એલન મસ્કે ખરીદ્યું તેમાં ડાબેરીઓના પેટમાં કેમ ચૂંક ઉપડી?

એલન મસ્કે ટ્વિટર ખરીદ્યું તેનાથી દુનિયાભરના રાષ્ટ્રવાદીઓ ખુશ થયા છે જ્યારે ડાબેરીઓ દુ:ખી. આનું કારણ એ છે કે ટ્વિટર ડાબેરી ઝુકાવવાળું હતું. ડાબેરીઓએ #leavingtwitter આવો ટ્રેન્ડ ચલાવ્યો.

    06-May-2022   
કુલ દૃશ્યો |

 Elon Musk buy twitter
 
 
જોતજોતામાં ઇલેક્ટ્રિક ગાડી ટેસ્લાના સ્વામી એલન મસ્કે ટ્વિટર ખરીદી લીધું. હજુ તો તેણે ખરીદીની ઑફર મૂકી હતી અને થોડા દિવસોમાં ખરીદી પણ લીધું. એલન મસ્કે પહેલાં એટલા પ્રમાણમાં તેના શૅર ખરીદ્યા કે જેથી તેઓ તેના બોર્ડમાં આવી શકે.
 
ડાબેરી ઝુકાવવાળા ટ્વિટરના કર્તાધર્તાઓએ મસ્ક તેને ખરીદી ન શકે તે માટે પૉઇઝન પિલ યુક્તિ અજમાવી હતી. આ એક આર્થિક સંરચના છે જેને કંપનીઓ દાયકાઓથી કોઈ અણગમતા ખરીદનારના હાથમાં પોતે ન આવી જાય તે માટે ઉપયોગમાં લે છે. પૉઇઝન પિલ અનેક પ્રકારની હોય છે. તેને એવી રીતે ડિઝાઇન કરાય છે કે કૉર્પોરેટ બોર્ડ પાસે માર્કેંટમાં અનેક નવા શૅર આવી શકે. તેનાથી અધિગ્રહણ મોંઘું પડે છે. પૉઇઝન પિલનો વિકલ્પ ગત સદીમાં ૮૦ના દશકમાં ખૂબ લોકપ્રિય થયો હતો. તે સમયે પણ જાહેર કંપનીઓને કબજે કરવાના પ્રયાસો થતા હતા. ટ્વિટરે જોકે વધુ સ્પષ્ટતા નહોતી કરી કે તેમાં શું-શું થશે. પરંતુ આ યોજના સફળ ન થઈ.
 
બીજી એક યોજના એ હતી કે ટ્વિટરના બોર્ડેં ઍલન મસ્ક પાસે જરૂરી સંખ્યામાં શૅર આવી જતાં તેમને નિર્દેશક મંડળ (બોર્ડ ઑફ ડિરેક્ટર)માં આવી જવા આમંત્રણ આપ્યું, પરંતુ મસ્ક તેમાં જોડાયા નહીં. આ બહુ મોટી વાત હતી, કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ આટલાં બધાં નાણાં ખર્ચી ટ્વિટરના શૅર ખરીદી લે અને તેને ડિરેક્ટર બનવા મળતું હોય તો તે શું કામ ના પાડે? પરંતુ શૅરબજારના જાણકારો મુજબ, જ્યારે કોઈ વ્યક્તિ બોર્ડ ઑફ ડિરેક્ટરમાં આવી જાય પછી તેની રોકાણકાર તરીકેની સ્વતંત્રતા સીમિત થઈ જાય.
 
અહીં સમજવા જેવું એ છે કે મસ્કને ડિરેક્ટર બનવાથી સંતોષ નહોતો, તેમને તો કંપની જ પોતાની મુઠ્ઠીમાં કરવી હતી. અને તેથી જ બોર્ડ ઑફ ડિરેક્ટર બનવાની લોભામણી દરખાસ્ત તેમણે નકારી કાઢી. આ વાત; પોતાના ક્ષેત્રમાં આગળ વધવા કોઈ પણ વ્યક્તિએ સમજવા જેવી છે કે, તમારું ધ્યેય સિદ્ધ કરવા નીકળ્યા હો ત્યારે આવી આકર્ષક લલચામણી દરખાસ્ત સ્વીકારી લો તો તમારું ધ્યેય પ્રાપ્ત ન કરી શકો. મસ્કે બોર્ડ ઑફ ડિરેક્ટરમાં આવવાનું એમ માની સ્વીકારી લીધું હોત કે ટ્વિટર પછી ખરીદી લઈશું તો? તેઓ ટ્વિટર ન ખરીદી શક્યા હોત. અને તેમની બોર્ડ ઑફ ડિરેક્ટરમાં એક ડિરેક્ટર તરીકે સત્તા પણ સીમિત હોત.
 
છેવટે મસ્કે ૪૪ અબજ ડૉલર એટલે કે લગભગ ૩૩૬૮ અબજ રૂપિયામાં ટ્વિટર ખરીદી લીધું.
 
ઍલન મસ્ક કોણ છે તે પણ જોઈ લઈએ. દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં ૨૮ જૂન ૧૯૭૧ના દિને જન્મેલા ઍલન મસ્કને તેમની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા અને અંતરીક્ષ મિશન સાથે જોડાયેલી કંપની સ્પેસ એક્સ માટે ઓળખવામાં આવે છે. મસ્ક કંપનીની અંદર કે ટ્વિટર જેવા જાહેર મંચ પર પોતાનો અભિપ્રાય સ્પષ્ટ રીતે રજૂ કરે છે. ફૉર્બ્સ મુજબ, તેમની સંપત્તિ ૨૬,૪૬૦ કરોડ અમેરિકી ડૉલરથી પણ વધુ છે.
 
ઍલન મસ્કે ટ્વિટર કેમ ખરીદ્યું? આનો જવાબ એ છે કે ટ્વિટર સાથે ઍલન મસ્કને ટકરાવ થયો હતો. ટ્વિટર પર ઍલન મસ્કના ૮.૪ કરોડ અનુચરો (ફૉલોઅર) છે. તેઓ આ મંચ પર ૨૦૦૯થી છે અને વર્ષ ૨૦૧૭માં તેમણે ટ્વિટરને ખરીદવામાં રસ દાખવતું ટ્વિટ કર્યું હતું. અનેક વાર તેમણે ટ્વિટરની ટીકા કરી છે. તેમણે ટ્વિટરમાં મૂકેલી સામગ્રી પાછી ખેંચવાની સત્તા મળવી જોઈએ તેવી માગણી કરી હતી. મુક્ત વાણીની પણ તરફેણ કરી હતી.
 
મસ્કે કૉવિડ-૧૯ની ગંભીરતા બહુ ન હોવાનું ટ્વિટ પણ કર્યું હતું અને ઘર-વાસ (લૉકડાઉન)નો વિરોધ કર્યો હતો. કૉવિડ-૧૯ની રસી ફરજિયાત કરવાના મુદ્દે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડૉને તેમણે હિટલર સાથે સરખાવતું ટ્વિટ કર્યું હતું જે પાછળથી તેમણે ડિલીટ કર્યું હતું.
 
મસ્કે ટ્વિટર ખરીદ્યું તેનાથી દુનિયાભરના રાષ્ટ્રવાદીઓ ખુશ થયા છે, જ્યારે ડાબેરીઓ દુઃખી. આનું કારણ એ છે કે ટ્વિટર ડાબેરી ઝુકાવવાળું હતું.
 
અહીં એ સમજવું જોઈએ કે, ટ્વિટર છે શું- તેમાં કઈ રીતે કામ થાય છે?
 
ટ્વિટર નવું-નવું આવ્યું ત્યારે શરૂઆતમાં લોકોને સમજાય નહીં તેવું હતું. સો-બસો અક્ષરો (જેમાં બે શબ્દો વચ્ચે છોડાતી જગ્યા પણ આવી ગઈ) માં જ લખવાનું. તેના કારણે શબ્દોના સ્પેલિંગ આખા લખવાના બદલે નવીન રીતે લખાતું થયું જે મૂળ તો એસએમએસમાં લખાતી અને તે પહેલાં ટેલિગ્રામ (ઍપ નહીં, તાર)ની ભાષાનું વિસ્તરણ જ હતું.
 
તેમાં ટેગ કરવાનું આવ્યું એટલે જેને કહેવું હોય તે ફરજિયાત જાણે અને આખું ગામ (દુનિયા) જાણે. એમાં પાછું નવું એ આવ્યું કે હૅશટેગ સાથે કોઈ વિષય લખો તો એ ટ્રેન્ડ બની જાય. એ ટ્રેન્ડ કેટલાક માટે ગર્વ, તો કેટલાક માટે શરમનો વિષય બને. સરકાર, રાજકીય પક્ષો, ફિલ્મ કલાકારો, ક્રિકેટરો, ઉદ્યોગપતિઓ, કૉર્પોરેટ કંપનીઓ, બધાં તેની નોંધ લેતાં થયાં. નરેન્દ્ર મોદી ટ્વિટરમાં જોડાનારા સૌ પ્રથમ રાજકીય નેતાઓમાંના એક હતા.
 
ટ્વિટરથી એક આખા સમૂહને કોઈ વાત પસંદ ન પડે અને વિરોધ કરે તો રાજકીય પક્ષ/કૉર્પોરેટ કંપનીએ પીછેહટ કરવી પડે એ રીતે આ આભાસી દબાણ ઊભું થયું. એમાં લોકોનાં જૂનાં ટ્વિટના સ્ક્રીનશૉટ લઈ નવા સાથે સરખાવી ગણપ્રસિદ્ધ લોકોનાં બેવડાં ધોરણ ખુલ્લાં પડવા લાગ્યાં. તર્ક સાથે જવાબ અપાતા થયા. અત્યાર સુધી રાજકીય પક્ષો, લેખકો, કલાકારો, ક્રિકેટરો મન ફાવે તેમ નીતિ ઘડતા, લખતા, બોલતા, જાહેરાતોમાં કામ કરતા, ફિલ્મોમાં મન ફાવે તેવું કરતા, તેમને વળતો પ્રતિભાવ, ખાસ તો વિરોધી પ્રતિભાવ મળતો જ નહોતો. મળે તો પણ ખાનગી મળતો. પરંતુ હવે ટ્વિટર પર મળતો થયો. એટલે તેને આ લોકોએ નવું નામ આપ્યું, ભક્તો, સંઘી, ટ્રૉલ ગેંગ, વાનર સેના.
 
અહીંથી હવે બેલેન્સ બદલાયું. શેફાલી વૈદ્ય, અંસુલ સક્સેના, ગૌરવ પ્રધાન, ધ ફ્રસ્ટ્રેટેડ ઇન્ડિયન જેવા લોકો ઊભર્યાં, જેમની ઓળખ માત્ર ટ્વિટર થકી હતી. (આવું વિદેશોમાં પણ બન્યું.) આના લીધે સામાન્ય હિન્દુ પણ લખતો-બોલતો થયો.
 
એટલે લેફ્ટ-લિબરલો ચોંકી ગયા. ટ્વિટરમાં ઉચ્ચ પદે તેમના મળતિયા હતા જ. એટલે અલ કાયદા વગેરે ત્રાસવાદી સંગઠનો સાથે જોડાયેલા લોકોનાં ખાતાંને કંઈ ન થાય પણ ગાયક અભિજીત, સોનુ નિગમ, અભિનેતા પરેશ રાવલ સહિતના જમણેરીઓનાં ખાતાં બંધ કે નિલંબિત થવો લાગ્યાં.
 
આનો પણ પૂરજોશ વિરોધ થવા લાગ્યો. પરિણામ એ આવ્યું કે, હવે ટ્વિટરના મંચનો ઉપયોગ કરીને ટ્વિટરમાં બેઠેલાઓ, જમણેરી સત્તાધીશો સાથે બથોડા ભરવા લાગ્યા. ટ્રમ્પનું ખાતું સસ્પેન્ડ કરે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, મોહન ભાગવત વગરેની સામેથી બ્લુ ટિક હટાવે. હવે આ પણ એક આભાસી પગલું જ હતું. બ્લુ ટિક હોય કે ન હોય શું ફરક પડે? પણ ટ્વિટરે એક પછી એક આભાસી પગલાંની દુનિયા એવી સર્જી કે લોકો એમાં રમમાણ થઈ ગયા. એ મોટી વાત લાગવા લાગી. પ્રતિષ્ઠાનો વિષય બની ગયો.
 
બ્લુ ટિક એટલે ગણમાન્ય લોકોનું સાચું એકાઉન્ટ છે તે ખબર પડે તે. આનું કારણ એ કે સૉશિયલ મિડિયા આવ્યું તેમાં નકલી નામે ખાતાં બનવા લાગ્યાં. એમાં પાછાં આવા ગણમાન્ય લોકોનાં નામ સાથે બનવા લાગ્યાં. લોકોને એમ લાગે કે આ નકલી ખાતાં સાચાં છે. એટલે ગણમાન્ય લોકોએ જે ન કહ્યું હોય તે તેમના નામે ચડી જાય.
 
એટલે ટ્વિટરે બ્લુ ટિક શોધ્યું. ચોક્કસ પ્રક્રિયા પૂરી કરો એટલે તમારા ખાતાને બ્લુ ટિક મળે.
 
એ બ્લુ ટિક મળે એટલે લોકોને એવું લાગે કે જાણે બહુ મોટી સિદ્ધિ મળી. અને જમણેરી સત્તાધીશોને દબાવવા બ્લુ ટિક કાઢી નખાઈ તો એવું લાગ્યું જાણે આભ તૂટી પડ્યું. જોકે વિરોધ પ્રબળ બનતાં બ્લુ ટિક પાછી આપી દેવાઈ.
 
પહેલાં ભારતવિરોધી પ્રવૃત્તિમાં આંતરરાષ્ટ્રીય પરિબળો રહેતાં જ હતાં પણ ટ્વિટરના કારણે ખુલ્લાં પડ્યાં. ગ્રેટા થનબર્ગ, રિહાના, મિયા ખલીફાએ ખુલ્લી રીતે ભારતના કથિત ખેડૂત કમ ખાલિસ્તાની આંદોલનને સમર્થન આપ્યું.
 
આ તો ભારતના સંદર્ભમાં વાત થઈ. વિદેશોમાં પણ આવું થયું. ટ્રમ્પે તો પોતાનું સૉશિયલ મિડિયા બનાવવાની જાહેરાત કરી. ટેસ્લાના સ્વામી ઍલન મસ્કને પણ આવો જ અનુભવ થયો. પણ તેમણે પોતાના અપમાનને ગાંઠે બાંધી લીધું અને પહેલાં શૅર ખરીદી ટ્વિટરના બોર્ડ ઑફ ડિરેક્ટર બન્યા અને પછી ટ્વિટર જ ખરીદી લીધું !
 
પરંતુ ઍલન મસ્કે ટ્વિટર ખરીદ્યું તે સાથે ડાબેરીઓએ ટ્વિટર પર #leavingtwitter આવો ટ્રેન્ડ શરૂ કર્યો તો જમણેરીઓએ #freespeech ટ્રેન્ડ શરૂ કર્યો. વિરોધાભાસ કહેવાય કે નહીં? પોતાને સહિષ્ણુ માનતા ડાબેરીઓ મસ્કના ટ્વિટર ખરીદવાને સાંખી શક્યા નહીં, તેથી આવો ટ્રેન્ડ ચલાવવા લાગ્યા. હકીકત તો એ હતી કે, અત્યાર સુધી તો ટ્વિટર પર તેમનું જ ચાલતું હતું. જ્યારે જમણેરીઓ ફ્રી સ્પીચ એટલે કે વાણી સ્વાતંત્ર્યને સમર્થન આપતા હતા. આનો અર્થ એ થયો કે મુક્ત વાણીની ડાબેરીઓની વાતો માત્ર બોદી જ છે. જ્યારે ખરેખર આવું સ્વાતંત્ર્ય આપવાની વાત થાય ત્યારે તેઓ તેમનો અસલી રંગ બતાવે છે.
 
આ માત્ર ભારતની વાત નથી, વિશ્ર્વભરની વાત છે. અને અમેરિકા સહિતના લેફ્ટ - લિબરલોએ #leaving twitter ટ્રેન્ડને સમર્થન આપ્યું, જેમ કે અમેરિકાના કાર્ટૂનિસ્ટ પેટ બેગલીએ લખ્યું કે, મસ્ક ટ્વિટર ખરીદશે તેનાથી જમણેરીઓ વધુ ઝેર ઓકશે. હવે આ કાર્ટૂનિસ્ટ હોય એટલે બધા પર વ્યંગ કરતા હોય તેમ માનીએ, પરંતુ જમણેરીઓ ડાબેરીઓ વિરુદ્ધ મત વ્યક્ત કરે તેને આ કાર્ટૂનિસ્ટ પેટ બેગલી પસંદ નથી કરતા તેમ સ્પષ્ટ જણાઈ આવે છે.
 
ગ્રેમી એવૉર્ડ વિજેતા ગ્રે ડેલિજલે પૂછ્યું કે ઍલન મસ્કે ટ્વિટર ખરીદ્યા પછી કેટલા લોકો ટ્વિટર છોડી દેશે? અને આપણે ક્યાં જઈશું? એક વપરાશકાર કેટી હેરજૉગે લખ્યું કે, જો ઍલન મસ્ક ટ્વિટર ખરીદશે તો હું કેનેડા ચાલી જઈશ. રૉફર નામના વપરાશકારે લખ્યું કે હું મારું ટ્વિટર ખાતું જ રદ કરી દઈશ, કારણ કે મસ્ક ફાસીવાદી અબજોપતિ છે! મહિલા અંગેના અભ્યાસના વિદ્વાન ડૉ. માટ્ટ વૉલ્શે લખ્યું કે, હું મારું ટ્વિટર ખાતું ડિલીટ કરી રહ્યો છું, કારણ કે તેને એક દુષ્ટ અબજોપતિ ચલાવે છે.
 
જમણેરીઓ ઉત્સાહમાં આવી ગયા હતા. ડેવ મેરેલ નામના વપરાશકારે લખ્યું કે લિબરલોનાં આંસુ મને આનંદ આપે છે. રૉબર્ટ નામના વપરાશકારે લખ્યું કે ઍલન મસ્કની જીત ઉજવવા માટે ફ્રી સ્પીચ એક મહાન હેશટેગ છે. લેફ્ટ-લિબરલો રોઈ રહ્યા છે.
 
એક બીજા વપરાશકારે લખ્યું કે, એક આફ્રિકી-અમેરિકી વ્યક્તિ હવે ટ્વિટરના સ્વામી છે તે ઉત્સાહિત કરનારા સમાચાર છે, પણ સીએનએન (જે ડાબેરી ઝુકાવવાળું મિડિયા છે) તેનો ઉત્સવ નથી ઉજવી રહ્યું તેનું મને આશ્ર્ચર્ય છે.
 
ટ્વિટરના સીઇઓ તરીકે ભલે ભારતીય મૂળના પરાગ અગરવાલ હોય (પણ ગૂગલના સીઇઓ સુંદર પિચાઈ, માઇક્રૉસૉફ્ટના સત્ય નડેલા, આ બધા ડાબેરી ઝુકાવવાળા વધતા-ઓછા અંશે હોય છે તો જ આ પદે પહોંચતા હોય અને તેઓ છેવટે તો ડાબેરી સ્વામીના ઈશારે જ કામ કરતા હોય છે) પરંતુ તેમના સહિત ટ્વિટરના કર્મચારીઓના પેટમાં ફાળ પડી છે. એમ મનાય છે કે ટ્વિટર મસ્ક તેમને કાઢી મૂકશે.
 
હવે જોઈએ કે, વાણી સ્વતંત્રતાનો પક્ષપાતી ભોગ બનેલા મસ્કના ટ્વિટરના નવા રંગ-રૂપ કેવાં રહે છે ? વલણ કેવું રહે છે ?
 
 
 

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…