પ્રકરણ : ૩ | મુસ્લિમોએ કરેલી કત્લેઆમથી હિન્દુઓની લાશો રસ્તાઓ પર રઝળતી હતી અને સંઘના સ્વયંસેવકો તેમને અગ્નિદાહ દેતા

ત્યારે લોકો કહેતા, ‘તમે સફેદ ટોપીઓવાળા પાછા ચાલ્યા જાવ. સફેદ ટોપીઓવાળાના લીધે જ અમારે આજે આ દિવસો જોવા પડે છે. સાચા દેશસેવકો આ કાળી ટોપીવાળા છે. તેમણે જ અમને બચાવ્યા છે, અમને તેમના પર જ વિશ્વાસ છે.’

    21-May-2022   
કુલ દૃશ્યો |

partition stories in gujarati
 
 
ભારત દેશ પર વિભાજનનું નસ્તર ફરી ચૂક્યું હતું અને સમગ્ર ભારતમાં હિન્દુઓની કત્લેઆમ શરૂ થઈ ગઈ હતી. કહેવાતા નેતાઓ, દેશના અગ્રણીઓ હિન્દુઓને બચાવવાની વાત તો દૂર રહી પણ તેનો ઉલ્લેખ પણ નહોતા કરતા. પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો લાખોની સંખ્યામાં સમગ્ર દેશમાં હિન્દુઓની રક્ષા કરવા માટે આગળ આવી ગયા હતા. સ્વયંસેવકો એકનિષ્ઠ ભાવથી ઉત્પીડિત બંધુઓની સેવામાં પોતાનું સર્વસ્વ લગાવી રહ્યા હતા. તેમની ચિંતા એ હતી કે, દેશબંધુઓને કેવી રીતે સન્માન અને સુરક્ષા સાથે ભારત પહોંચાડી શકાય, પડી ભાંગેલા એ લોકોને સહારો કેવી રીતે અપાય અને તેમના નિવાસ, ભોજન, દવા વગેરેની વ્યવસ્થા કેવી રીતે કરી શકાય!
 
સ્વયંસેવકોએ સંકલ્પ કર્યો હતો કે, જ્યાં સુધી દરેક હિન્દુ પરિવાર જાનમાલ સાથે સુરક્ષિત રીતે ભારત નહીં પહોંચી જાય ત્યાં સુધી તેઓ જંપશે નહીં. હિન્દુઓની સુરક્ષા માટે તેઓ માથે કેસરિયા બાંધીને નીકળી પડ્યા હતા અને તેના માટે તેઓ કોઈ પણ જોખમ ઉઠાવવા તૈયાર હતા.
 
આજે પણ એવું કહેવાય છે કે, આઝાદીની લડાઈમાં સંઘનું કોઈ પ્રદાન નથી. પરંતુ તે સત્ય નથી. ભારતની સ્વતંત્રતાનો ઇતિહાસ લખાયો ત્યારે ડાબેરી સાહિત્યકારો, લેખકો, પત્રકારોએ જાણી જોઈને સંઘના સ્વયંસેવકોના અભૂતપૂર્વ સાહસ અને બલિદાનોનો ઈતિહાસ છુપાવ્યો છે, પરંતુ સૂરજનું અજવાળું છુપાવી શકાતું નથી તેમ સાહસ અને સિદ્ધિની કથાઓ પણ મશાલ જેમ પ્રગટી રહે છે. એ અજાણ્યો ઇતિહાસ કાલદેવતાએ પોતાની છાતીએ અંકિત કર્યો છે.
 
વિભાજન સમયે સૌથી વધુ અત્યાચારો થયા તેમાં પંજાબ અગ્ર હરોળમાં હતું. એ સમયે પંજાબના દંગા પીડિતોની સહાય માટે બે સંસ્થાઓ કાર્યરત હતી. એક રા.સ્વ.સંઘના સ્વયંસેવકો દ્વારા ગઠિત ‘પંજાબ રિલિફ કમિટી’ અને બીજી કોંગ્રેસીઓ દ્વારા ગઠિત ‘પંજાબ રાઇટ્સ પીડિત સહાયતા સમિતિ’. બે સંસ્થાઓ હોવાને કારણે શરૂઆતમાં ભ્રમની સ્થિતિ પેદા થઈ હતી. સંઘે સાથે મળીને કામ કરવાની પણ વિનંતી કરી. પણ કોંગેસીઓએ કહ્યું,‘અમે તો હિન્દુ મુસ્લિમ બંનેની સહાયતા કરીશું.’ વાસ્તવમાં તો હિન્દુ પીડિત હતો અને મુસલમાન હમલાવર. આથી એ ગઠન થયું નહીં. અને આમ પણ સેવા કરવી એ કાંઈ ખાંડાના ખેલ નહોતા. કેટલાક કોંગ્રેસીઓએ સંકલ્પ તો કર્યો હતો પરંતુ માથા સાટે માથું આપવાના આ ખેલમાં એ લોકો ઝાઝું ટકી શક્યા નહીં. મોટા ભાગના લોકો પલાયન થઈ ગયા. પરંતુ સંઘના સ્વયંસેવકો અવિરત ચોવીસ કલાક સેવામાં લાગી ગયા હતા. તેમણે સંગ્રહ વિભાગ, સેવા વિભાગ, યાતાયાત વિભાગ જેવા અનેક વિભાગો બનાવીને કામગીરી શરૂ કરી હતી. એમાં સૌથી વિકટ અને વિચલિત કરે તેવું કામ હતું શબદાહ વિભાગનું.
 
વિભાજનની આગ એટલી ભડકી હતી કે, પાકિસ્તાનથી આવતા હિન્દુઓ જ નહીં, ભારતના ખૂણે ખૂણે રહેતા હિન્દુઓ પણ હુમલાનો ભોગ બન્યા હતા. હિન્દુઓની હત્યાઓ એટલા મોટા પ્રમાણમાં થઈ રહી હતી કે, પરિવાર તથા મહોલ્લાવાળા શબનો અગ્નિસંસ્કાર કરવા માટે સ્મશાન સુધી લઈ જવામાં પણ ભય અનુભવી રહ્યા હતા. અને ભય લાગે તેવું જ હતું, મુસલમાન ગમે ત્યારે મોત બનીને ત્રાટકતો હતો અને પરિવારનો બીજો ટેકો પણ છીનવાઈ જાય તેનો ભય રહેતો.
 
આવા કપરા સમયે સંઘના સ્વયંસેવકો દેવદૂત બનીને આવ્યા હતા. હિન્દુ પરંપરા મુજબ એક પણ લાશ અગ્નિસંસ્કાર વગર પડી ના રહે તેના માટે તેઓ કાર્ય કરી રહ્યા હતા. એ માટે તેમણે મુસલમાનો સાથે લડવું પડે તો લડી પણ લેતા અને ભૂખ્યા સૂવું પડે તો સુઈ પણ લેતા. કાર્યકર્તાઓએ ટ્રકો, ફોનસંપર્ક અને રાવી નદીના તટ પર લાકડાંની વ્યવસ્થા પણ કરી લીધી હતી. બિનવારસી લાશ અથવા કોઈ ફોન કરીને સૂચન કરે તે લાશના અગ્નિસંસ્કાર કરવાની જવાબદારી સ્વયંસેવકો ઉપાડી લેતા. સ્વયંસેવકો ૧૦ -૧૦ની ટોળીમાં નીકળતા. વહેલી સવારથી મોડી રાત સુધી મોટી સંખ્યામાં શબદાહ કરતા. ન ભોજનનું ઠેકાણું કે ન પાણી પીવાનું ઠેકાણું. લોહીઝરતી લાશો અને સ્મશાનમાં ધૂ ધૂ સળગતી ચિતાઓ, આ બધું સતત અને અવિરત જોઈને એ લોકો દિવસો સુધી ખાઈ નહોતા શકતા. ઇચ્છા પણ નહોતી થતી. એમણે કદી વિચાર્યું પણ નહીં હોય કે પોતાના જ હિન્દુ ભાઈઓની લાશને આ રીતે ખભો આપવો પડશે. કેટલાય સ્વયંસેવકો લાશને અગ્નિદાહ આપતાં આપતાં રડી પડતા. એક વખત તો સ્મશાનમાં અગ્નિદાહ આપતો મસાણિયો સ્વયંસેવકોનું કામ જોઈને દ્રવિત થઈ ગયો. જ્યારે એણે જાણ્યું કે આ લોકો સવારથી ભોજન વિનાના છે ત્યારે એને એમને કંઈક ખવરાવવાનો વિચાર આવ્યો. તેની પાસે કંઈ હતું નહીં, આથી એણે ઘરમાં પડેલા ડબ્બામાંથી ખાંડ કાઢીને બધાને થોડી થોડી આપી અને ખાવા માટે આગ્રહ કર્યો. બધા જ સ્વયંસેવકોએ ભીની આંખે એ ખાંડ ખાધી અને પાછા કામે લાગી ગયા.
 
 
***
 
 
સંઘના આ કાર્યથી સમાજમાં વિશ્ર્વાસનો ખૂબ સારો માહોલ પેદા થયો હતો. કેટલીક જગ્યાએ તો એવું થતું કે, કોંગ્રેસીઓને લોકો ભગાડતા. ક્યારેક એક સ્થાને કોંગ્રેસી સહાયતા કમિટી અને સંઘની સહાયતા કમિટી બંને સાથે જ મદદ માટે પહોંચી જતી ત્યારે લોકો કહેતા, ‘તમે સફેદ ટોપીઓવાળા પાછા ચાલ્યા જાવ. સફેદ ટોપીઓવાળાના લીધે જ અમારે આજે આ દિવસો જોવા પડે છે. સાચા દેશસેવકો આ કાળી ટોપીવાળા છે. તેમણે જ અમને બચાવ્યા છે, અમને તેમના પર જ વિશ્વાસ છે.’
 
એવું પણ નહોતું કે બધા જ કોંગ્રેસીઓ આ પ્રકારના હતા. કેટલાક કોંગ્રેસીઓએ પણ જાનની બાજી લગાવીને હિન્દુઓની રક્ષા કરી હતી. કેટલાક કોંગ્રેસીઓ એવા પણ હતા જે સ્વયંસેવકોના કાર્યથી અતિ પ્રસન્ન થયા હતા અને તેમને સેવામાં મદદ કરી રહ્યા હતા. એમાંના એક હતા ભીમસેન સચ્ચર. તેઓ તે વખતના પંજાબ કોંગ્રેસના બહુ મોટા નેતા હતા. સ્વયંસેવકોનાં કાર્યોની પ્રશંસા અને તેમની સાથેના મેળ-મિલાપને કારણે તેમને મુસલમાન ગુંડાઓ દ્વારા મારી નાંખવાની ધમકીઓ મળી રહી હતી. તેમને ખૂબ જ બીભત્સ ભાષામાં પત્રો મળતા હતા. આથી તેઓ ગભરાઈ ગયા હતા. આ વાત સંઘના કેટલાક અધિકારીઓને ખબર પડી. સંઘ માટે તો માનવમાત્ર સેવાને પાત્ર હતો. એ કયા પક્ષનો છે એનાથી એમને કોઈ ફર્ક નહોતો પડતો. આથી સંઘના અધિકારીઓએ કેટલાંક સ્વયંસેવકોને ભીમસેનની રક્ષા માટે તેમના બંગલાની આસપાસ તૈનાત કરી દીધા. રોજ ૨૪ કલાક સુધી આ રીતે સ્વયંસેવકોએ તેમની સુરક્ષા કરી. મુસ્લિમ ગુંડાઓએ પણ જોયુ કે હવે તો ભીમસેનના ઘરની બહાર સંઘના સ્વયંસેવકો તૈનાત હતા. તેમની લાઠીનો પ્રહાર મુસલમાનોના બરડાએ વેઠેલો હતો. આથી ૧૫-૨૦ દિવસો બાદ મુસલમાનોએ ભીમસેનને ધમકી આપવાનું બંધ કરી દીધું.
 
સૌથી અગત્યનું તો એ હતું કે, ભીમસેને રજૂઆત કર્યા વિના કે સહાયતા માગ્યા પહેલાં જ તેમને મદદ મળી ગઈ હતી. આથી તેઓ સંઘથી ઓર વધારે પ્રભાવિત થયા અને તે વખતના સંઘ અધિકારી ધર્મવીરજીને મળ્યા. ધર્મવીરજી સમક્ષ તેમણે ખૂબ કૃતજ્ઞતા વ્યક્ત કરી અને કહ્યું કે, ‘આપનો અહેસાન હું જીવનભર નહીં ભૂલી શકું.
 
ધર્મવીરજીએ કહ્યું, ‘અમે તો બસ અમારું કર્તવ્ય નિભાવી રહ્યા હતા, અમે કોઈ અહેસાન નથી કર્યો. કર્તવ્યપાલનમાં અમે એ પણ નથી જોતા કે સામેવાળો વ્યક્તિ કયા પક્ષ કે જાતિનો છે.’
 
ભીમસેનજી ખૂબ આનંદિત થઈને પાછા ફર્યા. પણ વિધિની વક્રતા એ હતી કે સત્તાના સ્વાર્થે તેમને પણ થોડા જ સમય પછી ગ્રસી લીધા. તેઓ આ બધું જ ભૂલીને સંઘની વિરુદ્ધ થઈ ગયા. જ્યારે મહાત્મા ગાંધીની હત્યા થઈ અને સંઘ પર ખોટો આરોપ લાગ્યો ત્યારે ભીમસેનજીએ પણ જોરશોરથી સંઘને બદનામ કર્યો હતો અને સંઘના અનેક સ્વયંસેવકો પર જેલમાં અમાનુષી અત્યાચાર થાય તેમાં પણ તેમણે વરવી ભૂમિકા ભજવી.
 
 
***
 
 
પરંતુ પરિણામોની પરવા હોય તો એ સ્વયંસેવક શેનો ? પરિણામોની પરવા વિના કે કોઈ ભેદભાવ વિના સંઘના સ્વયંસેવકો વિભાજનના જખમ પર મલમ લગાવવાનું કાર્ય અવિરત કરી રહ્યા હતા. એક પ્રખ્યાત હિન્દુ નેતા હતા ભાઈ પરમાનંદ. તેમના પુત્ર ડો. ભાઈ મહાવીર એ દિવસોમાં લાહોરના પ્રમુખ ઝુઝારુ કાર્યકર્તાઓમાંના એક હતા. તેમના બનેવી હતા ધર્મવીરજી. જેઓ તે વખતના પ્રખ્યાત અખબાર ‘હિન્દુ’ના સંપાદક હતા. આ અખબારમાં હરિગોપાલ નામનો એક કર્મચારી કામ કરે. તેને ડો. મહાવીરના પરિવાર સાથે પણ સારો સંબંધ હતો. તેનું ઘર લુધિયાણામાં હતું. વિભાજનની આગ વધુ ને વધુ ફેલાઈ રહી હતી. મુસલમાનો હવે ઘરમાં ઘૂસીને હિન્દુઓને લૂટી રહ્યા હતા. આથી હરિગોપાલે ડો. મહાવીરજીની ફોઈને કહ્યુ, ‘બહેનજી, ખતરો ધીમે ધીમે ખૂબ વધી રહ્યો છે. મુસલમાનો બધું જ લુંટી રહ્યા છે. એવું કંઈ થાય તો તમે તો ભાગી શકશો પણ સામાન નહીં લઈ જઈ શકો. આથી તમારા ઘરનો સોના, ચાંદી વગેરે કીમતી સામાન મને આપી દો. હું એ બધું સુરક્ષિત રીતે મારા ઘરે પહોંચાડી દઈશ. તમે પણ પછી લાગ જોઈને લાહોર છોડીને આવતા રહેજો, એટલે બધો સામાન તમને પરત કરી દઈશ.’
 
વાત બહેનજીને ગળે ઊતરી ગઈ. તેમણે તો બે ટ્રંકોમાં સામાન ભરી દીધો અને એને પેલા હરિગોપાલ સાથે મોકલી દેવાની વ્યવસ્થા પણ કરી દીધી. આ વાતની ખબર ભાઈ પરમાનંદજીને પડી. તેઓ ધૂંઆપૂંઆ થઈ ગયા. તેમણે બહેનને આવું કરવાની સ્પષ્ટ મનાઈ ફરમાવી દીધી અને કહ્યું, ‘આપણે સંઘના લોકો જ જનતાને આગ્રહ કરી રહ્યા છીએ કે લાહોર ના છોડો. અમે તમારી સુરક્ષા કરીશું. અને આપણે જ આ રીતે આપણો સામાન સુરક્ષિત સ્થાને મોકલીશું તો લોકોનું મનોબળ તૂટી જશે. તેઓ સમજશે કે આજે સામાન ગયો છે તો કાલે આ લોકો પણ ચાલ્યા જશે. એ પછી ભાગદોડ મચી જશે, જે હિન્દુઓના જાન-માલ માટે ઘાતક સિદ્ધ થશે. સંઘની શાખને દાગ લાગશે. પછી તો ભાગી રહેલા હિન્દુઓને મુસલમાનો લૂંટી લેશે, મારી નાંખશે. કારણ કે, એમનામાં મનોબળ જ નહીં હોય.’
 
ભાઈ પરમાનંદનાં વાક્યોએ બહેનની આંખોમાં આંસુ લાવી દીધાં અને તેમણે સામાન ન મોકલવાનો નિર્ણય કર્યો. એટલું જ નહીં, ઘણા સમય પછી પણ જ્યારે જવાનો સમય આવ્યો ત્યારે પણ તેઓ સામાન તો ના જ લઈ ગયાં. એ બધું માતૃભૂમિને અને જરૂરિયાતમંદોને અર્પણ કરી દીધું. વિભાજનના અપૂર્વ ઇતિહાસમાં આવાં તો અનેક ઉદાહરણ છે.
 
સ્વયંસેવકોના આ મનોબળ અને સંકલ્પશક્તિએ એ વખતે આખા દેશમાં શક્તિનો સંચાર કર્યો હતો. પણ સાથે સાથે અત્યંત ક્રૂર એવી બલોચ આર્મીની આંખમાં પણ સ્વયંસેવકો કણાની જેમ ખૂંચવા લાગ્યા હતા. સ્વયંસેવકો માટે હવે માત્ર સુરક્ષા કે સેવાનો નહીં, પરંતુ માથાં આપવાનો વખત આવી ગયો હતો. બલોચ આર્મીની બંદૂકો અને ગણવેશધારી સ્વયંસેવકોની છાતી વચ્ચે હવે હાથવેંતનું જ અંતર હતું. વિધાતા હવે સ્વયંસેવકોના અપૂર્વ બલિદાનની રક્તરંજિત કહાની લખી રહ્યાં હતાં.
 
***
 
(ક્રમશ:)
 
 
 
 
 

રાજ ભાસ્કર

રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.