણ ભાજપની તરફેણમાં કામ કરી ગયા છે. અહીં તૃણમૂલ કૉંગ્રેસ અને આમ આદમી પક્ષ બંનેએ ટકોરા માર્યા હતા. આમ આદમી પક્ષે તો ભંડારી સમુદાયના અમિત પાલેકરને મુખ્ય પ્રધાનના ચહેરા બનાવ્યા હતા. અહીં ભાજપ નેતા મનોહર પારિકરની લોકપ્રિયતા ઘણી છે. તેમનું અવસાન થયું હતું. તેમના દીકરા ઉત્પલ પારિકરને ભાજપે ટિકિટ ન આપી પોતે પરિવારવાદમાં ન માનતા હોવાનું બતાવ્યું હતું. ઉત્પલ પારિકર હારી ગયા છે. અહીં વિખરાયેલા વિપક્ષનો લાભ પણ ભાજપને મળ્યો હતો. અહીં વડા પ્રધાન મોદીએ સો ટકા રસીકરણ, સ્વચ્છ ભારતમાં ગોવાનું યોગદાન સો ટકા, જલ જીવન મિશનમાં ગોવાનું કવરેજ સો ટકા, વીજળી પહોંચાડવાનું કામ સો ટકા છે તેમ પ્રચાર કર્યો હતો. ઉપરાંત નિશુલ્ક રાશન દેવામાં પણ ગોવાએ સો ટકા ફાળો આપ્યો હતો. અહીં પણ વડા પ્રધાન મોદીએ બોડગેશ્ર્વર મંદિરમાં દર્શન કરી હિન્દુત્વના મુદ્દાને વેગ આપ્યો હતો. અહીં ભાજપના કેબિનેટ પ્રધાન મિલિન્દ નાયક પર સેક્સ કૌભાંડનો કૉંગ્રેસે આક્ષેપ કર્યો હતો પરંતુ બાદમાં તે ખોટો સાબિત થયો હતો. તેમાં પીડિતાએ જ સ્વીકાર્યું હતું કે તેમની સાથે મંત્રીનો વિડિયો બનાવવા કૉંગ્રેસી નેતાએ દસ લાખ રૂપિયાનો સોદો કર્યો હતો. અહીં મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત જીત્યા છે, તેથી મોટા ભાગ તેઓ જ ફરી મુખ્ય પ્રધાન બનશે.
મણિપુર - વિકાસ ફળ્યો
 
કુલ સીટ 60 - ભાજપ 32
મણિપુરમાં અત્યાર સુધી એક જ વાર કૉંગ્રેસને જ પૂર્ણ બહુમતી મળી હતી. ૨૦૧૨માં તેણે ૪૨ બેઠકો મેળવી હતી. તે પછી ભાજપને ત્યાં પૂર્ણ બહુમતી મેળવી. આમ, ભાજપ પર હવે માત્ર હિન્દુ બૅલ્ટનો પક્ષ હોવાનો આક્ષેપ કરી શકાય તેમ નથી. આ વખતે ભાજપે ૩૨ બેઠકો પર જીત મેળવી છે, જ્યારે કૉંગ્રેસને માત્ર પાંચ જ બેઠકો પ્રાપ્ત થઈ છે. નીતીશકુમારના જનતા દળ (યૂ)એ છ બેઠકો મેળવી છે. નેશનલ પીપલ્સ પાર્ટીને સાત બેઠકો અને નાગા પીપલ્સ ફ્રન્ટને પાંચ બેઠકો મળી છે. ભાજપને એનપીપી અને એનપીએફ બંનેનો સાથ નહોતો છતાં આ પરિણામ મળ્યાં તે સારી બાબત કહેવાય. ૨૦૧૨માં ભાજપનો અહીં એક પણ ધારાસભ્ય નહોતો. આમ, દસ વર્ષમાં શૂન્યથી ૩૨ સુધીની યાત્રા તેણે કરી. ૨૦૧૭માં કૉંગ્રેસને ૨૮ બેઠકો મળી હતી, જ્યારે ભાજપને ૨૧. પરંતુ ભાજપે ગઠબંધન કરી સત્તા હસ્તગત કરી હતી. મણિપુરમાં મતોની દૃષ્ટિએ બે વિભાજન છે પહાડી વિસ્તાર અને મેદાની વિસ્તાર. ભાજપે શાસનમાં આવ્યા પછી આ અંતર ઘટાડવાના કાર્યક્રમો કર્યા. મુખ્ય પ્રધાન એન. બીરેનસિંહે ચલો પહાડી કી ઓર, ચલો ગાંવ કી ઓર અને સીએમ ધ હાઇસી (મુખ્યમંત્રીને જણાવો) જેવા કાર્યક્રમો આપ્યા. અહીં સશસ્ત્ર બળોનો કાયદો આફ્સપા મુખ્ય મુદ્દો બધા જ પક્ષે હતો. ઇમ્ફાલ વિમાન મથકનો સારો વિકાસ કરી આંતરરાષ્ટ્રીય ઉડાનોને અનુરૂપ બનાવાયું. સડક અને રેલવે આંતરમાળખાનો સારો વિકાસ કરાયો. મણિપુરમાં સ્વતંત્રતાના સિત્તેર-પંચોતેર વર્ષમાં પહેલ વાર રેલવે ટ્રેન લાવવાનો શ્રેય મોદી સરકારને જાય છે. કેન્દ્ર સરકારના કારણે અહીં ૧૬ રાષ્ટ્રીય રાજમાર્ગ નિર્માણાધીન છે. ભારત, મ્યાંમાર અને થાઇલેન્ડને જોડતી ટ્રાન્સ રૉડ યોજના પણ અંતિમ ચરણમાં છે.
વડા પ્રધાન મોદી સંકેતોમાં ઘણું કહી જાય છે. તેઓ જ્યારે કાશી વિશ્ર્વનાથ લોકાર્પણ પછી ગંગા સ્નાન કરવા ગયા ત્યારે તેમણે લીરમ ફી ગમછો ખભે રાખ્યો હતો. લીરમ ફી મણિપુરનું પારંપરિક વસ્ત્ર છે. તેનાથી મણિપુરની જનતા ખુશ થઈ ગઈ હતી. તે ઉપરાંત મન કી બાતમાં પણ મણિપુરમાં સફરજનની ખેતી થવા લાગી તેની નોંધ તેમણે લીધી હતી અને ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખીરીમાં બનાના ફાઇબર મહિલાઓ બનાવે છે તેની નોંધ તેમણે લીધી હતી. આ બંને મુદ્દા બંને ચૂંટણીમાં કારગત નિવડ્યા. વળી, મણિપુરના મુખ્ય પ્રધાન બીરેનસિંહે કહ્યું કે ટૉક્યો ઑલિમ્પિકમાં જતા પહેલાં મણિપુરના બે ખેલાડીઓને અમેરિકામાં સારી મેડિકલ સારવાર અને ટ્રેનિંગમાં વડા પ્રધાન મોદીએ મદદ કરી હતી. સામે પક્ષે કૉંગ્રેસ વિખરાયેલી હતી. તેણે પરંપરાગત સામ્યવાદી પક્ષો સાથે ગઠબંધન કર્યું હતું.
 
પંજાબ - આપનો વિજય - ચન્ની - સિદ્ધુ - બાદલ ફેંકાયા
 
કુલ સીટ 117 - આપ 92
પંજાબમાં કૉંગ્રેસને બહુમતી હતી. પરંતુ ગાંધી પરિવારથી કોઈ લોકપ્રિય થઈ જાય તે ગાંધી પરિવારને પસંદ પડતું નથી. તેથી મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહને હટાવવા ગાંધી પરિવારે યોજના બનાવી. તેમાં મહત્ત્વાકાંક્ષી નવજોતસિંહ સિદ્ધુને હાથો બનાવ્યા. પરંતુ અમરિન્દરને હટાવ્યા પછી સિદ્ધુને મુખ્ય પ્રધાન બનાવવાના બદલે દલિત ચરણજીતસિંહ ચન્નીને મુખ્ય પ્રધાન બનાવાયા. અમરિન્દરસિંહની સરકાર બની ત્યારથી પોતે પ્રધાન બનવા છતાં સિદ્ધુએ જ સરકાર સામે પ્રશ્ર્નો ઊભા કરતા રહ્યા અને આવું જ ચરણજીતસિંહ ચન્ની વખતે પણ તેમણે પક્ષ પ્રમુખ હોવા છતાં કર્યું. આથી કૉંગ્રેસ સામે કૉંગ્રેસના લોકોએ જ ચિત્ર બનાવ્યું. વળી, સિદ્ધુના સલાહકારોએ પાકિસ્તાન અને ખાલિસ્તાન તરફી વાતો કરી. સિદ્ધુનો પાકિસ્તાન પ્રેમ અવારનવાર દેખાયો. જ્યારે અટલબિહારી વાજપેયીનું નિધન થયું ત્યારે ભૂતકાળમાં અટલજીએ તેમના માટે પ્રચાર કર્યો હોવા છતાં તેમની અંતિમ ક્રિયામાં હાજર રહેવાના બદલે સિદ્ધુ ઈમરાન ખાનની સોગંદવિધીમાં હાજરી આપવા ગયા. ત્યાં જનરલ કમર બાજવાને ગળે મળ્યા.
 
પંજાબમાં ખેડૂત આંદોલનને કેપ્ટન અમરિન્દરસિંહની સરકારે હવા આપી તેને દિલ્લી તરફ વાળી દીધું તેમ કૉંગ્રેસના જ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખડે કહ્યું હતું. અહીં કૉંગ્રેસના સાંસદ મનીષ તિવારી પણ છાશવારે કૉંગ્રેસ સામે જ પ્રશ્ર્નો ઉપાડતા રહ્યા હતા. ખેડૂત આંદોલનમાં અહીં જિયો ટાવરનો ભોગ લેવાયો. આ બધું લોકોએ જોયું. અમૃતસરના સુવર્ણ મંદિરમાં અને કપૂરથલામાં ગુરુ ગ્રંથ સાહિબના કથિત અપમાન બાબતે હત્યાઓ થઈ. કપૂરથલામાં તો અપમાનની વાત જ ખોટી સાબિત થઈ. આ બધું પણ લોકોએ જોયું.
 
અહીં પાકિસ્તાનના ડ્રૉન, શસ્ત્રો, ડ્રગ્સ વગેરે વારંવાર આવતા હતા. સીમાવર્તી રાજ્ય હોવાથી સંવેદનશીલ હતું. મોદી સરકારે પંજાબ અને પશ્ર્ચિમ બંગાળનો પચાસ ટકા હિસ્સો બીએસએફ હેઠળ મૂકી દીધો.
 
ચરણજીતસિંહ ચન્નીએ ઉત્તર પ્રદેશ-બિહારના ભૈયાઓને પંજાબમાં શાસન નહીં કરવા દઈએ તેમ કહી પ્રદેશવાદ જગાડ્યો. તેમણે તેમ કહ્યું ત્યારે બાજુમાં પ્રિયંકા ગાંધી વાડ્રા હસતાં હતાં. આ વાત કૉંગ્રેસને પંજાબ અને ઉત્તર પ્રદેશ બંને જગ્યાએ નડી ગઈ. આની સામે આમ આદમી પક્ષે દિલ્લીના મૉડલની વાત કરી. કેજરીવાલ સામે કુમાર વિશ્ર્વાસે ખાલિસ્તાનીઓ સાથે સાંઠગાંઠના આક્ષેપો કર્યા પરંતુ કેજરીવાલે એમ કહ્યું કે હું તો સ્વીટ આતંકવાદી છું. કુમાર વિશ્ર્વાસે જ આક્ષેપો કર્યા અને આ ચૂંટણી હતી તેથી જ કર્યા તેવું નથી. ૨૦૧૭ની ચૂંટણી પછી આઆપની પૂર્વ નેત્રી અને અભિનેત્રી ગુલ પનાગે પણ આક્ષેપો કર્યા હતા અને આઆપ નેતાઓએ ૨૦૨૦માં ખાલિસ્તાન માટે જનમત સંગ્રહને ટેકો પણ આપ્યો હતો. આવા સંજોગોમાં કેજરીવાલે પુરવાર કરવું પડશે કે તેમની સામેના આક્ષેપો ખોટા હતા. અત્યાર સુધી દિલ્લી તો અડધું રાજ્ય હતું તેથી પોતાની સત્તા મર્યાદિત હોવાથી કંઈ કરી શકતા નથી તેવી ફરિયાદ કરવા કેજરીવાલને મોકો મળતો હતો તે હવે પંજાબ મળતાં નહીં મળે. પંજાબમાં ભગવંત માનને મુખ્ય પ્રધાનના ચહેરા જાહેર કરી કેજરીવાલે હોંશિયારી બતાવી હતી, પરંતુ કુમાર વિશ્ર્વાસે તો ૨૦૧૭ની વાત ટાંકી કહ્યું હતું કે કેજરીવાલ પોતે જ મુખ્ય પ્રધાન બની જશે. કેજરીવાલનાં પત્ની સુનિતા કેજરીવાલનો તથાકથિત ઑડિયો વાઇરલ થયો હતો તે મુજબ, આઆપના યુવા નેતા રાઘવ ચઢ્ઢા કેજરીવાલના જમાઈ બનનાર છે અને તેઓ જ પંજાબનું કામ જોશે.
 
 
 
 

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…