બજરંગબલીના આ ગુણ શીખી લે યુવા તો થઈ જશે બેડો પાર

સ્વામીજી કહેતા કે, દેશના ખૂણે ખૂણે મહાવીર હનુમાનજીની પૂજા શરૂ કરાવો. દુર્બળ લોકોને આ મહાવીરનું ઉદાહરણ રજૂ કરી બળવાન બનાવો. જે શરીરમાં શક્તિ નથી હોતી, હૃદયમાં સાહસ નથી હોતું તે શરીર નકામું છે. માટે જ મારી ઇચ્છા છે કે ભારતના ઘરેઘરમાં હનુમાનજીની પૂજા શરૂ થાય.

    16-Apr-2022
કુલ દૃશ્યો |

Hanuman Jayanti 
 
 

શ્રી હનુમાનજીના જન્મોત્સવ નિમિતે વિશેષ

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના સર્વોત્તમ સેવક, મિત્ર, સચિવ અને ભક્ત એટલે શ્રી હનુમાન. ભારતીય જનમાનસમાં જે રીતે પ્રભુશ્રી રામની પૂજા થાય છે, બરોબર તેવી જ રીતે તેમના પ્રિય સેવક હનુમાનજીની પણ પૂજા કરવામાં આવે છે. શ્રી હનુમાનજીને રુદ્ર અવતાર પણ માનવામાં આવે છે, તો જનદેવતા પણ ગણવામાં આવે છે. ગૌસ્વામી તુલસીદાસજી તો હનુમાનજી માટે કહે છે કે -
 
અતુલિતબલધામ હેમશૈલાભદેહ,
અનુજવનકૃશાનુ જ્ઞાનિનામગ્રહણ્યમ્
સકલગુણનિધાન વાનરાણામધીશ,
રઘુપતિપ્રિયભક્ત વાતજીત નમામિ
 
એટલે કે અતુલ બળના ધામ, સોનાના પર્વત સમાન કાંતિયુક્ત શરીરવાળા, દૈત્યરૂપી વન માટે અગ્નિરૂપ, અગ્રગણ્ય. સંપૂર્ણ ગુણોના નિધાન, વાનરોના સ્વામી, શ્રી રઘુનાથજીના પ્રિય ભક્ત પવનપુત્ર શ્રી હનુમાનજીને હું પ્રણામ કરું છું.
શ્રી હનુમાનજી અતુલ બળના સ્વામી હતા. તેમના અંગ વજ્ર સમાન શક્તિશાળી હતાં માટે જ તેમને વંગનું નામ મું છે, જે બોલચાલમાં પાછળથી બજરંગ બની ગયું. જો કોઈ તેમને વિશ્રામ કરવાનું કહે છે તો તે કહે છે કે મેં શ્રમ જ ક્યાં કર્યો છે કે, હું વિશ્રામ કરું. માટે જ તેમનાં ચિત્રો જેમ વ્યાયામશાળાઓમાં ભક્તિભાવપૂર્વક લગાવવામાં આવે છે તેટલી જ શ્રદ્ધાથી પ્રત્યેક શાળાઓમાં પણ લગાવવાં જોઈએ.
 
છત્રપતિ શિવાજી મહારાજના સ્વરાજનિર્માણનો વિસ્તૃત અને ઊંડો પાયો નાખવા માટે તેમના ગુરુ સમર્થ શ્રી રામદાસ દ્વારા ગામેગામમાં પથ્થરોને સિંદૂર લગાવી તેની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
 
સ્વામી વિવેકાનંદજી હરેક યુવાનને શ્રી હનુમાનજીને પોતાના આદર્શ માની તેમના સમાન બ્રહ્મચારી બનવાનો ઉપદેશ આપતા હતા. તેઓ જ્યારે હનુમાનજી વિશે વાત કરતા ત્યારે તેમના ચહેરા પર એક અલગ જ કાંતિ ઊભરી આવતી હતી.
સ્વામીજી કહેતા કે, દેશના ખૂણે ખૂણે મહાવીર હનુમાનજીની પૂજા શરૂ કરાવો. દુર્બળ લોકોને આ મહાવીરનું ઉદાહરણ રજૂ કરી બળવાન બનાવો. જે શરીરમાં શક્તિ નથી હોતી, હૃદયમાં સાહસ નથી હોતું તે શરીર નકામું છે. માટે જ મારી ઇચ્છા છે કે ભારતના ઘરેઘરમાં હનુમાનજીની પૂજા શરૂ થાય. એક દિવસ તેમના એક અનુયાયીએ પૂછ્યું કે, હાલના સમયે આપણે આપણા આદર્શ કોને ગણવા ? સ્વામીજીએ તરત જ જવાબ આપ્યો. મહાવીર હનુમાનના ચરિત્રને જ આપણે આદર્શ બનાવવા પડશે. જુઓ, તેઓ શ્રીરામની આજ્ઞાથી સાગર પાર કરી ગયા. જીવનમૃત્યુનો તેમને ભય જ ન હતો. મહાન જિતેન્દ્રિય, મહાન બુદ્ધિમાન, મહાન સેવાભાવદર્શનના ગુણ આપણે તમામે આપણા જીવનમાં ઉતારવા જોઈએ. સ્વામી વિવેકાનંદજીની ખૂબ જ ઇચ્છા હતી કે બંગાળમાં હનુમાનજીની ઉપાસના પ્રચલિત થાય. માટે જ તેમના સાથીઓએ મઠમાં શ્રીરામ કીર્તન પહેલાં મહાવીર બજરંગ બલીની આરાધનાનો નિયમ બનાવ્યો હતો.
 
 

બજરંગ બલીના એ ગુણ જે યુવાઓએ અંગીકાર કરવા રહ્યા | life Lessons From Lord Hanuman

 
 
ધર્મશાસ્ત્રોમાં આત્મજ્ઞાનની સાધના માટે ત્રણ ગુણો અનિવાર્ય ગણાવ્યા છે. બળ, બુદ્ધિ અને વિદ્યા. જો આમાંથી કોઈ એક ગુણની પણ કમી હોય તો સાધનાનો ઉદ્દેશ્ય સફળ થઈ શકતો નથી. સૌપ્રથમ તો સાધના માટે બળ જરૂરી છે, કારણ કે નિર્બળ અને કાયર વ્યક્તિ ક્યારેય સાધના કરી શકે નહીં. બીજું સાધકમાં બુદ્ધિ અને વિચારશક્તિ હોવી જોઈએ. તેના વગર સાધકમાં સાધનાની પાત્રતા વિકસિત થઈ શકતી નથી. ત્રીજો અનિવાર્ય ગુણ વિદ્યા છે, કારણ કે વિદ્યાવાન વ્યક્તિ જ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે.
 
હનુમાનજીના જીવનમાં આ ત્રણેય ગુણોનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. આ જ ગુણોના બળે તેઓ જીવનની પ્રત્યેક કસોટી પર ખરા ઊતર્યા છે. પ્રભુ શ્રી રામની કથામાં હનુમાનજીનું ચરિત્ર ખૂબ જ પ્રભાવશાળી છે. પ્રભુ શ્રીરામના આદર્શોને મૂર્ત રૂપ આપવામાં તેઓએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
 
રામાયણના સુંદર કાંડની કથા સૌથી અલગ છે. સંપૂર્ણ રામાયણમાં શ્રીરામના ગુણો અને પુરુષાર્થને દર્શાવે છે જ્યારે સુંદરકાંડ એક માત્ર એવો અધ્યાય છે, જે માત્ર હનુમાનજીની શક્તિ અને વિજયનો કાંડ છે અને તે અતિ સુંદર છે.
 
 
ગજબનું સંવાદ-કૌશલ્ય
 
 
હનુમાનજીમાં ગજબનું સંવાદ-કૌશલ્ય છે. જ્યારે તે અશોક વાટિકામાં પ્રથમ વાર માતા સીતા સમક્ષ હાજર થાય છે ત્યારે તે તેમના સંવાદ-કૌશલ્યથી માતા સીતાને ન માત્ર ભયમુક્ત કરે છે. બલકે તેમને એવો વિશ્ર્વાસ પણ અપાવે છે કે તે શ્રીરામના દૂત છે. કયિ કે વચન સપ્રેમ સુનિ, ઉપજા મન વિશ્ર્વાસજીના મન કમ બચન યહ, કૃપા સિંધુ કર દાસા. આ કૌશલ આજના યુવાઓએ શીખવા જેવું છે.
 
 
વિનમ્રતાથી સમગ્ર કાર્ય સુગમતાપૂર્વક કરી શકાય
 
 
એવી જ રીતે લંકા જતા સમયે સમુદ્ર પાર કરતાં દેવતાઓના કહેવાથી સુરસા રાક્ષસી તેમની પરીક્ષા લે છે. ત્યારે પોતાનો પરિચય અતિશય વિનમ્રતાથી આપી તે રાક્ષસીનું દિલ પણ જીતી લે છે. તે શ્રી હનુમાનજીની બુદ્ધિ, કૌશલ અને વિનમ્રતા જોઈ દંગ રહી જાય છે અને તેમના કાર્યમાં સફળ થવાના આશીર્વાદ આપી તેમને વિદાય આપે છે. આ પ્રસંગ આપણને શીખવે છે કે માત્ર સામર્થ્ય થકી જ જીત નથી મળી જતી. વિનમ્રતાથી સમગ્ર કાર્ય સુગમતાપૂર્વક કરી શકાય છે.
 
 
જીવનમાં આદર્શો સાથે ક્યારેય સમાધાન ન કરો
 
 
મહાવીર હનુમાનજીએ પોતાના જીવનમાં આદર્શો સાથે ક્યારેય સમાધાન કર્યું નથી. લંકામાં રાવણના ઉપવનમાં હનુમાનજી અને મેઘનાદ વચ્ચે યુદ્ધમાં મેઘનાદ જ્યારે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરે છે, ત્યારે જો હનુમાનજી ઇચ્છત તો તેનો તોડ કાઢી શક્યા હોત, પરંતુ તેઓએ એવું ન કર્યું, કારણ કે તેઓ બ્રહ્માજીનું મહત્ત્વ ઓછું કરવા માંગતા ન હતા. એના માટે તેઓએ બ્રહ્માસ્ત્રનો પ્રહાર પણ સહી લીધો.
 
 
અવસર અનુકૂળ પ્રદર્શન
 
 
શ્રી હનુમાનજી પાસેથી આપણે શક્તિ અને સામર્થ્યના અવસરના યોગ્ય અને અનુકૂળ પ્રદર્શનનો ગુણ પણ શીખવો જોઈએ. તુલસીદાસજી હનુમાનજી ચાલીસામાં લખે છે કે સૂક્ષ્મ રૂપ ધરી સિપદિ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જરાવા. એટલે કે માતા સીતા સમક્ષ તેઓએ સ્વયંમ્ને લઘુ રૂપમાં રાખ્યા, કારણ કે ત્યાં તેઓ પુત્રની ભૂમિકામાં હતા, પરંતુ સંહારકના રૂપમાં તે રાક્ષસો માટે કાળ બની ગયા. પરિસ્થિતિ પ્રમાણે ખુદને ઢાળવાનો હનુમાનજીનો આ ગુણ અદ્ભુત છે. લક્ષ્મણજી જ્યારે મૂર્છિત થાય છે ત્યારે તેમના પ્રાણ બચાવવા માટે આખે-આખો પર્વત ઉઠાવી લાવે છે, કારણ કે તેઓ પોતાના એ ગુણ માધ્યમથી આપણને તાત્કાલિક વિષમ પરિસ્થિતિઓમાં વિવેકાનુસાર નિર્ણય લેવાની પ્રેરણા આપે છે.
 
 
ભાવનાઓનું સંતુલન
 
 
હનુમાનજી આપણને ભાવનાઓનું સંતુલન રાખવાનું શીખવે છે. તેમનું વ્યક્તિત્વ આત્મમુગ્ધતાથી કોશો દૂર છે. માતા સીતાના સમાચાર લઈ સકુશળ પાછા શ્રીરામ પાસે પહોંચે છે. ત્યારે તેઓએ પોતાના પરાક્રમની કોઈ વાત પ્રભુ શ્રીરામ સમક્ષ ન કરી, જ્યારે શ્રીરામે તેઓને પૂછ્યું - હનુમાન ! ત્રિભુવન વિજયી રાવણની લંકાને તમે કેવી રીતે બાળી ? ત્યારે તેઓ જવાબ આપે છે કે, સો સબ તવ પ્રતાપ રઘુરાઈ. હનુમાનજીનો આવો જવાબ સાંભળી ભગવાન શ્રીરામ આત્મ-મુગ્ધતાવિહીન વ્યક્તિત્વ પર અભિભૂત થઈ જાય છે.
 
 
હનુમાનજીના જીવનનો એક જ મંત્ર હતો
 
 
ભારતીય દર્શનમાં સેવાભાવને અત્યધિક મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ સેવાભાવ જ આપણને નિષ્કામ કર્મ માટે પ્રેરિત કરે છે. અષ્ટ ચિરંજીવીઓમાંથી એક મહાબલી હનુમાન પોતાના એ જ સદ્ગુણોને કારણે દેવરૂપે પૂજાય છે. ભગવાન શ્રીરામ ખુદ કહે છે કે જ્યારે લોક પર કોઈ આપત્તિ આવે છે ત્યારે તે મારી પ્રાર્થના કરે છે, પરંતુ મારા પર જ્યારે કોઈ સંકટ આવે છે, ત્યારે હું તેના નિવારણ માટે પવનપુત્રને યાદ કરું છું. હનુમાનજીના જીવનનો એક જ મંત્ર હતો. રામ કાજ કિન્હે બિનુ, મોહિ કહા વિશ્રામ.
 
 
આપણે સૌએ પણ ભારતમાતાના સેવક બનવાનું છે
 
 
જે રીતે હનુમાનજી શ્રીરામના ભક્ત છે, તે જ રીતે આપણે સૌએ પણ ભારતમાતાના સેવક બનવાનું છે. આજે ન માત્ર ભારત સહિત સમગ્ર વિશ્ર્વ મહામારી, યુદ્ધ, મોંઘવારીથી ત્રાહિ ત્રાહિ છે, ત્યારે સંકટના આ સમયમાં દેશના યુવાઓની જવાબદારી અનેકગણી વધી જાય છે. સંકટના આ સમયે સમાજ, વિશ્ર્વની રક્ષા માટે શ્રી હનુમાનજીની જેમ જ આપણે પણ આપણા દાયિત્વનું નિષ્ઠાપૂર્વક નિર્વહન કરવું પડશે. યુવાશક્તિને ભગવાન શ્રી હનુમાનજીની પૂજા સાથે સાથે તેમના ચરિત્રને પણ આત્મસાત્ કરવાનું છે, જેથી ભારતને ઉચ્ચતમ નૈતિક મૂલ્યોવાળા દેશની સાથે સાથે કૌશલયુક્ત પણ બનાવી શકાય.
 
 
વિશ્વના અનેક દેશોમાં પૂજાય છે શ્રી હનુમાન
 
 
વિશ્વના અનેક દેશો જેવા કે થાઇલેન્ડ, બર્મા, કંબોડિયા, લાઓસ, મલેશિયા તથા ઇન્ડોનેશિયાના લોકો હનુમાનજીની વિધિવત્ પૂજા કરે છે. અહીં હનુમાનજી ભગવાનશ્રી રામના સંદેશવાહક દૂત તરીકે જાણીતા છે. થાઇલેન્ડ, કંબોડિયા, લાઓસ તથા ઇન્ડોનેશિયામાં રામલીલા અને હનુમત ચરિત્રને નૃત્ય અને નાટકના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવે છે. ત્યાં પણ હનુમાનજીને વાનર રૂપે ઓજસ્વી તથા તેજસ્વી સૈનિક રૂપે દર્શાવાય છે. ભારતની જેમ જ મોરીસસમાં પણ હનુમાનજીનાં મંદિરો છે અને અહીંના દરેક હિન્દુ ઘર પર હનુમાનજીની છબીવાળા ભગવાધ્વજ જોવા મળવો સામાન્ય છે. કંબોડિયાના અંગ કોર, ઇન્ડોનેશિયાના પ્રાભાજન તથા થાઇલેન્ડના શાહી બૌદ્ધ મંદિરની દીવાલો પર હનુમાનજીનાં ચિત્રો ચિતરાયેલાં જોવા મળે છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ હનુમાનજીના ભક્ત હતા. તે હંમેશા પોતાના ખિસ્સામાં હનુમાનજીની પ્રતિમા રાખે છે. ડરબનના ચેટરીવર્થમાં હનુમાનજીની ૧૫ ફૂટ ઊંચી પ્રતિમા પ્રસ્થાપિત છે. આ સિવાય પણ વિશ્ર્વના અનેક દેશોમાં હનુમાનજીની પ્રતિમાઓ જોવા મળી જાય છે.