કેજરીવાલ, શરદ પવાર, સોનિયા ગાંધી... બંધારણથી પર !

એ નોંધવું અગત્યનું છે કે સેવામાં જોડાતા સમયે દરેક સરકારી અધિકારીને બંધારણમાં સાચી શ્રદ્ધા અને તેને વળગી રહેવાના સોગંદ લેવડાવવામાં આવે છે. પરંતુ મુખ્ય સચિવ, વીજ સચિવ અને પીએસપીસીએલના સચિવે આ સોગંદનો ભંગ કર્યો છે. દરેક અધિકારી સત્તાવાર ગોપનીયતા અધિનિયમથી બંધાયેલો છે. દિલ્લીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે બોલાવેલી બેઠકમાં હાજરી આપીને પંજાબના સરકારી અધિકારીઓએ ઉક્ત અધિનિયમનો ભંગ કર્યો.

    23-Apr-2022   
કુલ દૃશ્યો |

 constitutional law and politics
 

તાજેતરમાં દિલ્લીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પંજાબના આઈએએસ અધિકારીઓની બેઠક બોલાવી. તો મહારાષ્ટ્રમાં બીમાર મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના બદલે હડતાળ કરી રહેલા એસ. ટી. કર્મચારીઓની બેઠક શરદ પવારે લીધી હતી. સોનિયા ગાંધીએ પણ એનએસી રચીને પડદા પાછળથી સરકાર ચલાવી હતી.

 
એ નોંધવું અગત્યનું છે કે સેવામાં જોડાતા સમયે દરેક સરકારી અધિકારીને બંધારણમાં સાચી શ્રદ્ધા અને તેને વળગી રહેવાના સોગંદ લેવડાવવામાં આવે છે. પરંતુ મુખ્ય સચિવ, વીજ સચિવ અને પીએસપીસીએલના સચિવે આ સોગંદનો ભંગ કર્યો છે. દરેક અધિકારી સત્તાવાર ગોપનીયતા અધિનિયમથી બંધાયેલો છે. દિલ્લીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે બોલાવેલી બેઠકમાં હાજરી આપીને પંજાબના સરકારી અધિકારીઓએ ઉક્ત અધિનિયમનો ભંગ કર્યો.
 
 
પંજાબમાં હજુ તો આઆપ સરકારને બન્યાને એક મહિનો માંડ થયો છે ત્યાં પુત્રનાં લક્ષણ પારણામાં કહેવત અનુસાર, કેજરીવાલે લક્ષણ દેખાડવાના ચાલુ કરી દીધા છે. તાજેતરમાં દિલ્લીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પંજાબના અધિકારીઓની બેઠક દિલ્લીમાં લીધી. ચૂંટણી પહેલાં ચર્ચા ચાલતી જ હતી કે પંજાબમાં જો આઆપની સરકાર બનશે તો કાં તો અરવિંદ કેજરીવાલ દિલ્લીની ગાદી મનીષ સિસોદિયાને આપી પંજાબમાં મુખ્ય પ્રધાન બની જશે અથવા તો પોતાના કઠપૂતળી નેતાને મુખ્ય પ્રધાન બનાવશે. અત્યારે આ બીજી વાત સાચી પડી રહી છે.
 
૧૨ એપ્રિલે આ બેઠક મળી હતી. અને માત્ર કેજરીવાલ જ નહીં, દિલ્લીના વીજ પ્રધાન સત્યેન્દ્ર જૈન પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા ! આટલું ઓછું હોય તેમ, તેમાં રાજ્યસભાના સાંસદ અને આઆપ પ્રવક્તા રાઘવ ચઢ્ઢા પણ હાજર રહ્યા હતા !
આ બેઠક પછી ભાજપે પંજાબના રાજ્યપાલને પત્ર લખી પંજાબના સરકારી અધિકારીઓને બંધારણીય ફરજની ઉપરવટ જતા રોકવા અને મુખ્ય સચિવ પાસેથી સ્પષ્ટતા માગવા વિનંતી કરી હતી.
 
રાજ્યપાલ ભંવરલાલ પુરોહિતને લખેલા પત્રમાં ભાજપના નેતા મનોરંજન કાલિયાએ પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો કે જો મુખ્ય સચિવ રાજ્યના વહીવટી વડા થઈને પોતાના રાજકીય સ્વામીઓને ખુશ કરવા બંધારણીય ફરજોની ઉપરવટ જાય તો તેઓ પોતાની નીચેના અધિકારીઓને કેવી રીતે રોકી શકશે?
 
આ બેઠક યોજાયાનું કોઈએ નકાર્યું નહોતું. તેમાં પંજાબના મુખ્ય સચિવ અનિરુદ્ધ તિવારી, વીજ સચિવ દિલીપકુમાર અને પીએસપીસીએલના અધ્યક્ષ બલદેવસિંહ શરણ હાજર રહ્યા હતા.
 
મનોરંજન કાલિયાએ કહ્યું કે દિલ્લીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને પંજાબ સરકારને લગતી બાબતોની ચર્ચા કરવા માટે પંજાબના સરકારી અધિકારીઓને બોલાવવાનો કોઈ અધિકાર નથી. આ અધિકાર માત્ર પંજાબના મુખ્ય પ્રધાનને જ છે. પંજાબના મુખ્ય પ્રધાને રાજ્યના સરકારી અધિકારીઓની બેઠક બોલાવી હોય તો તેમાં બેસવાનો પણ દિલ્લીના મુખ્ય પ્રધાનને બંધારણીય અધિકાર નથી.
 
કાલિયાએ કહ્યું કે એ નોંધવું અગત્યનું છે કે સેવામાં જોડાતા સમયે દરેક સરકારી અધિકારીને બંધારણમાં સાચી શ્રદ્ધા અને તેને વળગી રહેવાના સોગંદ લેવડાવવામાં આવે છે. પરંતુ મુખ્ય સચિવ, વીજ સચિવ અને પીએસપીસીએલના સચિવે આ સોગંદનો ભંગ કર્યો છે. દરેક અધિકારી સત્તાવાર ગોપનીયતા અધિનિયમથી બંધાયેલો છે. દિલ્લીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે બોલાવેલી બેઠકમાં હાજરી આપીને પંજાબના સરકારી અધિકારીઓએ ઉક્ત અધિનિયમનો ભંગ કર્યો છે.
આ બેઠકની અન્ય વિપક્ષોએ પણ ટીકા કરી. પંજાબ કૉંગ્રેસના નવા પ્રમુખ અમરિન્દરસિંહ રાજા વારિંગેએ કહ્યું કે શું પંજાબ દિલ્લીના લોકોની કઠપૂતળી બની જશે? કયા હોદ્દાના આધારે અને કયા મુદ્દાએ આ બેઠક યોજાઈ? મુખ્ય પ્રધાને (માને) આ જાહેર કરવું જોઈએ. સર તો ઝુકા હી દિયા થા, અબ મથ્થા ભી ટેક દિયા હૈ ક્યા ?
 
કૉંગ્રેસના પૂર્વ પંજાબ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુએ પણ ટીકા કરતાં કહ્યું કે માનની અનુપસ્થિતિમાં કેજરીવાલે પંજાબના આઈએએસ અધિકારીઓની બેઠક બોલાવી તેનાથી પડદા પાછળના ખરા મુખ્ય પ્રધાન ખુલ્લા પડી ગયા છે. આ સમવાયતંત્રનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. પંજાબી ગૌરવનું અપમાન છે. બંને (કેજરીવાલ અને માન)એ સ્પષ્ટતા કરવી જોઈએ.
શિરોમણિ અકાલી દળના વડા અને પંજાબના પૂર્વ ઉપ મુખ્ય પ્રધાન સુખબીરસિંહ બાદલે આ પગલાને અસંવૈધાનિક અને અસ્વીકાર્ય ગણાવ્યું.
 
પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન અને પંજાબ લોક કૉંગ્રેસના વડા કેપ્ટન અમરિન્દરસિંહે કહ્યું, જેનો ડર હતો તે થયું, ધારણા હતી તે પહેલાં જ અરવિંદ કેજરીવાલે પંજાબની ધુરા હાથમાં લઈ લીધી છે. ભગવતસિંહ માન રબર સ્ટેમ્પ છે તે તો ખબર જ હતી, હવે કેજરીવાલે પંજાબના અધિકારીઓની બેઠકની અધ્યક્ષતા કરીને આ વાત સાબિત કરી દીધી છે.
 
પરંતુ આ અસંવૈધાનિક કાર્ય પછી લાજવાના બદલે ગાજતા, પંજાબના આઆપ એકમે તેનો બચાવ કર્યો! તેણે એમ કહ્યું કે પક્ષના રાષ્ટીય સંયોજક અને દિલ્લીના મુખ્ય પ્રધાન જાહેર હિતમાં જો આવું કરે તો તેમાં કોઈ અસંવૈધાનિક નથી! આમાં શું જાહેર હિત હતું? જાહેર હિત હોય તો પણ બંધારણીય રીતે આવું કરી ન જ શકાય, પરંતુ ખોટું કરીને લાજવાના બદલે આઆપે ગાજવાનું પસંદ કર્યું.
 
પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને પણ લાજવાના બદલે ગાજતા હોય તેમ નફ્ફટાઈથી સ્વીકાર્યું કે આ બેઠક અર્થપૂર્ણ રહી! કેજરીવાલે લખ્યું કે અમે સાથે મળીને દિલ્લી, પંજાબ અને સમગ્ર દેશને બદલી નાખીશું.
 
જો ગુજરાતના અધિકારીઓની બેઠક કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી હોત તો? ગુજરાત પર રિમૉટ કંટ્રૉલવાળી સરકારના નામે છાજિયાં લેવાત.
 
પરંતુ કેજરીવાલ એક માત્ર અપવાદ નથી. ગત જાન્યુઆરીમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ (એન.સી.પી.)ના વડા શરદ પવારે પણ મહારાષ્ટ્રમાં હડતાળ કરી રહેલા એસ. ટી. કર્મચારીઓની બેઠક લીધી હતી! શરદ પવાર પણ આવી બેઠક લઈ શકે તેવા કોઈ બંધારણીય પદ પર નથી. મહારાષ્ટ્રમાં શિવસેના, કૉંગ્રેસ અને એન.સી.પી.ની મિશ્ર સરકાર છે. તેને મહા વિકાસ આઘાડી કહેવાય છે, પરંતુ સરકાર ચલાવે છે તો શરદ પવાર જ. આવા આક્ષેપો સરકાર બની તે પછી થતા હતા પરંતુ આ બેઠક યોજીને શરદ પવારે આ સાબિત કરી દીધું. રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે કોરોનાકાળથી બે વર્ષ સુધી પોતાના નિવાસથી બહાર જ નીકળ્યા નહોતા. એમ કહેવાય છે કે તેઓ ખૂબ જ બીમાર છે, પરંતુ તેમ હોય તો ઉપ મુખ્ય પ્રધાન અજિત પવાર આવી બેઠક યોજી શક્યા હોત. તેના બદલે સરકારમાં કોઈ બંધારણીય હોદ્દો ન ધરાવતા શરદ પવાર મંત્રણા યોજે તો તેને ચોખ્ખું અસંવૈધાનિક પગલું જ કહી શકાય. જોકે શરદ પવારે ચાલાકી એ કરી કે તેમની બેઠકમાં રાજ્યના પરિવહન પ્રધાન અનિલ પરબને પણ ઉપસ્થિત રાખ્યા. અનિલ પરબ શિવસેનાના નેતા છે.
 
તેમ છતાં બંધારણીય રીતે શરદ પવાર આ બેઠક લઈ ન જ શકે. પરંતુ આ બાબતે આશ્ર્ચર્યજનક રીતે મહારાષ્ટ્રના વિપક્ષો પણ ચૂપ રહ્યા છે.
 
તાજેતરમાં શરદ પવારના નિવાસસ્થાને હડતાળ કરી રહેલા કર્મચારીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું ત્યારે વિપક્ષોએ આ ઘટના વખોડી નાખી. તે બરાબર પણ છે, પરંતુ કોઈએ એમ ન કહ્યું કે શરદ પવાર જ જ્યારે બંધારણની ઉપરવટ જઈ હડતાળ કરી રહેલા કર્મચારીઓની બેઠક લે તો કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરવા તેમના ઘરની બહાર જ જવાના ને ?
રિમૉટ કંટ્રૉલની વાત નીકળે તો ગાંધી પરિવાર પણ પાછળ રહે તેમ નથી. હકીકતે, તેણે જ રિમૉટ કંટ્રૉલની શરૂઆત કરી હતી. જવાહરલાલ નહેરુએ સ્વતંત્રતા પછી પક્ષ પ્રમુખ તરીકે પુરુષોત્તમદાસ ટંડન ચૂંટાયા તો તેમની સામે ત્રાગું કરેલું. પી. ડી. ટંડનને તેઓ સહકાર નહોતા આપતા. નહેરુએ તો ટંડન ચૂંટણીમાં ઊભા રહ્યા ત્યારે જ તેમને બિન્દાસ્ત રીતે પત્ર લખી ચૂંટણીમાંથી ખસી જવાનું જણાવેલું. પી. ડી. ટંડનની સામેના નહેરુના વિરોધનું કારણ એ હતું કે તેઓ સરદાર પટેલની છાવણીના હતા.
 
આ જ રીતે ગાંધીજી ઈ. સ. ૧૯૩૪માં કૉંગ્રેસમાંથી ત્યાગપત્ર આપીને નીકળી ગયા હતા. સરદાર પટેલને કૉંગ્રેસની ૧૫માંથી ૧૨ સમિતિએ દેશના પહેલા વડા પ્રધાન તરીકે ચૂંટ્યા તો ગાંધીજીએ કયા આધારે તેમને નહેરુના પક્ષમાં ખસી જવા કહ્યું હતું? સરદાર પટેલે પણ તેમની વાત શેના માટે માનવી જોઈએ?
 
દેશની પહેલી સરકારનું રિમૉટ કંટ્રૉલ ગાંધીજી પાસે જ હતું. પાકિસ્તાનને તેના ભાગના ૫૫ કરોડ આપવાના હતા. પરંતુ સદ્ભાગ્યે આ એક વાર નહેરુ અને તેમના પ્રધાનો સાચા હતા. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર પર હુમલો કર્યો હતો અને ત્યાં તેમજ ગિલગિટ અને બાલ્ટીસ્તાનમાં નરસંહાર ચાલુ કર્યો હતો. આથી નહેરુ આ રૂ. ૫૫ કરોડ પાકિસ્તાનને આપવાના મતના નહોતા. તે વખતે ગાંધીજીએ ઉપવાસ કરી ઇમૉશનલી બ્લેકમેઇલ (ત્રાગું) કરી નહેરુને રૂ. ૫૫ કરોડ પાકિસ્તાનને આપવા વિવશ કર્યા.
 
ઇન્દિરા ગાંધી પણ રિમૉટ કંટ્રૉલથી સરકારો ચલાવવા જાણીતાં હતાં. તેમને જે મુખ્ય પ્રધાન પોતાની ઇચ્છા મુજબ ચાલતા ન દેખાય તેમને ઉથલાવવા માટે ઘઉં રોકી દઈ પ્રજામાં રોષ જન્માવતા. ગુજરાતમાં ચીમનભાઈ પટેલ કૉંગ્રેસની અંદર બળવો કરીને મુખ્ય પ્રધાન બન્યા હતા. તેમની સાથે તેમણે આવું જ કર્યું હતું. જોકે એ પગલાથી હૉસ્ટેલમાં જમવાનું મોંઘું બન્યું. વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું તેને શરૂઆતમાં કૉંગ્રેસના જ આશીર્વાદ હતા, પરંતુ પછી એ આંદોલન વિપક્ષોએ ઉપાડી લઈ નવનિર્માણ આંદોલન કરતાં અંતે ઇન્દિરા ગાંધીએ લોકશાહી પર સૌથી મોટી તરાપ સમાન કટોકટી લાદી હતી અને વિપક્ષોના નેતાઓને જેલમાં પૂરી દીધા હતા. કલમ ૩૫૬નો દુરુપયોગ કૉંગ્રેસની સરકારોએ જ કર્યો છે પણ તેમાં સૌથી વધુ દુરુપયોગ ઇન્દિરા ગાંધીના નામે બોલે છે. તેમનાં વડાં પ્રધાન તરીકે ૧૪ વર્ષના શાસન દરમિયાન તેમણે પચાસ વાર રાજ્ય સરકારોને કલમ ૩૫૬ના દુરુપયોગથી બરખાસ્ત કરી હતી!
 
યુપીએ સરકારમાં પોતાના વિદેશી મૂળના લીધે સોનિયા ગાંધી ત્યાગના નામે વડા પ્રધાન બની શક્યાં ન હતાં, પણ વડા પ્રધાન મનમોહનસિંહના તે સમયના પ્રસાર માધ્યમ સલાહકાર સંજય બારુએ લખેલા પુસ્તક ધ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર પુસ્તક મુજબ, પડદા પાછળ ખરાં વડા પ્રધાન તો સોનિયા ગાંધી જ હતાં.
 
કેન્દ્ર સરકારે ઈ. સ. ૨૦૧૭માં જાહેર કરેલી રાષ્ટીય સલાહકાર સમિતિની ફાઇલો પણ બતાવે છે કે સોનિયા ગાંધી જ ખરાં વડાં પ્રધાન હતાં. સોનિયા ગાંધીએ રાષ્ટીય સલાહકાર પરિષદ રચી હતી. આ પરિષદમાં સોનિયા ગાંધી અધ્યક્ષા હતાં. તેમાં સભ્યો તરીકે મોટા ભાગના ડાબેરી કૉલમિસ્ટ, અધિકારો માટે ચળવળ ચલાવનારા કાર્યકરો, સમાજવાદી વિચારવાળા બુદ્ધિજીવીઓ જ હતા. સંજય બારુએ એક વાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ તે સમયે એનએસીથી ખુશ નહોતા કારણ કે તેઓ તેમના અધ્યક્ષ નહોતા પરંતુ મન મારીને તેને સ્વીકારી લીધી હતી.
કલ્યાણકારી યોજનાઓના નામે તેનો બરાબર અમલ નહીં કરીને, દેશના અર્થતંત્રને ખાડામાં નાખનાર આ એનએસી (સોનિયા ગાંધી) જ હતી, તેમ તે વખતે (વર્ષ ૨૦૧૦) વિદેશી સમાચાર સંસ્થા રૉઇટરના લેખમાં પણ જણાવાયું હતું.
આમ છતાં, કૉંગ્રેસ, એનસીપી, કેજરીવાલ, લાલુ, મમતા, અખિલેશ વગેરેને સેક્યુલર મીડિયા લોકતાંત્રિક ગણાવે છે અને મોદીશાસનમાં લોકતંત્ર સમાપ્ત થઈ ગયું હોવાની બૂમરાણ મચાવે છે.
 
 
 

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…