‘ગુજરાત’ નામ કેવી રીતે પડ્યું ? ‘સ્વર્ણઅક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની...

આ ગુજરાત નામ પડ્યું શી રીતે ? કહે છે કે ગુર્જર શબ્દ પરથી ગુજરાત નામ પડ્યું. તો આ ગુર્જરો કોણ હતા ? ઈ.સ. ૫૦૦ની આસપાસ લખાયેલું તામ્રપત્ર પ્રાપ્ત થયું છે.

    30-Apr-2022
કુલ દૃશ્યો |

name of gujarat
 
 
 
મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે... એક ગુજરાતી કવિએ રચેલું આ ગીત ભાવપ્રધાન છે. ગુજરાતનાં ગુણલાં ગાતાં ઘણાં કાવ્યો રચાયાં છે. ગુજરાતી બની ગયેલા એક બિનગુજરાતી કવિ શ્રી રમેશ ગુપ્તાએ મુક્ત કંઠે ગાયું ‘સ્વર્ણઅક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની જય જય ગરવી ગુજરાતની’ ગુજરાતી કવિઓએ ગુર્જર પ્રજાના ગૌરવનાં ગીતો જરૂર ગાયાં છે, પણ મુ. શ્રી ઉમાશંકરભાઈના મતે ‘હું ગુર્જર ભારતવાસી’ બની રહ્યો. એ ગુજરાતી ભારતનું અભિન્ન અંગ બની રહ્યો. અહીં પ્રદેશવાદ નથી વિકસ્યો. એનો યશ ગુજરાતના જ્યોતિર્ધરોને જાય છે.
 
આ ગુજરાત નામ પડ્યું શી રીતે ? કહે છે કે ગુર્જર શબ્દ પરથી ગુજરાત નામ પડ્યું. તો આ ગુર્જરો કોણ હતા ? ઈ.સ. ૫૦૦ની આસપાસ લખાયેલું તામ્રપત્ર પ્રાપ્ત થયું છે. ૧૯૬૦માં મહાગુજરાતની રચના પછી સરકારે ઇતિહાસવિદ્ ડૉ. કે. સી. સગરને વિસ્તૃત સંશોધનનું કામ સોંપ્યું. તેમના મતે ગુર્જરોનું મૂળ સ્થાન મધ્ય એશિયા હતું. ત્યાં ગુર્જર જાતિના લોકો હૂણ જાતિ સાથે રહેતા હતા. આ ગુર્જરો કોણ હતા અને ક્યાંથી આવ્યા એ અંગે વિવિધ વિદ્વાનોના ભિન્ન ભિન્ન મત પડે છે. કહેવાય છે કે ઈસુના પહેલા કે બીજા સૈકામાં હૂણોના આક્રમણનો સામનો કરતાં કરતાં અફઘાનિસ્તાનના વાલ્મીક અને ગાંધાર પ્રદેશના આ ગુર્જરો સપ્તસિંધુમાં સ્થિર થયા.
 
ઉપરોક્ત તામ્રપત્રમાં જોધપુર પાસેના પ્રદેશનો રાજા ગુર્જરપતિ કહેવાતો. ગુજરાતની અસ્મિતાના ગાયક શ્રી ક. મા. મુન્શીના મતે ‘ગુર્જર’ એ નામ કોઈ જાતિનું નહીં પણ એક પ્રદેશ વિશેનું હતું. ચીની યાત્રી હ્યુ-એન-સંગે ઈ.સ. ૬૪૧માં કરેલી નોંધ પ્રમાણે મધ્ય રાજસ્થાન, પશ્ર્ચિમ માળવા અને ઉત્તર ગુજરાતનો પ્રદેશ ગુર્જર ભૂમિ તરીકે જાણીતો હતો. સમ્રાટ હર્ષના મૃત્યુ પછી ઉત્તર ભારતમાં કોઈ બળવાન રાજા ન રહેતાં ગુર્જર રાજાઓ વિશેષ શક્તિશાળી થવા લાગ્યા. તેમાંના કેટલાક પોતાને ભગવાન રામના ભાઈ લક્ષ્મણના વંશજ કહેતા. લક્ષ્મણ વનવાસ દરમિયાન રામ અને સીતાના પહેરેગીર હતા. (પ્રતિહાર) એટલે પ્રજાએ આ ગુર્જર રાજવીઓને ગુર્જર પ્રતિહાર તરીકે ઓળખ્યા અને કાળક્રમે આ ગુર્જરો હૂણ વગેરે ભારતીય જનજીવન સાથે એકરસ અને એકરૂપ થઈ ગયા.
 
ડૉ. કે. સી. સગરનાં સંશોધન દરમિયાન એક મહત્ત્વનો પુરાતત્ત્વીય મુદ્દો હાથ લાગ્યો. ૧૯૭૪માં પંચમહાલ જિલ્લાના સંજેલી ગામ પાસેથી મળી આવેલ તામ્રપત્ર પરથી માહિતી મળતી હતીકે ગુર્જરોનો સંબંધ હૂણ રાજા તોરમાણ સાથે હતો. આનાથી સાબિત થાય છે કે ગુર્જરો અને હૂણ વચ્ચે સંબંધો હતા.
 
આ સંશોધનમાં એવી પણ માહિતી મળી કે રાજસ્થાનના પર્વતાળ પ્રદેશમાં આબુપર્વત પાસે અગ્નિકુંડ પવિત્ર કરી હૂણ પ્રજાને ભારતીય પ્રજામાં ભેળવવામાં આવી હતી. બીજા એક સંશોધનકાર ડૉ. એન. કે. ભટ્ટીના તારણ પ્રમાણે પરમાર, પરિહાર, ચૌહાણ અને સોલંકીનો તેમાં સમાવેશ થતો હતો. ગુર્જરોને પણ ભારતીય સમાજમાં સમાવી તેમને રાજપૂતનો દરજ્જો અપાયો. હૂણ સામ્રાજ્યના અંત પછી ગુર્જરોનું નસીબ ચમક્યું અને ઉત્તર ગુજરાતના અણહિલવાડમાં (હાલનું સિદ્ધપુર પાટણ) પોતાની સત્તા સ્થાપી. ત્યારથી સમગ્ર વિસ્તાર ગુજરાત કહેવાયો. હવે ગુર્જરોના ઉત્કર્ષનો તબક્કો આરંભાયો. શ્રી દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી ‘ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસ’માં દર્શાવે છે કે ‘સોલંકી વંશના રાજા મૂળરાજે કુરુક્ષેત્ર, કનૌજ, નૈમિષારણ્ય, પ્રયાગ, કાશી, ગૌડ વગેરે પ્રદેશમાંથી બ્રાહ્મણોને બોલાવી સિદ્ધપુર, ખંભાત, તથા અન્યાન્ય સ્થળોએ વસાવ્યા. આ બ્રાહ્મણો પણ ગુર્જરોની સાથે આવેલા એટલે ગુર્જર જ કહેવાતા. મૂળરાજ સોલંકીએ સ્થાપત્યના ઉત્તમ નમૂના સમું સહસ્રલિંગ તળાવ બંધાવ્યું. વેદપાઠી એવા હજારેક બ્રાહ્મણોને પાટણમાં વસાવ્યા. ભીમદેવે કાષ્ટકલાના ઉત્તમ નમૂનારૂપ શિવમંદિરો બાંધ્યાં. ભારતીય નૃત્ય અને સંગીતને પ્રાધાન્ય આપ્યું.
 
સિદ્ધરાજ જયસહે માળવા વિજય કરી તેના ગ્રંથાગારમાંથી ઉત્તમ ગ્રંથોની હજાર જેટલી પ્રતો મેળવી કાયસ્થો પાસે દરેક ગ્રંથની હજારો જેટલી પ્રતો લખાવીને મેળવી અને તે ગામેગામ પહોંચાડી. ગુજરાતની પાઠશાળામાં વેદ, ઉપનિષદ, વ્યાકરણ, મીમાંસા, યોગ, આયુર્વેદ, ધનુર્વેદ, જ્યોતિષ, સંગીત, નૃત્ય અને નાટક જેવી કળાઓના અભ્યાસ માટેની વ્યવસ્થા ઊભી કરી. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પાસે ઉત્તમ ગ્રંથો લખાવ્યા. કુમારપાળે ભવ્ય જૈન મંદિરો બંધાવ્યાં. જૈન પંથને રાજ્યાશ્રય આપ્યો અને જૈન સાધુ મહારાજો દ્વારા ભાષા, સાહિત્યનો વિકાસ થાય તેવું આયોજન કર્યું. સોલંકી શાસન દરમિયાન ગુજરાતની માત્ર સરહદો જ ન વિકસી પણ જ્ઞાન, ધર્મ અને કળાની ત્રિવેણી વહેવા લાગી.
 
જૈન આચાર્યોએ સંસ્કૃત-પ્રાકૃતનો ઊંડો અભ્યાસ કર્યો. આ આચાર્યોમાં મોટાભાગના બ્રાહ્મણો હતા. આમ, સોલંકી યુગમાં ગુજરાત સોળે કળાએ પ્રકાશ્યું. આજે પણ જૈનભંડારોમાં સોલંકીયુગનું સાહિત્ય અને હસ્તપ્રતો સચવાયેલી પડી છે.
 
- જાગૃતિ શાહ