ગુજરાતને અલગ રાજ્ય બનાવવાની માગ સાથે થયેલ તેજાબી શબ્દો ધારદાર સંવાદોનું યુદ્ધ

મહાગુજરાત આંદોલનમાં પણ શબ્દોની ભયંકર રમઝટ જામી હતી. આવો... જોઈએ આંદોલનમાં બોલાયેલા એ તેજાબી વાક્યો અને તેની અસરો...

    30-Apr-2022
કુલ દૃશ્યો |

 gujarat and maharashtra
 
 
 
શબ્દ એ બે ધારી તલવાર જેવો છે, છાતી સોંસરવો નીકળી જાય તેવો. જીવ બાળવા માટે કોઈ પેટ્રોલ કે કેરોસીનની નહીં, પણ શબ્દોની તાકાત હોવી જોઈએ. દુર્યોધનને પોતાના ભાઈઓ સાથે દ્વેષ હતો, વેર હતું, પણ એ વેરમાં જ્યારે શબ્દો ભળ્યા ત્યારે એ વેર કાતિલ ઝેરની જેમ મહાભારતના યુદ્ધમાં જોવા મળ્યું. મહાગુજરાત આંદોલનમાં પણ શબ્દોની ભયંકર રમઝટ જામી હતી. આવો... જોઈએ આંદોલનમાં બોલાયેલા એ તેજાબી વાક્યો અને તેની અસરો...
 
ગુજરાતને અલગ રાજ્ય બનાવવાની માગ સાથે થયેલ મહાગુજરાત ચળવળ કોઈ રીતે યાદ રહી હોય તો તેના શબ્દોના કારણે યાદ રહી છે. તેના સંવાદના કારણે યાદ રહી છે. એ સમયની અનુભૂતિ કેવી હશે, તેનો નજારો કેવો હશે કે, આંદોલનમાં જ્યારે ખુદ જવાહરલાલ નહેરૂ ગુજરાતના આંગણે વક્તવ્ય દેવા આવે. જે ગુજરાત પોતાનું અસ્તિત્વ અને અસ્મિતા ટકાવવાનું છે કે નહીં તેવા ભવિષ્યને પણ કોઈએ ભાખ્યું ન હોય, ત્યારે જવાહરલાલની સભામાં પચ્ચીસ હજારની માનવમેદની સામે ઇન્દુલાલ યાજ્ઞિક જેવા લડવૈયાની સભામાં ત્રણ લાખ કરતાં વધારેનો માનવ-મહેરામણ ઊમટે ત્યારે મન માનવા મજબૂર થઈ જાય કે, શબ્દોમાં તાકાત છુપાયેલી છે.
 
જવાહરલાલ નહેરૂનું તેમના કાર્યકાળ દરમિયાન એવું કોઈ મોટું પ્રવચન નથી રહ્યું અને તેમને ગુજરાતની રચના માટે ભાગીદાર થવું પણ વાજબી નહોતું લાગતું, આ તો વડાપ્રધાન તરીકેની છબી લઈને ગુજરાતીઓની લાગણી તરીકે દર્શાવવા તેઓ આવેલા એટલે તેમના શબ્દોમાં એ તાકાત ન હોય, પણ ઇન્દુચાચાની જબાનમાં તે વર્તાતી. પાતળી કાઠીનો આ યુવાન આંદોલનમાં સીંગ ચણા ખિસ્સામાં રાખી જ્યારે સભામાં સિંહનાદ કરતાં બોલતો હોય કે, હું તો પગથી પર જીવતો આદમી છું, સાચી ઉન્નતિ અને શાંતિ માટે જીવીશ અને મરીશ તો પણ કાર્ય કરતાં કરતાં. આખા દિવસની રઝળપાટ અને ખિસ્સામાં ચણા અને સીંગ રાખી પેટની પરવા કર્યા વિના આ શબ્દો મહાગુજરાતની ચળવળ સમયે ઇન્દુલાલ યાજ્ઞિકના મગજમાં કેવી રીતે ઊપસ્યા હશે? તે પણ એક ઈશ્ર્વરીય દેન માનવી રહી. ભરેલા પેટે તો માણસને ખાલી બગાસાં આવે, પણ ભૂખ્યા પેટે વિચાર જાગે તેનું આ ઉદાહરણ છે.
 
એક તરફ ઇન્દુલાલ યાજ્ઞિકની શાંતિથી લડત અને બીજી તરફ પ્રવચનોમાં પણ ઇન્દુલાલની વાહવાહી, રણજીત શાસ્ત્રીએ તો જવાહરલાલ નહેરૂને મેણું મારવા માટે કહી દીધું હશે કે, ગુજરાત કે નહેરૂ ઇન્દુચાચા... આ વાક્યમાં કેટલું તથ્ય અને કેટલું સત્ય ઉચ્ચારાઈ જાય છે. જો વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરૂ દેશ ચલાવતા હોય, તો એ જ રીતે ગુજરાત અત્યારે ઇન્દુલાલ યાજ્ઞિક ચલાવી રહ્યા છે.
 
આ જમીનોના દલાલોની લડત છે : નહેરુ
 
બીજી તરફથી જવાહરલાલ નહેરૂ પોતાનાં ભાષણોમાં કહી રહ્યા હોય કે, મહાગુજરાત આંદોલન એ જમીનોના દલાલોની લડત છે. ક્યાંકથી ટીકા આવતી હોય, ક્યાંકથી પ્રશંસા થતી હોય. સંવાદનું અગાઉ કહી ગયા તે મુજબનું જ છે. બે ધારી તલવાર છે, પકડનારને પણ તે વાગવાની તો ખરી જ !!
 
આંદોલન ઉગ્ર બનતું જાય છે, પરિસ્થિતિ હાથમાંથી રેતી સરકતી હોય તેમ નીકળતી જાય છે અને એક ગુજરાતીના મોંમાંથી કાળજું કંપી ઊઠે તેવા શબ્દો નીકળે છે, જરૂર પડ્યે હું ઊભો રહીને ગોળીબાર કરાવીશ. આ શબ્દો છે મોરારજી દેસાઈના. તેમણે ખુદને એક અંગ્રેજ ઓફિસર સમજી લીધા હોય તેમ તેમની વાણીમાંથી ગોળાબારુદ જેવા શબ્દોનું ધસમસતું પૂર નીકળતું હોય તેની પ્રતીતિ થયા વિના ન રહે.
 
એક ડાયલોગ ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો
 
એટલામાં છાતીમાં બારસાખ વાગે તેમ સનત મહેતા એક વિધાન બોલે, આપણી લોકશાહીમાં લોકો આપણી સાથે છે, શાહી અને શાહીપણું નહેરૂ સાથે છે. આ એ જમાનો હતો જ્યારે લોકશાહી એ શાહીની રમત ગણાતી હતી. ગમે ત્યાં સહી થતી અને સહીનો ભોગ નિર્બળ લોકો બનતા હતા. સનત મહેતાનો આ ડાયલોગ મહાગુજરાત ચળવળનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો હશે.
 
માત્ર સંવાદથી સભાઓ ગર્જી નથી, માત્ર સંવાદો બોલી એકબીજાને હણવાનું કામ થયું નથી. એ સમયને ધ્યાનમાં રાખીને વ્રજ માતરીએ ઝિન્દાબાદ ઝિન્દાબાદ ! મહાગુજરાત ઝિન્દાબાદ જેવું મહાગુજરાત ચળવળને સ્પર્શતું થીમ સોંગ પણ તૈયાર કરેલું. તો અંબાલાલ ડાયરે જાણે યુદ્ધની ઘોષણા કરી દીધી હોય તેમ મહાગુજરાત માટે...
 
શંખ ફૂંકાયો - લોકયુદ્ધની વાગી છે રણહાક,
ગુર્જર જનતા જંગ મહીં આવે છે ભરીને ફાળ
 
આવી નર્મદની ‘યા હોમ કરીને પડો’ પંક્તિને ટક્કર આપતી કવિતાની રચના કરેલી.
 
 
ઇન્દુલાલ મુંબઈના છે એમ કહેનારા તમે કોણ?
 
 
ઘનશ્યામ ઠાકરે આ સમયે ગરબાઓની રચના કરેલી, જે મૂળ નડિયાદના હતા. ક્યાંક સાહિત્ય રચાઈ રહ્યું છે, ક્યાંક રોષ ફાટી નીકળતાં આંદોલનો થઈ રહ્યાં છે, એવે સમયે પાછો એક સણસણતો સંવાદ ફટકારાય છે, આ સંવાદ બોલનારનું નામ છે, સર પુરષોતમદાસ ત્રિકમદાસ, જે કહે છે કે, ઇન્દુલાલ યાજ્ઞિક કે હરિહર ખંભોળજા મુંબઈ મહારાષ્ટ્રના છે એમ કહેનારા તમે કોણ છો ? આ તટસ્થ શબ્દ છે. કોઈ કવિતાની પંક્તિથી કમ નથી. આ મારું આ તારું લે કરીએ સહિયારું જેવું છે.
 
ગોળીઓ પર નામ-સરનામાં લખેલાં હોતાં નથી
 
મોરારાજી દેસાઈ કહે છે કે, હું ગુજરાતને હિન્દુસ્થાનના ભલા માટે હોડમાં મૂકવા તૈયાર છું, હું હિન્દુસ્થાનને ગુજરાતની હોડમાં મૂકવા માટે તૈયાર નથી. અને તેમનું બીજું સણસણતું વિધાન, મહાગુજરાત તો મારા મડદા પર જ થઈ શકશે. આને કોણ ભૂલી શકે ??? મહાગુજરાત આંદોલનના એ વિધાનને, જે આજે પણ તમામ ગુજરાતીઓની જીભે ચઢી ગયું છે, જ્યારે ઠાકોરભાઈ દેસાઈએ કહ્યું કે, બંદૂકની ગોળીઓ પર નામ-સરનામાં લખેલાં હોતાં નથી. તે કોને વાગે તે કહી શકાય નહીં. અને ગુજરાતની સ્થાપના સમયે ફરી, આપા હમીર દ્વારા ગીત લખાય કે, ધન્ય ધન્ય ગુજરાત રાજ્ય, ભારતનો સુંદર ભાગ બને.
કહેવાનો અર્થ એ કે, કોઈ પણ આંદોલન સાહિત્ય અને સંવાદો વિના શક્ય નથી બનતું. મહાગુજરાત આંદોલનમાં સાહિત્ય અને સંવાદોએ ખૂબ મોટો ભાગ ભજવ્યો. ઉપર વર્ણવવામાં આવી તે કવિતા કે સંવાદો તો લોકોની જીભે રમતા હશે. કેટલાકને યાદ હશે, કેટલાકને નેટ કે પુસ્તકોમાં મળી જશે, પણ આ સિવાય કેટલાક સંવાદોનું સર્જન થયું હોય અને તે આનાથી પણ ઉચ્ચ દરજ્જાના પણ હોય તો ! આ કહેવામાં અતિશયોક્તિ નથી.
 
કેટલાક સંવાદો કલ્પનાના વિશ્ર્વમાં બનેલા છે. મહાગુજરાત ચળવળને નવલકથા રૂપે પુસ્તકોમાં પણ સ્થાન મળેલું છે.
કેવું કહેવાય કે, આ આંદોલનના જનક એક ગુજરાતી જ હતા, જેમણે ૧૯૩૭માં મહાગુજરાત નામનો શબ્દ આપ્યો હતો, જેનું નામ કનૈયાલાલ માણેકલાલ મુન્શી. અને એ શબ્દ જ પછીથી ઇન્દુલાલ યાજ્ઞિક માટે ગુજરાત મેળવવા બખ્તર સમાન બન્યો. પરિણામે મહાગુજરાત આંદોલન એ એક રીતે સંવાદોનું આંદોલન છે, તેમ પણ કહી શકાય.
 
***
 
- મયુર ચૌહાણ 
(લેખક શ્રી GSTV સાથે સંકળાયેલા યુવા પત્રકાર છે.)