ભારતમાં હિન્દુઓને અલ્પસંખ્યક કહી શકાય? હવે દેશમાં ચર્ચાને ચાકડે ‘લઘુમતી’ આ ગણિત સમજવા જેવું છે...સમજો

લઘુમતી કોણ ? લઘુમતીઓનો દરજ્જો ખતમ કરો કે પછી હિન્દુઓને પણ આપો આ લાભ | સંયુક્ત રાષ્ટ્ર અનુસાર લઘુમતી કોણ ? ભારતીય બંધારણમાં લઘુમતી અંગે સ્પષ્ટતા નથી | અલ્પસંખ્યક અવધારણા દેશ માટે ઘાતક

    24-May-2022   
કુલ દૃશ્યો |

minority majority
 
 
 
ભારતનાં ૯ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હિન્દુઓને લઘુમતી દરજ્જાની માંગણી કરતી અરજી અને તેને લઈ ન્યાયાલયથી માંડી કેન્દ્ર સરકારની સક્રિયતા બાદ જે તે રાજ્યોમાં હિન્દુઓના લઘુમતી દરજ્જાનો માર્ગ મોકળો બન્યો છે. ત્યારે શું કહે છે લઘુમતી અંગે આપણું બંધારણ, શું લઘુમતી ખરેખર લઘુમતીઓ છે કે પછી આ મુદ્દે આપણે ત્યાં માત્રને માત્ર મતબેંકનું રાજકારણ જ ખેલાયું છે. જાણીએ આ મુખપૃષ્ઠ વાર્તામાં.
 
# જે રાજ્યોમાં હિન્દુ લઘુમતીમાં છે તેઓને લઘુમતીનો દરજ્જો આપવાની માંગણી ખૂબ જૂની છે, પરંતુ મતબેંકના ડરને કારણે કોઈ સરકારે આ મુદ્દે ખોંખારીને વાત કરી નથી. મિઝોરમ ૨.૭૫%, લક્ષદ્વીપ ૨.૭૭%, નાગાલેન્ડ ૮.૭૪%, મેઘાલય ૧૧.૫%, જમ્મુ-કાશ્મીર ૨૮.૮%, અરુણાચલપ્રદેશ ૨૯.૪%, પંજાબમાં ૩૮.૪% અને મણિપુરમાં ૪૧ ટકા સાથે હિન્દુઓ લઘુમતીમાં છે, પરંતુ સરકારોએ આજદિન સુધી તેઓને લઘુમતીનો દરજ્જો આપ્યો નથી, કારણ કે આમ કરવાથી જે તે રાજ્યની ઈસાઈ-મુસ્લિમ બહુમતી નારાજ થઈ જાય અને જે તે સરકારોને રાજનૈતિક ફટકો પડી શકે છે.
 
#  ભારતમાં લઘુમતી શબ્દની અવધારણા ખૂબ જ જૂની છે અને છેક અંગ્રેજોના જમાનામાં તેનાં બીજ વાવવામાં આવ્યાં હતાં. જેને આપણા દેશની રાજનીતિએ ખાદ્ય પાણી આપી વટવૃક્ષ બનાવી છે. ૧૮૯૯માં તત્કાલીન બ્રિટિશ જનગણના આયુક્ત દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભારતમાં હિન્દુઓ સિવાય તમામ લોકો લઘુમતી છે. ત્યાર બાદ અંગ્રેજોથી પણ એક કદમ આગળ વધી ભારતમાં રાષ્ટ્રીય લઘુમતી આયોગનું ગઠન કરવામાં આવ્યું, ત્યારે પણ માનનીય સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ આર. એસ. લાહોટીએ પોતાના ચુકાદામાં રાષ્ટ્રીય લઘુમતી આયોગને ભંગ કરી નાખવાની સલાહ આપી હતી, પરંતુ તેના પર કોઈ જ અમલ ન થયો.
 
 
લઘુમતી કોણ ?
 
 
ભારતના બંધારણની પ્રસ્તાવના ‘અમે ભારતના લોકો’ એ વાક્યથી શરૂ થાય છે. આ વાક્યના બે અર્થ નીકળે છે : પ્રથમ ભારત અને બીજો ભારતના લોકો એટલે કે નાગરિકો અને આપણા બંધારણમાં આ બધા લોકોને એટલે કે નાગરિકોને સમાનતાનો અધિકાર પણ આપ્યો છે. એટલે કે બંધારણ ભારતના કોઈ પણ નાગરિક સાથે ભેદભાવ કરતું નથી, ત્યારે સવાલ એ થાય છે કે તો પછી ભારતના નાગરિકોનું લઘુમતી-બહુમતીમાં વિભાજન કેમ ? અને આ કથિત લઘુમતીઓ છે કોણ અને કોને ગણવા ?
 
સુપ્રીમ કોર્ટમાં આ અંગે જાણીતા વકીલ અશ્ર્વિની ઉપાધ્યાયે અરજી કરી છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા માનનીય સુપ્રીમ કોર્ટમાં લઘુમતીઓના માપદંડ નક્કી કરવાનો અધિકાર કેન્દ્ર પાસે હોવાનું જણાવી આ સંબંધે કોઈપણ નિર્ણય રાજ્યો અને અન્ય હિતધારકો, વિશેષજ્ઞો સાથે ચર્ચા બાદ લેવામાં આવશે તેવું જણાવ્યું છે.
 
લઘુમતીઓનો દરજ્જો ખતમ કરો કે પછી હિન્દુઓને પણ આપો આ લાભ | અશ્ર્વિની ઉપાધ્યાય
 
 
સૌપ્રથમ વાત કરીએ દેશનાં ૯ રાજ્યોમાં હિન્દુઓને લઘુમતીનો દરજ્જો આપવાની. જાહેર હિતની અરજી કરી ચર્ચામાં આવેલા અશ્ર્વિની ઉપાધ્યાય વિશે. તેઓશ્રી દેશના જાણીતા વકીલ છે અને હંમેશા ન્યાયાલયમાં જનહિતની અરજીઓ દાખલ કરી ચર્ચામાં રહે છે. તેઓ ભારતીય જનતા પક્ષના સદસ્ય અને પ્રવક્તા પદે પણ રહી ચૂક્યા છે. ૨૦૨૧માં પૂજાસ્થળ કાનૂન ૧૯૯૧ને હિન્દુ, જૈન, બૌદ્ધ અને શીખોના મૌલિક અધિકારોનું હનન ગણાવી તેને રદ કરવા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે તો રાઈટ ટૂ એજ્યુકેશન મુજબ મદ્રેસાઓમાં સમાન અભ્યાસક્રમની માગણી કરતી જાહેર હિતની અરજી પણ તેઓ કરી ચૂક્યા છે.
 

minority majority 
 
અશ્ર્વિની ઉપાધ્યાય કહે છે કે, મારી અરજીમાં મૂળ માંગણી એ છે કે ૧૯૯૨નો રાષ્ટ્રીય લઘુમતી અધિનિયમ અને ૨૦૦૪નો લઘુમતી શિક્ષણ સંસ્થાન અધિનિયમ સમાપ્ત કરવામાં આવે અને જો એમ નથી થઈ શકતું તો જે રાજ્યોમાં હિન્દુઓ લઘુમતીમાં છે, તેઓને પણ લઘુમતીઓનો દરજ્જો આપવામાં આવે.
 
ઉલ્લેખનીય છે કે, ૨૦૧૧ની વસતી-ગણતરી મુજબ ભારતનાં ૬ રાજ્યો અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશોમાં હિન્દુઓ લઘુમતીમાં છે. જેમાં લક્ષદ્વીપમાં ૨.૭૭ ટકા, મિઝોરમમાં ૨.૭૫ ટકા, નાગાલેન્ડમાં ૮.૭૪ ટકા, મેઘાલયમાં ૧૧.૫૨ ટકા, લદ્દાખમાં ૧૨.૧૧ ટકા, જમ્મુ-કાશ્મીરમાં ૨૮.૮ ટકા, અરુણાચલ પ્રદેશમાં ૨૯.૪ ટકા, પંજાબમાં ૩૮.૪૯ ટકા અને મણિપુરમાં ૪૧ ટકા હિન્દુ જનસંખ્યા છે, જે તે રાજ્યોમાં લઘુમતીમાં છે.
 
અશ્ર્વિની ઉપાધ્યાય કહે છે કે, ભાષાઈ ધાર્મિક લઘુમતીની વ્યાખ્યા આપણા બંધારણમાં ક્યાંય કરવામાં આવી નથી, માટે ખરેખર લઘુમતીઓ કોણ છે, પહેલાં આપણે એ નક્કી કરવું પડશે, કારણ કે બંધારણમાં લઘુમતીઓ કોને ગણવા એની સ્પષ્ટતા જ નથી માટે આપણે ત્યાં સરકારો કોઈપણ આધાર વગર પોતાની મનમરજીથી અલગ અલગ ધર્મોના લોકોને લઘુમતીઓનો દરજ્જો આપતી રહી છે. આપણા દેશમાં યદી અને બહાઈ ધર્મના લોકો પણ છે. જે ખરેખર લઘુમતીમાં છે, પરંતુ તેઓને લઘુમતીનો દરજ્જો હજુ સુધી આપવામાં આવ્યો નથી.
 
૨૦૦૨ના સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને તેઓ કહે છે કે, ત્યારે ૧૧ જજોની બેચે કહ્યું હતું કે, રાષ્ટ્રીય સ્તરે ભાષા અને ધર્મના આધારે લઘુમતીઓનો દરજ્જો આપી શકાય નહીં, માટે બન્નેની ઓળખ રાજ્યસ્તરે થવી જોઈએ તેમ છતાં હજુ સુધી કોઈપણ રાજ્યે આ અંગે માર્ગદર્શિકા બહાર પાડી નથી. હા, તાજેતરમાં જ અસમ સરકારે આ અંગે જરૂરી કદમો ઉઠાવ્યાં છે. આપણે ત્યાં બંધારણમાં લઘુમતી કોને કહેવા એ અંગેની અસ્પષ્ટતાને કારણે જ્યાં ખરેખર કોઈ સમુદાય લઘુમતીમાં છે તેની સાથે કેવો અન્યાય થાય તે તેનો અતિ વિચિત્ર દાખલો જમ્મુ-કાશ્મીર છે.
 
૨૦૧૧ની વસતી-ગણતરી મુજબ જમ્મુ-કાશ્મીરમાં ૬૮ ટકા જનસંખ્યા મુસલમાનોની છે. એટલે કે જનસંખ્યાને આધારે ત્યાં મુસ્લિમો કોઈપણ દૃષ્ટિકોણથી લઘુમતી ન કહી શકાય, પરંતુ લઘુમતી અંગેની વ્યાખ્યા નક્કી ન હોવાને કારણે જમ્મુ-કાશ્મીરમાં લઘુમતીઓને મળનારા દરેક લાભો ૬૮ ટકા મુસ્લિમોને મળે છે. એક ટીવી ચેનલના અહેવાલ મુજબ ૨૦૧૬-૧૭માં અહીં લઘુમતી વિદ્યાર્થીઓ માટેની પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિનો જે લાભ વિદ્યાર્થીઓને મો હતો તેમાં ૧ લાખ ૫૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ મુસ્લિમ હતા. જ્યારે શીખ, બૌદ્ધ, પારસી અને જૈન ધર્મનાં માત્ર ૫ હજાર વિદ્યાર્થીઓને જ આ લાભ મળી શક્યો હતો અને હિન્દુ સમુદાયના એક પણ વિદ્યાર્થીને આનો લાભ મળવાનો સવાલ જ નથી, કારણ કે હિન્દુઓને ત્યાં લઘુમતી ગણવામાં આવતા નથી. આવી જ પરિસ્થિતિ પૂર્વોત્તર ભારતનાં રાજ્યો અને પંજાબની છે, જ્યાં હિન્દુ લઘુમતીમાં હોવા છતાં લઘુમતીના તમામ લાભો ઈસાઈ-શીખોને મળે છે.
 
સંયુક્ત રાષ્ટ્ર અનુસાર લઘુમતી કોણ ?
 
 
સંયુક્ત રાષ્ટ્ર મુજબ એક એવો સમુદાય જેનો સામાજિક, આર્થિક તથા રાજનૈતિક રૂપે કોઈ જ પ્રભાવ ન હોય અને જેની જનસંખ્યા સાવ નગણ્ય હોય તે લઘુમતી છે, ત્યારે ભારતીય મુસ્લિમોની વાત કરીએ તો ૨૦૧૧ની વસતી-ગણતરીના આંકડા મુજબ દેશમાં મુસલમાનોની કુલ જનસંખ્યા ૧૭ કરોડ ૨૨ લાખ છે જે ભારતની કુલ આબાદીના ૧૪.૨ ટકા છે. ૨૦૦૧ની વસતી-ગણતરી મુજબ આ આંકડા ૧૩.૪ ટકા હતા, એટલે કે મુસ્લિમોની જનસંખ્યામાં ૧.૨ ટકા જેટલો વધારો થયો છે. તેની સામે ૨૦૦૧માં હિન્દુઓની જનસંખ્યા ૮૦.૫ ટકા હતી તે ઘટીને ૭૯.૮ ટકા થઈ ગઈ છે. મુસ્લિમ સમુદાયનો વૃદ્ધિદર પણ કુલ જનસંખ્યાના વૃદ્ધિદરથી ૬.૯ ટકા વધારે છે. આ સમયગાળા દરમિયાન દેશની જનસંખ્યા ૧૭.૭ ટકાના દરે વધી છે. જ્યારે મુસ્લિમોનો વસ્તી વૃદ્ધિ દર ૨૪.૬ ટકા રહ્યો છે. જ્યારે હિન્દુઓનો વસતી વૃદ્ધિદર મુસ્લિમોથી ૯ ટકા ઓછો એટલે કે ૧૬.૮ ટકા નોંધાયો છે.
 
લક્ષદ્વીપમાં ૯૬.૨, અસમમાં ૩૪.૨, પશ્ર્ચિમ બંગાળમાં ૨૭, કેરલમાં ૨૬, ઉત્તર પ્રદેશમાં ૧૯ અને બિહારમાં ૧૭ ટકા જેટલી મુસ્લિમ આબાદી છે, ત્યારે તેમની ભાગીદારીને ઓછી કેવી રીતે આંકી શકાય ? અહીંનાં વિધાનમંડળોથી લઈ નોકરશાહીથી માંડી સાર્વજનિક જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં પણ મુસ્લિમોનો બરાબરનો હિસ્સો છે. એમાં પણ અસમ, પશ્ર્ચિમ બંગાળ, કેરલ જેવાં રાજ્યોમાં મુસ્લિમ તુષ્ટીકરણને કારણે ત્યાંની સરકારો મુસ્લિમો પર થોડી વધારે જ મહેરબાન રહી છે. ઇલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયે પણ પોતાના એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું હતું કે મુસ્લિમો હવે ઉ. પ્ર.માં લઘુમતી નથી, કારણ કે તેમની સંખ્યા ખૂબ જ વધારે છે.
 
જિલ્લાસ્તરે જોઈએ તો દેશમાં હાલ ૭૭૫ જિલ્લા છે. તેમાંથી ૧૦૨ જિલ્લામાં હિન્દુ આબાદી અન્ય પંથ-ધર્મોથી ઓછી છે. એટલે કે ત્યાં હિન્દુઓ લઘુમતીમાં છે. આમ સંયુક્ત રાષ્ટ્રની લઘુમતીઓની વ્યાખ્યામાં પણ મુસ્લિમો લઘુમતી તરીકે ફીટ બેસતા નથી. સંયુક્ત રાષ્ટ્રનો હવાલો આપીએ છીએ તેથી હજુ વધુ એ વાત સ્પષ્ટ કરીએ કે ત્યાં ટકાનું કોણ સર્વસામાન્ય નિર્ધારિત કરાવેલું છે કે ?
 
ભારતીય બંધારણમાં લઘુમતી અંગે સ્પષ્ટતા નથી
 
ભારતની વાત કરીએ તો રાષ્ટ્રીય, ભાષાકીય અને ધાર્મિક લઘુમતી આયોગે ૨૦૦૭માં પોતાના અહેવાલમાં નોંધ્યું છે કે, ભારતીય બંધારણમાં લઘુમતી શબ્દનો પ્રયોગ કલમ ૨૯થી ૩૦ તથા ૩૫૦ક થી ૩૫૦ખમાં જરૂર કર્યો છે, પરંતુ ક્યાંય પણ તેને પરિભાષિત કરવામાં આવ્યો નથી. બંધારણમાં લઘુમતી શબ્દનો ઉલ્લેખ કરતાં વિલુપ્તપ્રાય કે સંકટગ્રસ્ત સમુદાયોને પોતાના ધર્મ અને રીતિ-રિવાજોના પાલન હેતુ સુરક્ષા અને સંરક્ષણ આપવાની વાત કરવામાં આવી છે, ત્યારે જનસાંખ્યિક આંકડા બતાવે છે કે, દેશમાં મુસ્લિમોની જનસંખ્યા સતત વધી રહી છે. સંવિધાન વિશેષજ્ઞ સુભાષ કાશ્યપ કહે છે કે, બંધારણમાં લઘુમતીની ન કોઈ પરિભાષા છે કે ન તો કોઈ માપદંડ. એ સંપૂર્ણ રીતે સરકાર પર નિર્ભર છે કે તે કોને લઘુમતી ગણે. હકીકતમાં જોઈએ તો કોઈને લઘુમતી ગણવાનો આ આખો સિદ્ધાંત જ ખોટો છે. આપણા બંધારણ અને કાયદા મુજબ તમામ નાગરિકોને બરાબરનો અધિકાર મળવો જોઈએ. કોઈને લઘુમતી ગણાવી તેને વિશેષ અધિકારો અને સુવિધાઓ આપવી તે બંધારણના મૂળ આત્માની વિરુદ્ધ છે. ૨૬ મે, ૧૯૪૮ના રોજ બંધારણ સભામાં અનામત (આરક્ષણ) ઉપર ચર્ચા દરમિયાન અનુસૂચિત જાતિઓને અનામત આપવાના પ્રશ્ર્ન પર તો સર્વસમ્મતિ હતી, પરંતુ ધાર્મિક આધાર પર અનામત સામે મોટાભાગના લોકો તેની વિરુદ્ધ હતા. ખુદ પંડિત નહેરુએ પણ કહ્યું હતું કે પંથ-આસ્થા મજહબ આધારિત અનામત યોગ્ય નથી. બંધારણ સભાના સભ્ય તજમ્મુલ હુસેને પણ ભાર દઈને કહ્યું હતું કે, લઘુમતી શબ્દ અંગ્રેજોની દેણ છે. ત્યારે જ્યારે અંગ્રેજો હવે અહીંથી ચાલ્યા ગયા છે, ત્યારે આ શબ્દને ડિક્ષનરીમાંથી કાઢી નાંખવો જોઈએ. હવે હિન્દુસ્થઆનમાં કોઈ જ લઘુમતી નથી. આપણે બધા જ ભારતીયો છીએ.
 
ભારતમાં (હિન્દુ સિવાય) ધર્મ, ભાષા અને વંશની ૫૦ ટકા કરતાં ઓછી વસ્તીને લઘુમતી ગણવામાં આવે છે. જે એક પ્રકારે હાસ્યાસ્પદ છે. માત્ર સંખ્યા એ લઘુમતી ગણવા માટે પર્યાપ્ત નથી. દક્ષિણ આફ્રિકામાં ગોરા લોકોની સંખ્યા ઓછી હોવા છતાં ત્યાં તેમને લઘુમતી ગણવામાં આવતા નથી. વિશેષ ભારતમાં પારસીઓ જેવી સાચા અર્થમાં લઘુમતી કહેવા યોગ્ય હોવા છતાં પારસીઓને જાતે જ અલગ સમાજ તરીકે મળવા પાત્ર લાભોનો અસ્વીકાર કર્યો હતો. સન ૧૯૪૩માં સેક્રેટરી ઓફ સ્ટેટ શ્રી એલ. એમ. એમરીએ પારસી નેતાઓને બોલાવી સુઝાવ આપ્યો હતો કે પારસીઓ વિધાનસભામાં અલગ પ્રતિનિધિત્વની માંગણી કરે, પરંતુ તેના જવાબમાં ૨૦૦૦ જેટલા ગણમાન્ય પારસી સજ્જનોએ આવેદનપત્ર આપ્યું હતું કે આ અમને સ્વીકાર્ય નથી. પારસી નેતા આર. કે. સિંધવે કહ્યું કે ભારતમાં અમે પૂર્ણ રીતે સુરક્ષિત છીએ. આવી માંગણીઓથી નાના સમુદાયો મોટો સમુદાયમાં ભળવાનું બંધ કરશે અને એક રાષ્ટ્રીયતાની ભાવનાને નુકસાન થશે.
 
બિલકુલ આ જ ઢંગથી વર્તમાન કેરળના રાજ્યપાલ મા. શ્રી આરિફ મહંમદખાન કે જે વડાપ્રધાન રાજીવ ગાંધીની કેબિનેટમાં કેન્દ્રિય મંત્રી હતા તેમણે પણ જ્યારે રાજીવ ગાંધીએ સંસદના તમામ મુસ્લિમ સાંસદોની અલગ મીટિંગ બોલાવી ત્યારે તેમણે મુસ્લિમ સાંસદોની અલગ મીટીંગનો વિરોધ કર્યો હતો, એટલું જ નહીં પણ જ્યારે શાહબાનો ભરણપોષણ કેસ વખતે સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધ રાજીવ ગાંધીએ મુસ્લિમોને ખુશ કરવા બંધારણમાં સુધારો કર્યો તે વખતે કેન્દ્રિય મંત્રી આરિફ મોહમ્મદ ખાન મંત્રી તરીકે રાજીનામું આપતાં બોલ્યા હતા કે As a mus-im, I don’’t want to be a second c-ass citizen in this country. આટલી ચોટદાર વાત આપણી સરકાર સમજી શકી ન હતી અને માત્ર વોટબેન્ક માટે લઘુમતીની અધકચરી અને સમજણ વગરની વ્યવસ્થા કરી નાખી.
 
થાઇલેન્ડ અને બ્રાઝિલે તો લઘુમતીના ખ્યાલને જ ફગાવી દીધો છે. ત્યાંની સરકારોએ યુ.એન.ના Sub. Commission on prevention of Discrimination and protection of minority ને સાફ શબ્દોમાં કરી દીધેલું કે અમારો દેશ વિવિધ ધર્મપંથો અને વિવિધ જાતિય સમૂહો ધરાવતો હોવા છતાં અમે લઘુમતી માટે વિશેષ વ્યવસ્થા કરવા ઇચ્છતા નથી.
 
૨૦૦૧માં ૧૧ ન્યાયાધીશોની બંધારણીય બેંચે શિક્ષણમાં લઘુમતીના હકો બાબતે જજમેન્ટ આપ્યું, પરંતુ તેમણે પણ લઘુમતીની વ્યાખ્યા આપવાનું ટાળ્યું હતું. સન ૨૦૦૩માં પાંચ જજોની બેન્ચે ઇસ્લામિક એકેડેમી કેસમાં તેમજ ૨૦૦૫માં સાત જજોની બેન્ચે ઇનામદાર કેસમાં પણ લઘુમતીની વ્યાખ્યા સ્પષ્ટ કરવાનું ટાળ્યું હતું. અગાઉ ૧૯૯૨માં પણ ભારતની સંસદે નેશનલ કમિટી ફોર માઇનોરિટી એક્ટ ઘડ્યો હતો પણ તે સમયે પણ લઘુમતીની વ્યાખ્યા કરવાનું ટાળ્યું હતું. એક્ટના સેક્શન-૨ (C)માં માત્ર એટલું જ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ગેઝેટમાં જેને માન્ય કરે તે લઘુમતી. આમા સરકારે કોઈ સમાજને લઘુમતી કેમ ગણ્યો તેની સ્પષ્ટતા અને કારણો દર્શાવ્યા ન હતા. તેથી ય આગળ રાજ્ય લઘુમતી કમિશન પણ લઘુમતીની વ્યાખ્યા કરવાની તસ્દી લીધી ન હતી. એનો અર્થ એવો થયો છે આઝાદીના આટલા વર્ષો પછી પણ લઘુમતીની વ્યાખ્યા કર્યા વગર લઘુમતી અધિકારો વિશે દેશ લાંબી લાંબી ચર્ચાઓ કરતો રહ્યો છે. અને સાચા અર્થમાં દેશના નવ રાજ્યો કે જ્યાં હિન્દુ લઘુમતીમાં તેમને અન્યાય કરતો રહ્યો છે.
 

minority majority 
 
અલ્પસંખ્યક અવધારણા દેશ માટે ઘાતક
 
કાશી હિન્દુ વિશ્ર્વવિદ્યાલયના સામાજિક વિજ્ઞાન વિભાગના ડીન અને રાજનીતિશાસ્ત્રના પ્રા. કૌશલ કિશોર મિશ્ર કહે છે કે, લઘુમતી શબ્દ સંવૈધાનિક હોવા કરતાં રાજનૈતિક વધારે છે. લઘુમતીનો દરજ્જો આપી કેટલાક વિશેષ સમુદાયોની મતબેંક પાક્કી કરવી, તેમને વિવિધ લાલચો-સુવિધાઓ આપવી તે રાજનૈતિક પ્રવૃત્તિ છે. લોકશાહી મતલબ તેના લોકો જ એટલે કે તમામ લોકો જ સર્વોપરી છે. એકાત્મ માનવદર્શનના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયે કહ્યું હતું કે જે રાષ્ટ્રની ચિતિને માને તે જ લોકશાહીનો ખરો નાગરિક છે. ચિતિ એટલે કે રાષ્ટ્ર એક શરીર છે અને તે શરીરનાં તમામ અંગો એક છે. એ અંગોને સાથે રાખીને જ શરીરનું નિર્માણ થાય છે. તેમાંથી એક પણ અંગ અલગ થાય તો તેને શરીર ગણી શકાય નહીં. પંડિત દીનદયાળ મુજબ લોકતંત્ર અને રાષ્ટ્ર બન્ને પર્યાય છે અને બન્ને સજીવ છે. બન્નેનો આત્મા ચિતિ છે અને ચિતિ જ લોકને પરિભાષિત કરે છે. જો જનગણનાને આધારે લઘુમતી અંગેનું વર્ગીકરણ કરીશું તો રાજ્યના લોક અને ચિતિનું શું થશે. લોકશાહી લઘુમતી અને બહુમતીમાં વિભાજિત થઈ જશે. જે લોકશાહી અને દેશ બન્ને માટે ખતરનાક છે.
 
ભારતમાં લઘુમતીનો અર્થ મુસલમાન થઈ ગયો છે
 
સર્વોચ્ચ ન્યાયાલયના વકીલ સંદીપ મહાપાત્રા કહે છે કે, ભારતમાં લઘુમતીનો અર્થ જાણે કે મુસલમાન થઈ ગયો છે. જો કે મુસ્લિમો સિવાય શીખ, બૌદ્ધ, પારસી, ઈસાઈ અને જૈન પણ લઘુમતીમાં આવે છે, પરંતુ અત્યાર સુધી આપણા દેશમાં મુસ્લિમોને જ લઘુમતી માનવાની પરંપરા રહી છે.
 
રાજકીય લાભ માટે લઘુમતીનો ઉપયોગ
 
અનુચ્છેદ ૨૯-૩૦માં ભાષાકીય, ધાર્મિક, લઘુમતીઓ માટે ખાસ જોગવાઈ છે, પરંતુ લઘુમતી પરિભાષિત નથી. આપણા-બંધારણ નિર્માતાઓને લઘુમતી આયોગ અને લઘુમતી કલ્યાણ મંત્રાલયની સ્થાપનાની જરૂરિયાત લાગી ન હતી, પરંતુ રાજનીતિને તેની જરૂર હતી. ૧૯૯૨માં રાષ્ટ્રીય લઘુમતી આયોગ અધિનિયમ બનાવી રાષ્ટ્રીય લઘુમતી આયોગ બતાવવામાં આવ્યું. આ કાયદામાં પણ લઘુમતીની પરિભાષા નક્કી કરવામાં આવી ન હતી. ધારા ૨ (સી), કેન્દ્ર સરકારને કોઈ પણ સમુદાયને લઘુમતી સમાજ તરીકે ઘોષિત કરવાનો અસીમિત અધિકાર આપે છે.
 
કોઈપણ જાતિસમૂહને અનુસૂચિત જાતિ અથવા જનજાતિ ઘોષિત કરવાની વિધિ ઘણી જટિલ છે અને આ કામ માત્ર સંસદ જ કરી શકે છે. (અનુચ્છેદ ૩૪૧૩૪૨) પ્રમાણે પરંતુ કોઈ સમુદાયને લઘુમતી ઘોષિત કરવાનું કામ સરકારી અધિકારી પણ કરી શકે છે. આ જ અધિકાર દ્વારા કેન્દ્ર સરકારે ૨૩ ઓક્ટોબર, ૧૯૯૩ના રોજ એક વિશેષ સૂચના દ્વારા પાંચ સમુદાયો (મુસલમાન, ઈસાઈ, બૌદ્ધ, શીખ અને પારસી)ને લઘુમતી સમુદાય ઘોષિત કર્યો. ૨૦૦૬માં અલગથી લઘુમતી કલ્યાણ મંત્રાલય શરૂ કરવામાં આવ્યું અને ૨૦૧૪માં તત્કાલીન કેન્દ્ર સરકારે લોકસભા ચૂંટણીના થોડા સમય પહેલાં જૈન સમાજને પણ લઘુમતી સમાજ જાહેર કરી દીધો.
 
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે ૨૦૦૬માં રાષ્ટ્રીય વિકાસ પરિષદની બેઠકમાં કહ્યું હતું. એ સુનિશ્ર્ચિત કરવા માટે કે લઘુમતી ખાસ કરીને મુસલમાન વિકાસમાં બરાબરીથી ફાયદો લઈ શકે, આપણે મૌલિક યોજના બનાવવી પડશે. સંસાધનો ઉપર તેમનો પહેલો હક હોવો જોઈએ. તેમણે તો લઘુમતીનો મતલબ જ મુસલમાન માની લીધો હતો. પરંતુ આઝાદીના સાત દાયકા પછી પણ દેશમાં લઘુમતી કોણ છે એ નક્કી થઈ શક્યું નથી. હજુ સુધી કાશ્મીરમાં મુસલમાનોને કોઈપણ દૃષ્ટિકોણથી લઘુમતી કહી શકાય તેમ નથી, પરંતુ લઘુમતીને મળનારી તમામ સુખ-સુવિધાઓ તેમને મળે છે અને હિન્દુ સમાજ જે હકીકતમાં લઘુમતીમાં છે તેઓ તમામ સુવિધાઓથી કોશો દૂર છે. જો આપણે આગળ ચર્ચી ચૂક્યા છે. આવી જ સ્થિતિ લદ્દાખ, લક્ષદ્વીપ, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મણિપુર અને પંજાબમાં છે.
 
ન્યાયાલય પણ પક્ષમાં નથી
 
૨૦૦૨માં ટીએમએ પછી કેસમાં સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠે કહ્યું હતું કે, ભાષાકીય-ધાર્મિક લઘુમતીની ઓળખ રાજ્યસ્તર ઉપર કરવામાં આવે. ન કે રાષ્ટ્રીય સ્તર ઉપર, પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આજ દિન સુધી લાગુ કરવામાં આવ્યો નથી. તેનો દુષ્પ્રભાવ એ છે કે, ઘણાં રાજ્યોમાં જે બહુમતી છે તેમને લઘુમતીઓના લાભ મળી રહ્યા છે. ૨૦૦૫માં સુપ્રીમ કોર્ટની ૩ જજોની પીઠે કહ્યું હતું કે, ધાર્મિક આધાર ઉપર લઘુમતી-બહુમતીની માન્યતા દેશની એકતા-અખંડતા માટે ખૂબ જ ખતરનાક છે. આથી જેટલું જલદી થઈ શકે લઘુમતી-બહુમતીનું વિભાજન બંધ થવું જોઈએ. ૨૦૦૭માં પંજાબ હાઈકોર્ટેં પંજાબમાં શીખોને મળેલો લઘુમતીનો દરજ્જો સમાપ્ત કરી દીધો હતો, પરંતુ એ કેસ પણ સુપ્રીમ કોર્ટમાં સંવિધાન પીઠમાં ધૂળ ખાઈ રહ્યો છે.
 
બંધારણમાં તમામ નાગરિકોને બરાબરનો અધિકાર મો છે. આથી હવે સમય આવી ગયો છે કે લઘુમતી-બહુમતીના આધાર ઉપર સમાજનું વિભાજન બંધ કરવામાં આવે, નહીં તો બીજો ઉપાય એ છે કે લઘુમતીની પરિભાષા અને રાજ્ય સ્તર ઉપર લઘુમતીઓની ઓળખ માટે દિશા-નિર્દેંશ નક્કી થાય અને એવું સુનિશ્ર્ચિત કરવામાં આવે કે, માત્ર એ જ સમુદાયને બંધારણની અનુચ્છેદ-૨૯-૩૦નું સંરક્ષણ મળે જે ખરેખર સામાજિક, આર્થિક અને રાજનૈતિક રૂપથી પ્રભાવહીન હોય અને સંખ્યામાં નગણ્ય એટલે કે એક ટકાથી ઓછી જનસંખ્યા ધરાવતો હોય.
 
અને છેલ્લે
 
દેશમાં જે રાજ્યોમાં હિન્દુઓની જનસંખ્યા ઓછી છે, ત્યાં તેઓને લઘુમતીનો દરજ્જો મળવાના સમાચાર ભલે કેટલાક લોકો માટે ખુશીના, હર્ષના સમાચાર હોય, પરંતુ આ સમાચાર વાસ્તવમાં હિન્દુ સમુદાય માટે ચિંતા અને ચિંતનનો વિષય છે, કારણ કે આ સમાચાર રાડો પાડી પાડીને જણાવી રહ્યા છે કે દેશનાં ૯ રાજ્યોમાંથી હિન્દુઓ ધીરે-ધીરે નામશેષ થઈ રહ્યા છે. તેવી જ રીતે જેવી રીતે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં નામશેષ થઈ ગયા છે.
આજે હિન્દુઓને ૯ રાજ્યમાં લઘુમતી ઘોષિત કરવા પડી રહ્યા છે, કાલે એ આંકડો વધીને ૧૫ એ પહોંચશે. બાદમાં ૨૦, ૨૫ અને ત્યાર બાદ સમગ્ર દેશમાં હિન્દુઓને લઘુમતી જાહેર કરવાની નોબત આવશે. માટે આ સમાચાર હિન્દુઓના પતન પહેલાંની ચેતવણી છે. ત્યારે જો હિન્દુસ્થાનમાં હિન્દુઓનું અસ્તિત્વ બચાવવું હશે તો હિન્દુઓને લઘુમતી ઘોષિત કરવાને બદલે તમામ મત-મજહબોનો લઘુમતીઓનો દરજ્જો ખતમ કરી તમામ માટે સમાન કાયદો લાગુ થવો જોઈએ.
 
 
 
 
 
 

સંજય ગોસાઈ

સંજય ગોસાઇ સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધનાનાં સંપાદક મંડળમાં છે…