જય ગાંધીનગર... જય ગુજરાત... | ગાંધીનગર ઐતિહાસિક નહીં પણ ઇતિહાસ રચનારું નગર છે

જય ગાંધીનગર ! જય જય ગરવી ગુજરાત... !! ગાંધીનગર વૃક્ષોનું નગર છે, જ્યાં પ્રત્યેક વૃક્ષ એક વિકાસનો શ્ર્લોક છે. આ નગરમાં રહેવું, એનું સ્મરણ કરવું કે એના વિશે લખવું એ ગુજરાતીભાષાની પૂજા છે...

    30-Apr-2022   
કુલ દૃશ્યો |

gandhinagar history
 
 
 
શું છે ગાંધીનગર ? લાઇનબદ્ધ ગોઠવાયેલાં સેક્ટરો, ચોખ્ખા અને પહોળા રસ્તા, કોઈ કવિના પ્રતિનિધિ હોય એવાં ડોલતા વૃક્ષો, જી.આર. અને સત્તારમતના સ્ટેડિયમ જેવું ભવ્ય સચિવાલય અને એને સાચવતા બંદૂકધારી સંત્રીઓ કે એની વિસ્તરતી ક્ષિતિજો. નવા જન્મેલાં નગરોની છાતીમાં ઇતિહાસના ધબકારા નથી હોતા. સંગ્રહાલયોમાંથી ઊઠતી સિદ્ધિની સુગંધ અને ક્યાંક ખૂણે ઊભેલાં રાજમહેલોનાં શિખરો પરથી લસરતી રાજા-મહારાજાઓની વાર્તાઓ કે અમદાવાદના ખાડિયા જેવા ખમતીધર વિસ્તારની ખુમારીભરી કથાઓ ના હોય ત્યારે નગરની ‘ઓળખ’ની મથામણ માણવા જેવી હોય છે.
 
ગાંધીનગર જ્યારે હજી તો પા પા પગલી ભરતું હતું ત્યારે સરકારી પ્રેસ પાસે વિકસાવેલું બસ સ્ટેન્ડ, માંડ થોડા સક્રિય સેક્ટરો અને જીવનજરૂરી ચીજવસ્તુઓ વેચતું સેક્ટર-એકવીસ. કોતરોમાંથી દેખાતી ક્ષીણકાય સાબરમતી અને ગામડાંઓનાં ઝૂમખાં લઈને કોઈ ઉત્તર ગુજરાતની છીંકણીવાળો સાડલો પહેરેલી માજી જેવો ગાંધીનગર જિલ્લો. હજી તો દાંત પણ ફૂટ્યા નહોતા નવા જિલ્લાને, મહેસાણાનાં ગામોની ધૂળભરી ભાગોળો અને મહેસાણાની ભાષાનો લહેકો ઊડીને સેક્ટરો ઉપર ઊડ્યા કરે. જાણે વગડે બગીચા વાવ્યા અને નવી નક્કોર ઑફિસો બની.
 
પણ ગાંધીનગર એ ઐતિહાસિક નહીં પણ ઇતિહાસ રચનારું નગર છે. નવા રચાયેલા ગુજરાતને એણે વાચા આપી છે, અહીં અદ્ભુત ગુંબજ ધરાવતી વિધાનસભા છે, એની ચેમ્બર અને વ્યવસ્થાઓ વિશ્ર્વે વખાણી છે. વિધાનસભા અને સચિવાલય એકબીજા સાથે જોડાયેલાં ભવ્ય મહાલયો ‘સંકલન અને વિકાસ’ માટે આખા ભારતને નૂતન માર્ગ બતાવી શકે એવા ખડતલ પાયા ઉપર ઊભા છે. એની સામે આપણા યશસ્વી અને દૃષ્ટિવંત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘નવયુગનિર્માણ’નાં દીવાદાંડી સમું મહાત્મા મંદિર ઊભું છે. વિશ્ર્વના નેતાઓ આ મહાત્મા મંદિરમાં આવીને ગુજરાતના વિકાસની માર્ગરેખાઓ દોરી ગયા છે. અહીં દર બે વર્ષે યોજાતા ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ’ એક વૈશ્ર્વિક કક્ષાનો ઔદ્યોગિક વિકાસનો મેળાવડો છે, જ્યાં આ સદીની બદલાતી જતી આર્થિક-ઔદ્યોગિક-તકનીકી વિધાઓની ચર્ચા-ચિંતાઓ થાય છે. આ સમિટ ગુજરાતના લલાટ પરનું અમિટ વિકાસતિલક છે. અહીં બાજુમાં દિવ્ય દાંડીકુટિર ઊભી છે, જે તે વખતે એક ખૂબ જ ગાંધીચિંતન અને જતનવાળી નિષ્ઠાવાન ટુકડીએ નીર્મેલું આ પ્રદર્શન નથી, પણ ગાંધીનું જીવનદર્શન છે.
 
આ નગર સેક્ટરોમાં વહેંચાયેલું છે, એના માર્ગો નર્મદની ખુમારીવાળી ગુજરાતી ભાષાના મૂળાક્ષરોથી ઓળખાય છે. ગાંધીનગર હરિયાળું છે, રળિયામણું છે કારણ અહીં પ્રકૃતિના જીવતા કાવ્ય જેવાં ઉદ્યાનો છે. અહીં સરિતા ઉદ્યાન સાબરમતીના સોડમાં રહીને વસંતોત્સવનાં ગીત ગાય છે તો સેન્ટ્ર્લવિસ્ટામાં આવેલો વિશાળ સ્વર્ણિમ-પાર્ક મહાત્મા મંદિર અને સચિવાલયને જોડે છે. આ જ તો ગુજરાત છે જ્યાં સરદાર અને ગાંધી વ્યક્તિ મટી વિચાર બની ગયા છે. આમ તો સચિવાલય ૧૧, ફેબ્રુઆરી, ૧૯૭૧માં પ્રારંભાયું હતું પણ એનું વર્તમાન સ્વરૂપ અનેક સુધારાઓ પછી આજે વિશ્ર્વના આધુનિક પ્રશાસનિક ભવનોની હરોળમાં ઊભું રહ્યું છે. શ્રી હિતેન્દ્ર દેસાઇની દૃષ્ટિથી અને શ્રી બાબુભાઈ જશભાઈ પટેલની વહીવટી ક્ષમતાથી જેનો પાયો નંખાયેલો એ ગાંધીનગર આજે શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા વિશ્ર્વનેતાને લીધે વિશ્ર્વના નકશા પર એક ધબકતા પાટનગર તરીકે પંકાયું છે.
 
ગાંધીનગરની એક ભાગોળે સેક્ટર ૨૮નો વિશાળ બગીચો છે તો બીજી ભાગોળે ઇન્દ્રોડાના હરિણોદ્યાન છે. અહીં હરણની આંખોમાં ગુજરાતી ભોળપણ ચમકે છે. તો ગીર ફાઉન્ડેશન પોતાની છાતીમાં સિંહની ગીરગર્જના લઈને બેઠું છે. અહીં સેક્ટરો અને માર્ગોને જોડતાં સર્કલો છે, ગોળાકાર અને કશાક થીમને ગાતા સર્કલ્સ આધુનિક નગરવિકાસની પરિકલ્પનાનાં પ્રતીકો છે.
 
ગુજરાતની પ્રજા શ્રદ્ધાવાન ધાર્મિક પ્રજા છે, અહીં પંચદેવ મંદિર હિંદુઓને પૂજ્ય ગણપતિ, શિવ, લક્ષ્મીનારાયણ, સૂર્ય અને મા અંબાની નિત્ય આરતીથી ગાંધીનગરનું આકાશ ઘંટારવ પામે છે તો સ્વામીનારાયણનું વિશ્ર્વવિખ્યાત અક્ષરધામ જગતભરમાં પ્રેમનો સંદેશ પ્રસરાવનાર પ્રમુખસ્વામીની સેવાસુગંધ લઈને સાબરમતીને કાંઠે એક સનાતન સંદેશ લઈને ઊભું છે. સેક્ટરે સેક્ટરે મંદિરો અને બગીચા જનજીવનનો ધબકાર ઝીલે છે.
 
આ સંસ્કૃતિનગર છે, અહીં ભાષાના ઉપાસકો અને સાહિત્યના સાધકો વસે છે. અહીં નવરાત્રીમાં ગુજરાતના અધિકૃત કહી શકાય એવા ગરબા યોજાય છે. અહીં એક્ઝિબિશન ગ્રાઉન્ડ પર વિકાસના જુદાજુદા વિષયો પર પ્રદર્શન યોજાતાં રહે છે, આ ગુજરાતનું પ્રગતિ મેદાન છે. અહીં પ્રત્યેક ઉત્સવની અનોખી ઉજવણી હોય છે, કારણ અહીં ગુજરાતના ખુણે ખૂણેથી લોકો આવીને વસ્યા છે. હવે, તો ભારતના અનેક પ્રાંતના લોકોએ ગાંધીનગરને પોતાનું નગર બનાવ્યું છે. દિવાળી અને નવરાત્રીની રોનક દિવ્ય અને ભવ્ય હોય છે. જ્યારે ગાંધીનગરનાં ભવ્ય ભવનો રોશનીથી શણગારાય છે ત્યારે આ નગરની શોભા એક લગ્નોત્સુક યુવતી જેવી હોય છે. અહીં ભારત સરકારનું સ્પોટર્સ સંકુલ છે, અને સ્વર્ણિમ સ્પોટર્સ યુનિવર્સિટીની ધમધમાટ પ્રવૃત્તિઓ છે.
 
ગાંધીનગર એ વિદ્યાનગર છે, અનેક વિદ્યાસંસ્થાઓને કારણે જાણે કે મઘમઘતું સરસ્વતીધામ છે. અહીં અનેક યુનિવર્સિટીઓ છે, સેન્ટ્રલ યુનિવર્સિટી છે, નેશનલ લૉ યુનિવર્સિટી છે, પીડીપીયુ છે, અહીં આઇઆઇટી, ગાંધીનગર છે, તો ઇન્ફરમેશન ટેક્નોલોજી માટેની ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ છે. અહીં વિશાળ કેમ્પસ ધરાવતી કડી વિશ્ર્વવિદ્યાલય છે. અહીં રીસર્ચ અને ડેવલપમેન્ટની બોલબાલા છે, તો સાવ અદ્વિતીય કહેવાય તેવી ચિલ્ડ્રન્સ અને ટીચર્સ યુનિવર્સિટીઓ આવેલી છે.
 
આ નગર આધુનિકતમ છે. અહીં વિશ્ર્વનું હબ બની રહેલું ગિફ્ટસિટી એક તેજસ્વી તારલાની જેમ એનાં ગગનચુંબી ટાવરોથી શોભી રહ્યું છે તો ઇન્ફોસિટી અને જીઆઈડીસીમાં પ્રદૂષણમુક્ત ઉદ્યોગોની હારમાળા છે. અહીં ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ છે તો નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટી એક અલગ પ્રતિભા અને સંશોધનકાર્યોથી સમગ્ર વિશ્ર્વમાં જાણીતી છે.
 
આ નગર અમદાવાદ સાથે જોડાઈ રહ્યું છે, ગાંધીનગર-સરખેજ હાઈવેની આસપાસ વિકસી રહેલા આ નગરનાં નવાં પરગણાંઓ આધુનિકતાના પર્યાય બની રહ્યાં છે. સ્વર્ગાસન જેવું સરગાસણ છે, કર્મપ્રધાન કુડાસણ છે, ગોકળિયું ગામ બનેલું રાયસણ હવે નવી જ હવામાં આધુનિક નગર બની રહ્યું છે, તો વાવોલ અતિઆધુનિક રેલવે સ્ટેશનના પડોશથી વાઇબ્રન્ટ બની ગયું છે. બીજી તરફ રાંધેજા, રુપાલ અને મહુડી સુધીના વિસ્તારોમાં નવી વસાહતોના શ્રીગણેશ દેખાય છે, તો અડાલજ અને કલોલ તો ગાંધીનગરના સંસ્પર્શથી વિકાસના રાજમાર્ગ પર આગેકૂચ કરી રહ્યાં છે.
 
ગાંધીનગર સાબરમતીના એક બચ્ચા જેવું લાગતું, રમતું નગર હતું તે હવે મહાનગર બની ગયું છે, અહીં મકાનોને એની ઓળખ મળી છે, અહીંના બગીચાઓની અનોખી ભાષા છે, દેવાલયોમાં સંસ્કૃતિના ઘંટારવ છે, તો પ્રશાસનમાં પ્રજાકલ્યાણના મંત્રો છે. ગાંધીનગર હવે ગાંધીને પ્રગટ કરતું નગર છે, ગાંધીનગર હવે ગુજરાતને પ્રસરાવતું નગર છે, ગાંધીનગર એક દીર્ઘકવિતા છે, ગાંધીનગર વૃક્ષોનું નગર છે, જ્યાં પ્રત્યેક વૃક્ષ એક વિકાસનો શ્ર્લોક છે. આ નગરમાં રહેવું, એનું સ્મરણ કરવું કે એના વિશે લખવું એ ગુજરાતીભાષાની પૂજા છે...
 
જય ગાંધીનગર ! જય જય ગરવી ગુજરાત... !!
 
 
 
 
 
 

ભાગ્યેશ જહા

ગુજરાતી રાજ્ય સરકારના વહીવટી વિભાગમાં એક સમયે સૌથી વરિષ્ઠ અધિકારી એવા ભાગ્યેશ જહા એક ઉત્તમ કવિ અને નિબંધકાર છે. તેમનું સંસ્કૃત ભાષા અંગેની સમજ અને જ્ઞાન પણ સરાહનીય છે.તે એક સમયે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.